ઇમામ બુખરી રહમતુલ્લાહ અલૈહિનું નામ તો તમે સાંભળ્યું હશે. તેમને હદીસની ગુણવત્તાના પ્રખર આલિમ અને યથાર્થ ઈમામ ગણવામાં આવે છે. હદીસના સંકલનમાં તેમણે અતિશય પરિશ્રમ અને તકેદારીનો સબુત આપ્યો છે.તેમણે સંકલિત કરેલું પુસ્તક, કુઆર્નેહકીમ બાદ સૌથી વધુ સાચું પુસ્તક માનવામાં આવે છે. તેઓ હદીસો એકત્રિત કરવા, એનું સંશોધન અને તપાસ અર્થાત્ એની ખરાઈની ચકાસણીમાં અથાગ પરિશ્રમ ઉઠાવતા. આ કામ માટે તેઓ દુર દુરનો પ્રવાસ ખેડતા.જ્યાં પણ જાણ થઈ જતી કે આ સંદર્ભે કોઈ શખ્સ પાસેથી કોઈ મદદ મળી શકે તેમ છે તો ત્યાં પહોચીને સહકાર મેળવતા.
એક વખત એક હદીસ સંબંધે તેમને એક મુહદ્દિસ પાસે જવાનોં મોકો મળ્યો. તેઓ તેમના ઘર પાસે પહોંચ્યા તો જોયું કે એ મહુદ્દિસ સાહેબનો ઘોડો રસ્સી તોડીને ભાગી ગયો છે અને તેઓ તેને પકડવા માટે જઈ રહ્યા છે, હાથમાં ઘોડાને દાણ ખવડાવવાનો ખાલી તોબરો છે અને એ દેખાડીને તેઓ ઘોડાને દગાથી બોલાવી રહ્યા છે. આમ ઘોડો દગામાં આવી ગયો અને તેમણે આવી યુક્તિથી એને પકડી લીધો.
ઇમામ બુખારી રહ. એ આ સ્થિતિ જોઈ તો તરત જ પાછા ફરી ગયા. તેમણે વિચાર્યું કે એવા શખ્સની હદીસની શું વિશ્વાસ, જે ગરીબ જાનવરને દગો દેવાનું ઉચિત સમજતો હોય!
જોઈ તમે ઈમામ બુખારી રહ. ની તકેદારી! એમના મતે મુહદ્દિસનું એ કૃત્ય પણ સત્યનિષ્ઠાની વિરુદ્ધ હતું. અને દેખીતું છે કે જે સાચો ન હોય એની રિવાયત વિશ્વાસપાત્ર કઈ રીતે હોઈ શકે? આ જ તકેદારીના કરણે તો તેમના સંકલનવાળું હદીસનું પુસ્તક “અસહહુલ કુતુબિ બઅદ કિતાબિલ્લાહ” કહેવાય છે.