Sunday, November 24, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપસદભાવના-સહિષ્ણુતા- માનવતા અને ઇસ્લામ

સદભાવના-સહિષ્ણુતા- માનવતા અને ઇસ્લામ

ઈસ્લામ સમર્ગ માનવતાનો ધર્મ અને માનવસમાજ માટે સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે. ઇસ્લામ માનવોને ઉપહાર સ્વરૃપે તે શક્તિએ અર્પણ કર્યો છે. જેને માનવો અલ્લાહ ઇશ્વર અને પ્રભુના નામે પોકારે છે. જે સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર,પાલનહાર અને પ્રત્યેક ચીજનો જાણનાર અને ખબર રાખનાર છે. ધરતી અને આકાશનુ તમામ વ્યવસ્થાતંત્ર તેના આદેશ અને આજ્ઞા તેમજ નિયંત્રણ મુજબ ચાલે છે. અને ઈસ્લામ આ જ સર્જનહારે માનવોને આપેલ દીન અને ધર્મ છે.

ઈસ્લામના બે અર્થ થાય છે. એક શાંતિ અને સલામતી અને બીજો આત્મ સમર્પણ અને ઇસ્લામી પરિભાષામાં તેનો અર્થ થાય છે, અલ્લાહના હુકમ, ઇચ્છા, મરજી અને ઇશ્વરીય આદેશો-નિર્દેશોે સામે સંપૂર્ણ આત્મ સમર્પણ કરીને આ લોકના આ જીવનમાં નિરંતર શાંતિ અને સલામતી પ્રાપ્ત કરવી. પોતાના વ્યક્તિત્વથી લઇને જીવનના તમામ ક્ષેત્રોમાં શાંતિની સ્થાપના કરવી. માનવીય જીવનના તમામ પાસા જેવા કે, આર્થિક, સામાજીક, શૈક્ષણિક રાજનિતીક, પારિવારીક અને આધ્યાત્મિક તેમજ તેનાથી સંકાળાયેલા તમામ ભાગો સલામત બની જાય અને માનવજીવન ઇશ્વરે નિર્ધારિત કરેલ નીતિ-નિયમો મુજબ ખુશહાલ, સમૃદ્ધ અને ઇશ્વરની પ્રસન્નતા પામેલ બની જાય અને તેના વડે માનવસમાજ ને પરલોકમાં શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય .

ઇસ્લામ સૌ પ્રથમ જે શિક્ષણ આપે છે તે એ કે, તમામ માનવો આદમની સંતાન છે. એટલે તમામ માનવો એકબીજાના ભાઇબહેન છે.અલ્લાહના અંતિમ ગ્રંથ કુઆર્નમાં કહ્યું છે, લોકો! પોતાના રબ (માલિક)થી ડરો, જેમે તમને એક જીવથી પેદા કર્યા અને તે જ જીવથી તેનું જોડુ બનાવ્યું અને બંનેથી ઘણા પુરૃષો અને સ્ત્રીઓ દુનિયામાં ફેલાવી દીધા. અંતિમ ઇશદૂત હઝરત મુહમ્મદ (સલ્લ.) એ ફરમાવ્યું, લોકો! તમારો માલિક અને પાલનહાર પણ એક જ છે અને તમારા પિતા (પ્રથમ ઇશદૂત હ.આલમ અલૈ.) પણ એક છે. તમે આદમથી સંબંધિત છો અનેે આદમને માટીમાંથી બનાવવામાં આવ્યા હતા.
વાસ્તવમાં ઇસ્લામ એટલો જ પ્રાચીન અને સનાતનછે,જેટલી માનવની ઉત્પત્તિ; અને એટલો જ સંપૂર્ણ અત્યાધુનિક અને નવનિર્મિત છે કે તેમાં વર્તમાનયુગની અને આ યુગની આલોકની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. તે સાથે દરેક સમયે તે મનુષ્ય માનવ તરીકેની જવાબદારીઓ અને કર્તવ્ય ખૂબીપૂર્વક અદા કરવા સક્ષમ બનાવે છે.ઇસ્લામ મનુષ્યના વ્યક્તિગત આચરણ અને સામાજિક નીતિનિયમોની એક ચોક્કસ વ્યવસ્થા પૂરી પાડે છે.સત્યનિષ્ઠા સાથે શાંતિ,સલામતી,સદભાવ અને નૈતિક મૂલ્યોથી ભરપુર જીવનના આદર્શો શિખવે છે,અને અંતિમ ઇશદૂત હઝરત મુહમ્મદ સલ્લ.કુઆર્નની શિક્ષા મુજબ આ તમામ બાબતો ઉપર વ્યવહારૃ અમલ કરીને પણ દેખાડી દીધો છે. જેથી તેની શિક્ષણ ઉપર અમલ કરવો દરેક યુગ માટે તદ્દન સરળ બની જાય.

હઝરત મુહમ્મદ સલ્લ.એ માનવ સમાજને સમજાવ્યું કે તમારો પાલનહાર એટલો દયાળુ અનેકૃપાવાન છે કે પોતાના બંદાઓથી અત્યંત પ્રેમ કરે છે અને ઇચ્છેે કે તેના બંદાઓ આ જગતમાં અત્યંત,શાંત, સુશીલ અને ભાતૃત્વભાવના વાળુ જીવન એવી રીતે વ્યતીત કરે કે પોતાના માલીકની સાચા અર્થમાં બંદગી કરવા સાથે તેના દરેક બંદા અને દરેક જીવ સાથે પણ સ્નેહ સંબંધ જાળવી રાખે. અને આ ઉત્તમ ગુણોનો પયગંબર સલ્લ.ની પોતાનીજાતમાં એટલી હદે સુમેળ થઇ ગયો હતો કે આપ સલ્લ.મનમાં ન માત્ર પોતાના સાથીઓ સાથે બલ્કે શત્રુઓ સુધ્ધાં માટે રજમાત્ર કડવાશ કે વેરઝેર ન હતુ. અને એટલે જ સૃષ્ટિના સર્જનહારે કુઆર્નમાં ફરમાવ્યું કે “હે પયગંબર અમે તમને દુનિયામાં વસતા તમામ (મનુષ્યો) માટે સર્વથા કૃપા અને દયા બનાવીને મોકલ્યા છે”. (૨૧ઃ૧૦૭) આ સાથે અલ્લાહના અંતિમ પયગંબર (સલ્લ.) ને માનવ સમૂદાય પ્રત્યે જે જવાબદારીઓ અદા કરવાની હતી તે પણ જણાવી દેવામાં આવ્યું કે, “હે પયગંબર ! અમે તમને સાક્ષી બનાવીને, (સદ્દકાર્યાેના અંજામની) શુભ સુચના આપનાર બનાવીને અને (દુષ્કૃત્યોના અંજામથી) સચેત કરનાર બનાવીને મોકલ્યા છે, અલ્લાહની આજ્ઞાથી તેના તરફ બોલાવનાર અને પ્રકાશિત દીપ બનાવીને. (૩૩ઃ૪૫-૪૬)

સદભાવનાનું મહત્વ
ઇસ્લામે પોતાના આગમનના પ્રથમ દિવસથી જ એ વાત ઉપર સૌથી વધારે ભાર મૂક્યો કે માનવ સમુદાય પરસ્પર સદ્ભાવના સાથે જીવન વ્યતીત કરે. ઇસ્લામ જે સદ્ભાવનાની તાલીમ આપે છે તે એ છે કે તેનો પ્રત્યેક અનુયાયી જ નહીં પ્રત્યેક મનુષ્ય તેના જેવા બીજા મનુષ્ય પ્રત્યે સંપૂર્ણ સદ્વર્તન અને આદર સાથે રહે. તેના મનમાં કોઇના પ્રત્યે કંઇ દ્વેષ, ઘૃણા, અદેખઆઇ કે ઇર્ષા ન હોય. તેને ઇશ્વર તરફથી જે આપવામાં આવ્યું છે તેના ઉપર સંતુષ્ઠ રહે અને બીજાઓને સતત સહાયભૂત થવા, મદદરૃપ બનવા પ્રયત્નશીલ રહે. તેની સદ્ભાવના માત્ર માનવો સુધી જ સિમિત ન રહે બલ્કે પ્રત્યેક જીવજંતુ તેના દ્વારા રાહત પામે. અલ્લાહના રસૂલ સલ્લ.એ કહ્યું “પ્રત્યેક સજીવની સેવા પુણ્યકારી છે” તે સાથે વધુમાં એક બોધવચન આપતા કહ્યું કે, “સદાચાર ઉત્તમ નૈતિકતાનું નામ છે અને પાપ તે છે જે તમારા હદયમાં ખૂંચે અને તમને એ પસંદ ન હોય કે લોકોને તેની ખબર પડી જાય” (મુસ્લિમ)

આ સદ્ભાવના આરંભ ક્યાંથી થાય સૌથી પ્રથમ અને સૌથી મહત્વ સદ્વર્તન પોતાના માબાપ સાથે.જેના થકી અને જેના વડે મનુષ્ય આ જગતમાં પ્રવેશ પામે છે. વર્તમાનની સૌથી વધારે ગંભીર અને હદયદ્રવક બાબત પણ આ જ છે કે આજનો મનુષ્ય માબાપને ભૂલતો જઇ રહ્યો છે. એક માબાપ ચાર અને તેના ઉપરાંત સંતાનો રોજી-રોટી પુરી પાડે, જાળવણી કરે અને એ તમામ સંતાનો ભેગા મળીને પણ એક માત્ર માબાપને જાળવી ન શકે.,કેવી વિડંબના અને પરિણામે વૃધ્ધાશ્રમો અને ઘરડાઘરની ઉત્પત્તિ..અત્યારના માનવ સમાજનુ કેવું બિહામણું અને વરવુ પાસુ…. અને સદ્ભાવનાનું આ વર્તુળ વિસ્તરવું જઇ રહ્યું છે વ્યક્તિના પોતાના સગાવ્હાંલા, પરિવારજનો, પાડોશી, સ્નેહીમિત્રો, પ્રવાસના સાથીઓ, બિરાદરી અને સમાજના લોકો, દેશવાસી ભાઇઓ-બહેનો તેમજ અલ્લાહના અન્ય સર્જનો પશુ-પક્ષીઓ અને કુદરતી સંપત્તિ,તમામ સાથે સદ્વર્તન અને સદ્ભાવના એ ઇસ્લામની માનવસમાજની દેન છે.ઇસ્લામનો આદેશ છે કે, “તમે જે પોતાના માટે પસંદ કરો તે જ તમારા ભાઇ (બહેન) માટે પણપસંદ કરો. “આપનાર હાથ લેનાર હાથ કરતાં ઉત્તમ હોય છે”. “તમે જે ખાવ તે જ તમારા દાસ-દાસીઓને ખવડાવો, તમે જે પહેરો તે જ તેમને પહેરાવો”….”તમે જમતા પહેલા એ વાતની ખાત્રી કરીલો કે તમારો પાડોશી ભૂખ્યો તો નથી”. આ અને આવી અસંખ્ય શિખામણો અને આજ્ઞાઓ આપવામાં આવી છે.અહીં એક ઐતિહાસક પ્રસંગ જે આપણને પ્રેરક બળ પુરું પાડે છે તેનું વર્ણન છે.અલ્લાહના અંતિમ પયગંબર (સલ્લ.) એ મક્કા ઉપર વિજય મેળવ્યો ત્યારે જન મેદની જે એકઠી થઇ હતી તેમને પ્રશ્ન કર્યો, “હૈ કુરૈશના લોકો ! જાણો છો , હું તમારી સાથે શું કરવાનો છું ? આ સાંભળતા જ એક સન્નાટો છવાઇ ગયો. એક ભય અને ફફડાટ વ્યાપી ગયો હશે તેમના મન મસ્તિષ્ક ઉપર. તે તમામ કૃત્યો અને અત્યાચારો તેમને યાદ આવી ગયા જે તેમણે મુહમ્મદ (સલ્લ.) ઉપર ગુજાર્યા હતા. દુનિયાની એવી કોઇ યાતના અને દુઃખ ન હતા જે તેમણે મુહમ્મદ (સલ્લ.) અને આપના સાથીઓને પહોંચાડ્યા ન હોય, આજે તે તમામ તેમની નજરો સામે તરવરી ઉઠ્યા. પરંતુ તેઓ તેમના પોતાના ભાઇ હઝરત મુહમ્મદ સલ્લ.ની દયા અને કૃપા ને જાણતા હતા. અત્યંત વિનમ્રતા અને આશા સાથે સૌ એકી અવાજે પોકારી ઉઠ્યા. “સારો વ્યવહાર, આપ સજ્જનભાઇ છોે અને સારાં ભાઇના પુત્ર છો”. અલાહના અંતિમ રસૂલ સલ્લ.એ તેમની આશાનો એવો જ ઉત્તર આપ્યો, ફરમાવ્યું ઃ “આજે તમારી કોઇ પકડ નથી, જાઓ તમે સૌ મુકત છો, તમે સૌ માફ છો.” માનવ ઇતિહાસ આવો એક પણ પ્રસંગ રજુ નથી કરી શક્યો નહીંતર વિજેતા પરાજીતોના સાથે શું નથી કરતો ? તેમના એક એક કૃત્યનો ગણી ગણીને બદલો લે છે પરંતુ અલ્લાહના આ પ્રિય દીનની આ તાલીમ અને શિક્ષા નથી તેણે તો દુષ્ટતમ શત્રુ સાથે પણ સદ્ભાવનાની ન માત્ર ભલામણ કરી છે બલ્કે આદેશ આપ્યો છે કુઆર્ન કહે છે, “નેકી (સદાચાર) એ નથી કે તમારા મુખ પૂર્વ કે પશ્ચિમ તરફ કરીલો, બલ્કે નેકી તો એ છે કે મનુષ્ય અલ્લાહને,અંતિમ (પ્રલયના) દિવસને ફરિશ્તાઓને, આકાશી ગ્રંથોને અને પયગંબરો (ઇશદૂતો)ને હૃદયપૂર્વક માને તથા ઇશપ્રેમમાં પોતાનાનું પ્રિય ધન સગાઓ અને અનાથો જરૂરતમંદો અને મુસાફરો, મદદ માટે હાથ લંબાવનારાઓ અને ગુલામો (કરજદારો)ની મુક્તિ માટે ખર્ચ કરે છે. નમાઝ કાયમ કરે અને ઝકાત (ધર્મદાન) આપે, અને સદાચારી લોકો એ છે જ્યાસે વચન આપે તો તેને પુરુ કરે અને તંગી અને મુસીબતમાં તથા સત્ય અસત્યના સંઘર્ષમાં ધૈર્ય રાખે. આ છે સત્યનિષ્ઠ લોકો અને આ જ લોકો સંયમી અને ઇશભય રાખનારા છે.

સહિષ્ણુતા કેમ જરૂરી ?
ઇસ્લામ જે મહત્વની શિક્ષા માનવ સમાજ સમક્ષ રજુ કરે છે તેમાં સહિષ્ણુતાનું પણ ખૂબ જ મહત્વ છે. ઇસ્લામ અંગે જે આક્ષોપો કરવામાં આવે છે તેમાંથી એક એ છે કે તે અલગાવવાદી છે. તે તેના અનુયાયીઓને વ્યક્તિત્વવાદ અને એકલાપણુ શીખવાડે છે. સદ્વર્તન, સદ્ભાવના, હમદર્દી, સમાનતા અને પરસ્પર સંપર્કને સહયોગ તેમજ માનવીય સબંધોની જે તાલીમ તેણે આપી છે, તે માત્ર મુસલમાનો માટે જ છે અને બીજા લોકો માટે તેના પાસે નફરત, ઘૃણા અને તિરસ્કાર જ છે. તે મુસલમાનોને આદેશ આપે છે કે બીજા ધર્મવાળાઓ સાથે કોઇ સંબંધ ન રાખે અને તેમને તકલીફ પહોંચાડવાની કોઇ તક જતી ન કરે. આમ એવું દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જ્યાં એક થી વધુ ધર્મને માનવાવાળાઓ રહેતા હોય, તે સમાજ માટે ઇસ્લામ યોગ્ય નથી અને તેવી પરિસ્થિતિમાં ઇસ્લામની સામાજિક શિક્ષાઓ સામુદાયિક એકરૃપતા અને સદ્ભાવનાની રાહમાં એક મોટો અવરોધ છે.

ઇસ્લામી શિક્ષાઓ માટે આ વિચાર અને દ્રષ્ટિકોણ ન તો ઉચિત છે ન ન્યાયી ઇસ્લામે નક્કી કરેલ મનુષ્યોના પાયાના અધિકારો અને આદર્શ સમાજના નિર્માણમાં તેણે આપેલ આદેશો અને માર્ગદર્શન, ઇસ્લામનો અનુયાયી હોય કે તેનો ઇન્કાર કરનાર,દરેક ઉપર લાગુ પડશે. એક એવો સમાજ, જ્યાં વિભિન્ન ધર્મો અને સભ્યતાઓને માનનારા હોય તેના લોકોના પારસ્પારિક સંબંધો અંગે ઇસ્લામે સ્પષ્ટ આદેશો આપ્યા છે. જેમાં આધિન આ સંબંધો ઇર્ષ્યા,તિરસ્કાર, ,નફરત,મલિનતા અને પૂર્વગ્રહો ઉપર નહીં બલ્કે સહાનુભૂતિ,સદ્દભાવના અને પરસ્પર એકતા અને સુધારણા ઉપર હશે.
મનુુષ્ય એક સામાજિક અને સામુહિક વજૂદ ધરાવે છે અને આ જીવન જીવવા માટે તેને પ્રેમ,હમદર્દી, સુલેહ-શાંતિ, ભલાઇ, સજ્જનતા, ન્યાય અને સમાનતા, વિનય અને વિવેક, ઉદારતા અને પરોપકાર, નિખાલસતા અને સહયોગ વિગેરે પાયાના નૈતિક સિધ્ધાંતોની ડગલે પગલે જરૃર પડે છે. આપણે જાણીએ છીએ કે ધરતીમાં વસતા બધા મનુષ્યો અને જૂથોની આસ્થા,વિશ્વાસ,વિચારો અને જીવનશૈલી જુદી જુદી હોય છે. આ સંદર્ભે સહિષ્ણુતાનો વ્યવહાર કરવામાં ન આવે તો સભ્યતાયુકત અને સાંસ્કૃતિક વ્યવસ્થા જ છિન્નભિન્ન થઇ જાય. પ્રત્યેક વ્યક્તિના પોતાના આચાર-વિચાર અને જીવનશૈલી હોય છે જે આપણી આસ્થા અને મતથી ભિન્ન પણ હોઇ શકે છે. પણ આ ભેદના કારણે આપણાથી વિરૃધ્ધ આસ્થા અને જીવનસૈલી ધરાવતા લોકો સાથે વેરભાવના રાખવી અથવા તેમને નુકસાન પહોંચાડવાનો પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ પ્રયત્ન કરવો એ ઇસ્લામના સમીપ જરાપણ પસંદગીને પાત્ર નથી. અલ્લાહની સમીપ એવી વ્યક્તિ તદ્દન અપ્રિય છે.

કુઆર્નનો બોધ છે કે, “હે પયગંબર! સદાચાર અને દુરાચાર સમાન નથી, તમે દુરાચારને એ સદાચાર વડે નષ્ટ કરો, જે સર્વોત્તમ હોય. તમે જોશો કે જેના સાથે તમારે વેર હતુ, તે જીગરના મિત્ર બની ગયો છે.(૪૧ઃ૩૪)

વાસ્તવમાં સહિષ્ણુતા એ છે કે જે લોકોની આસ્થાઓ અને આચાર-વિચાર આપણા સમીપ ખોટા હોય અને આપણા સમાન ન હોય તોપણ તેમને આપણે નભાવીએ અને તેમની લાગણીઓ કે ભાવાનાઓને દુઃખ પહોંચે તેવુ વર્તન ન કરીએ બલ્કે રોજ-બરોજના મામલાઓમાં વિશાળહદય રાખીને વર્તીએ. આનુું સમર્થન કરતાં કુઆર્ન કહે છે, “હે ઇમાનવાળાઓ ! અલ્લાહ કાજે સચ્ચાઇ ઉપર મક્કમ રહો અને ન્યાયની સાક્ષી આપનારા બનો, કોઇ જૂથની દુશ્મની તમને એટલી ઉત્તેજિત ન કરી દે કે તમે ન્યાયથી ફરી જાઓ, ન્યાય કરો, આ ઇશપરાયણતાના વધુ સમીપ છે, અલ્લાહનો ડર રાખો, જે કંઇ તમે કરો છો, અલ્લાહ તેનાથી સંપૂર્ણ વાકેફ છે.” (૫ઃ૮)

ઇસ્લામ અપાર કરુણા, કૃપા અને સહિષ્ણુતાનો ધર્મ છે. વરસાદ, હવા, પ્રકાશની જેમ ઇસ્લામ ઉપર પણ તમામ મનુષ્યોનો અધિકાર છે, જેનું મન ચાહે આ કૃપાથી એ જ રીતે લાભાન્વિત થઇ શકે છેે.

મુસલમાનોમાં સહિષ્ણુતાનો આધાર
ઇસ્લામે મુસલમાનોને બિનમુસ્લિમો સાથે સહિષ્ણ એ ઉદાર વ્યવહારની તાકીદ કરી છે. તેનો આધાર તેના મૂલ્યો અને સિધ્ધાંતો પર છે. જેમ કે સૌ પ્રથમ ઇસ્લામ પ્રત્યેક મુસલમાનને મનુષ્યનો આદર-સન્માન કરવાનો આદેશ આપે છે. ચાહે તે કોઇપણ ધર્મ, જાતિ કે પ્રદેશનો હોય, કેમ કે ઇશ્વરે પોતે જ મનુષ્યને પ્રતિષ્ઠા આપી છે. કુઆર્નમાં ઉલ્લેખ છે, “અમે આદમની સંતાનને શ્રેષ્ઠતા પ્રદાન કરી”.

બીજી બાબત મુસલમાનો એવુ માને છે કે ધાર્મિક બાબતોમાં મતભેદ એ અલ્લાહની મરજી અને તેની યોજના અંતર્ગત છે. તેણે જ મનુષ્યની કસોટી માટે, તેને સત્ય અને અસત્યના સ્વીકાર માટે સ્વતંત્ર છોડ્યો છે. કુઆર્નના શબ્દો છે, “કહી દો,આ સત્ય છે, તમારા પ્રભુ તરફથી, તો હવે જે કોઇ ઇચ્છે તેને માને અને જે ઇચ્છે તે તેનો ઇન્કાર કરી દે”.(૧૮ઃ૨૯)
એક અન્ય જગ્યાએ કહ્યું, “જો તમારો રબ (પ્રભુ –પાલનહાર) ઇચ્છતો તો ધરતી ઉપર જેટલા લોકો છે, તે સૌ ઈમાન લઇ આવતા, પછી શું તમે લોકોને વિવશ કરશો કે તેઓ ઇમાનવાળા થઇ જાય ! (કુઆર્ન ૧૦ઃ૯૯)

ત્રીજી બાબત મુસલમાનો માને છે કે આ દુનિયા કસોટીકાળ છે, કર્મ કરવાની જગ્યા છે. આ ધરતી હિસાબ-કિતાબની નથી. અને લોકોનો હિસાબ કરવા માટે મુસલમાનને જવાબદર બનાવવામાં નથી આવ્યો. તેની તો માત્ર અલ્લાહની વાત લોકો સુધી પહોંચાડી દેવાની જ જવાબદારી છે બાકી તમામ માનવજાતનો હિસાબ તો તેમનો સર્જનહાર સ્વંય જ કરશે.

ચોથી વાત મુસલમાન એ વાત ઉપર આસ્થા ધરાવે છે કે ઇશ્વર ન્યાય અને ઇન્સાફ કરવાવાળો છે. તે મુસલમાનોને પણ તેનો જ આદેશ આપે છે. અનેતેવા લોકોને જ પસંદ કરે છે જેમનું ચરિત્ર ઉચ્ચતમ હોય અને જે કદી બીજાઓ અને વિધર્મીઓ સાથે જુલ્મ અત્યાચાર કે અતિરેક ન કરતો હોય. આને સામે રાખીને કુઆર્ન કહે છે કે, “દીન (ધર્મ)ના મામલામાં કોઇ બળજબરી નથી.” અને તેથી જ ઇસ્લામે તેના અનુયાયીઓને બીજાઓના ઉપાસ્યો વિશે અપશબ્દો કહેવાની મનાઇ કરી છે. તો પછી ધર્મો જાતિઓ કે વર્ગો વિષે તો અપશબ્દો કહેવાને સ્થાન જ ક્યાં છે.

ઉદારતા અને સહિષ્ણુતાની આ ઝાંખી પયંગબર સાથીઓમાં પણ ઇસ્લામની તાલીમ મુજબની જ જોવા મળતી હતી.દ્રિતીયા ખળિપા હઝરત ઉમર રદિ.સીરિયાના પ્રવાસે જતાં એક એવા માર્ગથી પસાર થયા જ્યાં કેટલાક ખ્રિસ્તી કુષ્ઠરોગીઓનો ભેટો થઇ ગયો તો તેમણે બયતુલમાલ (સાર્વજનિક નાણાં ભંડોણ)માંથી તેમની સઘળી મદદ કરી.

બિન મુસ્લિમો સાથે પ્રેમ, સમતા, સમાનતા, સદ્ભાવ, ન્યાય અને સહિષ્ણુતાની ઘટનાઓથી ઇસ્લામી ઇતિહાસ ભરી પડેલો છે. મક્કા વિજય પછી હિજરી સન.૯માં નજરાનથી ખ્રિસ્તીઓનું એક પ્રતિનિધિમંડળ હઝરતમુહમ્મદ સલ્લ.ની સેવામાં હાજર થયું ત્યારે તેમના સાથે જે સમજૂતી કરવામાં આવી તે પ્રસિધ્ધ ઇતિહાસકાર સર વિલિયમસૂરના શબ્દોમાં આ પ્રમાણે છે.”પયંગબરે, બિશપો, પાદરીઓ અને સન્યાસીઓને એ લેખિત નોંધ આપી કે તેમના દેવળો અને આશ્રમોમા દરેક વસ્તુઓ જેમની તેમ રાખવામાં આવશે. વચન આપવામાં આવ્યું કે, કોઇ બિશપ પોતાના હોદ્દાથી બરતરફ નહી થાય ન તેમની સત્તા, અધિકાર કે દિન ચર્યામાં કોઇ ફેરફાર કરવામાં આવશે.જ્યારે તેઓ શાંતિ,સુલેહ અને પ્રમાણિકતાથી રહેશે તો તેમના ઉપર બળજબરી કે અત્યાચાર કરવામાં નહી આવે ન તેઓ કોઇના સાથે આવું કરશે. (Prophet Muhammed Pg.૧૫૮)
હઝરત મુહમ્મદ સલ્લ.એ મુશિરકો (અનેકેશ્વારવાદીઓ)અને ઇસ્લામ વિરોધીઓથી જેટલા પણ કરાર કર્યા તે બધામાં આ કલમ સામેલ હતી કે, તેઓના જાન-માલ ,વેપાર જમીનો, સંપત્તિ સુરક્ષિત રહેશે. તેમના પાદરીઓ અને પૂજારીઓ તેમના પદો ઉપરથી હટાવવામાં નહીં આવે.(મકાલાતે શિબ્લી ભાગ-૧પૃ.૧૯૭)

એડવર્ડ ગિબ્બન લખે છે, “ઇસ્લામે કોઇપણ ધર્મના મામલામાં દખલ કરી નથી કોઇને તકલીફ નથી આપી, વિધર્મીઓને સજા આપવા કોઇ ધાર્મિક અદાલત કાયમ કરી નથી તેમજ ઇસ્લામે લોકોના ધર્મને બળજબરી પરિવર્તન કરવાનો ક્યારેય ઇરાદો કર્યો નથી. ઇસ્લામ સ્વીકારવાથી લોકોને વિજેતાઓની બરાબર અધિકારો મળી જતા હતા અને પરાજિત પ્રદશો એ શરતો અને બંધનોથી પણ સ્વતંત્ર થઇ જતા હતા, જે પ્રત્યેક વિજેતા જગતના પ્રારંભથી હઝરત મુહમ્મદ સલ્લ.ના જમાના સુધી હમેંશા લાગુ પાડતા હતા.

ઇસ્લામના ઇતિહાસના દરેક પાના ઉપર અને દરેક દેશમાં, જ્યાં તેમને આધિપત્ર પ્રાપ્ત થયું ત્યાં અન્ય ધર્મોથી કોઇ ઘર્ષણ જોવા મળતુ નથી ત્યાં સુધી કે પેલેસ્ટાઇનમાં એક ખ્રિસ્તી કવિ એ આ ઘટનાઓ જોઇને, જેનો ઉલ્લેખ અમે કરી રહ્યા છીએ, બારસો વર્ષ પછી જાહેરમાં કહ્યું હતું કે માત્ર મુસલમાનો જ આ ધરતી ઉપર એક એવી કોમ છે, જે અન્ય ધર્મના અનુયાયીઓને દરેક પ્રકારની સ્વતંત્રતા આપે છે. (ઝવાલેરૃમ પૃ.૧૫૮)

જ્યારે અમુક લોકો એક સાથે રહે છે તો તેમના વચ્ચે પરસ્પર સામાજિક સંબંધો બંધાય છે. તેઓ એકબીજાના સુખ-દુઃખમાં અને સારા નરસા પ્રસંગોમાં સહભાગી બને છે. ઇસ્લામ પોતાના અનુયાયીઓ માટે આવશ્યક ઠેરવે છે કે તે તેનાથી સંબંધિત ચાહે મુસ્લિમ હોય કે બિનમુસ્લીમ તેની યથાસંભવ મદદ કરે. એક મુસલમાનનો પિતા યહુદી હતો તેનુ અવસાન થયું તો તે મુસલમાન તેમની મૈયત (સ્મશાનયાત્રા)માં ન ગયો. આ સાંભળીને પયંગબર સાહેબના સાથી હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.)એ કહ્યું તેણે સારૃ નથી કર્યું. “તેેણે તેમના ક્રિયાક્રમમાં સહયોગ કરવાની જરૃર હતી.”

આમ મુસલમાનોની સહિષ્ણુતા અને ઉદારતાનો ઇતિહાસ સાક્ષી છે. મુસલમાનો પરસ્પર અને અન્ય મનુષ્યો સાથે કેવી રીતે જીવન વ્યવહાર અને વર્તન કરે તેની વિસ્તારપૂર્વક શિક્ષા ઇસ્લામે તેમને આપી છે. વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારત એ રીતે વિશિષ્ટ છે કે અહીં વિભિન્ન સભ્યતાઓ, ધર્મો અને રીત-રિવાજોને માનનારાઓ એકી સાથે જીવન વિતાવે છે. દેશના પ્રત્યેક ગામ-શહેરમાં તમામ લોકો પોતપોતાની આસ્થાઓ સાથે સહિયારું જીવન જીવે છે. તેમના વચ્ચેની દિવાલો આજે પણ અસંખ્ય જગ્યાઓએ પરસ્પર મળેલી છે તેઓ પોતાની સામાજિક સમસ્યાઓ જ નહીં ક્યારેક તો આર્થિક અને તબીબી સમસ્યાઓ પણ સાથે રહીને હલ કરે છે. વર્તમાન ભારતીય સમાજની એકતા માત્ર સહિષ્ણુતા દ્વારા જ શક્ય છે. કેમ કે વિવાદો અને મતભેદો હોય છતાં પણ એકમેકના સહકાર વગર અહીં દિવસો પસાર કરવા શક્ય નથી.એટલે શેષ વિશ્વ તો કદાચ સહિષ્ણુતા વિના પણ જીવિત રહી શકે પણ ભારતીય સમાજ માટે સહિષ્ણુતા વગર જીવન વિતાવવું દુષ્કર છે.
ઇસ્લામના પાયાના દ્રષ્ટિકોણ મુજબ તમામ લોકો એક ઇશ્વરના બંદા હોવાના નાતે તમામ માનવો એક જ પરિવારના સભ્યો બની જાય છે. આ વિચાર ધારા બધા માનવોને પરસ્પર ભાઇચારાના એવા સંબંધમાં બાંધી દે છે, જ્યાં આસ્થાઓ અને માન્યતાઓના મતભેદો સાથે ચાલી પણ શકાય છે એ પરસ્પર સમજ-બૂઝથી હલ પણ કરી શકાય છે.

માનવતાનો પ્રેરક
ઇસ્લામ માનવતાનો ધર્મ છે એણે આ પૃથ્વીની ઉત્પતિના પછી માનવીને પેદા કર્યો અને પ્રથમ દિવસથી જ તેનું સંબોધન માનવોથી જ છે. તમામ ઇશગ્રંથ એ વાતની સાક્ષી આપે છે કે તેમની તમામ શિખામણો, આદેશો, ચેતવણી, ખુશખબર અને આજ્ઞાઓનો સંબંધમાં માત્ર અને માત્ર માનવો સાથે છે અને અંતિમ ઇશગ્રંથ વાંચતા જ મનુષ્યના મનોમસ્તિષ્ક ઉપર એ છાપ ઉભી થાય છે કે આ ગ્રંથ મને સંબોધિત કરે છે, એટલે જ કુઆર્નનો કેન્દ્રીય વિષય મનુષ્ય છે. આ કારણે ઇસ્લામ એક માનવનો બીજી માનવ સાથેના સંબંધને ખુબ જ મહત્તા આપે છે ભલે તેઓ પછી ગમે તે વિભિન્ન ધર્મ, જાતિ, સમૂહ કે વર્ગના હોય. કુઆર્ન કહે છે, “હે લોકો પોતાના માલિકનો ડર રાખો, જેણે તમને એક જીવથી પેદા કર્યા અને તે જ જાતિનું તેના માટે જોડુ પેદા કર્યું અને તે બંનેથી પુષ્કળ પુરૃષો અને સ્ત્રીઓ ફેલાવી દીધા.” (૪ઃ૧)
અલ્લાહે આ વિશ્વમાં માનવોની અનેક જાતિઓ, સમૂહો અને વર્ગો બનાવ્યા છે આ બધા વર્ગો અને જાતિઓ માત્ર એટલા માટે જ બનાવવામાં આવી છે કે તેમની ઓળખ સરળ થઇ જાય નહીંતર માનવીની હૈસિયતથી તમામ સમાન છે. કુઆર્ન કહે છે, “તમે સૌ પરસ્પર એક જ છો” (૪ઃ૨૫) કુઆર્ને આગળ કહ્યું,
“હે મનુષ્યો ! અમે તમને એક જ પુરૃષ અને સ્ત્રીથી પેદા કર્યા અને પછી તમને વિભિન્ન જાતિ-સમૂહો અને વર્ગોનુ રૃપ આપ્યું, જેથી તમે એકબીજાને ઓળખી શકો વાસ્તવમાં અલ્લાહની નજીક સૌથી પ્રતિષ્ઠિત તે છે, જે તમારામાં સૌથી વધુ (ઇશ્વરનો) ડર રાખે છે”(૪૯ઃ૧૩)

આમ ઇસ્લામ સૌથી વધારે મહત્વ માનવીને આપે છે જેને તેણે પોતાના સર્જનોમાં સૌથી શ્રેષ્ઠતા આપી છે અને એટલે જ તે માનવતા ઉપર સૌથી વધારે ભાર મૂકે છે કેમકે માનવોના સમૂહથી જ માનવસમાજનું નિર્માણ થાય છે અને તેમના વડે જ આ જગતમાં ઇશ્વરીય વ્યવસ્થાની પ્રસ્થાપના થાય છે. અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ સલ્લ.માનવો સમાજમાં દેખાતા ઊંચ-નીચ અને નાના-મોટાના ભેદભાવોને નાબુદ કરતા ફરમાવે છે કે, “કોઇ આરબને બિનઆરબઉપર અને કોઇ બિનઆરબને આરબ ઉપર શ્રેષ્ઠતા પ્રાપ્ત નથી, સિવાય કે સંયમના.” (હદીસસંગ્રહ-બુખારીમાંથી)
ઇસ્લામ માનવ સંબંધોને અવૈધ્ય રીતે વિચ્છેદ કરવાની સખત મનાઇ ફરમાવે છે. પયગંબર સલ્લ. કહે છે, “હે લોકો તમારા જાન-માલ અને તમારી ઇજ્જત-આબરૃ એકબીજા માટે સન્માનીય છે.”

કુઆર્ન કહે છે, “અને કોઇ જીવની, જે ને અલ્લાહે સન્માનીય ઠેરવ્યો છે હત્યા ન કરો (૬ઃ૧૫૧) આ વાતનું સમર્થન કરતા પયગંબર સલ્લ.એ ફરમાવ્યું કે, જેણે કોઇ જીવની અવૈદ્ય હત્યા કરી તેણે સમગ્ર માનવસમાજની હત્યા કરી”.
ઇસ્લામે પોતાના અનુયાયીઓમાં આ આદર્શ માનવીય ગુણો સદ્ભાવના સહિષ્ણુતા અને માનવતાનું એ હદે સિંચન કર્યું કે તેઓ સમગ્ર માનવસમાજ માટે દયા કરનારા અને ઉપકારક બની ગયા. સહઅસ્તિત્વની ભાવના એ હદે જાગૃત થઇ કે ઇસ્લામ જ્યાં પણ ગયા ત્યાં તેણે પોતાની છત્રછાયામાં તમામ લોકોને સમાવી લીધા. ભારતમાં ઇસ્લામનું જ્યારે આગમન થયું ત્યારે અહીંના લોકો જાતજાતના વર્ગો અને અસ્પૃશ્યતાના ભેદ સાથે જીવી રહ્યા હતા. ઇસ્લામે તેમને સમાનતા અને માનવતાનો સંદેશ આપ્યો અને તેને ફેલાવ્યો. ઇસ્લામના આ માનવીય ગુણોની પ્રસંશા તેના કટ્ટર શત્રુઓને પણ કરવી પડી છે. આમ આજે જગતમાં ઇસ્લામ જ સાચા અર્થમાં શાંતિ-સલામતિ અને માનવતાનો ધર્મ છે જે ખુદ તેના અર્થમાં થી જ તાદ્દશ્ય થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments