આમિર ખાનનું ‘સિતારે જમીન પર’ મૂવી માત્ર એક રમતગમત આધારિત નાટક કે મેન્ટરશિપ વિશેની ફિલ્મ નથી—બલ્કે તે જે લોકો ‘સામાન્ય’ની પરંપરાગત વ્યાખ્યામાં ફિટ થતા ન હોય, તેમની સાથે આપણો સમાજ જે વર્તન કરે છે, તેના પર એક નાજુક પરંતુ ચોંકાવનારી ટિપ્પણી છે. આમિર ખાન દ્વારા અભિનિત પાત્ર, જે શરૂઆતમાં ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને તાલીમ આપવા માટે સંકોચ અનુભવે છે, તે એવી વ્યાપક અસમર્થતા દર્શાવે છે જે ઘણા લોકો અનુભવતા હોય છે પરંતુ થોડા જ લોકો તેનો હિંમતથી સામનો કરે છે. પોતાનું બાળક પણ વિકલાંગતા સાથે જન્મી શકે છે તેવી તેની ભીતિ સમાજની વધુ ઊંડે બેઠેલી અશાંતિને ઉજાગર કરે છે—જે દુર્ભાવનાથી નહીં, પરંતુ અજ્ઞાનતા અને તૈયારીના અભાવથી જન્મે છે.
ફિલ્મ ઉપદેશ આપતી નથી. તેના બદલે, તે પોતાના પાત્રો અને તેમની કહાની દ્વારા દર્શકના પૂર્વગ્રહોને ધીમે ધીમે તોડી પાડે છે. સમાજ જેને ઘણી વાર ‘અસામાન્ય’ તરીકે લેબલ લગાવે છે, તે કદાચ માત્ર ‘ભિન્ન‘ હોય છે. અને આ ભિન્નતાને, ફિલ્મ કહે છે, સહાનુભૂતિની નહીં પરંતુ સમજ, સન્માન અને સમાવેશની જરૂરિયાત હોય છે. આ બાળકોને ‘સુધારવાની’ જરૂર નથી—તેઓ જેમ છે તેમ સ્વીકારવાની જરૂર છે.
‘સિતારે જમીન પર’ની એક મુખ્ય શક્તિ એ છે કે તે આમિરના પાત્રને આદર્શ રક્ષક તરીકે દર્શાવવા માટે હઠપૂર્વક ઇનકાર કરે છે. તે પોતાના પૂર્વગ્રહો સાથે શરૂઆત કરે છે—એક સમયે તે અદાલતમાં બાળકોને ‘પાગલ’ કહે છે, જે ક્ષણ તેને સજા સાથે સાથે આત્મચિંતન તરફ દોરી જાય છે. સારો માર્ગદર્શક બનવાની તેની સફર સીધી-સરળ નથી; તે ખામીઓથી ભરેલી, માનવીય અને અંતે પ્રેરણાદાયક છે. સારો કોચ, જેમ ફિલ્મ બતાવે છે, તે કોઈ પરિપૂર્ણ વ્યક્તિ નહીં પરંતુ એવો શિક્ષક હોય છે જે શીખવા, ભૂલવા અને જેમને તે માર્ગદર્શન આપે છે તેમના સાથે સાથે વિકસવા તૈયાર હોય છે.
જે કોચ શરૂઆતમાં આ વિદ્યાર્થીઓના જીવનમાં ફેરફાર લાવવાનો પ્રયત્ન કરતો હતો, તે અંતે તેને જ બદલી નાખે છે. માર્ગદર્શન પરસ્પર બની જાય છે. એ બાળકો—સાહસિક, ઈમાનદાર અને ઢોંગથી મુક્ત—છે, જે માર્ગદર્શકને પણ સાજો કરે છે. તેમની નિષ્કપટતા તેને પોતાની જ ભીતિઓનો સામનો કરવા મજબૂર કરે છે, જે તેને માત્ર કોચ તરીકે નહીં પરંતુ વ્યક્તિ તરીકે પણ પરિવર્તિત કરે છે.
ફિલ્મનું શિખરબિંદુ માત્ર મેચ જીતવા કે હારવા વિશે નથી. તે સફળતાને નવી રીતે વ્યાખ્યાયિત કરવા વિશે છે. વિશેષ, વિદ્યાર્થીઓ પોતાનું બીજું સ્થાન પ્રાપ્ત કરવાનો શોક નથી કરતા—તેઓ તેને ઉજવે છે. તેઓ સ્મિત કરે છે, ખુશીથી ચીસો પાડે છે અને નૃત્ય કરે છે. તેઓ આપણને બતાવે છે કે જીવનને જેમ છે તેમ સ્વીકારવું જોઈએ, વધારે વિચાર્યા વગર કે ક્ષણને ખરાબ કર્યા વગર. જીતેલા પ્રતિસ્પર્ધીઓ પણ તેમના સાથે ઉજવણીમાં જોડાય છે, જે સાબિત કરે છે કે રમતભાવના પદકોની બહાર પણ જીવંત રહે છે.
ઉત્પાદકતા અને પરિપૂર્ણતા પાછળ ભ્રમિત દુનિયામાં ‘સિતારે જમીન પર’ યાદ અપાવે છે કે દરેક વ્યક્તિનું એક મૂલ્ય છે, દરેક મનની પોતાની એક લય છે અને કોઈ પણ ખરેખર ‘નકામું’ નથી. ફિલ્મની સૂક્ષ્મ તેજસ્વિતા એમાં છે કે તે સૌને એકસરખા બીબામાં ગોઠવવાનો પ્રયત્ન છોડી દેવાની અપીલ કરે છે—અને તેના બદલે સાંભળવાનું, સમજવાનું અને ભિન્નતાને સ્થાન આપવાનું શરૂ કરવાની સૂચના આપે છે.
આ માત્ર વિશિષ્ટ બાળકોને મહિમા સુધી પહોંચાડવા માટે આપેલી તાલીમની કહાની નથી. આ તો એક એવા માણસની કહાની છે જે સાચા અર્થમાં માનવી બનવાનું શીખવે છે. અને તેમાં જ ફિલ્મનો શાંત પરંતુ શક્તિશાળી વિજય છુપાયેલો છે. •••