જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના અમીર તરીકે શકીલઅહમદ રાજપૂતને આગામી ચાર વર્ર્ષની મુદ્દત માટે જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રસંગે યુવાસાથીના વાચકો માટે તેમનો ઇન્ટરવ્યુ અત્રે પ્રસ્તુત છે.
આપનો સંક્ષિપ્ત પરિચય ?
મારૃં નામ શકીલ અહમદ મુહમ્મદ અકીલ રાજપૂત છે. કેમેસ્ટ્રી વિષય સાથે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. વાલેદા ગૃહિણી છે અને વાલિદ સાહબનું ફેબ્રીકેશનનું વ્યવસાય છે. નાના ત્રણેય ભાઈઓ વાલિદ સાહબના વ્યવસાય સાથે જોડાયેલા છે.
આપ આ ઇસ્લામી તેહરીકના સંપર્કમાં ક્યારે આવ્યા અને અત્યાર સુધીનો સફર કેવો રહ્યો?
દેખીતી રીતે તો અમારુ કુટુંબ તહરીકી જ હતુ. દાદા જમાઅતે ઇસ્લામી હિંદના રૃકન હતા. ૧૯૯૦માં અમે સહપરિવાર અહમદાબાદમાં સ્થાયી થયા. ત્યારે જમાઅત અથવા SIOના કાર્યક્રમોમાં ક્યારે ભાગ લેતો. ૧૯૯૬માં હું SIOથી એસોસીએટ તરીકે જોડાયો અને ૧૯૯૮માં મેમ્બર બની ગયો. SIOની નાની મોટી જે જવાબદારી પણ માથે આવી અલ્લાહ તઆલાએ તેને સારી રીતે અદા કરવાની પ્રેરણા આપી. સ્નાતક થયા પછી મેં પાર્ટનરશિપમાં વ્યવસાય શરૃ કર્યો.૨૦૦૫-૦૬માં SIO ગુજરાતના પ્રમુખ તરીકે મારી પસંદગી કરવામાં આવી. વ્યવસાય સાથે પ્રમુખ તરીકેની જવાબદારી અદા કરવી ખૂબજ મુશ્કેલ હતી. છતાં અલ્લાહ તઆલાએ દૃઢતા આપી અને મે આ જવાબદારી નિભાવી પરંતુ આ બે વર્ષ ખૂબજ બેચેની સાથે નિકળ્યા. એવું લાગતું હતું કે ‘દિલ તો હે જીસ્મ મે મગર ધડકન કહીં ઔર હૈ’. અલ્લાહે દીનની સમજ અને જવાબદારીનો જે એહસાસ આપ્યો હતો તેના આધીન મેં ૨૦૦૭માં વ્યવસાય છોડી SIOમાં ફુલટાઈમ તરીકે જોડાઈ ગયો. જોકે મારા માટે આ નિર્ણય પડકારરૃપ હતો. પરંતુ અલ્લાહ જ રોઝી આપનાર છે એ વાતે સંપૂર્ણ વિશ્વાસ અને વાલિદ સાહબની સંમતિ મળવાથી આ ચરણ સરળતાથી પાર થઈ ગયુ. ૨૦૧૦માં SIOથી રિટાયર થઈ ગયા પછી મે મેડીસીન લાઈનમાં વ્યવસાય શરૃ કરવાનો પ્રયત્ન કર્યો. ઇસ્લામના તકાદાથી મુસ્લિમ વિદ્યાર્થીજગત અજ્ઞાનતા, બિનમુસ્લિમોમાં ઇસ્લામ અને મુસલમાન પ્રત્યે પ્રવૃત ગેર સમજો હતી. નવયુવાનોમાં નૈતિક દુષણો અને જીવનના ઉદ્દેશ્યથી દૂરી હતી. આ અને આના જેવા અનેક કારણો હતા. નવયુવાનોમાં આ ગાળામાં SIO ઇન્ડિયા અને સીમીને લઈને ઘણી ગેરસમજ હતી. એડમીનિસ્ટ્રેશન તરફથી અવારનવાર હેરાનગતિ થતી હતી. તેમજ SIO પાસે સિમિત સંસાધનો હોવાથી મોટા પાયે તેનો પ્રચાર થઈ શકતો ન હતો.
તમે ઘણો સમય SIO માં રહ્યા છો. મોટાપાયે વિદ્યાર્થીઓ તેના સાથે સદસ્ય તરીકે જોડાયા નથી. શું કારણ હોઈ શકે?
વિદ્યાર્થીઓ અને યુવાનોનું એક સંગઠન સાથે ન જોડાવવાના મારા મત મુજબ બે મુખ્ય કારણ છે. એક કેરીયરીઝમની આંધળી દોડ હતી, આરામ પ્રિય અને વૈભવી જીવન જ તેમનો ઉદ્દેશ્ય હોય છે. બીજું દેશમાં મુસ્લિમ તરીકેની જવાબદારી અને દીનના તકાદો પ્રત્યે ગફલત. જોકે આ પરિસ્થિતિ અમુક અંશે આજે પણ જોવા મળે છે. વિદ્યાર્થીઓને શિક્ષણનો સાચો હેતુ અને જીવનના ઉદ્દેશ્યથી વાકેફ કરાવવાની જરૃર છે.
SIO ભારતના વિવિધ રાજ્યોમાં કાર્ય કરી રહી છે. પરંતુ તેનું કોઈ રાજ્યમાં મુખપત્ર નથી. જ્યારે SIO ગુજરાત નાનું ઝોન હતું, સીમિત સંસાધનો હતા, છતાં ‘યુવાસાથી’ પ્રકાશિત કરવાની શી જરૃર હતી અને કેવી રીતે શક્ય બન્યું?
આ સંજોગોમાં SIO ગુજરાતે યુવાસાથી માસિક પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો અને તેના માટે મારી સેવા લેવાની અરજ કરી. જોકે આ કાર્ય મારા માટે ખુબજ પડકારરૃપ હતુ. મેં ક્યારેય કોઈ સામાયિકમાં એક વાક્ય સુદ્ધા લખ્યું ન હતું. તંત્રી કે મેનેજર તરીકેનો કોઈ અનુભવ ન હતો અને સૌથી મોટી વાત આ કે ગુજરાતી સાહિત્યનું કોઈ જ્ઞાન પણ ન હતું. પરંતુ કામના મહત્વને જોઈ અલ્લાહના ભરોસે મેં તે સ્વીકાર કરી લીધું અને ખુબજ મહેનત, ખંત અને નિખાલસતાથી યુવાસાથીનું બીડું ઉપાડ્યું. મારામાં કોઈ કુશળતા કે સલાહિયત ન હતી પરંતુ અલ્લાહની ખાસ મહેરબાનીથી યુવાસાથીને લોકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો અને ટુંકા અરસામાં જ તેણે ખૂબ પ્રગતિ કરી. મારા માટે આ કહેવત સાચી પુરવાર થઈ ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા’.
જમાઅતે ઇસ્લામી હિંદમાં તમે ક્યારે જોડાયા?
૨૦૧૧માં હું જમાઅતે ઇસ્લામી હિંદનો સભ્ય બન્યો. ૨૦૧૦માં જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના શિક્ષણ વિભાગમાં સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી અને અહમદાબાદ શહેરના એક વિભાગના સ્થાનીય અમીરની જવાબદારી સોંપી દેવામાં આવી. પછી ૨૦૧૩માં સેક્રેટરી શોબએ તન્ઝીમ તરીકે મારી પસંદગી કરવામાં આવી.
તમે જમાઅતે ઇસ્લામી હિંદમાં કેમ જોડાયા?
દીનના કાર્યો કરનારી ઘણી બધી જમાઅતો છે જે ભારતમાં કાર્યરત છે. પરંતુ મારી સમજ મુજબ તેઓ ગૌણ કાર્યો અથવા અમુક કાર્યો સુધી સીમિત છે. તમે મારાથી મતભેદ કરી શકો પરંતુ મને એવું લાગતું હતું કે દીની જમાઅતોમાં સંપૂર્ણ ઇસ્લામનું પ્રતિનિધિત્વ કોઈ નહોતુ કરી રહ્યુ. કોઈ સેવાના કાર્યોમાં વ્યસ્ત છે. કોઈ વ્યક્તિની કેળવણી સુધી સીમિત છે. કોઈ માત્ર દા’વતના કાર્યને જ પ્રાધાન્ય આપે છે. કોઈ મસ્લકી બાબતોમાં વ્યસ્ત છે. કોઈ મિલ્લતની સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. કોઈ મિલ્લતના ભવિષ્યને ચમકાવવા જુદા-જુદા આયોજન કરવામાં વ્યસ્ત છે. તો ક્યાંક બાપ-દાદાના આંધળા અનુકરણ છે. મારા ટુંક અનુભવ મુજબ જમાઅતે ઇસ્લામી હિંદ જ એક માત્ર સંગઠન હતું જે ન માત્ર મુસ્લિમો બલ્કે બધા જ માનવોને એકેશ્વરવાદના તાતણે જોડવા માંગે છે. જે મિલ્લતના લોકોને તેમની જવાબદારી અદા કરવા માટે પ્રયત્નશીલ છે અને ભારતવર્ષના નિર્માણ અને પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા લોકોને જાગૃત કરે છે. મુસલમાનોને ઇસ્લામી સમાજ બનાવવા આહ્વાન કરે છે. ચરિત્ર નિર્માણ અને અલ્લાહથી વ્યક્તિના ગાઢ સંબંધ ઉપર ભાર મુકે છે. જેની કાર્યપદ્ધતિ શાંતિ-પ્રિય, સકારાત્મક અને રચનાત્મક છે. તથા તે નાત-જાત કે ધર્મ-સંપ્રદાયના ભેદ વગર માનવોની પોતાની હેસિયત મુજબ કલ્યાણકારી કાર્યો વડે મદદ કરે છે. આવા ઘણા કારણો હતા જેમણે બીજી સંસ્થા-સંગઠન હોવા છતાં મને જમઆતે ઇસ્લામી હિંદથી જોડાવવા પ્રેરણા આપી.
તમે તમારા જીવન દરમિયાન ખૂબ વાંચ્યું હશે, એ સંદર્ભમાં તમારૃ પ્રિય પુસ્તક કયું છે?
પુસ્તક જગતને જોતા મારૃ અધ્યયન ખૂબજ સીમિત લાગે છે. ઘણું વાંચવાનું બાકી છે. જે પુસ્તકો વાંચ્યા છે એમાં કોઈ ખાસ પુસ્તકનું નામ આપવું મારા માટે અઘરું છે. પરંતુ એ કહીશ કે મારુ પ્રિય પુસ્તક ‘પવિત્ર કુઆર્ન’ છે. ‘તફહીમુલ કુઆર્ન’થી ઘણું બધુ શીખવાનું મળ્યું છે. બીજી તફાસીરનું પણ અધ્યયન કર્યું છે. બધાની પોતાની ખાસીયત અને ટેસ્ટ છે. પરંતુ તફહીમુલ કુઆર્નની મારા પર ખાસ અસર છે. તેના સિવાય મોલાના મોદૂદી રહ., ખુર્રમ મુરાદ રહ. અને અલી મિયાં નદવી રહ.ના પુસ્તકોથી પ્રભાવિત થયો છુંં. અને શાયરોની દુનિયામાં અલ્લામા ઇકબાલ રહ. મારા માનીતા છે.
આગામી ચાર વર્ર્ષની મુદ્દત માટે અમીર જમાઅતે ઇસ્લામી હિંદએ આપને અમીરે હલ્કા (પ્રદેશ પ્રમુખ)ની જવાબદારી સોંપી છે. આ જવાબદારી સ્વિકાર્યા પછી આપનો શું એહસાસ છે?
અમીરે હલ્કા તરીકે જે જવાબદારી મને સોંપવામાં આવી છે તે ખુબજ પડકારરૃપ છે. અમીરે જમાઅત મોલાના સૈયદ જલાલુદ્દીન ઉમરી સાહબે જ્યારે મારી નિમણુંક કરી અને આ સમાચાર સાંભળ્યા ત્યારે મારી સ્થિતિ ખુબજ અજીબ હતી. રડતા સિવાય કંઇક સુજતુ જ નહતું. આખી રાત વિવિધ પ્રકારના વિચારો આકુળ-વ્યાકૂળ કરતા રહ્યા. મારા જેવા કમજોર અને નિર્બળ વ્યક્તિ આ મોટી જવાબદારીને કઈ રીતે અદા કરી શકશે? મને લાગ્યું કે મારા માથે પહાડ તુટી પડયો છે. સવારે અમ્મીએ મારી આ પરિસ્થિતિ જોઈ તો તેની આંખોમાં પાણી આવી ગયું અને તેમણે કહ્યું, મને ખબર નથી આ કેવી જવાબદારી છે. અલ્લાહ તને કુદ્રષ્ટીથી બચાવે અને દરેક તબક્કે તારી મદદ કરે. વાલિદે પણ હિંમત, નિર્ણયો લેવાની સલાહિયત, જ્ઞાન અને અડગતાની દુઆ આપી. તેહરીકના ઘણા બધા સાથી મિત્રોએ મારા માટે અને તેહરીકના ઉજજવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી. કદાચ એમની નિખાલસ દુઆની અસર હતી કે હું ખુબજ ઝડપથી સ્વસ્થ થઈ ગયો.
આગામી ચાર વર્ષની મુદ્દત માટે આપનું શું વીઝન છે?
વ્યક્તિ નિર્માણ કરવું અને ટીમ વર્કને મારી પ્રાધાન્યતા રહેશે. તેના સિવાય ઇસ્લામની સાચી છબી દેશબંધુઓ સમક્ષ મુકવા તથા ગેરસમજો દૂર કરવી કે જેથી એકતા, કોમી સદ્ભાવના તથા ભાઈચારાનું વાતાવરણ ઊભું થાય. ભારતની વર્તમાન પરિસ્થિતિમાં મુસલમાનોમાં આત્મવિશ્વાસ તથા કૌટુંમ્બીક કાયદાઓ પર અમલ અને નાગરિક તરીકેની જવાબદારી અદા કરવા જાગૃત જરૃર કરવાની છે. આગામી ૪ વર્ષમાં જમાઅતથી જોડાયલા વ્યક્તિઓનું પ્રશિક્ષણ પણ મારા ધ્યાન સામે છે. જમાઅતનું વિસ્તરણ કરવું છે. અમુક પેંડિગ કાર્યોને પૂર્ણ કરવા છે અને જમાઅતથી સંકળાયેલાઓમાં એવો જોમ અને જુસ્સો પેદા કરવો છે કે જમાઅત અત્યારે જ્યાં છે સત્રના અંતે દરેક ક્ષેત્રોમાં તેની શક્તિ બેવડી થઈ જાય.
અફરાદ કે હાથો મે હૈ અકવામ કી તકદીર
હર ફર્દ હૈ મિલ્લત કે મુકદ્દર કા સિતારા
બીજી મુસ્લિમ-બિનમુસ્લિમ સંસ્થાઓ જોડે સંબંધ કેવો રહેશે?
જમાઅતે ઇસ્લામી હિંદ આ ક્ષેત્રમાં પહેલાથી જ સક્રિય છે અને સારા તથા ભલાઈના કાર્યોમાં સપોર્ટ કરવાની જમાઅતની નીતિ રહી છે. અમે પોતાની હેસિયત મુજબ સહભાગી થઈશું. સીવિલ સોસાયટી સાથે પણ કોમન મિનિમમ એજન્ડા સાથે આગળ વધીશું. નાગરિક તેમજ બંધારણીય અધિકારોની સુરક્ષા વગેરે જેવા કાર્યો માટે જે સંસ્થાઓ કાર્ય કરી રહી છે તેઓને શક્ય તમામ સહકાર આપીશું.
પાછલા વર્ષોમાં આપ વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ રહી ચુક્યા છો. બંને જવાબદારીને તમે કઈ નજરે જુઓ છો?
SIOના પ્રમુખ અને જમાઅતના અમીર બંને જવાબદારીઓમાં ઘણો તફાવત છે. SIO ની પ્રાધાન્યતાઓ શિક્ષણ અને શૈક્ષણિક સંકુલો સુધી સીમિત હતી. જ્યારે જમાઅતમાં કામ કરવાનું એક મોટું ક્ષેત્ર છે. વિદ્યાર્થી સંગઠનની સમસ્યાઓ અને પડકારના મુકાબલમાં જમાઅત સામેની સમસ્યાઓ મોટી હોય છે. વિદ્યાર્થી સંગઠનમાં ટુંકાગાળાને સામે રાખી કાર્યક્રમ ઘડવામાં આવે છે જ્યારે જમાઅત લાંબા ગાળાના નફા નુકસાનને સામે રાખી નીતિ અને કાર્યક્રમ ઘડે છે. ત્યાં એક વયજુથના યુવાનો સાથે લઈ કામ કરવાનું હોય છે. જ્યારે જમાઅતમાં ૨૫ વર્ષથી લઈને વૃદ્ધો સુધીના લોકો અને તેમના સ્વભાવને મેનેજ કરવાનો હોય છે. પરંતુ આશા છે કે SIO ગુજરાતના પ્રમુખ તરીકે નિભાવેલ જવાબદારી કંઇક અંશે આ જવાબદારી અદા કરવામાં મદદરૃપ નિવડશે.
ગુજરાતના સંદર્ભમાં જમાઅતે ઇસ્લામી હિંદ પોતાના ઉદ્દેશ્યમાં કેટલા અંશે સફળ રહી છે?
મારા મતે દ્રઢતા સાથે મંઝિલ તરફ કૂચ કરવાને પણ સફળતા કહી શકાય. અને જમાઅત દૃઢ સંકલ્પ અને આશા સાથે સકારાત્મક માર્ગે સક્રીય છે અને સફળતાની ઇસ્લામી ફિલસુફી જુદી જ છે. વાસ્તવમાં સફળ એ વ્યક્તિ છે જેને અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત થાય અને તેને સ્વર્ગમાં દાખલ કરી દેવામાં આવે. દુનિયામાં પ્રગતિ અને અદ્યોગતિ આપવાનું કામ અલ્લાહનું છે. કુઆર્ન પણ કહે છે કે, “અલ્લાહ જિસે ચાહે ઇજ્જત દે…” આપણું કામ તો આટલું જ છે કે નિખાલસ ભાવે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી અદા કરે. કયામત પહેલા આખી દુનિયા ઇસ્લામને આધીન આવશે. આ વાતમાં કોઈ બે મત નથી. આપણો પ્રિય પયગમ્બર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ભવિષ્યવાણી છે. હવે આપણા જીવનમાં એ સ્વપ્ન સાકાર થાય કે ન થાય કોઈ ફેર પડવાનો નથી. આપણે તો એ જોવાનું છે કે સ્વપ્નને સાકાર કરવા આપણે શું યોગદાન આપી રહ્યા છીએ અને જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાત પણ આ માર્ગે આગળ વધી રહી છે. કાફલામાં કદાચ સુસ્તી આવી હશે પરંતુ એ રોકાયો નથી. મંઝિલ તરફ આગળ વધી રહ્યો છે.
જમાઅતે ઇસ્લામી હિંદ ઘણાં વર્ર્ષોથી ગુજરાતમાં કામગીરી બજાવી રહી છે પણ અત્યાર સુધી Mass Movement નથી બની શકી. આપ શું વિચારો છો?
જમાઅત ગુજરાતમાં માસ મુવમેન્ટ નથી બની. આ વાત કદાચ સાચી છે પરંતુ માસ સપોર્ટ તો જમાઅતને પ્રાપ્ત છે. હજારોની સંખ્યામાં જમાઅતના મુત્તફિક છે અને અરકાન-કારકુનાનની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ છે. જો કે રફતાર અમુક અંશે સુસ્ત છે. માસ મુવમેન્ટ ન બનવાનું કારણ આ હોઈ શકે કે ગુજરાતમાં કાર્ય બીજા રાજ્યોની તુલનામાં મોડું શરૃ થયું. બીજુ, ગુજરાતમાં માનવ નિર્મિત અને કુદરતી આફતોએ મોટાપાયે પાયમાલી સર્જી અને જમાઅત સેવા તથા કલ્યાણકારી કાર્યોમાં વ્યસ્ત રહી. આ અરસામાં વ્યક્તિ ઘડતરનું કાર્ય પ્રભાવિત થયું. ત્રીજું કારણ આ હોઈ શકે કે મિલ્લતમાં મસ્લક (School of Thoughts)ના મતભેદ છે જેમાં બે મત નથી. જમાઅતે ઇસ્લામી હિંદ કોઈ મસ્લક કે સંપ્રદાય નથી બલ્કે અલ્લાહના દીનની સ્થાપના માટે કાર્યરત એક કોમન પ્લેટફોર્મ છે. આવી છબી કદાચ જમાઅત ઉત્પન્ન કરી શકી નથી. હવે જ્યારે લોકો સમક્ષ સાચુ ચિત્ર આવશે કે જમાઅતે ઇસ્લામી હિંદ મસ્લક અને મઝહબથી ઉપર ઉઠીને તમામ માનવોને એક અલ્લાહના આદેશ મુજબ વ્યક્તિગત અને સામુહિક જીવન વ્યતિત કરવા આહ્વાન કરતું પ્લેટફોર્મ છે તો ઇન્શાઅલ્લાહ આ મુવમેન્ટ તરક્કી કરશે.
યુવાસાથીના વાંચકો માટે આપનો સંદેશ શું છે?
વાંચક મિત્રોને મારે આટલું જ કહેવુ છે કે અલ્લાહથી સાચો અને ગાઢ સંબંધ પેદા કરે. ધર્મનું તે ઊંડુ અધ્યયન કરે. વિશેષરૃપે કુઆર્નથી પોતાના સંબંધને જીવંત બનાવે. વ્યક્તિત્વનું નિર્માણ કરે અને ઇસ્લામને એક ઓપશન તરીકે દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવાની પ્રતિભા અને હિમ્મત કેળવે. સમગ્ર વિશ્વ એક પરિવાર સમાન છે અને પરિવારમાં રહેવા માટેની કળા શિખે. તથા બધા જ લોકોથી પ્રેમપુર્વક વર્તન કરે. ઉન્નતિના આકાશમાં આપણે ઉડ્ડયન ભરી શકીશું. અલ્લામા ઇકબાલ રહ.એ કહ્યું છે,
ઉઠ કે અબ બઝમે જહાં કા ઔર હી અંદાઝ હૈ
મશરિકો મગરિબ મેં તેરે દૌર કા આગાઝ હૈ