ભારત આબાદીની રૃએ વિશ્વનો બીજા નંબરનો દેશ છે. ૧૨૦ કરોડથી વધુ આબાદી ધરાવતા આ દેશને ચલાવવામાં નાના-મોટા, સ્ત્રી-પુરૃષો બધાનો ફાળો છે. ભારતમાં સૌથી વધુ યુવાનો છે. દેશનો દરેક ત્રીજો નાગરિક ૨૦ થી ૩૦ વર્ષનો યુવાન છે. આ યુવાનો જ કિંમતી મૂડી છે જેઓ દેશના નવનિર્માણમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.
યુવાનોની વાત થાય તો તેમને હંમેશ ઘર, સમાજ, દેશ અને દુનિયાની તાકાત સ્વરૃપે જોવામાં આવે છે. આ યુવાનો સમાજના કરોડરજજુ છે. પરંતુ આ વાત ત્યારે જ સાચી કહેવાશે જ્યારે તેઓમાં કેટલીક વિશેષતાઓ હોય જે એક આદર્શ યુવાનને રજૂ કરતી હોય. તેમાંની કેટલીક આ છે; (૧) અલ્લાહથી સંબંધ, (૨) નૈતિક ચારિત્ર્ય, (૩) જવાબદારીનું એહસાસ.
આ ત્રણેય ગુણોને નીચે પ્રમાણે સમજાવી શકાય.
(૧) અલ્લાહથી સંબંધઃ
કોઈ વ્યક્તિ સમાજનું નિર્માણ ત્યાં સુધી કરી શકતો નથી જ્યાં સુધી તેનો અલ્લાહ સાથે દૃઢ સંબંધ ન હોય. એક યુવાન ચારિત્રવાન અને જવાબદાર ત્યાં સુધી બની શકતો નથી જ્યાં સુધી તેના દિલમાં અલ્લાહનો ભય ન હોય અને તે અલ્લાહે આપેલા માર્ગદર્શન મુજબ જીવન વ્યતીત ન કરતો હોય. નીચે આપેલી બે વિશેષતાઓ આપ મેળે પેદા થતી નથી. આ ગુણોને પોતાની અંદર ઉતારવાનું આદેશ અલ્લાહે આપ્યો છે. તેથી સમાજની પ્રગતિ અને નિર્માણ માટે સામાન્ય રીતે બધા જ માનવો અને વિશેષરૃપે યુવાનોનું અલ્લાહ સાથે ગાઢ સંબંધ હોવું જોઈએ.
(૨) નૈતિક ચારિત્રઃ
બીજી વિશેષતા નૈતિક ચારિત્ર છે. આજના અશ્લીલ અને નગ્નતાના યુગમાં યુવાનોનું ચારિત્રવાન રહેવું અસંભવ તો નથી પણ મુશ્કેલ જરૂરી છે. ફિલ્મોમાં સામાયીકો અને સમાચાર પત્રોમાં અહિં સુધી કે માર્ગો પર લટકાવેલા હોર્ડિંગ પણ એવા બિભત્વ અને અશ્લીલ હોય છે જે યુવાનોની મનોભાવનાઓને વિકૃત કરે છે અને ખોટા માર્ગ જવા પ્રેરે છે. આવા સમયમાં યુવાનોએ પોતાના ચરિત્રની રક્ષા કરવી જોઈએ અને યુવાનીને બેદાગ રાખવી જોઈએ. કેમકે આ તે દુષણો છે કે જે યુવાનોમાં પેદા થઈ જાય તો તેઓ શિક્ષિત અને કુશળ હોવા છતાં સમાજ માટે ખતરારૃપ રહેશે. તેના જીવંત દાખલા આપણે રોજેરોજ સમાચાર પત્રોમાં જોઈ શકીએ છીએ.
(૩) જવાબદારીનો એહસાસઃ
એક નવયુવાન માત્ર પોતાના ઘર પ્રત્યેની જવાબદારી સુધી સીમિત ન રહેવું જોઈએ બલ્કે સમાજ માટે પોતાની જવાબદારી પણ સમજવી જોઈએ. તે સમાજની સમસ્યામાં રસ લે અને તેમને હલ કરવા પ્રયત્નશીલ રહે. લોકોની સમસ્યાને પોતાની સમસ્યા સમજે. તેના અંદર આળસ અને બેદરકારી ન હોય બલ્કે મહનતી, હિંમતવાન અને ઝિંદાદિલ હોય. તે સ્વાર્થી ન હોય બલ્કે લોકોનું ભલુ કરનાર હોય. પોતાની કુશળતા અને શિક્ષણનો ઉપયોગ સમાજને કંઇક આપવા માટે કરે ન કે તેમના શોષણ માટે.
આ તે ત્રણ વિશેષતાઓ છે જે યુવાનોમાં પેદા ન થાય તો સમાજ પ્રગતિના સ્થાને અદ્યોગતિ કરશે અને સમાજમાં દયા, પ્રેમ, જાન-માલની સુરક્ષાની જગ્યાએ જુલ્મ, હિંસા, ઘૃણા અને લૂંટમાર જેવી ઘટનાઓ જન્મ લેશે. ઉલ્લેખ થયેલ ત્રણેય વિશેષતાઓની આજના સમયમાં ખૂબજ જરૃર છે. યુવાનોનો એક મોટો વર્ગ આજે શિક્ષિત અને પ્રતિભામય છે. સંશોધનના ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે ઇમારતો અને મશીનોની પ્રગતિ સાથે માનવતા અદ્યોગતિમાં સરી રહી છે. એવું કહી શકાય કે જ્ઞાન અને કળાના ક્ષેત્રમાં નિષ્ણાંત થવાથી કે ડૉક્ટર, એન્જીનીયર, પત્રકાર, આઈ.એ.એસ. અથવા આઈ.પી.એસ. બનવાથી કે રાજનીતિમાં ડગ માંડવાથી સમાજનું નિર્માણ સાચી દિશામાં થઈ શકતું નથી જ્યાં સુધી તેમના હૃદયમાં અલ્લાહનો ડર અને જવાબદારીની ભાવ ન હોય. ચારિત્રવાન યુવાનમાં આ વિશેષતાઓ હોય તો જ સમાજની દિશા બદલી શકાય અને સમાજમાં ન્યાય તથા શાંતિનું વાતાવરણ ઉભુ કરી શકાય. વાસ્તવમાં સમાજ-નિર્માણનું અર્થ આ છે કે સમાજમાં શાંતિ સ્થાપિત થાય, માનવના માન-સંમાન તથા જાન-માલની સુરક્ષા થાય અને આધુનિક સંસાધનોનો ઉપયોગ થકી સમાજની પ્રગતિ થાય.
પરંતુ એક પ્રશ્ન ઉભું થાય છે કે યુવાનોને આવું પ્રશિક્ષણ આપે કોણ? અફસોસ સાથે કહેવું પડે છે કે આપણા સમાજના વડીલો અનો હોદ્દેદારો યુવાનો પ્રત્યે ઉદાસીન વલણ દાખવે છે. તેઓ યુવાનોને તેમની જવાબદારી વિશે જાગૃત કરતા નથી. ન તેમના પ્રત્યે ગંભીર છે. બદલે પોતાના રાજનીતિક અને ભોતિક સ્વાર્થ માટે તેમનો ઉપયોગ કરે છે અને તેમને મોજ-મજા-મસ્તીના તૂફાનમાં છોડી દે છે. જ્યારે આ યુવાનો હિંસા લૂંટમાર, વ્યભિચાર વગેરે જેવી બુરાઈઓના રવાડે ચડે છે તો આ મોટેરાઓ સરળતાથી કહી દે છે કે આજે યુવાનો સમાજ માટે ખતરારૃપ બની ગયા છે. હું વળતો પ્રશ્ન કરૃં છું આ કહેવાતા સમાજના વડીલો અને સમજુ લોકોથી કે તેમણે ક્યારેય યુવાનોને સાચી દિશા આપવા પ્રયત્ન કર્યા?! શું તેમના પ્રશિક્ષણની વ્યવસ્થા કરી? મને વિશ્વાસ છે તેમનો જવાબ નહીં માં હશે. જરૃર છે આવા વડીલોની જે યુવાવર્ગનું યોગ્ય માર્ગદર્શન કરે. યુવાનોનું જોશ અને વડીલોનું માર્ગદર્શન તથા અનુભવ મળી ને જ સમાજમાં સારો પરિવર્તન આવી શકે છે.