Friday, November 22, 2024
Homeઓપન સ્પેસસર્જનાત્મકતા

સર્જનાત્મકતા

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વિશ્વમાં ઘણા ઓછા લોકો ‘ક્રિએટીવ’ અર્થાત્ ‘સર્જનાત્મક’ હોય છે, જેઓ કશુંક નવું નવું શોધી લાવે છે, નવું કરે છે, આપણે આવું બધઉં કરી શકતા નથી. આપણે ક્યાં આટલા બધા ભણેલાગણેલા કે હોશિયાર છીએ. જો તમે પણ આવું વિચારતા હોવ તો થોભી જાવ. કારણ કે વિશ્વમાં દરેક મનુષ્યને ઇશ્વરે ‘ક્રિએટીવ’ કે સર્જનાત્મક બનાવ્યો છે.

સર્જનાત્મકનો સામાન્ય અર્થ એવો છે કે એવું કાર્ય કરવું કે બીજા સામાન્ય કાર્યથી અલગ હોય. એવું કશુંક શોધવું જે બીજાથી અલગ હોય.

કવિઓ, લેખકો, ચિત્રકારો, એડ બનાવનારા, દિગ્દર્શકો, આર્કિટેક્સ, એન્જિનીયર્સ, ઇન્ટીરીયર ડિઝાઈનર્સ, ગ્રાફિક ડીઝાઈનર્સ જેવા લોકો તો ક્રિએટીવ હોય જ છે. એનો અર્થ એવો નથી કે બીજા લોકો ક્રિએટીવ નથી હોતા. ગણિતમાં બીજી રીતે દાખલો ગણનાર વિદ્યાર્થી, દરેક વખતે ટેસ્ટી ચા બનાવનાર ચાની લારીવાળો, ટેસ્ટી ખાણું બનાવનાર રસોઈયો કે ગૃહિણી – આ બધા લોકો પણ ક્રિએટીવ જ ગણાય.

ક્રિએટીવીટી માટે બહુ ઊંચુ આઈક્યુ હોવું કે બહુ ભણેલા હોવું જરૂરી નથી. એક અભણ માણસ પણ ક્રિએટીવ હોઈ શકે છે. ક્રિએટીવીટી માટે જીનીયસ હોવું કે બુદ્ધિશાળી હોવું પણ આવશ્યક નથી, આપણી પાસે ઘણા એવા દાખલા છે જે આ વાતને સાબિત કરે છે. પ્રસિદ્ધ હીરો અને દિગ્દર્શક રાજકપુર બારમું ફેઈલ હતા. મધર ઇન્ડિયાના ગુજરાતી સર્જક મહેબુખાન બહુ વધારે ભણેલા ન હતા. સંગીતકાર નૌશાદનું પણ એવું જ હતું. પ્રસિદ્ધ બંસુરીવાદક ઉસ્તાદ બિસ્મીલ્લાખાનને પણ એ જ શ્રેણીમાં મૂકી શકાય. હાલની પ્રસિદ્ધ હિરોઈન કંગનારાણાવત તો કોલેજમાં પણ નથી ગઈ. કરોડોમાં જેના ચિત્રો વેચાતા હતા એ મકબૂલ ફિદાહુસૈન ડીઝીટલાઇઝેશન હોર્ડીંગ્સના જમાનો ન હતો ત્યારે હાથથી ફિલ્મોના હોર્ડીંગ્સ ચિતરતા હતા અને પછી એમના ચિત્રો કરોડોની કમાણી કરાવતા હતા. એ એમએફ હુસૈન સાવ ઓછું ભણેલા હતા. ગુજરાતી સાહિત્યમાં મહત્વનું યોગદાન આપનાર (માનવીની ભવાઈ જેવી કલાસિક નવલકથા આપનાર) પન્નાલાલ પટેલ માત્ર પાંચ ચોપડી ભણ્યા હતા. આ બધા અને એમના જેવા બીજા ઘણા લોકોની ક્રિએટીવી આડે એમનું ભણતર આવ્યું ન હતું.

ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્રાંતિકારીઓમાં જેની માનભેર ગણના કરી શકાય એવા બિલગેટ્સ, સ્ટીવ જોબ્સ કે માર્ક ઝુકરબર્ગ જેવા લોકો તો કોલેજ ડ્રોપઆઉટ હતા! ૨૦મી સદીના જ નહીં પરંતુ ઓલટાઈમ જિનીયસ એવા ‘થીયરી ઓફ રિલેટીવીટી’ના શોધક મહાવૈજ્ઞાાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને શાળામાં ગણિત અને ભૌતિક વિજ્ઞાાન ભણવાનું જરાય ગમતું ન હતું એમ કહો કે જરાયે ટપ્પો પડતો ન હતો. પરંતુ યુવાન વયે જ સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધી નાખનાર આઇન્સ્ટાઈન જેવા ક્રિએટીવ બીજો કોણ હોઈ શકે? ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત શોધનાર (મોટાભાગના મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આ સિદ્ધાંતને માનતા નથી) ચાર્લ્સ ડાર્વિન ‘ઢ’ વિદ્યાર્થી હતો. ઉદાહરણો તો અનેક છે. કહેવાનું તાત્પર્ય આ છે કે ક્રિએટીવ હોવા માટે ન તો જીનીયસ હોવું જરૂરી છે ન વધારે ભણેલા હોવું. ક્રિએટીવીટીનો અર્થ આ છે કે કોઈ સમસ્યા કે પ્રશ્ન ને તમે કેટલી પ્રાયોગિક અને ચતુરાઈપૂર્વક ઉકેલ લાવો છે. ‘તારે ઝમીં પર’નો ઇશાન હોય કે પછી ‘થ્રી ઇડીયટ્સ’નો રણછોડલાલ ચાંચડ ઉર્ફે રેન્ચો હોય. ક્રિએટીવીટીના આ શ્રેષ્ઠ ઉદાહરણો છે. ચાંચડ તો દરેક સમસ્યાને પોતાની રીતે ઉકેલી નાખે છે, પછી એ નહાવાની બાબત હોય કે ભણવાની કે જમવાની. અરે છેલ્લે તો ડીલીવરી કરાવવામાં પણ એણે ક્રિએટીવીટી દર્શાવી છે. સમસ્યાને તમે કેવી રીતે ઉકેલો છો એમાં તમારી ક્રિએટીવ શક્તિ પરીપાઈ આવે છે.

આગળ કહ્યું એમ તમારા બુદ્ધિઆંક (IQ) અને સફળતા વચ્ચે સ્નાતકનોય સંબંધ નથી એ યાદ રાખજો. અંગૂઠાછાપ કરોડપતિ પણ તમે જોયા હશે અને રસ્તે રઝળતા જિનીયસો પણ. સર્જનાત્મકતા માટે પાયાની બાબત છે સામાન્ય બુદ્ધિ લગાવી અસામાન્ય કાર્ય કે ઉકેલ શોધવું. સર્જનાત્મક લોકો પોતાની બુદ્ધિ બીજા લોકો કરતા અલગ રીતે લગાવે છે. આવા લોકો પોતાના જ્ઞાાનનો પરિસ્થિતિ મુજબ ઉપયોગ કરે છે અને પોતાનો આઈડીયા લગાવે છે. સફળતા ન મળે તો પાછો બીજો આઈડીયા લગાવે છે. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરતા રહો. દરેક સમસ્યામાં જ ઉકેલ છુપાયેલો હોય છે.

થોમસ આલ્વા એડીસનને તમે જાણો છો. એણે ઇલેટ્રીક બલ્બ, ગ્રામોફોન, ફિલ્મ પ્રોજેક્ટર જેવી ૧૦૦૦ થી વધુ જીવનપ્રયોગી વસ્તુઓ શોધી પેટન્ટ્સ મેળવ્યા હતાં. જ્યાં સુધી એને કોઈ સમસ્યાનો ઉકેલ ન મળે ત્યાં સુધી એની પાછળ ભંડયો રહેતો. ઘણી વખત તો એ રાત્રે પણ લેબોરેટરીમાં જ ઊંઘી જજો. ખાવાપીવાનું પણ ભૂલી જતો. એણે ધીરજ, ધગશ અને સખત પરિશ્રમથી અવનવી શોધો કર્યે રાખી. આટલી બધી શોધોની પેટન્ટસ મેળવનારા કદાચ એ એકલો જ છે. એ ઇન્વેન્ટર (શોધક) પણ હતો અને ક્રિએટીવ (સર્જક) પણ હતો. પણ તમારે ક્રિએટીવ બનવા માટે ઇન્વેન્ટર બનવાની જરૃર નથી.

તમારામાં છુપાયેલી ક્રિએટીવીટીને બહાર લાવવા માટે તમારે ક્યાં દૂર જવાની પણ જરૃર નથી. એ તો તમારી આજુબાજુ જ છે. સૌથી વધુ ક્રિએટીવીટી ક્યાં છે? કુદરતમાં તમારી ક્રિએટીવ શક્તિ બહાર લાવવા કુદરતના ખોળે જાવ. કુદરતની પાઠશાળામાં જાવ. નિરીક્ષણ કરો. અનુભવ કરો. તમારી આસપાસના ઇશ્વરે સર્જેલ અદ્ભુત સર્જનોનું નિરિક્ષણ કરો. ધરતીથી આકાશ સુધી બધે જ સર્જનાત્મકતા પથરાયેલી છે. અરે જે આકાશ સવારે જેવા રંગો વિખરે છે એ જ આકાશ સંધ્યા સમયે કંઇક અનોખા જ રંગોથી જાદુઈ સૃષ્ટિ રચી નાખે છે. અને દરરોજ અલગ અલગ રીતે કમાલ છે! ડીસ્કવરી એનિમલ પ્લેનેટ કે નેશનલ જિઓગ્રાફીક ચેનલો જોવામાં સમજાશે કે કુદરતથી વધીને બીજું કોઈ શ્રેષ્ઠ ક્રિએટીવ આ જગતમાં નથી.

આપણી સર્જનાત્મકતા કુંઠીત થઈ ગઈ છે. એમાં એક કારણ આ પણ છે કે આપણે કુદરતથી ઘણા દૂર થઈ ગયા છીએ. કુદરતી જંગલોથી નીકળી આપણે કોંક્રીટના જંગલોમાં વસી ગયા છીએ. આધુનિક શહેરોમાં કુદરત જાણે દૂર થઈ ગઈ છે. કોઈને પ્રશ્ન થાય કે આ રીતે તો ગામડાના લોકો કે જેઓ કુદરતથી વધુ નજીક છે તેઓ શહેરના કરતાં વધારે ક્રિએટીવ હોવા જોઈતા હતા તો પછી આટલા પછાત કેમ રહી ગયા?

ગામડાના લોકો પણ શહેરીઓ જેટલા જ ક્રિએટીવ હોઈ શકે છે. તફાવટ એટલો જ છે કે શહેરના લોકોને પોતાની સર્જનાત્મકતા દર્શાવવાની તકો વધારે મળે છે. એ વાત યાદ રાખવી જોઈએ કે ઇંગ્લેન્ડમાં ૧૭મી અને ૧૮મી સદીમાં કૃષિ અને ઔદ્યોગિક ક્રાંતિના બીજ નાખનાર ખેડૂતો અને સામાન્ય ગ્રામવાસીઓ જ હતા. સ્પિનીંગ મિલ, જીન અને વાવણી માટેના ઢંગો શોધનાર ક્રિએટીવ લોકો ગામડામાંથી જ આવ્યા હતા.

કુદરત સૌથી વધુ ક્રિએટીવ છે એમાં કોઈ શંકા નથી. એમાં કેટલા બધા આકાર છે, ડિઝાઈન્સ છે, પેટર્નસ છે, કેટલા બધા રંગ-રૃપ છે, આકૃતિઓ છે. સમાનતાની સાથે વિવિધતા પણ એટલી જ બધી છે. ખીણોથી લઈ પહાડ સુધી, છોડથી લઈ ઝાડ સુધી, ધરતીથી આકાશ સુધી સર્જનાત્મકતા પોકારી રહી છે. એમ કહી શકાય કે કુદરત અથવા નિસર્ગ સર્જનાત્મકતાની જનેતા છે. બધી જ સર્જનાત્મકતાનો પ્રારંભ આમાંથી જ થાય છે. અને ખુદ માનવ પણ આની સંતાન નથી? એના ગર્ભમાંથી જ, આની માટીમાંથી અને પાણીમાંથી નથી જનમ્યો? માનવ અને ધરતીનો બહુ જૂનો સંબંધ છે. તેથી જ માનવ અને કુદરતનો પણ બહુ જૂનો સંબંધ છે. માનવની આ બધી જ સર્જનાત્મકતા અને ટેકનોલોજીના મૂળ નિસર્ગમાં હોય તો શું નવાઈ!

સર્જનાત્મકતાની વ્યાખ્યા કોઈએ બહુ સરસ કરી છે. “સમસ્યાને ઉકેલવાની આવડત એટલે સર્જનાત્મકતા.” આગળ કહ્યું એમ દરેક સમસ્યામાં જ ઉકેલ છુપાયેલો હોય છે. આપણે એ જ શોધવાનું હોય છે કે એને કેવી રીતે હલ કરી શકાય. સર્જનાત્મકતા વધારવાની એક રીત આ છે કે માનસપટલ ઉપર ચિત્ર જોવાની પ્રેકટીસ પાડવી. જગતમાં જેટલી પણ સુંદર ઇમારતો છે એ ક્યારેક સ્થપતિઓના માનસપટલ ઉપર સણાયા પછી જ પેન્સિલ દ્વારા કાગળ ઉપર ઉતરેલી છે. એવી જ રીતે દરેક શબ્દ લેખક કે કવિના માનસ પરથી ઉતરીને કાગળ ઉપર આવે એટલે અમર બની જાય છે. તમારા વિચારને માનસપટલ ઉપર જીવંત દૃશ્ય તરીકે જોવાની કલ્પના કરો. એના દરેક ભાગને જોડવાનો પ્રયત્ન કરો. આ ચિત્ર જ્યારે સંપૂર્ણ બની તમારા માનસપટલ ઉપર છવાઈ જાય ત્યારે એને કાગળ ઉપર ઉતારી લો. એને વાસ્તવિક રૃપ આપવા માટે થોડા ઘણા ફેરફાર કરવા પડે તો કોઈ વાંધો નથી.

સર્જનાત્મક વધારવા માટે તમારી શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ પણ વધારો. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મગજ રહી શકે છે. નવું નવું શીખો. નવું વાંચો. કંઇક આશ્ચર્ય કરો. આ આશ્ચર્ય જ જીવનમાં ઉત્તેજના લાવે છે જે તમારા મુડને, વિચારોને અને જીવનના દૃષ્ટિકોણને બદલી નાખે છે.

જે લોકો ક્રિએટીવ હોય છે એમાં મોટાભાગના લોકો સારૃ વાંચવાના શોખીન હોય છે. તેઓ છાપા, મેગેઝીન, પુસ્તકો વાંચવામાં પોતાનો સમય ગાળે છે. નવા વાચનમાંથી નવા વિચારો મળે છે અને નવા વિચારોમાંથી નવા સર્જનાત્મક તુક્કા મળે છે. (કોઈપણ વિચાર જ્યારે નક્કર કાર્યનું સ્વરૃપ નથી લેતું ત્યાં સુધી એ ‘તુક્કો’ જ છે!) નવી પ્રેરણા મળે છે. સર્જનાત્મકતા વધારવા માટે બધું જ નવું નવું વિચારવાનું કે કરવાનું આવશ્યક નથી. જુના વિચારોમાં કશુંક નવું ઉમેરી નવો વિચાર બને છે તો જુની વસ્તુમાં કંઇક બીજું નવું કરી એક નવી અનોખી વસ્તુ જ બની જાય છે. એના માટે ધીરજ અને લગન તથા પરિશ્રમની આવશ્યક્તા હોય છે. દરેક બાબતને એક નવા દૃષ્ટિકોણથી અવલોકન કરો. નવી રીત વિચારો. શક્ય એટલા બધા જ વિકલ્પો વિચારો. સૌથી સારી રીત છે કાગળ ઉપર લખી લો. અને પછી જુઓ તમે પણ કંઇક નવું સર્જનાત્મક કરી શકો છો એની ખાતરી તમને પોતાને જ થઈ જશે.
– (મો. ૯૬૨૪૦૪૬૬૭૭)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments