આપણું જીવન વિરોધાભાસોથી ભરેલું છે, છતાંય સુંદર છે. જ્યાં દુઃખ છે ત્યાં સુખ પણ છે, અશ્રુઓ છે ત્યાં હાસ્ય પણ છે; વિરહ છે ત્યાં મિલન પણ છે; પાણી છે ત્યાં અગ્નિ જ્યાં ગરમી છે ત્યાં ઠંડી પણ છે, ઉદાસી છે ત્યાં પ્રસન્નતા પણ છે, જીવન છે ત્યાં મૃત્યુ પણ છે. જીવન આપણે જીવવું પડે છે, દુઃખી થઈને કે સુખી થઈને, જીવ્યા વિના છુટકો નથી. તો પછી દુઃખી થઈને જીવવા કરતાં સુખી થઈને, આનંદથી જીવન કેમ ના જીવીએ? જીવન આપવું ઇશ્વરના અધિકારમાં છે, અને કેવી રીતે જીવવું એ આપણા હાથમાં છે.
ખુશી આનંદ કે સુખ એ એક માનસિક સ્થિતિ છે, જ્યાં ઉદાસી કે હતાશા દુખને કોઈ સ્થાન નથી. આ સ્થિતિને કેળવવી એ આપણા વિચારો અને આચારો આનંદ કે ખુશી ભૌતિકતામાં કે ભૌતિક વસ્તુઓમાં તો નથી જ. જેની પાસે કશું જ ન હોય એ પણ ુસુખી હોઈ શકે છે અને જેની પાસે ઘણુબધું હોવા છતાંય તે દુઃખી હોઈ શકે છે. બાબત સંજોગો અને જીવન પ્રત્યેના દૃષ્ટિકોણ ઉપર આધાર રાખે છે. પાકિસ્તાની શાયર અમજદ ઇસ્લામ ‘અમજદ’ની એક કાવ્ય પંક્તિ બધાએ યાદ રાખવી જોઈએ, “જો ગુજર ગયા ઉસે ભૂલ જા, જો હૈ ઉસે યાદ રખ.” આ સીધી સાદી વાત જેને સમજાઈ જાય, માનો એ સુખી થઈ ગયો. આપણી માનસિક્તા આપણને સુખી થતાં રોકે છે. આપણી પાસે જે છે એનો મહત્તમ ઉપયોગ કરી આનંદ લેવાને બદલે જે વસ્તુ નથી એને પ્રાપ્ત કરવા માટે ધમપછાડા કરતા રહીએ છીએ અને દુઃખી થઈએ છીએ. સુખને બહાર શોધવામાં આપણે નાહકના બૂમબરાડા, ઘોંઘાટ ઉત્પન્ન કરીએ છીએ.
વાસ્તવમાં આપણી અંદરના ખોખલાપણાને પૂરવાનો વ્યર્થ પ્રયાસ આપણે કરતા હોઈએ છીએ. પરંતુ જેની અંદર સુખ ભરેલું છે એ કોઈ ઘોંઘાટ કરતો નથી. ખાલી અને પાણી ભરેલા ઘડા જેવી આ વાત છે જેને સમજાય એને ભયોભયો. જો તમે તમારી જાતને સુખી માનતા હોવ તો તમે સુખી છો, ન માનતા હોવ તો સુખી નથી. એ પણ યાદ રાખવું જોઈએ કે આપણને સુખી કરવા માટે આપણી પાસે કોઈ આવવાનું નથી. આપણે આપણી જાતે જ સુખી થવાનું છે. દરેક માણસ દુઃખની ફરિયાદ કરવામાં વ્યસ્ત છે. આજે આપણે દુઃખી છીએ એનું એક કારણ તો આ પણ છે કે આપણી પાસે સુખ હોવા છતાંય બીજા કરતાં વધારે સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ, કેમ કે આપણને લાગે છે કે તેઓ આપણા કરતા વધારે સુખી છે! પરંતુ જે શાણા છે એમને ખબર છે કે સુખી થવા માટે થોડી ક જ બાબતોની જરૃર પડે છે. આવી થોડીક બાબતોમાં સંતોષ, કૉફી અને સુંદર પુસ્તકનો પણ સમાવેશ કરી શકાય. જોકે આ ‘બાબતો’ તો દેકની પોતાની પસંદગી પ્રમાણે હોઈ શકે છે.
કોઈ વિદ્વાને કહ્યું હતુ કે સુખી થવું એ જ જીવનનો ધ્યેય છે. વાત સાચી છે, પણ અમને લાગે છે કે બીજાને સુખી કરવા એ ધ્યેય હોય તો માણસ બમણો સુખી થાય. બીજાને કશુંક આપવાથી માણસને જે સંતોષ અને સુખ મળે છે એને કોઈ શબ્દોમાં વર્ણવી શકાય નહીં. આની પુષ્ટિ તો વૈજ્ઞાનિક સંશોધનો પણ કરી છે. ખુશીને મનમાં ન રાખવી જોઈએ, બીજા લોકોમાં વહેંચી દેવી જોઈએ. ખુશી બમણી થઈ જાય. એક તો આપણા પોતાની ખુશી અને બીજાને ખુશ જોઈને ઉદ્ભવતી ખુશી, વહેતા ઝરણા જેવો સ્વભાવ ધરાવનારા સુખી જ હોવાના અને બંધિયાર ખાબોચીયા જેવો સ્વભાવ ધરાવતા લોકો દુઃખી હોવાના અન બીજાને દુખી કરવાના. જગતમાં બહુ ઓછા લોકો હોય છે જેઓ પોતે ખુશ રહે છે અને બીજાને ખુશ રાખે છે. આજનો માણસ ખરેખર દુઃખી છે. કેટલાક દુખીયારાઓને વૉટ્સઅપ, ફેસબૂક કે કોમેડી નાઇટ્સ વિથ કપિલના જોક ઉપર હસવું આવે છે, અને માત્ર આટલી વાર તેઓ પોતાને ખુશ રાખી શકે છે. ખુશી કે આનંદ અનાયાસે સહજભાવે ઉત્પન્ન થવો જોઈએ. પરાણે હસવાથી કંઇ ખુશી મળતી નથી. વર્ષો પહેલાં એક અંગ્રેજ નિબંધકારે લખેલ વાત આજે પણ સો ટકા સાચી લાગે છે, “આપણી રમતો, વિજ્ઞાન અને યંત્રો છતાંય, આપણે કંટાળાજનક બનતા જઈએ છીએ.”
આનું એક કારણ તો આ પણ હોઈ શકે કે વર્ષો જુની વિચારધારા કે સુખ ભૌતિકતા અને ભૌતિક વસ્તુઓમાં જ છુપાયેલો છે. એમાંથી લોકો આજે પણ બહાર આવી નથી શકયા. જો આ બાબત સાચી હોત તો આજની પેઢી માનવજાતના ઇતિહાસમાં સૌથી સુખી હોત કેમ કે જે વિજ્ઞાન, ટેકનોલોજી અને ગેજેટ્સ (ઉપકરણો) આજે ઉપલબ્ધ છે એ આજની પહેલાં ક્યારેય કોઈને ઉપલબ્ધ ન હતા. એ હિસાબે આજનો માણસ ‘સુખીરાજા’ હોવો જોઈતો હતો, પરંતુ દુર્ભાગ્ય કે સદ્ભાગ્યે એવુ નથી. આજનું બાળક કોઈ એક રમકડાથી બહુ જલદીથી કંટાળી જાય છે, પછી એને વધારે સારૃં નવું રમકડું જોઈએ છીએ, થોડા દિવસમાં એનાથી પણ એ કંટાળી જાય છે. આવી જ રીતે આજના યુગનો માનવી સેન્સેશન અર્થાત્ ઇન્દ્રીયાતીત આનંદ લેવામાં જ પોતાની જાતને સુખી માને છે. પરંતુ એનાથી એ બહુ જલદી કંટાળી જાય છે, એને કેફી દ્વવ્યોની જેમ વધારે ભારે ડોઝ લેવો પડે છે. એમ વધારેને વધારે ઇન્દ્રીયાતીત આનંદ લેતો જાય છે. પરિણામે એક સમય એવો આવે છે કે ઇન્દ્રીયો થાકી જાય છે. રીસ્પોન્સ આપતી અટકી જાય છે, અને આ મળતો આનંદ જ બંધ થઈ જાય છે. પરિણામે સુખની શોધમાં નીકળેલો માણસ વધારે દુઃખી દુઃખી થઈને પાછો આવે છે.
તો પછી સુખ મળે ક્યાં? આ પ્રશ્ન થોડો વિકટ છે પણ એનો ઉત્તર તો દરેક માણસ પાસે જ છે. એને ક્યાંક બહાર શોધવાની જરૃર નથી કે ગુગલ ઉપર સર્ચ કરવાની પણ આવશ્યક્તા નથી. દરેક માણસે પોતે જ જાણવું પડે છે કે એનો સુખ શામાં સમાયેલો છે. અમારા જેવાને પૂછો તો કહીએ કે અમારૃં સુખ એકાંતમાં કોઈ સુંદર પુસ્તક વાંચવા મળે એમાં છુપાયેલું છે. કોઈને લખવામાં સુખ મળે છે તો કોઈને સરસ મજાનું પેઈન્ટીંગ કરવામાં, કોઈને ફોટોગ્રાફીમાં, કોઈને સ્કેચ બનાવવામાં, કોઈને ગીત, સંગીત, ફીલ્મોમાં તો કોઈને પ્રવાસે ઉપડી રખડવામાં, તો કોઈને બીજાની મદદ કરવામાં, કોઈને કવિતાઓ કે નવલો વાંચવામાં સુખ મળે છે. લિસ્ટ ઘણું લાંબુ થઈ શકે.
વિદ્વાનો કહે છે કે સુખને ભૌતિક વસ્તુઓમાં શોધવાને બદલે પ્રાકૃતિક – નેચરલ વસ્તુઓમાં શોધવું જોઈએ. આવા શોધકો, કવિઓ, લેખકો, ફિલસૂફો અને પ્રકૃતિપ્રેમીઓ હોય છે જેમને ‘ગાંડા’માં ગણી લેવામાં આવે છે! તમારા મનને આનંદથી ભરી દેવું હોય, રોમેરોમ સુખનો અનુભવ કરવો હોય તો કોઈ હિલ સ્ટેશને જઈને સૂર્યાસ્તને જોજો, હિલસ્ટેશનના ઢોળાવો ઉપર ફેલાયેલા હરિયાળા વૃક્ષોને જોજો, કોઈ ખળખલ વહેતી નદીમાં ડૂબકી મારજો કે ગીત ગાતું હોય એવા ઝરણાને પર્વત ઉપરથી પડતું જોજો, બગીચામાં પથરાયેલા રંગબેરંગી ફૂલોના રંગોથી આંખોને તાજગી આપજોને એની સુગંધથી ફેફસાં ભરજો, કોઈ ખેતરને ખોળે જઈ હવામાં ઝૂલતો પાક જોજો, ઘટાદાર વૃક્ષોને ઊભા રહી પક્ષીઓનો કલરવ સાંભળજો, ક્યારેક વહેલી સવારે ઉઠીને સૂર્યોદય જોજો, આકાશમાં ફેલાયેલી કુમાશભરી લાલી કોઈ શરમાયેલી મુગ્ધાના ગાલોની લાલીથી પણ વધૂ સુંદર લાગશે. અત્યારે વર્ષાઋુતુ શરૃ થઈ ચુકી છે. દૂર દૂરથી આવતો કોયલનો ટહૂકો ધ્યાનથી સાંભળજો અને પહેલા વરસાદમાં ભીંજાયેલી માટીની સુગંધ કે જે વિશ્વની શ્રેષ્ઠ સુગંધોમાંથી એક છે. આવી સુંદર સુગંધને ફેફસાઓમાં ભરી લેવાની ઇચ્છા કરજો. આ ઇચ્છા જેને ન થાય એણે મનોચિકીત્સકનો સંપર્ક કરવો જોઈએ. આવી તો અનેક બાબતો છે, જેમાંથી મળતો આનંદ સુખની ચરમસીમાએ લઈ જાય છે.
આ બધી વાતોમાં ઘણા લોકોને રસ પડતો નથી ને પાછા આપણે રહ્યા ગુજરાતી. આપણને રસ પડે માત્ર પૈસામાં આપણને સુખ માત્ર પૈસામાં જ દેખાય છે. પૈસા કમાવવા એ બુરી વાત નથી, પૈસા તો જીવનમાં મહત્વનાં છે જ. એના વિના આપણા ઘણા કામો અટકી જાય છે. પૈસાનું મહત્વ એના સ્થાને છે જ. પૈસા જેમની પાસે નથી હોતા એવા ઇર્ષ્યાળુઓ જ એની બુરાઈ કરે છે અને માત્ર ગરીબીમાં જ સુખ છે એવી સદીઓ જુની ડંફાશો મારે છે. અમે પૈસાની ક્યારેય બુરાઈ નથી કરતા. હવે તો વૈજ્ઞાનિકોએ સંશોધન પણ કર્યું છે જેનાથી જણાયું છે કે જેની પાસે પૈસા હોય છે તેઓ સુખી હોય છે, અથવા સુખી હોવાનો દેખાવ કરે છે. પરંતુ માત્ર પૈસાથી જ બધુ સુખ મળી જશે એ માનવું પણ ભૂલભરેલું છે. પૈસા હોય તો આર્થિક ચિંતાઓ ઓછી થઈ જાય છે પરંતુ સાથેસાથ માનસિક ચિંતાઓ પણ વધી જવાના ઘણા કિસ્સા આપણને કરી લે છે. આવા સમાચારો પણ આપણને વાંચવા કે જોવા મળે જ છે. પૈસાનું બીજું દુષણ એ છે કે જેની પાસે હોય છે એને એ વધારે ન વધારે મેળવવાની લાલસા વધતી જાય છે. પરિણામે માણસ એનો ઉપયોગ કરી જીવનમાં ઉપાધિઓ વહોરી લે છે. એ ઉપરાંત આ લાલસામાં અનૈતિકતાનો આશરો લેતા પણ ખચકાતો નથી. માણસને અનૈતિકતાની ખાઈમાં પૈસાને જ જવાબદાર ગણવું જોઈએ. પૈસાથી ભૌતિક વસ્તુઓ ખરીદી શકાય, સુખ ખરીદી શકાતું નથી. એ બધુ જ પૈસાથી ખરીદી શકાતું હોત તો ધનવાનો આ જગતના સુખીમાં સુખી માણસો હોત ને ગરીબો દુખીમાં દુખી. પરંતુ આવું થતું નથી. ઘણા ધનવાનોને આપણે દુખી જોઈએ છીએ અને ઘણાબધા ગરીબોને સુખી. પૈસો એક એવી વિચિત્ર વસ્તુ છે જેના વિશે આપણે કહી શકીએ કે જેની પાસે નથી એ બદનસીબ છે, જેની પાસે છે એ ભાગ્યશાળી છે અને જેની પાસે વધારે પડતુ છે એ વધારે બદનસીબ છે!
નોર્મન બીન્સેન્ટ પીલે એક જગ્યાએ લખ્યું હતું કે સુખી થવાનો સૌથી મોટું રહસ્ય કંઇ લેવામાં નહીં પરંતુ કંઇક આપવામાં છુપાયેલું છે. તમે તમારી જાત માટે શું કરો છો એનાથી સુખી નથી થવાતું પણ બીજાઓ માટે તમે શું કરો છો એનાથી સુખી થવાય છે.
સુખી થવાનો એક ઉપાય વિદ્વાનોએ એ પણ સુચવ્યું છે કે માણસે પ્રમાણિક બનવું જોઈએ. નોકરી-ધંધામાં, કામકાજમાં દરેક બાબતમાં માણસે પ્રમાણિક બનવું જોઈએ. જો એમ થાય તો એ ઘણી માનવસર્જિત મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી લે છે. પ્રમાણિકતાથી માનસિક શાંતિ મળે છે એનો તો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી અને માનસિક શાંતિ સુખી થવા માટેની સૌથી મહત્વની બાબત છે. એક મધ્યમવર્ગનો ક્લાસ ૨-૩ કે ૪ નો પ્રમાણિક અધિકારી કે જે લાંચ રૃશ્વત લેતો નથી. કશું ખોટું કરતો નથી અને પ્રમાણિકતાથી પોતાની ફરજ નિભાવે છે એ કે પછી એક ક્લાસ-૧ અધિકારી અનૈતિકતાથી લાખો રૃપિયા લાંચ રૃશ્વત લઈને ઘરમાં ભર્યે જાય છે જેના માથે એસીબીની કે ખાતાકીય તપાસની તલવાર સતત લટકતી રહે છે. આ બેમાંથી તમે કોને સુખી માનશો?
સુખી થવું એ દરેક માણસની મહેચ્છા હોય છે પણ એને પામવાના માર્ગ પણ પ્રમાણિક જ હોવા જોઈએ.