Saturday, December 21, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપસોશિયલ મીડિયા ઉપર ઇસ્લામનું સાચું શિક્ષણ પ્રસરાવવું પણ વર્તમાન યુગની જિહાદ...

સોશિયલ મીડિયા ઉપર ઇસ્લામનું સાચું શિક્ષણ પ્રસરાવવું પણ વર્તમાન યુગની જિહાદ હશે

… મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાની

અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું એ ધાર્મિક ફરજોમાંથી એક છે, પરંતુ અફસોસ કે આજે જિહાદના નામને ઇસ્લામ વિરોધીઓએ એટલો બદનામ કરી દીધો છે કે જાણે આનાથી મોટું અનિષ્ટ વિશ્વમાં બીજું કોઈ નથી. અને સાથે આ વાત પણ સ્વીકારવી જોઈએ કે કેટલાક ‘નામ’ માત્રના મુસ્લિમો કે જેમને ઇસ્લામ સાથે કોઈ લેવા દેવા નથી એમણે આ જિહાદના નામે લડાતા યુદ્ધ અને ખૂનામરકીને વૈદ્ય કરાર આપ્યો છે. જેનું ઉદાહરણ હાલમાં મુસ્લિમ જગત અને વિશેષત આરબ જગતમાં ચાલી રહેલો સંઘર્ષ છે. આ કોઈ જિહાદ નથી. માત્ર જિહાદના નામે ઝઘડો અને ખૂનામરકી કરવામાં આવી રહી છે. આ લોકો મુસ્લિમો નથી પરંતુ ઇસ્લામના શત્રુઓ છે જેઓ ઇસ્લામને બદનામ કરી રહ્યા છે અને ઇસ્લામના શત્રુઓની મદદ કરી રહ્યા છે.

જિહાદનો અર્થ છે મહેનત કરવી કે પ્રયત્ન કરવો. હુઝુર સ.અ.વ.એ હજને ‘અફઝલુલ જિહાદ’ (સર્વશ્રેષ્ઠ જિહાદ) ગણાવ્યું. (બુખારી, હદીષ નં. ૨૭૮૪). એવી જ રીતે એક હદીસમાં આપ સ.અ.વ.મે માતા-પિતાની સેવાને જિહાદની સમકક્ષ ગણાવી. (બુખારી હદીસ નં. ૩૦૦૪). આ મહેનત કે પ્રયત્ન શેતાન અને વાસનાની વિરુદ્ધ પણ હોઈ શકે છે અને અત્યાચારીઓની વિરુદ્ધ પણ. એટલા માટે અલ્લામા ઇબ્ને કય્યિમે જિહાદના ચાર પ્રકારો વર્ણવ્યા છે. નફસ (મન) સાથે જિહાદ, શેતાનથી જિહાદ, ઇસ્લામના શત્રુઓ સામે જિહાદ અને મુનાફિકો (દંભીઓ) સામે જિહાદ. (ઝીદુલ મેઆદ ૧૧-૧૦/૩).

અત્યાચારીઓ વિરુદ્ધ જિહાદ માટે પણ અલ્લાહ તઆલાએ બે માધ્યમો દર્શાવ્યા છે. એક માલ અને બીજું જાન. માલથી જિહાદનો અર્થ એ છે કે પીડિતોને સહાય કરવામાં આવે અને આર્થિક રીતે અત્યાચારીઓને અત્યાચાર કરવાથી રોકવામાં આવે. જાનથી જિહાદનો અર્થ માત્ર ખૂનામરકી નથી. પરંતુ આનો સંબંધ જિહાદ કરનારની શક્તિ સાથે છે અને જેની સામે જિહાદ કરવામાં આવે છે એની સ્થિતિ ઉપર આધારિત છે. જે માણસ કોઈના અત્યાચારને રોકવા માટે તાકતનો ઉપયોગ કરી શકતો હોય તો એણે એનો ઉપયોગ કરવો જોઈએ. તાકતના પ્રયોગનો અર્થ જે તે દેશના કાનૂનની હદમાં રહીને બળપ્રયોગ કરવો. એ છે જો કાનૂનની મર્યાદાઓ વટાવી દે તો એના એવા કાર્યનો કોઈ અર્થ નથી, અને શરીઅત આની રજા પણ આપતી નથી. ઈમાનનો બીજો દરજ્જો આ છે કે અત્યાચારને જીભથી અર્થાત્ બોલવચનથી રોકવાનો પ્રયત્ન કરવામાં આવે આને રસૂલ સ.અ.વ.એ જિહાદનો દરજજો આપ્યો છે અને અત્યાચારીની સામે ન્યાયી વાત કહેનારને સૌથી મોટો જેહાદી ગણાવ્યો છે. (સુનન તિરમીઝી)

અત્યાચારીના અત્યાચારને અને પીડિતની મદદ કે પ્રયત્ન જેહાદમાં સામેલ છે. અત્યાચારના યુગમાં શાંતિપૂર્વક જિહાદ માટેના કેટલાક માધ્યમો સામે આવ્યા છે જે પાછલા સમયમાં કલ્પના બહાર હતું. આ સંદર્ભે બે મુદ્દાઓ બહુ મહત્વનાં છે. એક સોશિયલ મીડિયાનો ઉપયોગ અને બે અત્યાચાર વિરુદ્ધ કાનૂની લડત. આજે મીડિયાની ભૂમિકા ખૂબજ મહત્વની થઈ ગઈ છે. એટલી બધી કે કોમોનું ભાગ્ય એના દ્વારા જ લખાય છે. ઇલેકટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા, દુર્ભાગ્યવશ એના ઉપર એવા લોકોનું આધિપત્ય છે જેઓ બિનજવાબદાર કહેવા કરતાં અત્યાચારીઓના તરફદાર છે, જેઓ દિન-રાત ન્યાયનું ખૂન કરતાં રહે છે. પરંતુ છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં સોશિયલ મીડિયાએ યુટયુબ, ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટરના રૃપમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરી લીધું છે, જેનો વિવિધ લોકો અને સંસ્થાઓ પોતપોતાની રીતે ઉપયોગ કરી શકે છે, સારા કાર્ય માટે અને અનુચિત કાર્ય માટે પણ. તોય આનો ઉપયોગ એક શક્તિશાળી માધ્યમ તરીકે કરવો જોઈએ.

આજકાલ સોશિયલ મીડિયામાં ઇસ્લામ અને પેગમ્બર સાહેબ સ.અ.વ. વિરુદ્ધ કુપ્રચાર કરવામાં આવી રહ્યું છે. કેટલાક કટ્ટર બિનમુસ્લિમોના લાગણી દુભાવનારા બયાનો પ્રસારિત કરવામાં આવે છે જેને સાંભળી અજાણ અને ભોળાભાળા હિન્દુ ભાઈઓ પણ એમની વાતોના ચક્રમાં ફસાઈ જાય એ સ્વભાવિક છે.

એવા સમયે આ ભાષણોની વીડિયો ક્લિપ કે ઓડિયો ક્લિપ સાંભળી એનો દલીલસભર પ્રતિઉત્તર આપવો જોઈએ. તર્કબદ્ધ દલીલ કરી કોમેન્ટ્સ બોક્ષમાં લખવી જોઈએ. આ કાર્ય સંગઠિત રૃપે કે વ્યક્તિગત રૃપે પણ કરી શકાય છે. જેથી સત્ય બધા સુધી પહોંચે. સાચું શું અને ખોટું શું છે એની અનુભૂતિ વાચકો કે દર્શકોને થાય. આ દલીલસભર પ્રતિઉત્તર વાળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે આ કોમેન્ટ્સ કોઈની લાગણી દુભાવે કે ઉશ્કેરે એવી ન હોવી જોઈએ. આમાં દાવત અને ઇસ્લાહની વાત પણ હોવી જોઈએ. હિંદીની સાથે અંગ્રેજી ભાષામાં પણ હોવી જોઈએ. જેથી વિશ્વના ઘણાબધા લોકો સુધી વાત પહોંચે. ઇસ્લામની વિરુદ્ધ જે ઝેરી પ્રચાર કરવામાં આવે છે એને રોકવાનો આ જ શ્રેષ્ઠ ઉપાય છે.

લાગણી દુભાય કે ઉશ્કેરણી ફેલાય એવા પ્રતિઉત્તર વાળવાથી લડાઈ ઝઘડો કે ખૂનામરકી થવાની શક્યતા રહે છે. આવું ન થાય એટલા માટે નમ્રતાપૂર્વક અને તર્કબદ્ધ દલીલો સાથે પ્રેમપૂર્વક જવાબ આપવામાં આવે તો એનો પ્રભાવ વધારે પડે અને જે શંકા કુશંકાઓ છે એ પણ દૂર થાય તો ઇસ્લામના દુશ્મનોનું ષડયંત્ર નિષ્ફળ થાય. એટલું જ નહીં આપણા જ દેશના ઘણા બધા લોકો આપણને સાથ સહકાર આપવા તૈયાર થાય. બીજું અસરકારક કાર્યવાહી કાનૂની કાર્યવાહી છે. તલવાર કે બંદૂકના જોરે જે કામ નથી થઈ શકતું એ માત્ર કલમની તાકાતના સહારે કાનૂની કાર્યવાહી કરવાથી થઈ શકે છે. ગમે તેટલો તાકતવર માણસ સામે હોય પણ કાનૂની કાર્યવાહીની વાત આવે એટલે ઢીલો પડી જાય છે. ગરીબ અને નિર્બળ માણસ પણ કાનૂનની સહાયથી એની સામે લડી શકે છે. માટે કાનૂની રીતે જે કાંઇ પગલાં લઈ શકાય એ પગલા આવા ઘૃણા ફેલાવનારા કે અરાજકતા ફેલાવનારા સામે લેવા જોઈએ. અને એફઆઈઆરની નકલ લેવાનું ભૂલવું જોઈએ નહીં. એફઆઈઆરમાં યોગ્ય અને સક્ષમ કલમો લગાવાઈ છે કે નહીં એની પણ ખાતરી કરવી જોઈએ.

હાલના સંજોગોમાં દેશમાં વિવિધ સ્થળોએ એક સમજી વિચારેલી રણનીતિના આધારે કેટલાક કટ્ટરપંથી હિંદુ સંગઠનો દ્વારા ઇસ્લામ મુસલમાનો અને પેગમ્બરે ઇસ્લામ વિરુદ્ધ કુપ્રચાર અને ઘૃણાત્મક બયાનો ફેલાવવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે જેથી સામાજિક વાતાવરણ ડહોળાય અને સાંપ્રદાયિક તણાવને લીધે રાજકીય રોટલો જલદી શેકાય એવી પેરવી કરવામાં આવી રહી છે. આવા સમયે આવા લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવી આવશ્યક છે. સરકાર સમક્ષ પણ આનો વિરોધ નોંધાવવો જરૂરી છે, જેથી આવા તત્વો સામે કાર્યવાહી કરવા માટે સરકાર લાચાર બને.

આ કાર્ય નાનુ સૂનું નથી બહું મોટું છે. એ માટે વ્યક્તિગત ધોરણે કાર્ય ન થઈ શકે. એના માટે તો સંગઠિત થવું પડશે. અને વિવિધ સંગઠનો પણ જો યોગ્ય કો. ઓર્ડીનેશન નહીં કરે તો કાર્ય મુશ્કેલ છે. તેથી દરેક સંગઠને પોતપોતાનું કાર્યક્ષેત્ર અને જવાબદારી નક્કી કરી લેવી જોઈએ. જો આવું થાય અને કેટલાક સંગઠનો કાનૂની કાર્યવાહી કરવાની જવાબદારી લે તો આવા ઘૃણા ફેલાવનારા તત્વોને સબક મળે. એમને સજા થાય તો એના અસરકાકરક પરિણામ જોવા મળે. ભવિષ્યમાં આમના જેવા તત્વો ઉશ્કેરણી અને ઘૃણા ફેલાવતા પહેલા દસ વાર વિચાર કરશે. શરત આટલી જ છે કે કાનૂની લડત સતત આપવી પડશે.

આ કાર્ય માટે પુષ્કળ ધનની આવશ્યક્તા રહે. એ માટે સમાજના દોલતમંદો અને તવંગરોએ વેપારીઓએ પોતાની ફરજ સમજી આ ચળવળને આગળ વધારવા માટે શક્ય એટલી આર્થિક મદદ કરવી પડશે. મુસલમાનોએ પોતાના ખોટા ખર્ચાઓ બંધ કરવા પડશે. લગ્નો અને બીજા પ્રસંગોએ ભાપભપકા અને શોબાજી બંધ કરી સાદગીથી પ્રસંગો ઉજવવા જોઈએ અને વધેલા પેસા કોમના આ કાર્ય માટે આપે. આજે આવશ્યક્તા છે દૃઢ નિર્ધાર અને હિમ્મતની, સંગઠનની એકતાની અને બીજા માટેની લાગણીની. કુઆર્નમજીદમાં ઘણી જગ્યાએ જિહાદનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રવર્તમાન સંજોગોમાં સંપત્તિ દ્વારા જિહાદની આ શ્રેષ્ઠ રીત છે. ઇન્શાઅલ્લાહ આમાં જિહાદ ફી સબીલિલ્લાહનો પુણ્ય છે. કોમના વિદ્વાનો, મશાયખો, ચિંતકો અને બુદ્ધિજીવીઓ એક સાથે બેસી ચિંતન મનન કરે અને યોગ્ય પગલા ઉઠાવે તો કોઈ આપણને રોકી શકે એમ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments