બ્રિટિશ સામ્રાજ્યવાદથી આઝાદી મેળવ્યા બાદ દેશના મુસમલાનો સામે ગંભીર પ્રકારની અનેક સમસ્યાઓ કે પ્રશ્નો ઉદ્ભવતા હતા,એમાંનો એક પ્રશ્ન તેમની ઇબાદતગાહો કે મસ્જિદોનો પણ હતો. તેમાં પણ ઐતિહાસિક પ્રાચીન મસ્જિદોની પુનઃપ્રાપ્તિનો પ્રશ્ન મુખ્ય હતો.આ ઉપરાંત કબ્રસ્તાનોની સાર-સંભાળ, વકફ મિલકતોની જાળવણી, પર્સનલ લૉની સુરક્ષા,આધુનિક તથા દીની શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા, રોજગાર અને રમખાણો જેવી બાબતો પણ ખૂબ જ મહત્ત્વની હતી.પરંતુ સરકારે અવાર-નવાર કે પ્રસંગાનુસાર મુસલમાનોની આવી મહત્ત્વની સમસ્યાને ઉકલેવાને બદલે તેમને કોઈ ને કોઈ બિન-જરૂરી કે નોન-ઇસ્યુ જેવી બાબતોમાં ગૂંચવી દીધા અને એક યા બીજા કારણસર મિલકતના અગ્રણીઓ પણ આમાં મતભેદ દ્વારા વેર-વિખેર કે વિભાજિત થતા રહ્યાં.
ખૈર! અન્ય પ્રશ્નોની જેમ સરકાર દ્વારા બાબરી મસ્જિદના પ્રશ્નને પણ ખૂબ જ ગૂંચવી દેવાયો હતો. આ સીધી-સાદી બાબતને પણ દેશની આઝાદીના બે વર્ષ અને ચાર મહિના બાદ તા.૨૨-૨૩ ડિસેમ્બર ૧૯૪૯ની મધ્ય રાત્રે બાબરી મસ્જિદમાં મૂર્તિઓ મુકાયા બાદ સહેલાઈથી ઉકેલવાના બદલે એટલી હદે ગૂંચવી નાખી કે ૭૦ વર્ષ જેટલા બિન-જરૂરી લાંબા ગાળા દરમ્યાન હજારોના મૃત્યુ અને કરોડો -અબજાે રૂપિયાના નુકસ ાન બાદ પણ તેનો એવો અંત આવ્યો કે જે દેશ અને ન્યાયતંત્ર માટે બદનામીનું કારણ પુરવાર થયો.
આ દરમ્યાન ફેબ્રુઆરી, ૧૯૮૬માં બાબરી મસ્જિદનું તાળું ખોલાવડાવી તેને અમલી રીતે મંદિરમાં તબ્દીલ કરી દેવાની નીચલી અદાલતની કાર્યવાહી બાદ આ પ્રશ્ન વધુ ગંભીર બનતો ગયો, અને આ પ્રશ્ન તેમની પ્રાથમિકતાઓમાં પણ અગ્રસ્થાને આવી ગયો. આમ છતાં ભલેથી બાહ્ય રીતે જાેતાં રામ મંદિરના નામે કેટલાક ચહેરા સામે આવ્યા હોય, પરંતુ વાસ્તવમાં તો આની પાછળ એ જ લોકોની માનસિકતા કાર્યરત્ રહી જેઓ દેશની આઝાદી પછીથી મુસલમાનોને હર-હંમેશ કોઈ ને કોઈ બિન-જરૂરી કે વ્યર્થની સમસ્યામાં ગૂંચવેલા રાખવા ઇચ્છતા હતા.
બાબરી મસ્જિદનો પ્રશ્ન ભારતના મુસ્લિમો માટે ખૂબ જ નાજુક, સંવેદનશીલ અને મહત્ત્વનો પ્રશ્ન રહ્યો છે. આના વિષે મિલકત તથા દેશ -બાંધવોના જુદા જુદા વર્તુળોમાં જુદા જુદા અભિપ્રાયો સામે આવતા રહ્યા. આમાં સમર્થન તથા વિરોધ બંને પ્રકારના અભિપ્રાયો સામેલ હતા.બાબરી મસ્જિદના સમર્થકો ઐતિહાસિક તથ્યોની રૂએ ન્યાયની માગણી કરી મસ્જિદ તેમને સોંપી દેવાની વાત કહેતા રહ્યા; જ્યારે સામાપક્ષે રામ મંદિરના સમર્થકો આસ્થાના નામે એ સ્થળ તેમને સોંપી દેવાની વાત રજૂ કરતા રહ્યા.
પરંતુ વાસ્તવિકતા આ રહી કે બાબરી મસ્જિદ માટે મુસલમાનોએ ન તો ખોટી રીતે આ પ્રશ્ને હઠાગ્રહ કર્યો, અને ન તો બળજબરીની કોઈ વાત કહી, બલ્કે લગભગ ૫૦૦ વર્ષ જૂની પોતાની આ મસ્જિદ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને માનવાની વાત કહેતા રહ્યા અને અંતે ૯મી નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટમાં, એ સમયના માનનીય સી.જે.આઈ. અને અન્ય બે ન્યાયાધીશો દ્વારા આ અંગે ચુકાદો સંભળાવવામાં આવ્યો.આમાં બાબરી મસ્જિદમાં ૨૨-૨૩ ડિસેમ્બર ૧૯૪૯ની મધ્યરાત્રીએ મૂર્તિઓ મૂકવા અને ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ ધોળે દહાડે બાબરી મસ્જિદને શહીદ કરવાને ગુનાહિત કૃત્ય ઠેરવ્યા બાદ પણ એ શહીદ કરનારાઓને જ બાબરી મસ્જિદ સ્થળ રામમંદિર નિર્માણ કરવા માટે સોંપી દેવાયું, અને અંતે આવા ઐતિહાસિક કેસનો આવો દુઃખદ ચુકાદો સંભળાવી દેવાયો.
તે અર્થાત્ બાબરી મસ્જિદ સ્થળ રામ મંદિર બાંધવા માટે સોંપી દેવાયું અને તેના માટે સરકારને કહેવાયું કે એક ટ્રસ્ટ બનાવવામાં આવે.
ખૈર! આ મહત્ત્વના અને ઐતિહાસિક ચુકાદા બાદ મિલ્લત, દેશ -બાંધવો તથા ન્યાયધીશોમાં જે પણ નારાજગી , બેચેની, વ્યાકુળતા, અસંતોષ અને દુઃખની લાગણીઓ જાેવા મળી તેનાથી આપણે સૌ વાકેફ છીએ તેમજ તેના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે જે ઊંડા પ્રત્યાઘાતો પડ્યા તે પણ જગ-જાહેર છે.
બસ આ અવસરે એટલું અવશ્ય કહીશું કે જાે બાબરી શહીદી માટે આ છોડી મુકાયેલા ‘મોટા માથાઓ’ જવાબદાર કે દોષી નથી તો શું બાબરી મસ્જિદે પોતે ‘આત્મહત્યા’ કરી છે? શું તેના માટે કોઈ જવાબદાર નથી? જાે આ ‘મોટા માથા’ કે ‘મોટી માછલીઓ’ જવાબદાર કે દોષી નથી તો પછી કોણ છે? શું એમને શોધવાની, એમની સામે પુરાવાઓ એકત્ર કરવાની અને તેમને સજા આપવાની જવાબદારી કોની છે? તેમના શબ્દોમાં જાે કેટલાક અસામાજિક તત્ત્વોએ આ કૃત્યુ કર્યું હતું, તો એ ‘અસામાજિક તત્ત્વો’ કોણ હતા? અને તેમને સજા કોણ અને કેવી રીતે આપશે? શું આ કામ સરકાર જે તે પક્ષકાર, સમાજ કે વ્યક્તિઓને સોંપી દઈ ‘અસલ’ દોષિતોને શોધી શોધી સજા અપાવડાવવા ચાહે છે? શું આ રીતે સમાજમાં અસંતોષ અને અરાજકતા નહીં ફેલાય?
અંતમાં આ કહી શકાય કે પહેલાં બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ હતી, પછી લોકશાહીના સ્તંભો હચમચી ગયા હતા અને હવે એવું લાગે છે કે જાણે ન્યાયની કતલ કરવામાં આવી છે. સત્તાધીશો અને ન્યાયતંત્રના હોદ્દેદારો તો ‘આવતા’ અને જતા ‘રહેશે’, આ પ્રક્રિયા ચાલતી જ રહેવાની છે; પરંતુ હકીકત આ છે કે વહીવટીતંત્ર જેનાથી દેશ અને ન્યાયતંત્રના માથે કલંક લાગતું હોય તેનાથી સંપૂર્ણપણે બચવામાં આવે.