(મક્કામાં અવતરિત થઈ * રુકૂઅ: ૧ * આયતો: ૧૭)
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧. સોગંદ છે આકાશના અને રાત્રે પ્રગટ થનારના !
૨. અને તમે શું જાણો કે તે રાત્રે પ્રગટ થનાર શું છે?
૩. ચમકતો તારો !
૪. કોઈ જીવ એવો નથી જેના ઉપર કોેઈ દેખરેખ રાખનાર ન હોય.
૫. પછી જરા મનુષ્ય એ જ જોઈ લે કે તે કઈ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે.
૬. એક ઊછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે
૭. જે પીઠ અને છાતીના હાડકાઓના વચ્ચેથી નીકળે છે.
૮. ચોક્કસપણે તે (સૃષ્ટા) તેને ફરી વાર પેદા કરવા સમર્થ છે.
૯. જે દિવસે છૂપા રહસ્યોની તપાસ થશે
૧૦. તે વખતે મનુષ્ય પાસે ન પોતાની કોઈ શક્તિ હશે અને ન કોઈ મદદ કરનાર હશે.
૧૧. સોગંદ છે વરસાદ વરસાવનાર આકાશના
૧૨. અને (વનસ્પતિ ઊગતી વખતે) ફાટી જનાર જમીનના,
૧૩. આ એક સટીક અને ખરી વાત છે,
૧૪. ઠઠ્ઠા-મશ્કરી નથી.
૧૫. આ લોકો (અર્થાત્ મક્કાના કાફિરો) કેટલીક ચાલો ચાલી રહ્યા છે
૧૬. અને હું પણ એક ચાલ ચાલી રહ્યો છું.
૧૭. તોેે છોડી દો, હે પયગંબર ! આ ઇન્કાર કરનારાઓને થોેડાંક સમય માટે, એમના હાલ પર છોડી દો.