હઝરત અબૂહરૈરહ રદિ. રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું : અલ્લાહતઆલા ફરમાવે છે કે, “ઇબ્ને આદમ (મનુષ્ય) મને ખરાબ શબ્દો કહે છે જો કે આ તેને શોભતું નથી, અને તે મને જૂઠો ઠરાવે છે અને આ તેને શોભતું નથી. તેનું ખરાબ બોલવું આ છે કે તે મારા માટે સંતાન સૂચવે છે અને જૂઠો ઠરાવવું આ છે કે તે કહે છે, જેવી રીતે અલ્લાહે મને પહેલી વખત પેદા કર્યો એવી જ રીતે બીજી વખત પેદા નહીં કરે.” (બુખારી – કિતાબ બદઉલખલ્ક)
સમજૂતી :
આ હદીસેકુદસી છે જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ અલ્લાહતઆલાનું ફરમાન નોંધ્યું છે. આમ આ હદીસ અસાધારણ મહત્વ ધરાવે છે. આમાં એ બે મોટી ગુમરાહીઓની અયોગ્યતા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે જેની અંદર ઘણાં લોકો પડેલાં છે.
એક ગુમરાહી આ છે કે અલ્લાહ માટે સંતાન સૂચવવામાં આવે. કેટલાક ધર્મો એવાં છે જેમાં અલ્લાહની સંતાન હોવાની માન્યતા છે. દા.ત. ખ્રિસ્તીઓ હઝરત ઇસા અ.સ. અલ્લાહના પુત્ર છે એવો દાવો તેઓ કરે છે. યહૂદીઓ હઝરત ઉઝૈરને અલ્લાહનો પુત્ર કહે છે, અને મક્કાના મુશ્રિકો ફરિશ્તાઓને અલ્લાહની પુત્રીઓ ઠરાવતા હતા. જો કે આની પાછળ ન કોઇ બુદ્ધિયુક્ત દલીલ છે ન તો કોઇ લેખિત પુરાવો છે! બલ્કે આની અયોગ્તયા એકદમ સ્પષ્ટ છે. કેમકે ઔલાદનો અર્થ અલ્લાહને મનુષ્યસ્તરે લઇ આવવાનો થાય છે જ્યારે તે ખુબ જ ઉચ્ચ અને આવી વસ્તુથી પર હસ્તી છે. તેને પુત્ર કે પુત્રી હોવાનો હલકો ખ્યાલ એ જ લોકો ધરાવે છે જેમનું વિચારવાનું સ્તર ઊચું નથી હોતું, નહીં તો આ નબળાઇની વાત અલ્લાહના નામ સાથે કઇ રીતે જોડી શકાય? એટલા જ માટે અલ્લાહતઆલા ફરમાવે છે કે મારા માટે સંતાન સૂચવવી હકીકતમાં મારા માટે ખરાબ શબ્દો બોલવાં છે.
બીજી મોટી ગુમરાહી બીજીવાર પેદા થવાની હકીકતનો ઇન્કાર છે. જ્યારે અલ્લાહતઆલા પોતાના પયગમ્બરો અને ગ્રંથો દ્વારા મનુષ્યને જણાવતો રહ્યો છે કે કયામતનો દિવસ ચોક્કસ આવવાનો છે, અને એ દિવસે તમામ મનુષ્યોને બીજીવાર ઉઠાવવામાં આવશે જેથી અલ્લાહની અદાલતમાં દરેકને હાજર કરવામાં આવે અને પોતાના કર્મો અનુસાર બદલો કે સજા મેળવે. મનુષ્યને આ બીજું જીવન આપવું બુદ્ધિસંગત અને ન્યાયોચિત પણ છે અને આવું કરવા માટે અલ્લાહતઆલા ચોક્કસ શક્તિશાળી છે, પરંતુ મનુષ્ય ઇચ્છતો નથી કે એવા ખ્યાલનો સ્વીકાર કરે જેના પરિણામે તેને દુનિયામાં એક જવાબદાર માનવી તરીકે જીવન ગુજારવું પડે. એટલા માટે તે આનો ઇન્કાર કરે છે અને કહે છે કે શું માટીમાં ભળી ગયા પછી મનુષ્યને બીજીવાર જીવતા કરવાનું શક્ય છે? જાણે અલ્લાહ માટે પહેલી વખત પેદા કરવાનમું મુશ્કેલ ન હતું પણ બીજી વખત પેદા કરવાનું મુશ્કેલ છે! દેખાય જ છે કે અલ્લાહની ઊતારેલી કિતાબો અને તેના મોકલેલાં પયગમ્બરોને ખોટાં ઠરાવતા સમાન છે, એટલું જ નહીં પણ હકીકતમાં અલ્લાહને ખોટો કહેવું છે, કારણ કે બીજીવાર ઉઠાડવાની ખબર ખુદ અલ્લાહતઆલાએ પોતાના ગ્રંથોમાં અને પોતાના નબીઓ મારફતે આપી છે અને સૃષ્ટિની અંદર એવી નિશાનીઓ મૂકી છે જે એની તરફ નિર્દેશ કરે છે.