Friday, April 26, 2024
Homeઓપન સ્પેસખાતુને જન્નત હઝરત ફાતિમા રદિ.

ખાતુને જન્નત હઝરત ફાતિમા રદિ.

મુસ્લિમ મહિલા સોસાયટીમાં વિવિધ ભૂમિકાઓ નિભાવી શકે છે. આ ભૂમિકા નિભાવવી તે ઇસ્લામમાં ફરજિયાત નથી. પરંતુ તે પોતાની કાબેલિયત, શ્રદ્ધા અને જવાબદારીના આધારે ઘણી ભૂમિકા નિભાવી શકે છે. જેમ સ્ત્રીઓ ઇસ્લામના આગમન સમયે પણ નિભાવતી હતી. તે સમયે તો મુસલમાનો માટે ઘણી મુશ્કેલીઓનો સમય હતો તો પણ તે સમયની મહિલાઓએ ઇસ્લામિક સોસાયટીમાં પોતાનો અદ્ભૂત રોલ ભજવ્યો. તે સમયે ઘણી સક્ષમ મહિલાઓ હતી જે આપણા માટે આજના યુગમાં પ્રેરણાદાયક સમાન છે. આજે હું તમને એવી જ એક મહિલાની જીંદગી વિશે તમને બતાવવા માંગુ છું. તેમનું નામ છે, હઝરત ફાતિમા રદિ.

હઝરત ફાતિમા (રદિ.) એક પ્રેરણાદાયક દીકરી, પત્ની, માતા, શિક્ષક, માર્ગદર્શક, સામાજિક કાર્યકર તેમજ નર્સ હતા.

હઝરત ફાતિમા રદિ.એ આપ સ.અ.વ. અને તેમના પ્રથમ પત્ની હઝરત ખદીજા રદિ.ની સુપુત્રી હતા. તેમનો જન્મ ૨૦ જમાદિલ સાની ઇ.સ. ૬૦૫ અથવા ૬૧૫ જુમ્આના દિવસે થયો હતો.

બાળપણ – ફાતિમા રદિ. બાળપણથી જ ખૂબ હોંશિયાર અને દયાળુ હતા. એક વખતની વાત છે એક દિવસ પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ખાનાએ કાબામાં નમાઝ પઢી રહ્યા હતા ત્યાં કેટલાક કુરૈશ સરદારોની મહેફિલ જામેલી હતી. તેમાંથી એક માણસે કહ્યું કોણ આપ સ.અ.વ. પર ઊંટની ઓજડી નાંખશે? તરત જ એક બીજી વ્યક્તિ ઊભી થઇ અને જ્યારે આપ સ.અ.વ. સજદામાં ગયા ત્યારે તે માણસે ઊંટની ઓજડી આપ સ.અ.વ.ની ગરદન પર નાંખી દીધી. આપ સ.અ.વ. ઊભા પણ નહોતા થઇ શકતા. બધા કુરૈશ મળીને તેમનો મજાક ઉડાવતા. તેટલામાં જ ફાતિમા રદિ.ને આ કિસ્સાની જાણ થતા તેઓ દોડતા દોડતા આવ્યા અને આપ સ.અ.વ.ની ગરદન પરથી બધી ગંદગી સાફ કરી અને આપ સ.અ.વ.ને ઊભા કર્યા. હઝરત ફાતિમા રદિ.ને તેમના પિતા હઝરત મુહમ્મદ સ.અ.વ. સાથે ખૂબ ગાઢ મુહબ્બત અને લગાવ હતો.

લગ્ન – હઝરત ફાતિમા રદિ.ના નિકાહ અલ્લાહના હુકમથી હઝરત અલી રદિ. કે જે આપ સ.અ.વ.ના પિતરાઇ ભાઇ હતા તેમની સાથે થયા. નિકાહના સમયે હઝરત ફાતિમા રદિ.ની વય ૧૮ વર્ષની હતી અને અલી રદિ.ની વય ૨૧ વર્ષ હતી. તે હિઝરતનું બીજું વર્ષ હતું.

હિજરતના ત્રીજા વર્ષ હઝરત ફાતિમા રદિ.ને ત્યાં પહેલા બાળકનો જન્મ થયો. તેમનું નામ હસન રદિ. રાખયું, ત્યારબાદ એક વર્ષ પછી હ. હુસૈન રદિ.નો જન્મ થયો અને ત્યારબાદ એક વર્ષના અંતરમાં હઝરત ઝૈનબ રદિ. અને હઝરત ઉમ્મે કુલસુમ રદિ.નો જન્મ થયો આ રીતે હઝરત ફાતિમા રદિ. અને હઝરત અલી રદિ.ને ત્યાં ચાર બાળકોનો જન્મ થયો. તેમણે ખૂબ જ સારી રીતે પોતાના બાળકોની તરબિયત કરી. તેમણે તેમના બાળકોને એટલી સરસ રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેથી તેમનામાં ઉચ્ચકક્ષાના સંસ્કારો અને નીતિમત્તા જોવા મળતા હતા. તે ખરેખર તેમના બાળકો માટે એક મહાન માતા સાબિત થઇ.

હઝરત ફાતિમા રદિ.એ શિક્ષક અને માર્ગદર્શક તરીકે ખૂબ જ ઉમદા રોલ અદા કર્યો છે. જે આપણને તેમના બાળકોની ચતુરાઇ, બુદ્ધિમત્તા અને હોંશિયારીથી માલૂમ પડે છે. તેની સાબિતિ માટે એક જ દાખલો આપુ કે હ. હસન રદિ. અને હ. હુસૈન રદિ. આપ સ.અ.વ.ના એક સહાબાને (જેમને વુઝુ કરતા નહોતા આવતા) તેમના હૃદયને દુઃખી કર્યા વગર આમ કહીને વુઝુ કરતા શિખવાડે છેે કે જો જો શું અમે બરાબર વુઝુ કરીએ છીએ.

હઝરત ફાતિમા રદિ. પોતાના ઘરનું દરેક કામ પોતાની જાતે જ કરતા હતા. તે તેમના ઘરનું ઝાડું પોતુ પણ કરતા ચક્કીમાં આટો પણ જાતે વાટતા અને રોટી પણ જાતે બનાવતા. તે પાણી પણ કુવામાંથી જાતે જ લાવતા. જેથી તેમના હાથમાં છાલા અને ખભા પર પાણીના ઘડાના નિશાન પડી ગયા હતા. આમ તે એક સારી અને ઉમદા ગૃહિણી હતા.

તે એક સક્ષમ અને દયાળુ સામાજિક કાર્યકર પણ હતા. તે દરેક વખત બધાની મદદ કરતા ફકત મુસ્લિમોની નહિ, પરંતુ જે પણ તેમને જરૂરતમંદ લાગતું તે તેમની મદદ કરતા તેમના પાસે પણ ઘણી વખત કઇ હોતું નહિ. પરંતુ તે પોતાના શાદીના ઘરેણા, વસ્ત્રો તેમજ ઘરની ખાદ્યસામગ્રી પણ જરૂરતમંદોનો આપી દેતા. તે લોકોની મદદ એ તેમના ઉપકાર માટે નહિં. પરંતુ ફકત અલ્લાહ રાજી થઇ જાય તે માટે કરતા હતા.

તેમણે એક નર્સ તરીકે પણ ખૂબ જ સારો અભિનય કર્યો. તે જંગમાં જે વ્યક્તિઓ ઘાયલ થતા તેમની મરહમપટ્ટી કરતા હતા અને જે વ્યક્તિઓ યુદ્ધમાં મૃત્યુ પામતી તેમના ઘરવાળાઓને આશ્વાસન આપતા અને યતીમ તથા બેવાઓની મદદ કરતા.

હઝરત ફાતિમા રદિ. હિજાબ પર ઘણો ભાર મુકતા તેઓ કહેતા કે તે ઇસ્લામિક વિનમ્ર પહેરવેશ છે અને તે સ્ત્રીઓનો બચાવ કરે છે.

હઝરત ફાતિમા રદિ.નું મૃત્યુ ૩, જમાદીલ સાની સોમવારના દિવસે થયું હતું. તે હિઝરતનું ૧૧મું વર્ષ હતું. તેમના મૃત્યુ સમયે તેમની વય ઘણી નાની હતી. તે સમયે હઝરત હસન રદિ.ની વય સાત વર્ષની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments