Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમૂર્ખ ન બનો: આ યુદ્ધ માત્ર અમેરિકા વિરુદ્ધ ઈરાન નથી, આ ઈઝરાયેલ...

મૂર્ખ ન બનો: આ યુદ્ધ માત્ર અમેરિકા વિરુદ્ધ ઈરાન નથી, આ ઈઝરાયેલ વિરુદ્ધ અમેરિકા છે

જ્યાં મોટા ભાગના અમેરિકનો આ યુદ્ધનો વિરોધ કરે છે, ત્યાં ઈઝરાયેલીઓની વિશાળ બહુમતી તેનું સમર્થન કરે છે. વાસ્તવમાં, આ એક ઈઝરાયેલી યુદ્ધ છે — નહીં કે ‘ઈઝરાયેલી-અમેરિકન’ યુદ્ધ.

  • હામિદ દબાશી

હું એક એવી વાત કહેવા માંગું છું જે શરૂઆતમાં કદાચ વિચિત્ર લાગે. આજે દુનિયા જે જોઈ રહી છે, તે ઈરાન પર “ઈઝરાયેલ-અમેરિકા” જંગ નથી, જેવું કે ઝાયોનિસ્ટ પ્રોપેગેન્ડાએ આ લડાઈ સામેના વ્યાપક અમેરિકી અને વૈશ્વિક વિરોધને શાંત કરવાના પ્રયાસમાં રજૂ કર્યું છે. આ ઈરાન અને અમેરિકા બંને વિરુદ્ધ ઈઝરાયેલી જંગ છે. અમેરિકાથી મારો તાત્પર્ય આ યુદ્ધનો વિરોધ કરનારા મોટા ભાગના અમેરિકનો છે, જેઓ આ ઈઝરાયેલી હુમલાનો ‘હોમ ફ્રન્ટ’ (ઘરેલું મોરચો) છે.

ઈઝરાયેલ અને અમેરિકામાં તેના ‘પાંચમી કૉલમ’ના એજન્ટો વિચારે છે કે તેઓ આ જંગને ઈરાન વિરુદ્ધ “ઈઝરાયેલ-અમેરિકન” ગઠબંધન તરીકે દુનિયાને વેચી શકે છે. તેઓ તેમ કરી શકશે નહીં. સાવધ રહો અને જુઓ કે ન્યૂયોર્ક ટાઈમ્સ અને તેના જેવા બીજા અખબારો અસલી ગુનેગારો — ઈઝરાયેલ અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ — ને બદલે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર યુદ્ધવિરોધી ટીકાઓ કેન્દ્રિત કરીને અમેરિકનોને કેવી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ યુદ્ધ ટ્રમ્પે શરૂ નથી કર્યું, અને ચોક્કસપણે અમેરિકનોએ પણ નહીં.

ઈઝરાયેલે ટ્રમ્પને પોતાની સાથે જોડાવા માટે લલચાવ્યા છે. ઈઝરાયેલને બચાવીને અને ટ્રમ્પની રોજિંદી હરકતોથી તેને અલગ પાડીને, અમેરિકી મીડિયા જનતાને છેતરી રહ્યું છે. તેઓ લોકોને આ યુદ્ધ શરૂ કરનાર નરસંહારી ઝાયોનિસ્ટોના બદલે પોતાના ‘પાગલ’ પ્રમુખ પર ગુસ્સો ઠાલવવા માટે ઉશ્કેરી રહ્યા છે. આ એક એવું યુદ્ધ છે જે ઈઝરાયેલ ઈરાન અને તેનો વિરોધ કરનારા મોટા ભાગના અમેરિકનો, બંને વિરુદ્ધ લડી રહ્યું છે. મોટા ભાગના અમેરિકનો ઈચ્છે છે કે તેમનો દેશ ઈઝરાયેલના પ્રભાવથી મુક્ત થાય, તે વસાહતથી મુક્ત થાય જેને તેઓ પોતાના કલ્યાણની ભારે કિંમત ચૂકવીને આર્થિક સહાય પૂરી પાડે છે.

બે દાયકા પહેલાં, ‘ધ એનાર્કી ઓફ એમ્પાયર ઇન ધ મેકિંગ ઓફ યુ.એસ. કલ્ચર’માં, સ્વર્ગસ્થ એમી કેપ્લાને સમજાવ્યું હતું કે ઘરેલું મુદ્દાઓ અને વિદેશી બાબતો કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલા છે. તેમની વચ્ચેની કોઈ પણ દીવાલની વાત ખોટી છે. આ સમયે, અમેરિકી જનમત વિરુદ્ધ ઈઝરાયેલની જંગ – આ ખરાબ સંબંધો સામેની અસંમતિને દબાવવાની તેની નિરાશાજનક કોશિશ – ઈરાની નાગરિકો, સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઈલ રિફાઈનરીઓ, ગેસ ભંડાર અને વિશ્વભરમાં પ્રખ્યાત સાંસ્કૃતિક વિરાસત સ્થળો પર બોમ્બમારાથી જરાય ઓછી ખતરનાક નથી.

પ્રોક્સી ફોર્સ (પરૉક્ષ સૈન્ય)

ઈરાન પર ઈઝરાયેલની જંગ, અમેરિકી રાજકારણમાં મોટા ફેરફારો સામે ઈઝરાયેલ તરફી લોબિંગ જૂથોની જંગની સાથે ચાલી રહી છે, જે નરસંહારક ઝાયોનિઝમથી દૂર એક કટ્ટર પરિવર્તનના તબક્કામાં છે.

નેતન્યાહુ દાયકાઓથી આ જંગનું સપનું જોઈ રહ્યા હતા, અને આખરે તેમણે ઓવલ ઓફિસમાં બેઠેલા ભોળા ‘ધમકાવનારા’ને ઉશ્કેરીને ઈરાન પર હુમલામાં જોડાવા સફળતા મેળવી. ટ્રમ્પ હવે સ્પષ્ટપણે આ મૂર્ખામીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા માટે વ્યાકુળ છે, પરંતુ તેઓ એટલા જિદ્દી અને અભિમાની છે કે સ્વીકારવા તૈયાર નથી કે તેમને ખબર નથી કે આ કેવી રીતે કરવું. “નો કિંગ્સ” (No Kings) ના નારા હેઠળ ટ્રમ્પ વિરુદ્ધ દેશભરમાં થયેલા મોટા વિરોધ પ્રદર્શનો પર નજર નાખો. પ્રદર્શનકારીઓએ ઈઝરાયેલી-તાલીમબદ્ધ અમેરિકી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ અધિકારીઓ અને તે ઈરાન યુદ્ધને નિશાન બનાવ્યું છે જેમાં તેમના પ્રમુખને છેતરીને સામેલ કરવામાં આવ્યા હતા.

ઈઝરાયેલના કહેવા પર ટ્રમ્પે વાસ્તવમાં અમેરિકી સેનાને એક ‘પ્રોક્સી ફોર્સ’માં બદલી દીધી છે; એક ડરપોક વસાહતની ખાનગી સેના, જાણે પૂંછડી કૂતરાને હલાવતી હોય! લાખો અમેરિકનો આ ઐતિહાસિક ગુલામી સામે બગાવત કરી રહ્યા છે. તેઓ પોતાનો દેશ પાછો મેળવવા ઈચ્છે છે.

પ્રતિનિધિ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝ, જે ભવિષ્યમાં પ્રમુખ પદના સંભવિત ઉમેદવાર છે, તેમણે હાલમાં જ કહ્યું કે તેઓ ઈઝરાયેલને આપવામાં આવતી તમામ લશ્કરી મદદ – રક્ષણાત્મક મદદનો પણ — વિરોધ કરશે. આ વલણ રિપબ્લિકન પાર્ટીના ‘માગા’ (MAGA) મૂવમેન્ટ સુધી ફેલાયેલું છે; ટકર કાર્લસન, નિક ફ્યુએન્ટ્સ અને કેન્ડેસ ઓવેન્સ જેવા લોકપ્રિય અને નિખાલસ વિવેચકોને સાંભળો. જેમ-જેમ ઈઝરાયેલી અને અમેરિકી બોમ્બર્સ ઈરાની શાળાઓ, હોસ્પિટલો, ફેક્ટરીઓ અને સાંસ્કૃતિક વિરાસત સ્થળોને નિશાન બનાવી રહ્યા છે, તેઓ લાખો અમેરિકનોના વધતા વિદ્રોહને વધુ વેગ આપી રહ્યા છે.

ડેમેજ કંટ્રોલ

અમેરિકામાં ઈઝરાયેલના સમર્થકો ગભરાયેલા છે. હવે તેઓ ‘ડેમેજ કંટ્રોલ’ કેવી રીતે કરવું તે જાણતા નથી. સત્ય સામે આવી ગયું છે: ઈરાન પર યુદ્ધ એ ઈઝરાયેલનું કાવતરું હતું. જ્યાં મોટા ભાગના અમેરિકનો આ યુદ્ધનો વિરોધ કરે છે, ત્યાં મોટા ભાગના ઈઝરાયેલીઓ તેનું સમર્થન કરે છે. અસલમાં, આ એક ઈઝરાયેલી યુદ્ધ છે.

ટ્રમ્પ અને તેમના ઝાયોનિસ્ટ હેન્ડલર – જેનું નેતૃત્વ સ્ટીફન મિલર કરી રહ્યા છે — તેમણે વિરોધી અવાજો સામે જંગ છેડી દીધી છે, જેનો હેતુ અમેરિકામાં ચાલી રહેલા એન્ટી-વોર મૂવમેન્ટને સેન્સર કરવાનો છે. તેમ છતાં, લાખો અમેરિકનો — ડાબેરી, જમણેરી અને મધ્યમમાર્ગી – યુદ્ધનો વિરોધ કરે છે. તેઓ પોતાના સંતાનોને ઈઝરાયેલ માટે લડવા મોકલીને થાકી ગયા છે.

ઈઝરાયેલ બંને યુદ્ધોમાં હારી રહ્યું છે. હા, નેતન્યાહુ એક મહાશક્તિને પોતાની સાથે યુદ્ધમાં સામેલ કરવામાં અને ઈરાની બાળકોનો મોટા પાયે નરસંહાર કરાવવામાં ચોક્કસ સફળ રહ્યા છે — જેવી રીતે ગાઝામાં થયો હતો; આનાથી સાબિત થયું છે કે આખો ઝાયોનિસ્ટ પ્રોજેક્ટ યુરોપિયન બર્બરતાનું એક ઉદાહરણ છે. તેમ છતાં, ઈરાન આજે પણ ગૌરવ સાથે ઊભું છે.

ઈઝરાયેલ અમેરિકી મોરચે પણ હારી ચૂક્યું છે; કારણ કે જનમત સર્વેક્ષણો બતાવે છે કે અમેરિકી લોકો ઈઝરાયેલને નફરત કરવા લાગ્યા છે. આજે રાજકીય ઉમેદવારો ઈઝરાયેલ સાથેના જોડાણથી એવી રીતે દૂર ભાગે છે, જેમ લોકો કોઈ જીવલેણ મહામારીથી દૂર ભાગે. જેમ-જેમ અમેરિકી સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ નજીક આવી રહી છે, અમેરિકી લોકો માત્ર બ્રિટિશ સામ્રાજ્યથી જ નહીં, પરંતુ ઈઝરાયેલથી પણ પોતાની મુક્તિની ઉજવણી કરશે.

હામિદ દબાશી, ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીમાં 'ઈરાની સ્ટડીઝ' અને 'તુલનાત્મક સાહિત્ય'ના પ્રોફેસર છે.

લેખ સૌજન્યઃ vimarsh.org


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments