CJP ના આગામી ૧૦ તારીખના વિરોધ પ્રદર્શનમાં લોકો સહભાગી ન થઈ શકે તે માટે પોલીસ અને સરકારી તંત્રે સરમુખત્યારશાહી વલણ અપનાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સાવ અયોગ્ય રીતે કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકોને ગેરકાયદેસર રીતે નજરકેદ (House Arrest) કરવામાં આવ્યા છે, જેને ગેરબંધારણીય પગલું અને નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ સમાન ગણાવવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શનોને રોકવાના પ્રયાસોમાં તંત્ર તમામ મર્યાદાઓ વટાવી ગયું હોવાનું જણાવતા ઉમેરાયું છે કે ગુજરાતમાં SFI ના મહિલા આગેવાન તેમજ જમાઅતે ઇસ્લામી હિન્દના સેક્રેટરી શકીલ અહેમદ રાજપૂતને ગત રાત્રે નજરકેદ કરવામાં આવ્યા છે અને આ સિવાય ક્રાઈમ બ્રાન્ચે CJP અમદાવાદ તથા અન્ય સંસ્થાઓના હોદ્દેદારોની પણ અટકાયત કરી છે.
બીજી તરફ, વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા જતા વિદ્યાર્થીઓને અટકાવવા માટે મુંબઈથી દિલ્હી જતી બસો અને ટ્રેનોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે તેમજ મહિલાઓને પણ હેરાન કરવામાં આવી રહી હોવાનો આરોપ મૂકાયો છે. કોઈપણ નાગરિકને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના તેમના જ ઘરમાં કેદ કરવા એ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગેરકાયદેસર અટકાયતનો ગુનો બને છે. જમાઅતે ઇસ્લામી હિન્દ (ગુજરાત) દ્વારા સરકારી તંત્રના આવા જોહુકમીભર્યા પગલાંઓનો સખત વિરોધ કરવામાં આવ્યો છે અને તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવાની તેમજ દોષિત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ જમાઅતે તમામ ન્યાયપ્રિય નાગરિકો અને સંસ્થાઓને આ ઘટનાને વખોડવા આગળ આવવા અને દેશમાં સ્વસ્થ ન્યાયિક તથા લોકશાહી વ્યવસ્થા જાળવવા યોગદાન આપવા આહ્વાન કર્યું છે.
…તેમ એક અખબારી યાદીમાં જમાઅતે ઇસ્લામી હિન્દ, ગુજરાતના પ્રમુખ ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલાએ જણાવ્યું હતું.
