નવી દિલ્હી, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬
દેશભરમાં મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો સામે સતત થઈ રહેલી કાર્યવાહી તેમજ ડિમોલિશન (તોડી પાડવાની પ્રક્રિયા) વિરુદ્ધ નવી દિલ્હી સ્થિત જંતર-મંતર ખાતે એક વિશાળ જનવિરોધ પ્રદર્શન યોજાયું હતું. ‘મૉનિટરિંગ કમિટી ઑફ ઇન્ડિયન મુસ્લિમ્સ’ના બૅનર હેઠળ આયોજિત આ પ્રદર્શનમાં મુસ્લિમ સંગઠનો, નાગરિક સમાજના કાર્યકરો, ધારાશાસ્ત્રીઓ, જાગરૂક નાગરિકો તેમજ વિવિધ સમુદાયના લોકો એકઠા થયા હતા. સહભાગીઓએ મસ્જિદો, ચર્ચો અને અન્ય ઇબાદતગાહો પર થઈ રહેલા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, સાથે જ દેશમાં બંધારણીય અધિકારો, લોકતાંત્રિક સંસ્થાઓ અને સામાજિક ન્યાયને લઈને ઊભા થયેલા વ્યાપક સવાલો પણ ઉઠાવ્યા હતા.
જંતર-મંતર ખાતે મસ્જિદો અને પૂજાસ્થળોને ટાર્ગેટ કરવા સામે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા અનેક સામાજિક આગેવાનો અને દેખાવકારોની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. જેમાં લોકસભા સાંસદ ઇકરા હસન, મોહિબુલ્લાહ નદવી, ઝિયા ઉર રહેમાન બર્ક, જમાઅતે ઇસ્લામી હિન્દ (JIH)ના ઉપાધ્યક્ષ મલિક મોતાસિમ ખાન, સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન (SIO)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અબ્દુલ હફીઝ સહિત સમાજના અનેક અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, કાર્યકરો અને સામાન્ય નાગરિકોને કસ્ટડીમાં લઈ જુદા-જુદા પોલીસ મથકોએ લઈ જવાયા હતા.
“કાયદાના શાસન સામે ગંભીર સવાલ”
જમાઅતે ઇસ્લામી હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જણાવ્યું કે:
“આપણી સામેનો મુદ્દો માત્ર કોઈ એક મસ્જિદ કે કોઈ એક સમુદાય પૂરતો સીમિત નથી. જ્યારે યોગ્ય કાનૂની અને બંધારણીય અધિકારોના રક્ષણ વિના જ કોઈ પૂજાસ્થળને તોડી પાડવામાં આવે કે તેની સામે કાર્યવાહી કરાય, ત્યારે તે કાયદાના શાસન (રૂલ ઑફ લૉ) સામે ગંભીર સવાલો ખડા કરે છે. મસ્જિદો અને ચર્ચોને પસંદગીપૂર્વક નિશાન બનાવવું એ કોમી ભાવનાથી પ્રેરિત કૃત્ય છે અને આપણી સંસ્કૃતિ તથા સભ્યતા પર કલંક સમાન છે.”
તેમણે ઉમેર્યું કે:
“પોલીસનું આ પગલું અત્યંત ખેદજનક છે. અમે મસ્જિદો અને ધાર્મિક સ્થળોના ડિમોલિશન સામે કાયદેસર અને વ્યાજબી ચિંતાઓ રજૂ કરી રહ્યા હતા. નાગરિકોને શાંતિપૂર્ણ રીતે પોતાના વિચારો વ્યક્ત કરવા દેવાને બદલે સમાજના આગેવાનો અને પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી. આવું દમનકારી વલણ લોકતાંત્રિક અધિકારો અને બંધારણીય સ્વતંત્રતાના સન્માન સામે સવાલ ઊભા કરે છે. અમે આ કાર્યવાહીની આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ અને જવાબદેહીની માગણી કરીએ છીએ.”
“શાંતિપૂર્ણ પ્રદર્શન મૂળભૂત અધિકાર”
પૂર્વ સાંસદ અને ઇન્ડિયન મુસ્લિમ્સ ફૉર સિવિલ રાઇટ્સ (IMCR)ના પ્રમુખ મોહમ્મદ અદીબે જણાવ્યું કે, “અમે આ કાર્યક્રમ અંગે પ્રશાસનને અગાઉથી જાણ કરી હતી અને અમારો ઉદ્દેશ્ય માત્ર શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવાનો હતો. નાગરિકોને પોતાની ચિંતાઓ રજૂ કરતાં રોકવા અને સમુદાયના અગ્રણીઓની અટકાયત કરવી એ અત્યંત વ્યથિત કરનારું છે. શાંતિપૂર્ણ લોકતાંત્રિક વિરોધ એ પાયાનો અધિકાર છે અને સત્તાવાળાઓએ તેનું સન્માન કરવું જ જોઈએ.”
લોકસભા સાંસદ ઇકરા હસને કહ્યું કે, “શાંતિપૂર્ણ જનઆંદોલનને ક્યારેય જોખમ કે ખતરા તરીકે ન જોવું જોઈએ. નાગરિકોને એકઠા થવાનો અને પોતાની વાત રજૂ કરવાનો પૂર્ણ અધિકાર છે. તંત્રે લોકોને બોલતાં રોકવાને બદલે તેમની વાત શાંતિથી સાંભળવી જોઈએ.”
માત્ર ધાર્મિક મુદ્દો નહીં, લોકશાહી બચાવવાની લડાઈ
આયોજકોએ જણાવ્યું કે આ પ્રદર્શન માત્ર મુસ્લિમ સમુદાયના પ્રશ્નો પૂરતું સીમિત નહોતું. વિવિધ ધર્મો અને વર્ગોના લોકો ધાર્મિક સ્થળો પર થઈ રહેલા હુમલાઓ તેમજ વ્યાપક રાષ્ટ્રીય અને સામાજિક-રાજકીય મુદ્દાઓ ઉઠાવવા માટે એક મંચ પર આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR), ચૂંટણી પંચના સામાન્ય વલણ અને યુવાનો તથા સમાજને સ્પર્શતા અન્ય અગત્યના પ્રશ્નો તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આયોજકોએ જણાવ્યું કે કાર્યક્રમની અગાઉથી જાણ કરાઈ હોવા છતાં પોલીસ દ્વારા લેવાયેલાં આ પગલાં અત્યંત આઘાતજનક છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે આ સંયુક્ત મંચ બંધારણીય અધિકારો, ધાર્મિક સ્વતંત્રતા, લોકતાંત્રિક જવાબદેહી અને સામાજિક ન્યાયના રક્ષણ માટે શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે.
(પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરનાર: અંઝારુલ બારી, મૉનિટરિંગ કમિટી ઑફ ઇન્ડિયન મુસ્લિમ્સ | સંપર્ક: +91 98912 55418)
