૧૪ ઑક્ટોબર ૨૦૧૬ની રાત હતી. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની માહી-માંડવી હોસ્ટેલમાં એમ.એસસી. બાયોટેકનોલોજીના પહેલા વર્ષના વિદ્યાર્થી નજીબ અહમદને એબીવીપીના ગુંડાઓએ ઢોર માર માર્યો. ૧૫મીની સવાર થતાં સુધીમાં તો તે અચાનક ગાયબ થઈ ગયો; તેનું બળજબરીથી અપહરણ કરી તેને ગુમ કરી દેવાયો. તે વખતે તેની ઉંમર માત્ર ૨૭ વર્ષની હતી.
આજે દસ વર્ષ પછી, આ લેખ લખનારા આપણામાંના ઘણા એ ઉંમર સુધી પહોંચવા આવ્યા છે, તો કેટલાકે એ ઉંમર વટાવી પણ દીધી છે. ઉંમરનો આ હિસાબ આપણા દિલ પર બોજ બનીને રહેવો જોઈએ. આપણને એવાં વર્ષો જીવવા મળ્યાં જે નજીબને ન મળ્યાં: કૉલેજના ક્લાસ અને હોસ્ટેલની પરસાળો, ચા પીતાં પીતાં થતી વાતો અને થીસિસ લખવાનાં વર્ષો, અને એક મિત્રની કાયમી ખોટ વચ્ચે જીવેલું આપણું સામાન્ય વિદ્યાર્થી જીવન. આવી ભેટ ક્યારેય મફતમાં નથી મળતી. એ પોતાની સાથે એક જવાબદારી લઈને આવે છે; અને એ જવાબદારી માત્ર તેને યાદ કરવાની નથી. એ તો એ સવાલ છે કે જે અવાજ તેને છીનવી લેવાયો, તે અવાજનું હવે આપણે શું કરીશું?
નજીબ સાથે જે થયું તેની શરૂઆત માત્ર તેના ગુમ થવાથી નહોતી થઈ, અને ન તો ત્યાં તેનો અંત આવ્યો. એની શરૂઆત એક જુઠ્ઠાણાથી થઈ હતી: જે યુવાન પર જીવલેણ હુમલો થયો હતો, તેને ગણતરીના કલાકોમાં જ આખી મુસીબતનું મૂળ ગણાવી દેવાયો.
વોર્ડનને પત્રો લખાયા; જેમાં છેક ડાબેરી સંગઠન ‘આઈસા’ (AISA) તરફથી લખાયેલો પત્ર પણ સામેલ હતો, જે તે વખતે JNU વિદ્યાર્થી સંઘના પ્રમુખપદે હતું. એ પત્રમાં પીડિત નજીબને જ તોફાની અને માનસિક રીતે બીમાર ચિતરી દેવાયો. ફિલસૂફ મિરાન્ડા ફ્રિકર આને ‘સાક્ષ્યનો અન્યાય’ (Testimonial Injustice) કહે છે; એવો સમય જ્યારે પૂર્વગ્રહના કારણે કોઈ માણસની વાતનું વજન એટલું ઘટી જાય છે કે તેનો અવાજ, અને તેના વતી બોલનારાનો અવાજ, પહેલેથી જ ખોટો કે નકામો માની લેવાય છે. નજીબને ગાયબ કરાયો તે પહેલાં જ તેની વાતને જૂઠી સાબિત કરી દેવાઈ હતી.
પછી જે કંઈ બન્યું તે એ પહેલા પત્ર અને જૂઠાણાનું જ પરિણામ હતું: પોલીસ અને સીબીઆઈ (CBI) દ્વારા તેનું કનેક્શન આઈએસઆઈએસ (ISIS) સાથે જોડવાની વાતો ઉપજાવી કાઢવી; જેને દિલ્હી હાઈકોર્ટે પણ ફગાવી દીધી; એવી તપાસ જેમાં ફરિયાદમાં નોંધાયેલા આરોપીઓની ક્યારેય સરખી પૂછપરછ પણ ન થઈ; અને છેવટે ૨૦૧૮માં કેસ બંધ કરવાનો રિપોર્ટ આવી ગયો.
ગયા વર્ષે જૂનમાં દિલ્હીની કોર્ટે એ ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો. કોર્ટે માન્યું કે સાક્ષીઓએ ૧૪મીની રાત્રે થયેલા હુમલા અને ધમકીઓની પુષ્ટિ કરી છે; પણ કોર્ટે એ ન માન્યું કે ૧૫મી તારીખે નજીબ ગુમ થયો તેની સાથે આ હુમલાને કોઈ લેવાદેવા હતી. કોર્ટે એ વાત પર અફસોસ વ્યક્ત કર્યો કે નજીબની માતાને હજુ સુધી ન્યાય નથી મળ્યો, અને તપાસ એજન્સીને છૂટ આપી કે ભવિષ્યમાં કોઈ નવી માહિતી મળે તો કેસ ફરી ખોલી શકાય છે.
જે સરકાર કે તંત્ર માર પડતો જોઈ શકે છે પણ એ મારનું પરિણામ જોઈ શકતી નથી, તે આંધળી નથી; તેણે પહેલેથી નક્કી કરી રાખ્યું છે કે ક્યાં જોવું અને ક્યાં આંખ આડા કાન કરવા.
આવા સરકારી દસ્તાવેજોમાં ‘અફસોસ’ એ બીજું કંઈ નથી, પણ તંત્ર પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ નાખવા માટે ફેંકેલો એક કાગળનો ટુકડો માત્ર છે.
નજીબ કોઈ એકાદ કિસ્સો નથી; તે એક આખી ગોઠવાયેલી સિસ્ટમનો ખુલ્લો ચહેરો છે.
નેલ્સન માલ્ડોનાડો-ટોરેસ આવા બનાવો પાછળની માનસિકતાને ‘અસ્તિત્વની ગુલામી’ (Coloniality of Being) કહે છે: એક એવી સ્થિતિ જ્યાં અમુક વર્ગના લોકોને કાયમ માટે બિનજરૂરી માની લેવાય છે, જેમના મરી જવાથી કે ગાયબ થઈ જવાથી વ્યવસ્થાને કોઈ ફરક નથી પડતો. ભારતીય મુસ્લિમોએ છેલ્લા દસ વર્ષમાં આ પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ છે:
- ટ્રેનો અને હાઈવે પર જ્યાં લોકો શું ખાય છે કે થેલામાં શું લઈ જાય છે એ મુદ્દે તેમને મારી નખાયા (મોબ લિન્ચિંગ),
- જામિયા મિલિયા ઇસ્લામિયાની લાઇબ્રેરી જ્યાં ડિસેમ્બર ૨૦૧૯માં પોલીસ લાઠીઓ લઈને ઘૂસી ગઈ હતી,
- એ જ રાત્રે અલીગઢમાં બનેલી ઘટનાઓ,
- અને નાગરિકતા કાયદા સામે બોલનારા વિદ્યાર્થીઓને કોઈ પણ સુનાવણી વિના વર્ષો સુધી જેલમાં સબડાવવાની બાબત.
નજીબની વાતમાં એક વધુ કડવું સત્ય છે, જેને આપણે છુપાવવું ન જોઈએ. આ નિષ્ફળતા માત્ર સરકાર કે પોલીસ-તંત્રની નહોતી. આ નિષ્ફળતા એ કહેવાતા પ્રગતિશીલ કેમ્પસની પણ હતી, જે આખી દુનિયાના અન્યાય સામે બોલી શકતું હતું પણ પોતાની નજર સામે થઈ રહેલા અન્યાય સામે ચૂપ રહ્યું.
આઈસા (AISA) પ્રેરિત વિદ્યાર્થી સંઘ કે પ્રોફેસરોની ટીમે આખા વર્ષ સુધી કોઈ મજબૂત સાથ કે આંદોલન ન કર્યું. જાણીતા લેખિકા સારા અહમદ લખે છે કે બહારથી આવેલી અજાણી વ્યક્તિ માત્ર અપરિચિત નથી હોતી, પણ તેને પહેલેથી જ ‘અહીં ન હોવો જોઈએ’ એવો માની લેવાય છે. દેશના સૌથી મોટા ડાબેરી કેમ્પસની હોસ્ટેલમાં યુપીના બદાઉંથી આવેલા એક મુસ્લિમ યુવાનને બરાબર આ જ નજરે જોવામાં આવ્યો હતો.
આવી જગ્યાઓમાં મુસ્લિમોને માત્ર એક એવી સમસ્યા ગણાય છે જેને ‘સંભાળવી’ પડે, અથવા એવા બિચારા ગણાય છે જેમની ‘તરફેણ’ કરવી પડે; પણ પોતાના હક માટે જાતે બોલતા અને પોતાના નિર્ણયો જાતે લેતા માણસ તરીકે તેમને ભાગ્યે જ સ્વીકારાય છે. ભારતીય મુસ્લિમોને જે ટેકો મળે છે, તે મોટે ભાગે આવી જ શરતો પર મળે છે. એ આપણા દુઃખનો પોતાના ફાયદા માટે ઉપયોગ તો કરી લે છે, પણ બદલામાં આપણને કોઈ સાચું સન્માન આપતું નથી.
એટલા માટે જ વિદ્યાર્થી નેતૃત્વનો સવાલ એ માત્ર યાદ કરવાનો વિષય નથી. એ એ જગ્યા છે જ્યાં સ્મરણ ખુદ એક રાજકીય તાકાત બને છે.
જરા વિચારો કે આ ઑક્ટોબરમાં આપણે ક્યાં ઊભા છીએ:
- અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં વિદ્યાર્થીઓએ વર્ષો સુધી વારંવાર આંદોલનો કર્યાં, આ વર્ષે એક વિદ્યાર્થી ૧૯ દિવસ સુધી ભૂખ હડતાળ પર બેઠો, ત્યારે જઈને વહીવટીતંત્રે આખરે જાહેરાત કરી કે ૮ વર્ષથી બંધ પડેલી યુનિયનની ચૂંટણીઓ ૫ નવેમ્બરે થશે.
- જામિયા મિલિયા ઇસ્લામિયામાં, જ્યાં ૨૦૦૬માં ચૂંટાયેલી યુનિયન રદ કરી દેવાઈ હતી, ત્યાં ત્રણ વિદ્યાર્થીઓએ આ અઠવાડિયે માત્ર એ અધિકાર પાછો મેળવવા ભૂખ હડતાળ શરૂ કરી જે મોટાભાગની બીજી યુનિવર્સિટીઓમાં સામાન્ય ગણાય છે.
- હૈદરાબાદની મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી (MANUU)માં, જ્યાં ૨૦૨૪માં ચૂંટણીઓ અટકાવી દેવાઈ હતી અને સરકાર સાથેના જમીન વિવાદ વખતે વિદ્યાર્થીઓને સમજાયું કે ચૂંટાયેલી યુનિયન ન હોવાની કેટલી મોટી ખોટ પડે છે, ત્યાં માંડ એક મહિના પહેલાં યુનિયન પાછી આવી. નજીબ ગાયબ થયાની દસમી વરસીની સવારે આજે ત્યાંના વિદ્યાર્થીઓ વોટ આપી રહ્યા છે.
આ વિરોધાભાસ પર વિચારવા જેવું છે. જે કેમ્પસોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની વસ્તી સૌથી વધુ છે, ત્યાં જ વિદ્યાર્થી લોકશાહી સૌથી લાંબા સમયથી બંધ રખાઈ છે.
કોલેજ સંચાલકો જે બહાના આપે છે તે જાણીતા છે: ભણવાનું વાતાવરણ બગડશે, કોર્ટમાં કેસ ચાલુ છે, બહારના તત્ત્વો આવી જશે, અને નિયમોનો ઉપયોગ સુધારા માટે નહીં પણ મોં બંધ કરવા માટે થાય છે. આ બહાનાઓ પાછળ જે છુપાયેલું છે તેને ફ્રાન્ત્ઝ ફેનન સારી રીતે સમજાવે છે: એક ગુલામ સંસ્થા જે પોતાના ઉપર બેઠેલી સત્તાને ખુશ રાખવા માટે પોતાના જ લોકો પર ચોકીદારી કરવા લાગે છે; જેના સંચાલકો વિદ્યાર્થીઓ પ્રત્યે વફાદાર રહેવા કરતાં ઉપર બેઠેલા નેતાઓને રાજી રાખવામાં વધારે ચિંતિત હોય છે.
પોતાની માઇનોરિટી ઓળખ પર સતત ચાલતા કેસો અને ટીવી ચેનલોમાં ઉછળતા પોતાના નામો વચ્ચે, આપણી યુનિવર્સિટીઓએ માની લીધું છે કે ‘શાંત કેમ્પસ એ જ સલામત કેમ્પસ છે’, અને કશું ન બોલતો મૂંગો વિદ્યાર્થી વર્ગ એ જ સત્તાધીશો સામે પોતાની વફાદારી સાબિત કરવાનો પાકો રસ્તો છે. નજીબનો કિસ્સો આપણને સાવ અલગ પાઠ ભણાવે છે. ચૂપ રહેવાથી તે બચી ન શક્યો.
ઑડ્રે લોર્ડે ચેતવણી આપી હતી તેમ: “તમારું મૌન તમારું રક્ષણ નહીં કરે.” તે માત્ર એટલી જ ખાતરી આપે છે કે જ્યારે તમારી સાથે કંઈક ખોટું થશે, ત્યારે તમારા વતી બોલવા માટે કોઈ હાજર નહીં હોય.
તો પછી આપણે વિદ્યાર્થી નેતૃત્વમાં કેમ આગળ આવવું જોઈએ? માત્ર એટલા માટે નહીં કે યુનિયન હોસ્ટેલના ખાવાનું મેનુ સુધારે—જોકે એ પણ જરૂરી છે—અને એટલા માટે પણ નહીં કે બાયોડેટામાં કોઈ હોદ્દો સારો દેખાય. નેતૃત્વ એટલે સાચા અર્થમાં ‘પહેલો પત્ર’ લખવાની તાકાત.
જ્યારે નજીબને ગાયબ કરી દેવાયો, ત્યારે તેની પોતાની યુનિયનના પ્રમુખે સહી કરેલા પહેલા પત્રમાં જ તેને એક સમસ્યા ગણાવી દેવાયો હતો. પ્રતિનિધિત્વ આખરે એ વાતનો સવાલ છે કે એ પહેલો પત્ર કોણ લખે છે: જ્યારે કોઈ ઘટના બને ત્યારે રૂમમાં કોણ હાજર હોય છે, વાત કોણ રજૂ કરે છે, એને સામાન્ય ઝઘડો કહેવો કે લિન્ચિંગ એ કોણ નક્કી કરે છે, વોર્ડન, પોલીસ અને અખબારો સુધી કોણ દોડી જાય છે, અને ફરિયાદને કાગળિયાં વચ્ચે દબાઈ જતાં કોણ રોકે છે.
મિરાન્ડા ફ્રિકર બીજા એક અન્યાયની વાત કરે છે: જ્યારે કોઈ સમાજ પાસે પોતાની તકલીફોને શબ્દો આપવા કે દુનિયા સામે મૂકવા માટે કોઈ પોતાનું પ્લેટફોર્મ ન હોય. યુનિયન એ આવું પ્લેટફોર્મ છે. તેના વગર, દરેક ઘા કે અન્યાય માત્ર એક વ્યક્તિગત મામલો બનીને રહી જાય છે.
આ સિદ્ધાંતો કરતાં પણ જૂની શીખ આપણી પોતાની પરંપરામાં છે. આપણી સંસ્કૃતિમાં નેતૃત્વ એક ‘અમાનત’ (થાપણ) છે, જે લોકો વતી સાચવવાની હોય છે. એ આપણને એ પણ શીખવે છે કે સૌથી મોટો જેહાદ કે સંઘર્ષ એ કોઈ અન્યાયી શાસક સામે સાચું બોલવું છે. વિદ્યાર્થી સંઘ એ એવા સાચા અવાજનું એક કાયમી સંગઠન છે: એક એવું મજબૂત માળખું જેના દ્વારા સત્તા સામે નીડર બનીને સાચું કહી શકાય, જેમાં કોઈ એકલા અટૂલા વિદ્યાર્થીએ બલિદાન ન આપવું પડે—જેને પછી સસ્પેન્ડ કરી દેવાય, પોલીસ પાછળ લગાવી દેવાય કે તેનાથી પણ ખરાબ થાય.
પણ નેતૃત્વમાં અમુક લાલચો પણ હોય છે, જેને આપણે ઓળખવી પડશે. એવું બની શકે કે આપણે ચૂંટણી જીતી જઈએ પણ આપણો મૂળ હેતુ હારી જઈએ: કોઈ બીજાની પેનલ પર માત્ર એક ‘મુસ્લિમ ચહેરો’ બનીને રહી જવું, કોઈકના રાજકારણની ‘વોટ બેંક’ બની જવું, અથવા એવો પ્રતીક બની જવું જે સંસ્થાના અસલી અન્યાયી માળખાને અડ્યા વગર ખાલી દેખાડો પૂરતો રહે. એ પણ બની શકે કે આપણે સાચું કામ છોડીને માત્ર માઇક પકડવા અને ભાષણબાજી કરવા પાછળ દોડતા થઈ જઈએ.
આજના સમયને જે નેતૃત્વની જરૂર છે તે સાવ અલગ છે. તે કોઈની પરવાનગી વગર મુસ્લિમ વિદ્યાર્થીઓની સાચી સમસ્યાઓને કેમ્પસમાં આગળ લાવે છે:
- બંધ કરી દેવાયેલી ‘મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ’ (MANF),
- રૂમ કે હોસ્ટેલ મેળવવામાં થતો ભેદભાવ,
- વિદ્યાર્થીઓ પર રખાતી જાસૂસી,
- અને ક્લાસરૂમ તેમજ ઓફિસોમાં દેખાતી અંદરખાને નફરત.
તે દલિત, આદિવાસી, પછાત, કાશ્મીરી અને અન્ય પીડિત વિદ્યાર્થીઓ સાથે કોઈ ઉપરી કે દયાભાવથી નહીં, પણ બરાબરીના સાથીદાર તરીકે જોડાય છે—જેમણે પણ આવા જ અન્યાય સહન કર્યા છે. આવું નેતૃત્વ કાયદાકીય મદદ ઊભી કરે છે, પુરાવાઓ સાચવે છે, અને અંગત સ્વાર્થ માટે ચૂપ રહી જવાનો ઇનકાર કરે છે—એવી સલાહ જેને આપણામાંના મોટાભાગના લોકોએ ઘરમાં સાંભળી છે: “શાંતિથી રહો, ભણી લો, ડિગ્રી લઈને વિદેશ નીકળી જાઓ, રાજકારણ બીજા લોકો માટે છોડી દો.”
ફાતિમા નફીસ છેલ્લાં દસ વર્ષમાં એક ડગલું પણ પાછળ હટ્યાં નથી. હાથમાં દીકરાનો ફોટો લઈને તે પોલીસ સ્ટેશનો, કોર્ટો અને ધરણાંઓમાં ભટકતાં રહ્યાં છે, જ્યાં તેમને માત્ર તારીખો અને ખોટા આશ્વાસનો મળ્યાં છે. તેમનો આ સંઘર્ષ અલ્લાહના ન્યાય પરનો અતૂટ ભરોસો છે. હવે વિદ્યાર્થી તરીકે આપણા માટે સવાલ એ છે કે શું આપણે તેમને એકલા લડવા દઈશું, કે પછી આપણે એવાં યુનિયનો, સંગઠનો, અખબારો અને દોસ્તી ઊભી કરીશું જેના થકી તેમનો સવાલ આપણા સૌનો સવાલ બની જાય?
આજે જ્યારે MANUUના વિદ્યાર્થીઓ વોટ આપી રહ્યા છે, અને ૫ નવેમ્બરે જ્યારે અલીગઢના વિદ્યાર્થીઓ પણ વોટ આપશે, ત્યારે તેઓ માત્ર નેતા ચૂંટવા કરતાં કંઈક મોટું કરી રહ્યા હશે. જામિયાના ભૂખ હડતાળના તંબુમાં, અને દરેક એવા કેમ્પસમાં જ્યાં કોઈ મુસ્લિમ વિદ્યાર્થી ડરીને ચૂપ બેસવાને બદલે હિંમતથી ઊભો થાય છે, ત્યાં યાદ હવે લડત બની રહી છે.
આપણે જેઓ ૨૭ વર્ષની ઉંમર વટાવી ગયા છીએ, તેમની નજીબ પ્રત્યે એટલી તો ફરજ બને જ છે: કે હવે પછી કોઈ પણ કેમ્પસમાં ‘પહેલા પત્ર’માં જ કોઈ નિર્દોષને ગુનેગાર ન બનાવી દેવાય, અને આવું ફરી ક્યારેય કોઈની પણ સાથે ન બને.
નજીબ ક્યાં છે? અમે આ સવાલ પૂછતા જ રહીશું.
લેખક: ખુશહાલ અહમદ (Khushhal Ahmed)
આ લેખ ‘ધ કમ્પેનિયન’ પર પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખનો ગુજરાતી ભાવાનુવાદ છે.
સાભાર: The Companion
