વસ્તીના આંકડાઓના નામે ફેલાવવામાં આવતા ભયનું વૈજ્ઞાનિક અને તર્કસંગત વિશ્લેષણ
ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી એક વાત વારંવાર સાંભળવા મળે છે કે મુસ્લિમો જાણીજોઈને વધારે બાળકો પેદા કરી રહ્યા છે, ઇસ્લામ પરિવાર નિયોજનની વિરુદ્ધ છે, મુસ્લિમ પુરુષો ચાર લગ્ન કરીને પોતાની વસ્તી વધારી રહ્યા છે અને એક દિવસ ભારતમાં મુસ્લિમોની સંખ્યા હિંદુઓ કરતાં વધી જશે. આ દલીલોના આધારે કેટલાક રાજકીય અને ધાર્મિક નેતાઓ હિંદુઓને વધારે સંતાનો પેદા કરવાની સલાહ પણ આપે છે. પરંતુ આ દાવાઓ પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર છે ખરો?
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. વાય. કુરેશીએ પોતાના પુસ્તક *‘ધ પોપ્યુલેશન મિથ : ઇસ્લામ, ફેમિલી પ્લાનિંગ એન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયા’*માં આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. લગભગ અઢી દાયકાના અભ્યાસ અને સંશોધનના આધારે તૈયાર થયેલું આ પુસ્તક વસ્તી અંગેના રાજકીય પ્રચાર અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત આપણી સમક્ષ રજૂ કરે છે.
મુસ્લિમોનો પ્રજનનદર : આંકડા શું કહે છે?
કુરેશી સ્વીકારે છે કે ભારતમાં મુસ્લિમોનો સરેરાશ પ્રજનનદર હિંદુઓ કરતાં વધારે છે. પરંતુ તેઓ એક મહત્ત્વના પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે કે બંને સમુદાયોના પ્રજનનદર વચ્ચેનો તફાવત સતત ઘટી રહ્યો છે.
ભારત સરકારના રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS) અનુસાર વર્ષ ૧૯૯૨-૯૩માં મુસ્લિમ મહિલાઓનો સરેરાશ પ્રજનનદર ૪.૪૧ સંતાન હતો, જે વર્ષ ૨૦૧૯-૨૧માં ઘટીને ૨.૩૬ થઈ ગયો હતો. આ જ સમયગાળા દરમિયાન હિંદુ મહિલાઓનો પ્રજનનદર ૩.૩૦થી ઘટીને ૧.૯૪ થયો હતો.
આમ, મુસ્લિમોના પ્રજનનદરમાં લગભગ ૪૬.૫ ટકા અને હિંદુઓના પ્રજનનદરમાં લગભગ ૪૧.૨ ટકાનો ઘટાડો થયો છે. બંને સમુદાયોના પ્રજનનદર વચ્ચેનો તફાવત ૧.૧૧થી ઘટીને માત્ર ૦.૪૨ સંતાન જેટલો રહ્યો છે.
જો મુસ્લિમો પોતાની વસ્તી વધારવા માટે કોઈ સુનિયોજિત અભિયાન ચલાવી રહ્યા હોય, તો તેમના પ્રજનનદરમાં આટલો મોટો ઘટાડો કેમ થઈ રહ્યો છે? આ આંકડાઓ જ વસ્તીવૃદ્ધિના કહેવાતા ષડ્યંત્રની દલીલ સામે સૌથી મોટો પ્રશ્ન ઊભો કરે છે.
ધર્મ નહીં, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ
કુરેશીની એક મહત્ત્વપૂર્ણ દલીલ એ છે કે પ્રજનનદરને માત્ર ધર્મના ચશ્માથી જોવો જોઈએ નહીં. તેના માટે શિક્ષણ, ગરીબી, મહિલાઓના લગ્નની ઉંમર, આરોગ્યસેવાઓ અને પરિવાર નિયોજનનાં સાધનોની ઉપલબ્ધતા જેવાં પરિબળો જવાબદાર છે.
પુસ્તકમાં રજૂ કરવામાં આવેલી રાજ્યવાર સરખામણી આ બાબતને સમજવામાં મદદ કરે છે. બિહારના હિંદુઓનો પ્રજનનદર કેરળ અને તમિલનાડુના મુસ્લિમો કરતાં વધારે રહ્યો છે.
જો ઇસ્લામ જ ઊંચા પ્રજનનદરનું મુખ્ય કારણ હોય, તો કેરળ અને તમિલનાડુના મુસ્લિમોમાં નાના પરિવારો કેમ જોવા મળે છે? અને જો હિંદુ ધર્મ ઓછા પ્રજનનદર માટે જવાબદાર હોય, તો બિહારના હિંદુઓમાં પ્રજનનદર વધારે કેમ રહ્યો છે?
જોકે પ્રજનનદરનો સમગ્ર તફાવત માત્ર આર્થિક અને શૈક્ષણિક પરિબળોથી સમજાવી શકાય તેમ નથી. સામાજિક પરંપરાઓ, સાંસ્કૃતિક માન્યતાઓ અને વ્યક્તિગત પસંદગીઓની અસર પણ હોય છે. પરંતુ માત્ર ધાર્મિક ઓળખને તેના માટે જવાબદાર ગણાવવી એ સમસ્યાનું અતિસરળીકરણ છે.
ગરીબી અને નિરક્ષરતા દૂર કરવાથી, મહિલાઓને શિક્ષણ આપવાથી અને આરોગ્યસેવાઓ સુલભ બનાવવાથી વસ્તીવૃદ્ધિ નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
શું ઇસ્લામ પરિવાર નિયોજનની વિરુદ્ધ છે?
પુસ્તકનો એક મહત્ત્વપૂર્ણ ભાગ ઇસ્લામ અને પરિવાર નિયોજન વચ્ચેના સંબંધની ચર્ચા કરે છે.
કુરેશી જણાવે છે કે કુરઆનમાં પરિવાર નિયોજન પર કોઈ સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. ઇસ્લામ સંતાનોની સંખ્યાની સાથે તેમના યોગ્ય ઉછેર, માતાના સ્વાસ્થ્ય અને પરિવારના ભરણપોષણની જવાબદારીને પણ મહત્ત્વ આપે છે.
કુરઆનની સૂરહ અલ-બકરહની ૨૩૩મી આયતમાં સંતાનને બે વર્ષ સુધી સ્તનપાન કરાવવાની જોગવાઈ છે. કેટલાક ઇસ્લામી વિદ્વાનો તેને બે સંતાનોના જન્મ વચ્ચે યોગ્ય સમયગાળો રાખવાના સમર્થનમાં જુએ છે.
સહીહ અલ-બુખારીની હદીસ નંબર ૫૨૦૮ અને ૫૨૦૯માં હઝરત જાબિર (ર.અ.) જણાવે છે કે પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના સમયમાં સહાબીઓ ‘અઝલ’ એટલે કે ગર્ભધારણ ટાળવાની એક પ્રાચીન પદ્ધતિનો ઉપયોગ કરતા હતા.
ઘણા ઇસ્લામી વિદ્વાનો યોગ્ય કારણોસર કામચલાઉ ગર્ભનિરોધ અને સંતાનોના જન્મ વચ્ચે અંતર રાખવાને માન્ય ગણે છે. જોકે કાયમી નસબંધી અંગે ઇસ્લામી વિદ્વાનોમાં જુદાં-જુદાં મંતવ્યો અને મર્યાદાઓ છે.
ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને ઈરાન જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પરિવાર નિયોજનના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયા જેવા દેશમાં ધાર્મિક આગેવાનોનો સહયોગ પણ લેવામાં આવ્યો છે.
આ ઉદાહરણો દર્શાવે છે કે ઇસ્લામનું પાલન અને પરિવાર નિયોજન એકબીજાનાં વિરોધી નથી.
ચાર પત્નીઓ અને પચીસ સંતાનોનો ભ્રમ
ભારતમાં મુસ્લિમોની વસ્તી અંગેના પ્રચારમાં ‘હમ પાંચ, હમારે પચ્ચીસ’ જેવાં સૂત્રોનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા એવી છાપ ઊભી કરવામાં આવે છે કે મોટા ભાગના મુસ્લિમ પુરુષો ચાર લગ્ન કરે છે.
કુરેશીએ વર્ષ ૧૯૩૧થી ૧૯૬૧ની વસ્તીગણતરીના આંકડાઓ અને વર્ષ ૧૯૭૫માં પ્રકાશિત થયેલા ભારતમાં મહિલાઓની સ્થિતિ અંગેના સરકારી અહેવાલનો અભ્યાસ કર્યો છે. આ જૂના અભ્યાસોમાં એકથી વધારે પત્નીઓ રાખવાની પ્રથા માત્ર મુસ્લિમોમાં જ નહીં, પરંતુ અન્ય સમુદાયોમાં પણ જોવા મળી હતી.
વર્ષ ૨૦૧૯-૨૧ના રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના આધારે આંતરરાષ્ટ્રીય વસ્તીવિજ્ઞાન સંસ્થાએ કરેલા અભ્યાસ અનુસાર એકથી વધારે પત્નીઓ ધરાવતા પતિઓ સાથે લગ્નબંધનમાં રહેલી મહિલાઓનું પ્રમાણ ખ્રિસ્તીઓમાં ૨.૧ ટકા, મુસ્લિમોમાં ૧.૯ ટકા અને હિંદુઓ તથા બૌદ્ધોમાં ૧.૩ ટકા હતું.
આમ, મુસ્લિમોમાં આ પ્રથા હિંદુઓ કરતાં થોડી વધારે જોવા મળી હોવા છતાં તે અત્યંત મર્યાદિત છે.
કુરઆનની સૂરહ અન્-નિસાની ત્રીજી આયતમાં એકથી વધારે લગ્ન કરવાની પરવાનગી ન્યાયની શરતને આધીન છે. જો ન્યાય ન કરી શકવાનો ભય હોય તો એક જ લગ્ન કરવાની સૂચના આપવામાં આવી છે.
વળી, સમાજમાં મહિલાઓની સંખ્યા સમાન રહેતી હોય ત્યારે કેટલાક પુરુષો વધારે લગ્ન કરે તેનાથી સંતાનને જન્મ આપી શકે તેવી મહિલાઓની કુલ સંખ્યા વધી જતી નથી. તેથી બહુવિવાહને મોટા પાયે વસ્તીવૃદ્ધિ કરવાના સાધન તરીકે રજૂ કરવાની દલીલ નબળી છે.
શું મુસ્લિમો હિંદુઓ કરતાં વધી જશે?
કુરેશીએ આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ગણિતશાસ્ત્રી પ્રોફેસર દિનેશ સિંહ તથા પ્રોફેસર અજય કુમારની મદદથી વસ્તીવૃદ્ધિનું ગણિતીય પ્રારૂપ તૈયાર કરાવ્યું હતું.
તેમના અભ્યાસ અનુસાર વર્તમાન વસ્તીવિષયક પ્રવાહોને ધ્યાનમાં લેતાં મુસ્લિમોની વસ્તી હિંદુઓ કરતાં વધી જવાનો ભય નિરાધાર છે.
વર્ષ ૧૯૫૧માં ભારતની કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ લગભગ ૮૪ ટકા અને મુસ્લિમોનું પ્રમાણ ૯.૮ ટકા હતું. વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી અનુસાર હિંદુઓનું પ્રમાણ ૭૯.૮ ટકા અને મુસ્લિમોનું પ્રમાણ ૧૪.૨ ટકા હતું.
અહીં માત્ર ટકાવારી જોવાને બદલે વાસ્તવિક સંખ્યા પણ જોવી જોઈએ. વર્ષ ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન ભારતમાં હિંદુઓની સંખ્યામાં ૧૩.૮ કરોડનો વધારો થયો હતો, જ્યારે મુસ્લિમોની સંખ્યામાં ૩.૪ કરોડનો વધારો થયો હતો.
૧૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પ્રકાશિત પ્યૂ રિસર્ચ સેન્ટરના નવા અહેવાલ અનુસાર વર્ષ ૨૦૭૦માં ભારતમાં હિંદુઓનું પ્રમાણ ૭૫.૮ ટકા અને મુસ્લિમોનું પ્રમાણ ૧૯.૬ ટકા રહેવાનું અનુમાન છે.
અર્થાત્, આગામી અડધી સદી સુધી પણ ભારતમાં હિંદુઓની સ્પષ્ટ બહુમતી જળવાઈ રહેવાનું અનુમાન છે.
વસ્તીનું રાજકારણ
કુરેશીના પુસ્તકનું સૌથી મહત્ત્વપૂર્ણ પાસું વસ્તીના આંકડાઓના રાજકીય ઉપયોગનું વિશ્લેષણ છે. તેઓ દર્શાવે છે કે આંકડાઓને તેમના સમગ્ર સંદર્ભમાંથી અલગ કરીને રજૂ કરવાથી એક સમુદાય પ્રત્યે બીજા સમુદાયમાં ભય અને અવિશ્વાસ ઊભો થઈ શકે છે.
ભારતે વર્ષ ૧૯૫૨માં રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ હતો. પરંતુ આજે પરિવાર નિયોજન અંગેની ચર્ચા ઘણી વાર માતાના સ્વાસ્થ્ય, બાળકોના પોષણ અને પરિવારની આર્થિક સ્થિતિને બદલે ધાર્મિક બહુમતીની આસપાસ કેન્દ્રિત થઈ જાય છે.
જો રાજકીય નેતાઓને ખરેખર વસ્તીવૃદ્ધિની ચિંતા હોય તો તેમણે દરેક સમુદાયમાં શિક્ષણ, રોજગાર, મહિલા સશક્તિકરણ અને આરોગ્યસેવાઓ વધારવા તરફ ધ્યાન આપવું જોઈએ.
એક તરફ કોઈ સમુદાયને શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ વધવાની પૂરતી તકો ન મળે અને બીજી તરફ તેના ઊંચા પ્રજનનદર અંગે ફરિયાદ કરવામાં આવે, તો તે સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ નથી.
ડૉ. એસ. વાય. કુરેશીનું આ પુસ્તક માત્ર મુસ્લિમોની વસ્તી વિશેનું પુસ્તક નથી. તે આંકડાઓને સમજવાની, પૂર્વગ્રહોથી મુક્ત થવાની અને રાજકીય પ્રચારને તર્કની કસોટીએ ચકાસવાની એક તક છે.
ભારતની સાચી સમસ્યા કયા ધર્મના કેટલા લોકો છે એ નથી, પરંતુ કેટલા લોકો નિરક્ષર છે, કેટલા લોકો ગરીબ છે, કેટલાં બાળકો કુપોષણથી પીડાય છે અને કેટલા યુવાનો રોજગારથી વંચિત છે એ છે.
દેશનું ભવિષ્ય હિંદુઓ કે મુસ્લિમોની સંખ્યાથી નહીં, પરંતુ તેના નાગરિકોના શિક્ષણ, સ્વાસ્થ્ય, કાર્યક્ષમતા અને પરસ્પર સહકારથી નક્કી થશે.
આપણે વસ્તીની ગણતરી અવશ્ય કરવી જોઈએ, પરંતુ વસ્તીના નામે નફરતનું ગણિત ઊભું ન કરવું જોઈએ.
લેખક એક જાણીતા કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર (Consulting Civil Engineer) અને ‘એનાર્ક કન્સલ્ટન્ટ્સ’ (Enarch Consultants – Engineering, Architectural & Structural Designers) ના પ્રોપરાઇટર છે, તેમજ એક અભ્યાસુ લેખક અને કટારલેખક (Columnist) છે.
લેખક સંપર્ક: મોબાઈલ: +91 96240 46677 | ઈ-મેઈલ: msaeed181@gmail.com
