Homeઓપન સ્પેસઅશાંત ધારો: વિકાસ રોકતો કાયદો કે મુસ્લિમોને સીમિત કરવાની વ્યવસ્થા?

અશાંત ધારો: વિકાસ રોકતો કાયદો કે મુસ્લિમોને સીમિત કરવાની વ્યવસ્થા?

મુસ્લિમ રહીશો સામે વધતું ગેટ્ટોઇઝેશન અને મિલ્કત અધિકારો પર અદૃશ્ય રોક

ગુજરાતના અહમદાબાદ તથા વડોદરામાં થયેલા સતત અને મોટાપાયે કોમી રમખાણોને ધ્યાનમાં રાખીને વર્ષ 1991માં “અશાંત ધારો” (Disturbed Areas Act) અમલમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદાનો મૂળ હેતુ એવો હતો કે કોઈપણ વ્યક્તિ પાસેથી ધાક-ધમકી કે દબાણથી તેની સ્થાવર મિલ્કત ઓછા મૂલ્યે ખરીદી ન શકાય અને માલિકના અધિકારોનું રક્ષણ થાય.

પરંતુ આજના સમયમાં આ જ કાયદો તેના મૂળ હેતુથી ભટકી ગયો છે અને ખાસ કરીને મુસ્લિમ રહીશો માટે દમનકારી, ભેદભાવપૂર્ણ અને વિકાસને અવરોધતા સાધન તરીકે ઉભરી આવ્યો છે.

સમાજમાં અદૃશ્ય રીતે એક એવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે કે જ્યાં હિન્દુ રહીશોનો એક વર્ગ — ફાસીવાદી વિચારધારાના પ્રભાવ હેઠળ — મુસ્લિમ વ્યક્તિઓ દ્વારા મિશ્રિત વિસ્તારમાં હિન્દુ માલિક પાસેથી મિલ્કત ખરીદીની કોઈપણ પ્રક્રિયાનો જોરદાર વિરોધ કરે છે. ખાસ કરીને જ્યારે કોઈ મુસ્લિમ વ્યક્તિ હિન્દુ વિસ્તારોમાં કે તેની આસપાસ મિલ્કત ખરીદવાનો પ્રયાસ કરે છે ત્યારે સામાજિક દબાણ, રાજકીય હસ્તક્ષેપ અને પ્રશાસકીય અવરોધ ઉભા કરવામાં આવે છે.

આ પરિસ્થિતિએ “ગેટ્ટોઇઝેશન” (Ghettoization) એટલે કે સમુદાયને ચોક્કસ સીમિત વિસ્તારોમાં કેદ કરી દેવાની પ્રથા (સીમિતીકરણ) ને પ્રોત્સાહન આપ્યું છે. જેના કારણે મુસ્લિમ રહીશો શહેરના થોડાક વિસ્તારોમાં જ સીમિત થઈ રહ્યા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પ્રવેશ લગભગ અસંભવ બની રહ્યો છે.

ભારતના બંધારણે દરેક નાગરિકને સમાન અધિકારો, સ્વતંત્રતા અને માનવ ગૌરવ સાથે જીવવાનો અધિકાર (Right to live with dignity) આપ્યો છે. ખાસ કરીને આર્ટિકલ 14,15, આર્ટિકલ 19(1)(e) (ક્યાંય પણ વસવાટ કરવાનો અધિકાર) અને કલમ 21 (જીવન અને સ્વતંત્રતા) હેઠળ આ અધિકારો સુરક્ષિત છે. પરંતુ અશાંત ધારાના વર્તમાન અમલથી મુસ્લિમ રહીશો આ બંધારણીય અધિકારોથી વંચિત થઈ રહ્યા છે.

આ કાયદો મુસ્લિમ રહીશોને “Standard of Living” એટલે કે જીવનસ્તર (જીવનનો ધોરણ) સુધારવાની તકોથી પણ દૂર રાખી રહ્યો છે. ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી આશરે 10 ટકા છે. શું 10 ટકા વસ્તીને ચોક્કસ વિસ્તારોમાં સીમિત કરી દેવી એ કોઈ લોકશાહી સમાજ માટે યોગ્ય વ્યવસ્થા કહેવાય?

કડવી હકીકત એ છે કે વર્ષો દરમિયાન કોમી રમખાણો, સુરક્ષા સંબંધી ભય અને સામાજિક ભેદભાવના કારણે મુસ્લિમ રહીશો શહેરના જૂના અને ગીચ વિસ્તારોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. શહેરોના વિકાસ સાથે નવા વિસ્તારો ઉભા થયા, પરંતુ તેમાં મુસ્લિમોની હાજરી અત્યંત ઓછી રહી છે.

હિન્દુ રહીશો માટે વિસ્તારની ભૌગોલિક દ્રષ્ટિએ જ્યાં અસંખ્ય વિકલ્પો ઉપલબ્ધ છે, ત્યાં મુસ્લિમ રહીશો માટે માત્ર થોડાક વિસ્તારો — જેમ કે વડોદરામાં તાંદલજા, ગોરવા વગેરે — જ ઉપલબ્ધ રહે છે. પરિણામે, તેઓને ઊંચી કિંમતે અને ઓછી સુવિધાઓ સાથે મિલ્કત ખરીદવી પડે છે, જે સ્પષ્ટપણે આર્થિક અને સામાજિક અન્યાય છે.

વર્ષ 1991થી આજદિન સુધી આ કાયદામાં કરવામાં આવેલા સુધારાઓએ તેને વધુ કડક અને નિયંત્રણાત્મક બનાવ્યો છે. સાથે સાથે, કેટલાક સંગઠનો અને રાજકીય તત્વોએ આ કાયદાનો ઉપયોગ મુસ્લિમોના મિલ્કત અધિકારોને અવરોધવાના સાધન તરીકે કર્યો છે.

તાજેતરમાં વડોદરામાં એક નવો અને ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળે છે — જ્યાં મુસ્લિમો માટે એપાર્ટમેન્ટ બનાવવાની યોજના માત્ર થોડા અંતરે હોવા છતાં પણ તેનો વિરોધ કરવામાં આવે છે. આ ટ્રેન્ડ માત્ર ભેદભાવપૂર્ણ નથી, પરંતુ દેશની એકતા, ભાઈચારા અને અખંડતા માટે ગંભીર ખતરો ઉભો કરે છે.

મુખ્ય પ્રશ્ન એ છે કે —
જો વેચનાર પોતાની મરજીથી અને યોગ્ય બજાર મૂલ્યે મિલ્કત વેચવા તૈયાર હોય, તો ખરીદનારને માત્ર તેની ઓળખના આધારે કેવી રીતે રોકી શકાય?

પરંતુ સત્ય હકીકત એ છે કે મુસ્લિમોને વાસ્તવમાં રોકવામાં આવે છે — સીધા કે આડકતરી રીતે.

આ પરિસ્થિતિ સ્પષ્ટપણે બહુમતીના દબાણ અને સત્તાના દુરુપયોગ દ્વારા ઉભો થયેલો અન્યાય છે.

દુર્ભાગ્યે, મુસ્લિમ સમાજે આ મુદ્દે વ્યાપક સ્તરે કોઈ સશક્ત આંદોલન ઉભું કર્યું નથી. આ લડત ફક્ત કોર્ટરૂમ સુધી સીમિત રહી છે. કેટલીક આર્થિક રીતે સક્ષમ વ્યક્તિઓએ કાનૂની પ્રક્રિયા, ઓળખાણ અથવા ભ્રષ્ટાચાર દ્વારા અશાંત ધારા હેઠળ પરમિશન મેળવી લે છે, પરંતુ સામાન્ય મુસ્લિમ રહીશોના પ્રશ્નો યથાવત રહ્યા છે.

જો આ મુદ્દે બંધારણીય રીતે, કાનૂની રીતે અને સામાજિક રીતે મજબૂત અવાજ ઊભો કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

નિષ્કર્ષ:

અશાંત ધારોનો હેતુ ન્યાય અને સુરક્ષા હતો, પરંતુ તેનો અમલ જો ભેદભાવ અને દમન તરફ દોરી રહ્યો હોય, તો તેની પુનઃસમીક્ષા અને સંવિધાનિક પરીક્ષણ (Constitutional Scrutiny) અનિવાર્ય છે.

દરેક નાગરિકને સમાન અધિકારો, સમાન તક અને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર મળવો જોઈએ — એ જ સાચી લોકશાહીની ઓળખ છે.

અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે, તેની સાથે તંત્રી મંડળ સહમત હોય તે જરૂરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments