Friday, November 22, 2024
Homeઓપન સ્પેસપેશાવર કરુણાંતિકા અને તેના પ્રતિભાવો

પેશાવર કરુણાંતિકા અને તેના પ્રતિભાવો

પાકિસ્તાનના પેશાવર શહેરમાં આર્મી સ્કૂલના ૧૩૨ માસૂમ બાળકો પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની હત્યાકરવાની ઘટનાએ પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. અને કેમ નહીં, એ મા-બાપો પર શું વીતી હશે જેમણે પોતાના વહાલાઓને હોશભેર તૈયાર કરી પોતાનું ભવિષ્ય બનાવવા શાળાએ મોકલ્યા હશે અને પછી તેઓ ક્યારેય પરત નથી આવવાના તે ખબર તેમને પહોંચી હશે. કેટલાય મા-બાપોને આ ભૂલકાઓની લાશમાં પોતાના વહાલાઓ દેખાયા હશે અને તેઓને પણ એ જ કરુણાને અનુભવ થયો હશે. આ ઘટનાએ લોકોમાં કરુણાની સાથે રોષની લાગણીઓ પણ ઉશ્કેરી હશે. આવા સમયે દરેક વ્યક્તિ પોતાની સમજ અને જાણકારી મુજબ આવી ઘટનાઓનો પ્રતિભાવ આપતો હોય છે. ખેદનજક બાબત એ છે કે પ્રતિભાવો મુખ્યત્વે ઉંડાણની સમજ પર આધારિત ન હોઈ માત્ર લાગણીઓનું ઘોડાપુર હોય છે. આવી લાગણીઓના કારણે સત્ય સમજવા માટે દ્રષ્ટી ગાયબ થઈ જતી હોય તેવા અનુભવ થાય છે.

આ લેખનો પ્રયત્ન પેશાવરની ઘટના પાછળ કોનો હાથ હતો અને તેમની પ્રેરણાઓ શું હતી તે જાણવાનો નથી. આનું કારણ એ છે કે આપણી પાસે જે ખબરો આવે છે તે અધૂરી હોય છે. આવી ઘટનાઓ પાછળના અમુક અંશો લોકો સુધી ન પહોંચે તેના માટે સરકારો, સેનાઓ અને ગુપ્તચર સંસ્થાઓ ચોક્કસ કારણોસર તેના પર રોક લગાવતા હોય છે. આ લખે વડે પ્રયત્ન કરવામાં આવશે કે આવી ઘટનાઓથી ઉદ્ભવતા પ્રતિભાવો પર એક નિષ્પક્ષ નજર નાખવામાં આવે અને તેની હકીકત સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવે.

આ પ્રતિભાવોને કુલ ચાર શ્રેણીઓમાં વિભાજીત કરી શકાય છે. પ્રથમ પ્રતિભાવ એવા કેટલાક ઇસ્લામપ્રિય લોકોનો છે કે આવા બર્બરતાપૂર્વક કામોમાં મુસલમાનોનો હાથ હોઈ જ ન શકે. ખરા મુજાહિદો નિર્દોષો પર હુમલો જ ન કરી શકે. આ કામ ચોક્કસ બિન મુસ્લિમોનું અને ગુપ્તચર સંસ્થાઓનું જ હોઈ શકે. આ પ્રકારના પ્રતિભાવની સૌથી મોટી ખામી એ છે કે તેઓ દરેક વ્યક્તિને માત્ર સારી અને ખરાબમાં જ વહેંચણી કરે છે. તેઓ સમજવા તૈયાર નથી હોતા કે મુસલમાનોમાં જ્યારે ખુદ નબી (સ.અ.વ.)ના સમયમાં મુનાફિકો મોજૂદ હતા અને તેમણે ઉમ્મતમાં ખારિજોની ચેતવણી આપી હતી તો વર્તમાન સમયમાં એવા મુસલમાનો જ નિર્દોષોનું ખૂન વહેડાવતા હોય તેવુ માનવામાં શું વાંધો હોઈ શકે. શું તેઓ સુધી તે લોકોની વાત નથી પહુંચી જેમણેે મુહમ્મદ (સ.અ.વ.)ના મહાન સહાબીઓ વચ્ચે જંગો કરાવીને કેટલાય નિર્દોષોના ખુન વહાવડાયા હતા. દરેક બાબતમાં ઉમ્મતને નિર્દોષ અને તેની દરેક બુરાઈને બીજાઓની દેન ગુણાવનારી આ માનસિકતા ઉમ્મત માટે ઘણી ખતરનાક નિવડી શકે તેમ છે. જો આ માનસિકતા છોડવામાં ન આવે તો જે નેકદિલ બિનમુસ્લિમો નિર્દોષ મુસલમાનો માટે લાગણીઓ ધરાવે છે તેઓ પણ એક એક કરીને દૂર થઈ જશે.

બીજો પ્રતિભાવ તે મુસલમાનોનો છે જેઓ કહે છે કે જે મુસલમાનો આ પ્રકારની ઘટનામાં સંડોવાયેલા છે તેઓએ ઇસ્લામમાં રાજકારણને મેળવી દીધું છે, તેનું આ પરિણામ છે. ઇસ્લામમાં રાજકીય ગતિવીધીઓ માટે કોઈ અવકાશ જ નથી અને ઇસ્લામ તો માત્ર અલ્લાહની ઇબાદત કરવા સુધી જ સીમિત છે. ઇસ્લામને આ રીતે મર્યાદિત કરવામાં ખુદ અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ની જીંદગીની અવગણના કરવા સમાન છે. તેમની નબવી જીંદગીમાં શરૃઆતથી જ સંઘર્ષ અને વિરોધોનો ભરમાર હતો. અહીં સુધી કે તેમને ગમતી જન્મભૂમિ મક્કાથી હિજરત કરીને તેમને મદીના જવું પડયું. ત્યાં પણ તેઓની જીંદગી સંઘર્ષવિહીન ન હતી. કેટલીય જંગો, ભૂખમરા અને તકલીફો વેઠવી પડી. આમ ઇસ્લામને માત્ર અલ્લાહની બંદગીની કેટલીક બાબતો સુધી સીમિત રાખવાની વાત નબી (સ.અ.વ.)ની જીંદગી સાથે સુસંગત નથી જણાતી. ઇસ્લામનું પાલન કરવા માટે જે પણ પ્રયત્ન કરશે તેનો એક ચોક્કસ વર્ગ જરૃરથી વિરોધ કરશે. આમ આવા વિરોધોને રાજકીય ઇસ્લામ અને બિનરાજકીય ઇસ્લામ જેવા સહજ તફાવત કરવાથી કશું ઉપજે તેમ નથી.

ત્રીજો પ્રતિભાવ તે લોકોનો છે જે સમજે કે ઇસ્લામ જ દુનિયાની દરેક સમસ્યાનું મૂળ છે. ન ઇસ્લામ હોત, ન મુહાજીદીન હોત અને ન તો નિર્દોષોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવત. આ પ્રકારનો પ્રતિભાવ ઇસ્લામ અને જિહાદ વિશેની અધકચરી જાણકારી રાખનારાઓ તરફથી આવે છે. ઇસ્લામી જગતના મશહૂર આલિમોએ કુઆર્ન, હદીસ અને ઇસ્લામી પ્રણાલીઓને સામે રાખીને અવારનવાર આ બાબત લોકો સામે મૂકી છે કે ઇસ્લામમાં નિર્દોષોની હત્યા, ફિતના ફસાદ અને આડેધડ ખૂનખરાબા માટે કોઈ જગ્યા નથી. એટલું જ નહીં નિર્દોષોની હત્યા કરનારાઓને અલ્લાહના અને ઇસ્લામના દૂશ્મનો ગણવામાં આવ્યા છે. કોઈ મુજાહિદીન ફોજ એવું કહેતી હોય કે પેશાવરમાં તેમણે માસૂમ બાળકોને એટલા માટે માર્યા કારણ કે આવું કરવામાં તે ઝુલ્મનો બદલો લઈ રહ્યા હતા અથવા તેમને આવું કરવાની વ્યુહાત્મક જરૃર હતી તો તેઓ ઇસ્લામની શિક્ષાઓને સમજયા જ નથી. તેઓએ માત્ર પોતાની મનમાની કરવાને ઇસ્લામનું નામ આપી દીધું છે. ઇસ્લામમાં નિર્દોષોની હત્યા કરવા માટે કોઈ પણ કારણ ઉચીત ગણવામાં આવ્યું નથી. અહીં સુધી કે જંગમાં પણ વૃદ્ધો, સ્ત્રીઓ અને બાળકોને ઇજા પહોંચાડવાની મનાઈ કરવામાં આવી છે. ઇન્સાની જાનો તો ઘણી દૂર છે પણ માલ મિલ્કત અને ખેતરોને રંજાડવાની પણ મનાઈ કરવામાં આવી છે. ઇસ્લામનું અવતરણ જ માણસોની ભલાઈ અને રહેમત માટે થયું છે. ઇસ્લામ વિરૂદ્ધ તરત જ પોતાનો ફેંસલો સંભળાવી દેનારાઓ ન તો મુસલમાનોની બહુમતિને જોવાની તસ્દી લે છે ન તેના વિદ્વાનોના ઉપદેશોને સાંભળે છે ન તો તેના અસલ સ્ત્રોતો કુઆર્ન અને હદીસને સમજવાનો પ્રયત્ન કરે છે અને માત્ર થોડાં જ માર્ગ ભૂલેલાં લોકોને ઇસ્લામના પ્રતિનિધિ ગણવાની ભૂલ કરે છે. આ જ લોકો ઇસ્લામ વિશે જાતજાતની ગેરસમજો પણ ફેલાવે છે અને મામલાને વધૂ ગંભીર કરે છે.

ચોથો પ્રતિભાવ એવો છે જેઓ ધર્મજનૂનને જ દરેક સમસ્યાનું મૂળ કારણ ગણે છે. તેમના માટે કોઈ એક ધર્મવિશેષ નહીં પરંતુ તમામ ધર્મો માણસને અમાનવીય વર્તન કરાવનારા છે. આવા લોકોને પૂછવું જોઈએ કે શું દરેક ધર્મજનૂની દુનિયાથી મિટાવી દેવામાં આવશે તો ખૂનખરાબો અટકી જશે તેવું તે સમજી રહ્યા છે? મુહાજીદીન કે ધર્મજનુની લોકોની સંખ્યા કદાચ એકાદ બે લાખને વટાવતી હશે પરંતુ દુનિયાભરના રાષ્ટ્રોના સૈન્યબળને ગણીએ તો કરોડો જવાનો હશે. તેઓ દર વર્ષે અબજો ડોલર્સ હથિયારો, વાયુ જહાઝો અને સબમરીન પાછળ ખર્ચે છે. દુનિયાનું આ સૈન્યબળ ન જાણે કેટલાય લોકોનું ખૂબ વહાવી રહ્યું છે. આ સૈન્યબળોને ધર્મ સાથે કોઈ વાસ્તો હોતો નથી. ધર્મજનુનીઓ પાસે જે હથિયારો પહોંચતા હશે તે પણ આ સૈન્યબળ વડે જ પહોંચતા હશે. આમ આ પ્રતિભાવમાં પણ વજન નથી કે ધર્મજનુનના કારણે દુનિયામાં અવારનવાર નિર્દોષોએ પોતાનું જીવન ગુમાવવું પડે છે. જો દુનિયાને આતંકવાદના અને ખૂનખરાબાના અભિશાપથી બચાવવી હશે તો દરેક જૂથની પોતાની જવાબદારી બને છે. ઇસ્લામી વિદ્વાનો અને મુસ્લિમ સમાજ હોય કે બીજા ધાર્મિક વિદ્વાનો હોય તેમણે પોતાના યુવાનોમાં સાચા ધર્મનું શિક્ષણ આપવું પડશે. તેમનામાં રહેલી ઊર્જાને સાચી દિશા આપવી પડશે. નિર્દોષનું જીવન કેટલું કિંમતી છે તે દર્શાવવું પડશે. અન્યાયનો વિરોધ કઈ રીતે કરવા તેની કેળવણી આપવી પડશે. બીજી તરફ દુનિયાભરનો સશક્ત વર્ગ છે જેમની પાસે ગૌરવપૂર્ણ જીવન છે તેમણે આગળ આવીને તે માનવસમૂહ જેમના માટે પૂરતી તકો ઉપલબ્ધ નથી તેમને તકો પૂરી પાડવી પડશે. તેમની સાથે ન્યાયપૂર્ણ અને ગૌરવપૂર્ણ વ્યવહાર કરવો પડશે. સામાજિક અને આર્થિક વ્યવસ્થા એવી કરવી પડશે કે જે કારણે કોઈ બુનિયાદી સવલતોથી વંચીત ન રહી જાય. મહાસત્તાઓ અને સરકારોની જવાબદારી તે થશે કે તેઓ કોઈ સાથે અન્યાય ન થાય તેની કાળજી રાખે. કોઈ પોતાની જાતને ફકત એટલા માટે અસુરક્ષિત ન સમજે કે તેઓ કોઈ વિશેષ સમાજ, પ્રદેશ અથવા ધર્મને માનનારો છે. જો આવી તકેદારીઓ રાખવામાં નહી આવે તો માનવ માનવ વચ્ચેનું ઘર્ષણ ઓછું કરી નહી ંશકાય. ખૂનામરકીના બદલે વધારે ખૂનખરાબો થશે અને આ જમીન રહેવાને લાયક નહીં રહે. અલ્લાહથી તે જ દુઆ કે પેશાવર કરુણાંતિકામાં શહીદ થયેલા બાળકોને જન્નત આપે, તેમના મા-બાપને હિંમત આપે અને તેમની શહાદત થકી વિશ્વશાંતિનો માર્ગ ઉઘડી જાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments