શોલે ફિલ્મના ઓરીજિનલ ક્લાઇમેક્સમાં ઠાકુર દ્વારા ગબ્બરને મારતો બતાવવામાં આવ્યો હતો. જેને પાછળથી સેન્સર બોર્ડની દખલગીરીથી બદલવું પડ્યું. સેન્સર બોર્ડ નહોતુ ઇચ્છતુ કે ફિલ્મમાં ઠાકુરનુ પાત્ર કાયદાને પોતાના હાથમાં લે. લગભગ ૪૦ વર્ષ પછી આવેલી ફિલ્મ ‘ગબ્બર ઇઝ બેક’ના ક્લાઈમેક્સમાં સરકારી કર્મચારીઓની બેધડક હત્યાઓ કરનાર, ફિલ્મના હીરોને શહીદની જેમ ફાંસીની સજા વહોરતા બતાવવામાં આવ્યો છે. આ જ તફાવત છે જે આપણે ૧૯૭૫ અને ૨૦૧૫ની વચ્ચે આપણી ફિલ્મમાં જોઈ રહ્યા છીએ. આ પરિવર્તન ફકત ફિલ્મમાં થયું છે કે પછી સમાજ, સંસ્કૃતિ કે પછી રાજનીતિ આ પરિવર્તનથી દૂર છે? જરા થોભીને વિવિધ ક્ષેત્રોના સિતારાઓ પર એક નજર નાંખીએ તો જવાબ મળી જશે. આજે સાહિત્યના બ્રાંડ ચેતન ભગત છે, સંગીતમાં હનીસિંહ અને મિલકા સિંહ છે, સિનેમામાં સલમાન ખાન અને અક્ષયકુમાર છે તો આધ્યાત્મમાં બાબા રામદેવ, આશારામ અને રાજનીતિમાં મોદી, કેજરીવાલ, અમિતશાહ અને ઓવેશી બ્રધર્સ છે. આ લિસ્ટને જોતાં સ્પષ્ટ થાય છે કે આપણા નાયકો બદલાઈ ગયા છે. હવે તેઓ દૂધના ઘોયેલા નથી. અને મુલ્યોનું જતન પણ કરતા નથી. શ્રેષ્ઠ થવાના માપદંડો પણ બદલાઈ ચુક્યા છે. નેતાઓ, નાયકોની સાથે ચાલવાને બદલે તેમની પાછળ ઘેટા બકરાની જેમ આંધળું અનુકરણ કરવાની પ્રવૃત્તિ બળવત્તર બની ગઈ છે.
આપણે ઉદારીકરણના જમાનામાં છીએ. જ્યાં દરેક પોતાને બજારમાં ટકાવી રાખવા માટે બ્રાંડ બનવા સંઘર્ષ કરે છે. જો એક વાર તમે બ્રાંડ બની ગયા તો સફળ થયા સમજો, પછી ભલે તમે નૈતિક રીતે કેટલા પણ ખાલીખમ અને બનાવટી હો. અને જે બ્રાંડ નથી બની શકતો તેને હાંસિયામાં રહેવું પડે છે, પછી ભલે તે ગમે તેટલો પ્રભાવશાળી હોય. આ રમતનો બીજો નિયમ છે કે બ્રાંડ એ જ બને છે જે માર્કેટની માંગના હિસાબે ફિટ હોય. ત્યારે જ તો લોકસભાની સામે આત્મહત્યા કરનાર એક ખેડૂત ન્યૂઝ ઇન્ડરસ્ટ્રીઝ માટે બ્રાંડ થઈ જાય છે, જ્યારે વર્ષોથી ગ્રામીણ ભારતના જુદા-જુદા પ્રાંતોમાં આત્મહત્યા કરનારા હજારો ખેડૂતો ન્યૂઝ વેલ્યુ નથી બની શકતા. આ બ્રાંડ્સને જ રૉલ મોડલ તરીકે ચીતરવામાં આવી રહ્યું છે. લોકોને તેમના વ્યસની બનાવવામાં આવી રહ્યા છે. જે પાછળ જતા કરોડોની સંખ્યામાં ફેંન્સ બની જાય છે. ફેંન્સ થવાની પહેલી શરત અંધભક્તિ છે. આપણા જમાનાના રૉલ મોડેલ તાનાશાહ પણ હોઈ શકે. જેના કરોડો ફેન્સ આંખ-કાન બંધ કરીને તેમને ફોલો કરે છે. સલમાનખાનથી જોડાયેલ હાલની તાજી ઘટના તેનું ઉદાહરણ છે.
૧૯૭૫માં ફિલ્મ શોલેના વિલન ગબ્બર સિંહ આ ફિલ્મનો જ નહીં હિન્દી સિનેમાનો પણ એક બ્રાંડ છે. હવે ૨૦૧૫ ફિલ્મી પડદે ગબ્બર ફરી એકવાર આવી ગયો છે. આ વખતે તે વિલન નથી પણ હીરો છે. એમ તો એના કાર્યો વિલન જેવા જ છે પરંતુ તેના વિલન જેવા કરતુતોને બિરદાવવવામાં આવે છે. અને સાથે જ “નામ વિલન કા કામ હીરો કા” જેવી પંચ લાઈનથી તેને સ્થાપિત કરવાની કોશિશ પણ કરવામાં આવી છે. શોલે ફિલ્મમાં ગબ્બરને પોતાના કરતુતોનો પશ્ચાતાપ ભલે નહોતો, છતાં તેણે કમસેકમ હીરો બનવાની કોશિશ તો નહોતી કરી. પરંતુ ‘ગબ્બર ઈઝ બેક’નો ગબ્બર ઘોષણા કરે છે કે “હું સરકારી પણ નથી અને ગેરકાયદેસર પણ નથી, હું કોઈ નેતા પણ નથી અને કોઈ ટેરરિરિસ્ટ પણ નથી. કામથી હીરો અને નામથી વિલન છું. હું ગબ્બર છું.”
‘ગબ્બર ઈઝ બેક’ ૨૦૦૨ની તમિલ ફિલ્મ ‘રમન્ના’ની રીમેક છે. તેનું નિર્દેશન ખ્યાતનામ દક્ષિણ ભારતીય નિર્દેશક ક્રિશ અને નિર્માણ સંજય લીલા ભણસાલીએ કર્યું છે. ફિલ્મનો મુખ્ય નાયક કોલેજ પ્રોફેસર છે. જે દિવસે ભણાવવાનું કામ કરે છે અને રાત્રે એક શહેરી ગોરીલા સમુહનો નેતા બની જાય છે. તેનો ભ્રષ્ટાચારનો ઇલાજ કરવાનો માર્ગ સીધો છે. પહેલા તે ટાર્ગેટ વિભાગના ૧૦ સૌથી ભ્રષ્ટ અધિકારીઓનું લિસ્ટ બનાવીને તેમનું અપહરણ કરાવે છે. પછી તેમાંથી ટોપ કરપ્ટ અધિકારીને મોતને ઘાટ ઉતારી રસ્તાની વચ્ચે લટકાવી દે છે. અને બાકીના લોકોને છોડી દે છે. આનાથી તે વિભાગના તમામ અધિકારીઓમાં ગબ્બરની દહેશત વ્યાપી જાય છે. જેનાથી તેઓ લાંચ-રુશ્વત લેવાનું બંધ કરી દે છે. ગબ્બરના આ કારનામાથી તે લોકો અને ખાસ કરીને યુવાનોની વચ્ચે હીરો બની જાય છે. તેના ગોરીલા સમુહના સદસ્યો તેના વિદ્યાર્થીઓ જ હોય છે. પોતાની એન્ટિ કરપ્શન ફોર્સ બનાવતા પહેલા અજય (અક્ષય કુમાર) પોતાની ગર્ભવતી પત્નીની સાથે આમ જીવન વ્યતિત કરી રહ્યો હતો. પરંતુ જે ફ્લેટમાં તે રહેતો હતો તે ફ્લેટ ખરાબ જમીન પર બનેલ હોવાના કારણે અચાનક ભસ્મીભૂત થઈ જાય છે, આ હોનારતમાં તે પોતાની પત્નીને ગુમાવી દે છે. બિલ્ડરની વિરુદ્ધ પુરતા પુરાવા હોવા છતાં તેને ન્યાય નથી મળતો. છેલ્લે તે બિલ્ડરથી મોટી બ્રાંડ બનવામાં અને તેને મારી નાંખવામાં સફળ થઈ જાય છે. ગબ્બરની પાછળ પડેલ પોલીસ મુર્ખ છે. અને તે વધારે પડતુ એક કોન્સટેબલનો મજાક ઉડાડવાનું જ કામ કરે છે. જે તે તમામ લોકોથી વધારે કાબેલ અને હોશિયાર છે, કેમકે ગબ્બરને પકડવા માટે તેની પાસે વધારે સારી યોજનાઓ છે. ફિલ્મમાં છેલ્લા હિસ્સામાં જ્યારે ગબ્બરને પકડી જેલ લઈ જવામાં આવે છે ત્યારે લાખોની સંખ્યામાં ગબ્બરના પ્રશંસકો પોલીસ વેનને ઘેરામાં લે છે અને ગબ્બરને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાની માંગ કરે છે. આ ભીડ ગબ્બરની એટલી અંધભક્ત હોય છે કે પોલીસ ઓફિસર ગબ્બરને આજીજી કરે છે કે તે પોતાના પ્રશંસકોને માર્ગમાંથી હટી જવાનું કહે. પછી પોલીસ ઓફિસર ગબ્બરને વેનની ઉપર ચડાવવા માટે પોતાની હથેળી આગળ ધરે છે. આ સીન દ્વારા બતાડવામાં આવ્યું છે કે કઈ રીતે વ્યવસ્થાતંત્રના લોકો પણ ગબ્બરની વિચારસરણીથી સહમત હોવા છતાં કાયદાથી બંધાયેલ હોવાના કારણે તેઓ મજબૂર છે. ફિલ્મનું કોઈ પણ કેરેકટર એવું નથી જે ગબ્બરને અને તેની વિચારસરણીને ખોટી ઠેરવતા હોય.!!!
ક્લાઈમેક્સમાં ઘણી હત્યાઓનો દોષિત ફિલ્મના હીરોને પોતાના ઉન્માદી સમર્થકોને સંબોધન કરવાનો મોકો પણ આપવામાં આવે છે. જેમાં તે કહે છે કે, મે જે કર્યું છે તે સાચું છે, જે રાસ્તો અપનાવ્યો તે ખોટો છે. અહીં તે પોતાની ભૂલ સ્વિકારવાની સાથે અપરાધીઓને મારી રસ્તા પર લટકાવી દેવાના કૃત્યુને સાચુ ઠેરવે છે. એમ તો તેને ફાંસીની સજા સંભળાવતા બતાવવામાં આવ્યું છે પરંતુ આમાં પણ તેને કાયદેસર ભગતસિંહ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મમાં માત્ર એક પ્રાઈવેટ સંસ્થાને ટાર્ગેટ બનાવવામાં આવી છે. અને આ એક માત્ર હિસ્સો વાસ્તવિક અને પ્રભાવશાળી છે. આમાં પ્રાઈવેટ હોસ્પિટલોની અસંવેદનશીલતા અને તેમનું કોઈપણ કિંમતે દર્દી અને તેના પરિવારને લોહીના છેલ્લા ટીપા સુધી ચુસી લેવાની લાલચ બતાવવામાં આવી છે. આખરે આ એક ખતરનાક વિચાર પર આધારિત ફિલ્મ છે. જે ભીડ તંત્રના ન્યાય અને તાનાશાહીની દલીલ કરે છે. આમાં વર્તમાન સમયના કેટલાક ગંભીર મુદ્દાઓને અત્યંત વાહીયાત રીતે ઉકેલતા બતાવવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ ગમે તેટલા મોટો ગુનેગાર હોય છતાં તેને આ રીતે મારી દેવું ગેરકાયદેસર અને પાંગળી માનસિકતા છે. એવી જ રીતે લોકોમાં ભય પ્રસરાવવા માટે હત્યાઓ કરવી પણ આતંકવાદની શ્રેણીમાં આવે છે. ‘ગબ્બર ઈઝ બેક’ આવકના મામલે ૨૦૧૫ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બનીને ઉભી છે. જે ફિલ્મની ખ્યાતી અને તેના વ્યાપક સ્વિકારને દર્શાવે છે. આનો મતલબ એમ થાય કે ફિલ્મમાં જે વિચારો દર્શાવવામાં આવ્યા છે તેને સમાજ વ્યાપક રૃપે સ્વિકારે છે.!!!
કદાચ એવું જ છે. જરા યાદ કરો નાગાલેન્ડના દીમાપૂરની ઘટનાને જ્યાં હજારોની સંખ્યાની ઉન્માદી ભીડ પહેલા દીમાપૂરની કેન્દ્રીય જેલને તોડીને આરોપીને બહાર કાઢે છે. પછીને તેને નાગો કરીને મારી મારીને અધમૂઓ કરી દે છે. અને છેલ્લે તેને રસ્તાની વચ્ચે ફાંસી પર લટકાવી દેવામાં આવે છે. વચ્ચે જ મધ્ય યુગની માનસિકતા અને રીત-રીવાજોને થાપ દેતી ભીડના આધુનિક મોબાઈલ, સ્માર્ટ ફોનના કેમેરા આવી હચમચાવી દેનારા કૃત્યુને કેદ કરવા ફ્લેશ થાય છે. ત્યારે એક ઝાટકે આપણા સમાજનો કાળો ચહેરો સામે આવે છે.
“૫૦-૫૦ કોષ દૂર જબ કોઈ રિશ્વત લેતા હૈ તો સબ કહેતે હૈં મત લે વરના ગબ્બર આ જાએગા.” જેવા ડાયલોગ સાંભળીને અરવિંદ કેજરીવાલ યાદ આવે છે. ‘ગબ્બર ઇઝ બેક’ અને અરવિંદ કેજરીવાલ બન્નેનો મુખ્ય થીમ ભ્રષ્ટાચાર છે. તેમણે પાછલા કેટલાક વર્ષોમાં પોતાને ભારતીય રાજનીતિમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ સૌથી મોટા બ્રાંડ તરીકે સ્થાપિત કર્યા છે. તે ઘોષણા કરી રહ્યા છેે કે ઇમાનદારી એકમાત્ર મારી વિચારધારા છે. આ હીરો પણ ચમત્કારી છે. તે પોતાના ત્રણ વર્ષના પોલીટીકલ કેરીઅરમાં એકવાર હારી ચુક્યા હોવા છતાં દિલ્હીમાં ૭૦માંથી ૬૭ સીટ લાવી શાનદાર વાપસી કરે છે. દરેક નાયક પોતે બ્રાંડ હોવાની કિંમત વસૂલે છે. કેજરીવાલ પોતાની હીરોવાળી ઇમેજને સામે લાવી એ જ કરી રહ્યા છે. ફિલ્મના એક દ્રશ્યમાં ટેકસીવાળો કહે છે કે ગબ્બરની દહેશતથી રિશ્વતખોરી ઓછી થઈ છે. જેનાથી તેને ઘણો ફાયદો થયો છે. આ દિલ્હીના એક રિકશાવાળાની કહાનીથી મળતી આવે છે.
આજે ભારતીય રાજનીતિમાં મોદી અને કેજરીવાલ સૌથી મોટી બ્રાંડ છે. અને રાહુલ એક બ્રાંડ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ‘બ્રાંડ મોદી’ ખૂબજ ઝિંટવણપૂર્વક ઘડવામાં આવ્યું છે. આમાં વિકાસ અને હિંદુત્વનું પરફેક્ટ મિશ્રણ છે. મોદી અને કેજરીવાલને ઉદારીકરણની પેદાશ, વિચારધારા વિહિન મધ્યમ વર્ગ અને નવયુવાન પેઢીઓનું જબરદસ્ત સમર્થન હાંસલ છે. આ ભ્રષ્ટ, અસામર્થ્ય અને જુના રીત રિવાજોના હિસાબે રાજનીતિ કરનારા રાજનેતાઓથી ત્રસ્ત થઈ ગઈ છે. ફિલ્મનો એક ડાયલોગ છે, “હમારે જ્યાદા તર નેતા જાહિલ ઔર અપરાધી હૈં” યાદ રહે ‘ગબ્બર ઈઝ બેક’ સિંગલ સ્ક્રીન નહીં મલ્ટીપ્લેક્ક્ષને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે. આ ફિલ્મનો ઓડિયન્સ પણ મધ્યમ ઉચ્ચ વર્ગ (Middle Upper Class), કોલેજના વિદ્યાર્થીઓ છે. જેમનું મોટાપાયે બિનરાજકીયકરણ થઈ ચુક્યું છે. હવે તેમને ફેન અને અંધભક્ત બનાવી રાખવાનો કિમીયો રચવામાં આવી રહ્યો છે.
હમણાં સુધી આપણી મસાલા ફિલ્મના હીરો મોટાપાયે નાના અને સ્થાનીક ગુંડાઓને સબક શિખવાડવા અથવા તેમનાથી છુટકારો મેળવવા કાયદાને હાથમાં લેતા હતા, પરંતુ આ ફિલ્મમાં ગબ્બર પુરી વ્યવસ્થાને ચેલેન્જ કરે છે. અને પોતાને અરાજકતાવાદી વ્યવસ્થા સ્વરૃપે ઉભો કરવાનો પ્રયાસ પણ કરે છે. આ આપણા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની એ જ વિચારધારાનું તુષ્ટિકરણ છે જે સમસ્યાના ઉપાય સ્વરૃપે’ બધાંને લાઈનમાં ઊભા રાખીને ગોળી મારી દેવી જોઈએ’ જેવા ભ્રમિત સુત્રની દલીલ કરે છે. સારી સિનેમાઓનું ઉદ્દેશ્ય સમાજના અંધારમય ભાગને સામે લાવી અરીસો બતાવવાનો છે. ‘ગબ્બર ઈઝ બેક’ સિનેમા ન કહી શકાય કેમકે તે પોતે આ અંધકારમાં ડુબેલી છે.
… જાવેદ અનીસ