* અબ્દુલ્લાહ બિન મસઊદ રદી.ની રિવાયત છે; રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ “ઇર્ષ્યા માત્ર બે વ્યક્તિઓની જ કરી શકાય : ૧. જેને અલ્લાહે માલ આપ્યો છે, ઉપરાંત તેને સત્યના માર્ગમાં લૂંટાવવાની તૌફીક આપી છે. ૨. જેને અલ્લાહે (દીનના) ડહાપણથી નવાજી છે, તો તે એ પ્રમાણે ફેંસલો આપે છે અને (લોકોને) શીખવાડે છે.”
સમજૂતી : અહીં ઇર્ષ્યા અદેખાઈના અર્થમાં નથી. અર્થાત્ ઉપરોક્ત બે નેકીઓ એવી છે જેના વિષે ઇર્ષ્યા કરી શકાય બલ્કે ઇર્ષ્યા કરવી જોઈએ.
(બુખારી, મુસ્લિમ, મિશ્કાત, કિતાબુલ ઇલ્મ, પા. ૨૪)
હઝરત ઇબ્નેઅબ્બાસ રદી.ની રિવાયત છે. તેમણે કહ્યું કે, “રાત્રે થોડો સમય જ્ઞાન શીખવાડવું રાતભર જાગવા કરતાં બહેતર છે.”
(દારિમી, મિશ્કાત, કિતાબુલઇલ્મ, પા. ૨૮)
હઝરત અબૂહુરૈરહ રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું : “ડહાપણની વાત બુદ્ધિશાળી વ્યક્તિની ગુમ થયેલી વસ્તુ છે, જ્યાં પણ તેને તે જડે તો તે તેનો વધુ હક્કદાર છે.”
(તિર્મિઝી, મિશ્કાત પા. ૨૬)
હઝરત ઇબ્નેઅબ્બાસ રદી.ની રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું: “એક સમજદાર વિદ્વાન (ફકીહ) શૈતાન ઉપર હજાર ઇબાદત કરનારાઓ કરતાં ભારે છે.”
સમજૂતી : એક ઇબાદતગુઝાર વ્યક્તિ પોતે પોતાના જીવનમાં અંગત રીતે દીનની કેટલીક નેકીઓ ઉપર અમલ કરી શકે છે પણ આ નેકી વડે તે વાતાવરણને પ્રભાવિત કરી શકતી નથી, તેમજ શૈતાને ઊભા કરેલા ફિત્નાઓને રોકવાની તેની તાકાત જ નથી. દીનની સાચી સમજ ધરાવતી આવી વ્યક્તિ જ શૈતાન માટે પરેશાન કરનારી બની શકે છે.
(તિર્મિઝી, મિશ્કાત પા. ૨૬)