સંસ્થા પરિચય માટે આ અંકની પ્રસ્તુતિમાં આપણી સાથે સુકુન સેન્ટર ફોર સોશીયલ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ડેવલપમેન્ટ મોડાસાના પ્રમુખ નિસારઅહમદ મલેક અમારી સાથે વાતચીત કરી જેના કેટલા અંશો અમારા વાંચકો માટે રજૂ કરીએ છીએ.
પ્રશ્ન: આપનો ટુંક પરિચય?
ઉત્તર: મારૃં નામ નિસારઅહમદ મલેક છે. જૂન ૨૦૧૫થી સંસ્થાના ટ્રસ્ટી ભાઈઓએ સુકુન સેન્ટર ફોર સોશીયલ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ડેવલપમેન્ટ મોડાસાના પ્રમુખની જવાબદારી મને સોંપી છે. આ પહેલા મોડાસા મુસ્લિમ સમાજની બે શાળાઓ મખદુમ હાઈસ્કૂલ મોડાસા અને મદની હાઈસ્કૂલ મોડાસામાં મેનેજમેન્ટમાં કામ કરવાનો અનુભવ છે. શરૃઆતથી જ મુસ્લિમ સમાજની શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપવામાં રસ રહ્યો છે તે અનુસંધાનમાં જ આ જવાબદારી નીભાવી રહ્યો છું.
પ્રશ્ન: સંસ્થાનો પરિચય?
ઉત્તર: સુકુન સેન્ટર ફોર સોશીયલ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ડેવલપમેન્ટ મોડાસાની સ્થાપના ૨૦૦૩માં કરવામાં આવી હતી. સમાજના વિભિન્ન ક્ષેત્રોમાં મુસ્લિમોના ઉત્થાન માટે કેટલાક પ્રોજેક્ટનું પ્લાનીંગ અમે કર્યું હતું અને તે માટે પૂર્વ તૈયારી રૃપે સમાજના સદ્ગૃહસ્થોનો સાથ અને સહકાર પણ મળ્યો હતો અને તેના પરિણામ રૃપે જ શૈક્ષણિક ક્ષેત્રે ઇ.સ. ૨૦૦૪ જુનમાં અમે રેડીયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સ્થાપના કરી હતી.
પ્રશ્ન: મોડાસા ખાતે આજથી ૧૨ વર્ષ પહેલા નવી શૈક્ષણિક સંસ્થાની સ્થાપનાની જરૂરત કેમ અનુભવી? અંગ્રેજી માધ્યમની સંસ્થા ઊભી કરવાનો ખાસ હેતુ શું હતો?
ઉત્તર: આપણએ જાણીએ છીએ કે ફેબ્રુઆરી ૨૦૦૨ પછી મુસ્લિમો ઘણી વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા. આ ડીઝાસ્ટર પછી માનસિક અને આર્થિક રીતે જે પ્રતિકુળ અસર થઈ હતી તેમાંથી સમાજના વિભિન્ન ક્ષેત્રે નવરચનાની જરૂરત ઉભી થઈ હતી. ગુજરાતના બીજા શહેરો અને ગ્રામ્ય ક્ષેત્રે પણ શૈક્ષણિક બાબતે જાગૃતિ લાવવી હતી અને શૈક્ષણિક સંકુલ ઉભા કરવા માટે પ્રયત્નો શરૃ થયા હતા. મોડાસામાં મુસ્લિમ સમાજની પાંચ ગુજરાતી મીડિયમની શાળાઓ કાર્યરત હતી. એટલે અમે ગહન વિચારણાના અને મુસ્લિમ સમાજની જરૂરતને પૂર્ણ કરવા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૃ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળા મોડાસા જેવા રિમોટ ટાઉન એરીયામાં શરૃ કરવી અને તેને સફળતાપૂર્વક ચલાવવી એક પડકારરૃપ કાર્ય હતું પરંતુ સમયની જરૂરત અને મુસ્લિમ સમાજ માટેની અનિવાર્યતાને ધ્યાનમાં લઈને અમે આ પડકાર ઉપાડી લીધો અને અલ્લાહની મદદ અને મુસ્લિમ સદ્ગૃહસ્થો અને આપ સર્વેની દુઆથી અમે આ કાર્યમાં સંતોષજનક પ્રગતિ કરી રહ્યા છીએં.
પ્રશ્ન: આ યાત્રા દરમ્યાન કેવા પડકારોનો સામનો કરવો પડયો?
ઉત્તર: સૌ પ્રથમ તો મુસ્લિમ સમાજના વાલીઓનો શું પ્રતિભાવ હશે તે બાબતે અમે ચોક્કસ ન હતા. એ પછી ઇંગ્લિશ મીડિયમની સેલ્ફ ફાયનાન્સ શાળામાં આર્થિક રીતે ખર્ચ કરવા મુસ્લિમ વાલીઓની માનસિકતા વિષે પણ અમને શંકા હતી. પરંતુ પ્રથમ વર્ષે જ અમે સીનીયર કે.જી.થી ભાડાના મકાનમાં શરૃ કરેલ વર્ગમાં એડમીશન પૂર્ણ થઈ ગયા. તેથી અમારા ઉત્સાહમાં વધારો થયો. એ પછી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે ફેકલ્ટી (ટીચર્ર્સ)ની જરૂરીયાત એક ખુબજ મુશ્કેલ બાબત હતી. પણ અમારા મિત્રો અને નજીકના કાર્યકરોના ઘરમાંથી જ આ જરૂરત પુરી થઈ ગઈ. અમારી સફળતામાં સૌથી મોટું યોગદાન આ જ ટીચર્સનું રહ્યું છે. એ પછી ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવાનું વિકટ કાર્ય હતું જે પુર્ણ કરવામાં મુસ્લિમ સમાજના દાનવીરોએ દીલ ખોલીને અમને સહકાર આપ્યો.
પ્રશ્ન: અન્ય સંસ્થાની સરખામણીમાં આ શાળાની વિશેષતાઓ શું છે?
ઉત્તર: અમે શરૃઆતથી એ લક્ષ્ય રાખ્યું હતું કે મુસ્લિમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવે. આ શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે વ્યક્તિગત પ્રતિભા (પર્સનાલીટી ડેવલપમેન્ટ)ને સૌથી વધુ મહત્ત્વ આપી રહ્યા છીએંે અને તેને અનુરૃપ વિવિધ પ્રોગ્રામ અને એકટીવીટી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેનું આયોજન કરીએ છીએ. ઇસ્લામિક એજ્યુકેશનને અનુરૃપ તેમનામાં એક સાચા મુસ્લિમ તરીકેની ભાવના ખીલે તેવા પ્રયત્નો કરીએ છીએ. તે ઉપરાંત સમાજ ઉપયોગી માઈન્ડ સેટ બનાવવાની કોશિશ કરીએ છીએં.
પ્રશ્ન: સંસ્થાનું ભવિષ્યનું આયોજન?
ઉત્તર: અત્યારે અલ્લાહના ફઝલથી જુનિયર કે.જી.થી સાયન્સ સુધી ૪૯૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છીએ. હાયર સેકન્ડરી સાયન્સ વિભાગ અમે જુન ૧૫ થી શરૃ કરેલ છે. હાયર સેકન્ડરી કોમર્સ અને આર્ટ્સ વિભાગ જુન ૧૬થી શરૃ કરવાનું આયોજન છે. તે ઉપરાંત રેસીડેન્સીયલ સ્કૂલ જેમાં હોસ્ટલની સુવિધા હોય અને મોડાસા ઉપરાંત અન્ય વિસ્તારના બાળકોને લાભ આપી શકાય. ટીચર્સ ટ્રેનીંગ સેન્ટરની સ્થાપના પણ વિચારણા હેઠળ છે. અલ્લાહની દુઆ છે કે આપણને નિખાલસપૂર્વક સમાજની સેવા કરવાની તૌફીક આપે.
પ્રશ્ન: આજના શિક્ષણના વ્યાપીકરણના યુગમાં આપની શાળાનો શું અભિગમ રહ્યો છે?
ઉત્તરઃ આપ જાણો છો કે આ શાળા સેલ્ફ ફાયનાન્સ છે અને ક્વોલીટી એજ્યુકેશન આપવા માટે નિભાવ ખર્ચ વધુ જ હોય છે. પરંતુ અમારી શાળા બીજી શાળા કરતાં એ રીતે જુદી છે. અહીં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ઉપેક્ષા ન થાય અને તેમને યોગ્ય રીતે મદદ કરી શાળામાં તેમને પણ પુરતુ એજ્યુકેશન મળી રહે તેનુંં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત આ શાળાનો શરૃઆતથી અભિગમ નફો નહીં પરંતુ દેશમાં ક્રીએટીવ અને જવાબદાર નવી જનરેશન તૈયાર થાય તે જ રહ્યો છે અને રહેશે. ઇન્શાઅલ્લાહ.
પ્રશ્ન: યુવાસાથીના વાંચકો માટે તમારો શું સંદેશ છે?
ઉત્તરઃ આજનો યુગ જ્ઞાનનો યુગનો છે. તેથી વાંચકોને એ જ સંદેશ કે પોતાના વ્યક્તિત્વ અને માનસિક વિકાસ માટે વાંચન અને અધ્યયનને વધુ ને વધુ વિકસાવે. આ સાથે જ સમાજ અને દેશની પ્રગતિ માટે યથાર્થ પ્રયત્નો કરતા રહે. યુવાસાથીની ટીમને ખૂબખૂબ અભિનંદન આવું માસિક પ્રકાશિત કરવા બદલ જે સમાજમાં પ્રગતિશીલ કામોને વેગ આપવા વૈચારિક ક્રાંતિના પ્રયાસો કરી રહ્યું. છે.