Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસસંસ્થા પરિચયશમ્સ ગ્રુપ ઓફ સ્કૂલ્સ

શમ્સ ગ્રુપ ઓફ સ્કૂલ્સ

(સંસ્થા પરિચયની આ કડીમાં ગવર્નર ઓ.પી. કોહલી હસ્તે‘ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ’ થી સન્માનિત શમ્સ ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક મુશ્તાક અહમદ ખાને યુવાસાથીના એડીટર ઇન ચીફ સાથે વાતચીત કરી, જેના કેટલાક અંશો અમારા વાંચકો માટે રજૂ કરીએ છીએ. – સંપાદક મંડળ)


પ્રશ્ન. આપનો ટૂંકો પરિચય?
ઉત્તરઃ
નામઃ મુશ્તાક અહમદ ખાન પઠાણ. જન્મ અહમદાબાદમાં જ થયો. મિલ મજૂરી કરતો હતો અને માત્ર નોન-મેટ્રિક સુધી પાસ થયા પછી અભ્યાસ ડ્રોપ કરી દીધો. ઘણા સમય સુધી અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છું અને જનસેવાના સૂત્રને સાર્થક કરવા માટે “શમ્સ ગ્રુપ ઓફ સ્કૂલ્સ”ની સ્થાપના કરવાનો અવસર મળ્યો. લોકોએ મને મિલ મજૂરથી વિસ્તારનો કોર્પોરેટર બનાવ્યો, શહેરમાં પ્રસિદ્ધિ અપાવી. હું માનું છું કે એ લોકોનું ઋણ ચૂકવવા સામે મારૂં આ શાળા ચલાવવાનું કાર્ય ખૂબ જ નાનું છે.

પ્રશ્ન. આપને સમાજમાં અભૂતપૂર્વ શૈક્ષણિક અને સામાજિક કામગીરી બદલ ગુજરાત સરકાર તરફથી ‘ગ્લોરી ઓફ ગુજરાત’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ સંદર્ભે આપનો શું અહેસાસ છે?
ઉત્તરઃ
આ તો અલ્લાહ તઆલાની કૃપા છે, કોઈ વ્યક્તિની ઔકાત નથી હોતી. આમ તો મે ક્યારેય પણ વિચાર્યું ન હોતું કે જે લાસ્ટ ઇનિંગ અને લાસ્ટ ઓવર રમી રહ્યો છું એવા અવસરે ગવર્નર સાહેબના હાથથી મને આવો એવોર્ડ મળશે, એવું મેં ક્યારેય પણ વિચાર્યું ન હોતું. જો કે આ એવોર્ડ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઇમ્તિયાઝ અહેમદ અને ટ્રસ્ટી બિલાલ અહમદ અને લોકોની દુઆઓનું પરિણામ છે. હું “કર ભલા, તો હો ભલા”ના સ્લોગનમાં માનું છું. કોઈ કવિની રચના છે, “જાને કોન મેરે હકમેં દુઆ કરતા હૈ – મેં ડૂબતા હું, સમન્દર ઉછાલ દેતા હૈ.” અને અલ્લામા ઇકબાલની પણ પ્રસિદ્ધ રચના છે, “ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પેહલે – ખુદા બંદે સે ખુદ પૂછે બતા, તેરી રઝા ક્યા હૈ.” અલ્લાહ તઆલાએ મારાથી મારી ઇચ્છા પુછી છે અને મારી ઇચ્છા છે “કર ભલા તો હો ભલા”, આના સિવાય કશું જ નથી. આ અવસરે હું અલ્લાહનો ખૂબ જ આભારી છું અને આ એવોર્ડને બધા જ “જનસેવા”ના ઝંડાધારીઓને સમર્પિત કરૂં છું અને એવી આશા રાખું છું કે આવનારા દિવસોમાં શિક્ષણ અંગે વધુ ને વધુ ચિંતિત રહીશું.

પ્રશ્ન. આ સંસ્થાની સ્થાપનાનો વિચાર આપને કેવી રીતે આવ્યો અને તે સમયે કેવા સંજોગો પ્રવર્તતા હતા?
ઉત્તરઃ
મેં પહેલાં પણ કીધું કે “કર ભલા તો હો ભલા”માં હું શ્રદ્ધા ધરાવું છું. આ જ સ્લોગન સાથે મેં ‘ખિદમતે ખલ્ક’ (જનસેવા)નો ખ્યાલ અમલમાં મૂકવાનું નક્કી કર્યું. મારા ધ્યાને આવ્યું કે પૂર્વ વિસ્તારમાં ઉર્દૂ માધ્યમની પ્રાથમિક કક્ષા સુધીની તો કોર્પોરેશનની શાળાઓ છે, પણ પછી આગળ માધ્યમિક અભ્યાસ માટે શાળા ન હોવાથી અનેક બાળકો કે જેઓ પરપ્રાંતિય છે તેઓ આગળ ભણી શકતા નથી, ત્યારે મેં ઉર્દૂ માધ્યમની માધ્યમિક શાળા શરૂ કરવાનું અભિયાન શરૂ કર્યુ. કોર્પોરેશનથી લઈ સરકાર સુધી લડત ચલાવી અને સામા પ્રવાહો અને પવનો સામે પણ બાથ ભીડી અને વર્ષોની સંઘર્ષમય લડત બાદ જૂન ૨૦૦૦માં ધોરણ ૧ થી ૪ અને ધોરણ ૮ ઉર્દુ માધ્યમની ‘શમ્સ સ્કૂલ’ શરૂ કરી. અમોએ જનાબ પી.એ. ઇનામદાર (આઝમ કેમ્પસ પૂણે)થી પણ ઘણાં માર્ગદર્શન મેળવ્યા અને તેમનાથી જ પ્રેરણા લઈને શમ્સ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી. આમ બિલાલ કોમ્પ્લેક્ષ રખિયાલમાં શરૂ થયેલી ‘શમ્સ સ્કૂલ’ આજે અજીત મિલ રખિયાલ ચાર રસ્તા પાસે ‘વટવૃક્ષ’ બનીને ઊભી છે. જેના છાંયડામાં જ્ઞાનનો રસ પીનારા પૂર્વ વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યની ભરપૂર ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. અત્યારે મારા બંને પુત્રો સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઇમ્તિયાઝ અહેમદ અને ટ્રસ્ટી બિલાલ અહેમદ આ ‘વટવૃક્ષ’ને વધુ ઘટાદાર બનાવવા સતત પ્રયત્નશીલ છે.

પ્રશ્ન. આપ ઘણા વર્ષોથી સંસ્થા ચલાવો છો, દેખીતી વાત છે તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્‌યો હશે. તે સમયના કપરા ચઢાણનું વર્ણન કરશો?
ઉત્તરઃ
કોઈ કવિએ કહ્યું છે, “કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો – અડગ મનના મુસાફીરને હિમાલય પણ નથી નડતો” – વિરોધો પણ થયા, સંઘર્ષ વધી ગયો, પણ મારૂં માનવું છે કે જેને કોમ અને સમાજની સાચા દિલથી સેવા કરવી હોય તેની સાથે કુદરત હોય છે. વળી મારા માટે પ્રેરણાસ્ત્રોત હતા, અનેક લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરનારા મારા કાકા હાજી નુરૂલહસન માસ્ટર અને પત્ની બેગમનૈયત. મારી પત્નીના સગા-સંબંધી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જાગૃત અને અગ્રેસર હતા. સસરા જનાબ નિયાઝ અહેમદ સિદ્દીકી કે જેઓ ઉર્દૂના લેખક, વિવેચક અને અલીગઢ મુÂસ્લમ યુનિવર્સિટીમાં ઉર્દૂના પ્રોફેસર હતા એ પણ મારા માટે પ્રેરણારૂપ બન્યા. આમ પ્રેરક બળ અને મહેનત રંગ લાવી અને “શમ્સ ગ્રુપ ઓફ સ્કૂલ્સ”ની પ્રગતિ થવા લાગી. આમ ભલું કરનારનું તો ભલું થાય જ છે. સાથે અન્યનું પણ ભલું થાય છે. તે “શમ્સ સ્કૂલ”ની શિક્ષણ અંગે જાગૃતિના અભિયાને સાબિત કરી બતાવ્યું. ધોરણ ૧ થી ૪ સુધી શરૂ થયેલી શમ્સ સ્કૂલ આજે કે.જી. થી ધોરણ ૧૨ સુધી ઉર્દૂ, ગુજરાતી અને અંગ્રેજી એકમાત્ર માધ્યમોમાં સામાન્ય અને વિજ્ઞાન બંને પ્રવાહમાં કાર્યરત્‌ છે. માત્ર ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી શાળા પાસે હાલ ૨૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ છે. જે ટૂંંકા સમયમાં શાળાની પ્રગતિનો અણસાર આપે છે.

પ્રશ્ન. આ યાત્રામાં કોઈ વિશેષ અનુભવ થયો હોય જે અમારી સાથે શેર કરવા માંગતા હોવ?
ઉત્તરઃ
શમ્સ સ્કૂલની મુલાકાતે અનેક નામી લોકો આવ્યા, જેમણે શમ્સ સ્કૂલની પ્રવૃત્તિઓ જાઈ અદ્‌ભુત ઉચ્ચારણ સાથે શાળા વિશે અનેક ઉમદા વાતો કહી જે પૈકી એક ઉદાહરણ છે. ઇસ્લામી ડેવલપમેન્ટ બેંક જિદ્દાહની એક ટીમ શમ્સ સ્કૂલની મુલાકાતે આવી હતી. ત્યારે તેમના પ્રતિનિધિએ શાળા સંકુલ અને શાળાનું કાર્ય જોઈ ગદ્‌ગદિત થતાં જણાવ્યું હતું કે હું આ શાળાને ૨ લાખ ડોલરની ગ્રાન્ટ આપું છું, જે નિયમ મુજબ છે. પણ જો મારા હાથમાં હોત તો હું આ શાળાને ખૂબ મોટી રકમ ગ્રાન્ટ સ્વરૂપે આપત.

પ્રશ્ન. આપે જે વખતે સંસ્થાની સ્થાપના કરી અને જે હેતુ નજર સમક્ષ હતા તે હેતુઓ સિદ્ધ થયા કે કેમ?
ઉત્તરઃ
બહુ મોટો ફેર પડ્‌યો છે. વિદ્યાર્થીઓ ભણે છે અને સારી જાગૃતિ આવી છે.

પ્રશ્ન. સંસ્થાની સિદ્ધિઓનું કંઈક વર્ણન કરશો?
ઉત્તરઃ વાત કરીએ શાળાની સિદ્ધિઓની તો શાળાના વિદ્યાર્થીઓના પરીક્ષાનું પરિણામ હંમેશાં ખૂબ જ સારું રહે છે. શાળાની કાર્યપદ્ધતિ પણ પ્રશંસનીય છે. ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયના શિક્ષણને સુદૃઢ બનાવવા શાળા દ્વારા વેકેશનમાં પણ વિના મૂલ્યે વર્ગો ચલાવવામાં આવે છે. તેમજ વર્ષ દરમ્યાન દરેક યુનિટના અંતે પરીક્ષા યોજી વિદ્યાર્થીઓને વધુ પરીક્ષાલક્ષી અને પરિણામલક્ષી બનાવવા પ્રયત્નો કરવામાં આવે છે. શાળાના વર્ગો સીસી ટીવી કેમેરાથી સુસજ્જ છે. સાથે જ અદ્યતન કોમ્પ્યુટર લેબ અને ડીઝિટલ ટચ સ્માર્ટ ક્લાસ પણ એક વિશેષતા છે. જ્યારે ધોરણ ૯માં ૭૫ ટકાથી વધુ ગુણ સાથે પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ધો-૧૨ સુધી ફી માફી તેમજ ગરીબ વિદ્યાર્થીઓ માટે ફી માફી છે. શાળા દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગરીબ બાળકોને ફી માફી, યુનિફોર્મ, પુસ્તકો સહિતની શૈક્ષણિક મદદ કરી સમાજમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા પ્રયત્નો હાથ ધરાય છે.

પ્રશ્ન. ભવિષ્યમાં સંસ્થાનું કોઈ આયોજન?
ઉત્તરઃ અમારૂં ભવિષ્યમાં આટ્‌ર્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ શરૂ કરવાનું આયોજન છે.

પ્રશ્ન. યુવાસાથીના વાચકો માટે આપનો સંદેશ?
ઉત્તરઃ શિક્ષિત સમાજ ઉત્કર્ષ પામી શકે છે. સમાજ શિક્ષિત હશે તો તે તેની આજુ બાજુ તથા સમગ્ર દુનિયામાં થતાં ફેરફાર સાથે સમજણ પૂર્વક કદમ મેળવી શકશે. જ્યારે સમાજ પછાત હોય તો મુસીબતમાં હોય અને તમે સમાજની વ્હારે આવવાના બદલે જો સમાજથી વિમુખ થાઓ તે એ કાયરતાની નિશાની છે. સમાજના ઉત્કર્ષ અને પ્રગતિ માટે વિપરિત સંજોગોમાં પણ કમર કસી આગળ આગળ વધનારા લોકો સમાજને પ્રગતિના પંથે લઈ જાય છે. •


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments