આપણે જે દેશમાં રહીએ છીએ તેને દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ કહેવામાં આવે છે. આ લોકતંત્રને મેળવવા માટે આપણા પૂર્વજોએ સંઘર્ષ કર્યા અને કુર્બાનીઓ આપી ત્યારે આપણને આ આઝાદી મળી. નિશ્ચિત છે કે આપણે આઝાદી મેળવવા માટે યોગદાન આપ્યો. આપણને આ આઝાદી કોઈ પણ મહેનત, કુર્બાનીએ વિના વારસામાં અથવા પછી કહીએ તો મફતમાં મળી ગઈ. જે વસ્તુ મફતમાં અથવા સરળતાથી મહેનત વિના મળી જાય છે તેની લોકો કદર નથી કરતા. આપણે એનો દુરુપયોગ કરવા લાગીએ છીએ. આજે દેશમાં જે પ્રકારની પરિસ્થિતિ છે અને ઉપરથી લઈ નીચે સુધી જે કાંઇ થઈ રહ્યું છે શું એ જ આઝાદી છે?
દરેક માણસ પોતપોતાની રીતે લોકતંત્રની વ્યાખ્યા કરી મનમાની કરી રહ્યો છે. બંધારણનું સન્માન નથી થઈ રહ્યું અને પોતાના સ્વાર્થ માટે સંસદને અખાડો બનાવી દેવામાં આવે છે. આજની પરિસ્થિતિને જોતાં કહી શકાય કે લોકતંત્રના નામે આપણને ફકત બે વસ્તુ મળી છે. પહેલી, આપણને મત આપવાનો અધિકાર છે જેના દ્વારા આપણે આપણા પસંદગીના નેતાની વરણી કરી શકીએ. એટલે કે આપણને આપણી સરકારની પસંદગી કરવાનો અધિકાર છે. બીજી, અભિવ્યક્તિની સ્વતંત્રતા. અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આપણે આપણી વાત નથી કહી રહ્યા બલ્કે બીજાને ગાળો આપી રહ્યાં છીએ. બીજાઓને અપમાનિત કરી રહ્યા છીએ. વિદ્વેષ ફેલાવી રહ્યા છીએ. સામાજિક સમરસતાની જગ્યાએ સમાજમાં કટુતા અને વિષવમન કરી રહ્યા છીએ.
સરકારની પસંદગી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપરાંત આપણી પાસે સ્વતંત્રતાના નામે શું છે? સમાચાર વાંચવા મળી રહ્યા છે કે ગુંડાઓએ જાહેરમાં સિપાહીને ગોળી મારી દીધી. બદમાશો પોલીસથી બાખડયા, વેપારીને ગોળી મારી, પિતાને મોતને ઘાટ ઉતારી દીધો, માને મારી નાખી, ભાઈની હત્યા કરી દીધી. લોકોને કાનૂન અને ન્યાય વ્યવસ્થાનો જાણે કે ડર નથી રહ્યો. જાહેરમાં ગોળીઓ ચલાવવી અથવા હત્યા કરી દેવી જાણે કે કેટલાક લોકોનો અધિકાર બની ગયો છે.કાનૂન વ્યવસ્થાને પોતાના હાથમાં લેવી જાણે કે લોકોનો અધિકાર બની ગયો. છે. ગુંડાઓ પોતાની સમાનાંતર સરકાર ચલાવે છે. એવું લાગી રહ્યું છે જેને ઉપર જૂતા ફેંકવામાં આવે છે. માથાભારે લોકો સરકારી અને બિનસરકારી જમીન પર કબ્જો કરી લે છે. એમની તરફ આંખ ઉઠાવીને જોનાર કોઈ નથી હોતું. જે આંખ ઉઠાવે છે તે પોતે ઊઠી જાય છે.
દેશમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા ઉપર છે. ભ્રષ્ટાચાર વિના તમે કોઈ કામ નથી કરી શકતા. જ્યારે રાજનીતિ જ ભ્રષ્ટાચારની કળણભૂમિમાં ખૂંપેલી છે, તો મશીનરીનો ભ્રષ્ટાચાર થવો સ્વાભાવિક છે. જે નેતા સરકારી ઉત્સવો અથવા સામાજિક સમારોહોમાં આપણને નૈતિકતા અને ઈમાનદારીના પાઠ ભણાવવામાં આવે છે. એ જ મંચ ઉપરથી ઊતરીને એ જ કામ કરવા લાગે છે, ત્યારે જનતા એમના ઉપદેશોને શા માટે માને? નેતાઓની આ હાલત છે કે એમનો કોઈ સિદ્ધાંત નથી. વિચારધારા નથી. જ્યાં સત્તા સુખ અથવા લાલચ દેખાયા એ જ પાર્ટીમાં ઘુસી ગયા. કાલ સુધી જે જેમને ગાળો ભાંડતા હતા, આજે એમના ચરણોમાં પડેલા છે. સરકારની પસંદગીના નામે આપણે યોગ્ય સરકાર પણ નથી પસંદ કરી શકતા. આપણે તો ભ્રષ્ટ લોકોમાંથી ઓછા ભ્રષ્ટ લોકોને પસંદ કરીએ છીએ. કેટલીક વાર એ પણ નહીં; કેટલીયવાર લાલચમાં તો કોઈકવાર પોતાનો સ્વાર્થ જોઈએ છીએ અને દેશહિતને પાછળ છોડી દઈએ છીએ.
ગુલામ અને આઝાદ દેશમાં ફકત આ જ ફરક છે કે આપણે સ્વતંત્રતાના નામે કોઈને પણ ગાળ આપી દઈએ, કોઈના પર પણ આરોપ મૂકી દઈએ. શું લોકતંત્રનો અર્થ આ જ છે? બળાત્કાર, લૂંટ, ખંડણી ઉઘરાવવી હત્યા, ઘાડ પાડવી, હપ્તા વસૂલી કરવી એવા અપરાધમાં કેટલીય વાર જેલ જાય છે અને ત્યાંથી પાછા આવ્યા પછી ફરી પોતાના કામ પર લાગી જાય છે. એવા અપરાધીઓ માટે જ આ લોકતંત્ર છે. આજે મારો ધર્મ, મારી જાતિ, મારો સંપ્રદાય, મારૃં ઘર, મારા બાળકો, મારો પરિવાર અને વધુ થાય તો સ્વાર્થના નામે મારો પ્રાંત સુધી આ મામલો સંકુચિત થઈને રહી ગયો છે. કોઈપણ દેશની વાત નથી કરતું. હા, દેશના નામે રાજનીતિ જરૃર કરે છે જેનાથી નામ અને પૈસા બંને મળે છે. દેશ અને દેશના નામ પર ફકત રાજનીતિ કરવા માટે અને સત્તા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. બધા લોકો અલગ-અલગ જૂથમાં વહેંચાયેલા છે. કેટલાક લોકો દેશનું નામ લઈ નફરત વૈમનસ્યતા, સાંપ્રદાયિકતા અને વિદ્વેષ ફેલાવે છે.
સ્વતંત્રતાના નામે દસ લોકો ભેગા થઈ જાય છે અને કોઈ પણ નામની સેના બનાવીને કોઈના પર પણ હુમલો કરી દે છે. આ કહેવાતી સેનાના લોકો પોતે જજ બની જાય છે અને તુરત જ દંડ આપવા લાગી જાય છે. જો આ જ લોકતંત્ર છે તો જંગલરાજ શું છે? શું આ જ લોકતંત્ર ઉપર આપણે ગર્વ કરીએ જ્યાં લોકોમાં નૈતિકતા, હયા, શરમ, નાના-મોટાનું સન્માન ખતમ થઈ ગયું છે. દરેક માથાભારે માણસ જજ બની ગયો છે. એ સમાંતર સરકાર ચલાવી રહ્યો છે. શું આવા જ લોકતંત્ર માટે લાખો લોકોએ કુર્બાની આપી હતી? કેટલીક વાર લાગે છે કે એમનું બલિદાન આપણે વ્યર્થ બનાવી દીધું છે. જે દેશના લોકોના દિલોમાં કાનૂનનો ડર અને ન્યાયપાલિકાનું સન્માન નથી હોતું એ દેશમાં લોકતંત્રનો કોઈ અર્થ નથી હોતો. આવી પરિસ્થિતિમાં નૈતિક ક્રાંતિની જરૃર છે જે દેશમાં શાંતિ સ્થાપી શકે. દેશને ગાંધી, નહેરૃ, સુભાષચંદ્ર બોઝ અશ્ફાકુલ્લાહ ખાન, ભગતસિંહ, રાજગુરૃ જેવા શુરવીરોએ દેશને વિદેશીઓથી આઝાદ કરાવી દીધો. હવે કબીર, તુલસી, રહીમ, બિહારી, સુરદાસ અન ેબીજા મોટા દાર્શનિકો તથા લેખકોની જરૃર છે. જેઓ દેશના લોકોની નૈતિકતા ભાઈચારો, પરસ્પર સદ્ભાવ માટે સંઘર્ષ કરે. લોકોમાં ઈશ્વર પ્રતિ ખોફ પેદા કરે, જેથી માણસ ખોટા અને અનૈતિક કામ કરતા ડરે.* (સાભારઃ કાંતિ માસિક)