Tuesday, December 3, 2024
Homeબાળજગતસલામનો કેવો ઉત્તમ જવાબ !

સલામનો કેવો ઉત્તમ જવાબ !

૧૯૪૭થી પહેલાંની વાત છે હું કલકત્તામાં હતો. દરજી કામ કરતો હતો. મારી દુકાન સામે એક ખાન સાહેબ રહેતા હતા. ખાન સાહેબ મોટા માલદાર અને શેઠ માણસ હતા. તેમનો મોટો વેપાર હતો અને શહેરમાં ભારે દબદબો હતો. સરકારી અધિકારીઓ પણ તેમને ઘણાં માનતા હતા. તેમણે એક કંપની ખોલી હતી. કંપનીમાં હિંદુ-મુસલમાન તમામ નોકરો હતા. મેનેજર હિંદુ હતા.

હું જ્યારે ઘરથી દુકાન પર આવતો અને જ્યારે દુકાનથી ઘરે જતો તો ખાન સાહેબને અસ્સલામુ અલયકુમ અવશ્ય કહેતો. આ મારો રોજનો ક્રમ હતો. ખાન સાહેબ વ અલયકુમ અસ્સલામ કહેતા. સલામ સિવાય મારી એમનાથી ક્યારેય કોઈ વાત નથી થઈ. હું નાનો માણસ હતો… તેઓ મોટા માણસ… મારી તેમનાથી વાત કે મુલાકાત જ શું?

એક વખત એવું થયું કે શહેરમાં એક હત્યા થઈ ગઈ. આ હત્યાના આરોપમાં મને પણ પકડી લેવામાં આવ્યો. પોલીસ ઇન્સપેકટરે મારા પાસે કપડાં સિવડાવતા હતા. હું સિલાઈના પૈસા માગવા ગયો. બસ, તે જ દિવસથી તે મારો દુશ્મન થઈ ગયો. જેથી આ મોકો મળ્યો તો મને પણ ફસાવી દીધો. મને જેલામાં બંધ કરી દીધો.

ખાન સાહેબે ઘણાં દિવસ સુધી મને ન જોયો તો પૂછ-પરછ કરી. તેમના માણસોએ હકીકત જણાવી. તો તેમણે તરત જ મેનેજર સાહેબને મોકલીને મને જામીન પર છોડાવી લીધો. હું ઘરે આવી ગયો… પરંતુ મને જાણ જ ન થઈ શકી કે મને કોણે છોડાવ્યો?

જામીન પર છૂટ્યો તો બીજા દિવસે દુકાન પર ગયો. ખાન સાહેબના સામેથી નીકળ્યો તો તેમને સલામ કર્યો. તેમણે પણ જવાબ આપ્યો. હું દુકાન પર કામ કરવા લાગ્યો.

હવે કોર્ટમાં કેસ શરૃ થયો. હું પરેશાન હતો કે ન તો મારા પાસે પૈસા છે ન કોઈ મદદગાર છે, વકીલ ક્યાંથી કરીશ અને કેસ કેવી રીતે લડીશ? પરંતુ જ્યારે અદાલત પહોંચ્યો તો કલકત્તાનો સૌથી મોટો વકીલ મારા તરફથી કેસ લડવા હાજર હતો. હું તો અચરજ પામી ગયો. પ્રથમ મુદ્દત પછી મેં વકીલથી પૂછ્યું, “વકીલ સાહેબ! હું તો આપની ફી આપી નહીં શકું ; આપ કેવી રીતે મારો કેસ લડી રહ્યા છો?”. તેમણે જવાબ આપ્યો, “તમને તેનાથી શું ગરજ, તમે તો હું કહું એટલું જ કરો.” – હું ચૂપ થઈ ગયો.

મહિનાઓ સુધી કેસ ચાલતો રહ્યો, વકીલ મારો કેસ લડવા દરેક મુદ્દતે આવતો રહ્યો અને હું એ શોધ કરતો રહ્યો કે અલ્લાહનો આ કયો બંદો છો જે મારા પાછળ પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે. પરંતુ કોઈ પણ રીતે મને જાણ થઈ જ ન શકી. ત્યાં સુધી કે મુકદૃમો પૂરો થઈ ગયો, હું નિર્દોષ છૂટી ગયો અને – હું ખૂબ જ ખુશ થઈ ગયો.

ઘરે આવ્યા પછી આ છૂટવાની ખુશીમાં મિત્રોની દા’વત કરી. ખાન સાહેબ અમારા મહોલ્લામાં જ રહેતા હતા. તેમને મેં બોલાવ્યા નહીં કેમ કે તે મોટા માણસ છે. મારા ઘરે કેવી રીતે આવશે. વળી એ વાત પણ હતી કે હું ખાન સાહેબના લાયક તેમની સરભરા પણ કરી શકતો ન હતો.

જો કે મેં તો તેમને ન હોતા બોલાવ્યા પણ ખાન સાહેબ તો મનથી આવી જ ગયા… મને તો શરમ પણ ખૂબ આવી અને હું ગભરાઈ પણ ગયો. સમજમાં જ ન આવ્યું કે શું કરૃં. મેં આગળ વધીને સંકોચ સાથે સલામ કર્યો અને આકુળ વ્યાકૂળ ઊભો રહી ગયો. ખાન સાહેબ હસવા લાગ્યા. કહ્યું, “ભાઈ! અમે તો તમારા પાડોશી છીએ, તમે અમને જ કેમ ન બોલાવ્યા?”

હવે મેં માથું નમાવીને કહ્યું, “સાહેબ, તમે તો મોટા માણસ છો. આપ મારા ઘરે કેવી રીતે આવતા? હું ગરીબ દરજી એક કેસમાં ફસાઈ ગયો હતો. અલ્લાહે ગેબથી મારી મદદ કરી અને મને બચાવી લીધો. આ ખુશીમાં આ ગરીબ ઘરમાં આજે રોનક છે.” તેઓ બોલ્યા, “અમને પણ આ વાતની ખુશી છે. લો, ભાઈ અમે તો વગર બોલાવ્યે પણ આવી જ ગયા.” અને પછી હસીને કહ્યું, “હવે આવી જ ગયા છીએ તો ખાધા વગર નહીં જઈએ.”

આ સાંભળીને મેં જલ્દી જલ્દી ખાન સાહેબની બેસવાની વ્યવસ્થા કરવા માંડી તો મને રોકયો અને કહ્યું, “ભાઈ! અમે તો તમારા બધાંના સાથે બેસીને જ ખાઈશું” એમ કહીને સૌની સાથે બેસી ગયા. બે ચાર કોળિયા લીધા અને મેનેજરને આદેશ આપ્યો કે પાંચસો રૃપિયા આપી દો. મેનેજર સાહેબે તરત જ પાંચ સો રૃપિયા આપી દીધા અને એ પણ જણાવ્યું કે, “તમારા કેસમાં હજારો રૃપિયા ખાન સાહેબે જ ખર્ચ્યા હતા.”

આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. હું દોડતો જઈને તેમના પગમાં પડી ગયો. ખાન સાહેબ બગડયા અને ગુસ્સે થઈને આગળ વધવા ગયા. પરંતુ મેં પગ પકડી રાખીને કહ્યું, “હુઝૂર! જો હું આખી જિંદગી આપની ગુલામી કરૃં તો પણ આપનો ઉપકારનો બદલો આપી શકતો નથી. તમે મારા જેવા ગરીબ ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે.”

ખાન સાહેબે જોયું કે આ માણસ પગ નથી છોડતો તો બોલ્યા, “ભાઈ! તમારો ઉપકાર હજુ પણ ઘણો વધારે છે મારા ઉપર.” મેં નવાઈ સાથે પૂછયું, “એ કેવી રીતે?” બોલ્યા, “હા… તમારો મોટો ઉપકાર છે. તમે વર્ષોથી મારા માટે દરરોજ સલામતીની દુઆ કરો છો. દિવસમાં આવતા જતાં બંને વખત મને ‘અસ્સલામુ અલયકુમ’ કહો છો જેનો અર્થ એ જ છે ને કે તમે બંને લોકમાં સલામત ને ખુશ રહો. બતાવો આ દુઆની કિંમત કેટલી હોઈ શકે છે?”

પછી તમે પોલીસ કેસમાં ફસાઈ ગયા તો સલામતીની દુઆ તમારી તરફથી બંધ થઈ ગઈ. મેં જાણકારી મેળવી. લોકોએ બતાવ્યું તો મારા દિલે મને કહ્યું કે જે વ્યક્તિ બીજાઓ માટે સલામતીની દુઆ કરતો હોય તે કોઈની હત્યા કરી જ ન શકે. આવો માણસ ચોક્કસ નિર્દોષ જ છે. બસ પછી મેં તે કર્યું તમારા માટે જેની તમને મારે જાણ ન હોતી થવા દેવાની, પણ કોઈકે તમને જાણ કરી દીધી. હું તો આનો બદલો માત્ર અલ્લાહથી જ મેળવવા માંગતો હતો. એટલા માટે છૂપાવતો હતો. તમને કોણે કહી દીધું?

“મેનેજર સાહેબ” મેંે જવાબ આપ્યો. અને ખાન સાહેબે જતાં જ મેનેજરને બરખાસ્ત કરી દીધો. મેનેજરનો પગાર દોઢ હજાર રૃપિયા માસિક હતો. તે ખૂબ જ ગભરાયો. ઘણાં બધા પાસે ભલામણો કરાવડાવી પણ શેઠ ન માન્યા. મેનેજરે મને ભલામણ કરવા આજિજી કરી. મને દયા આવી ગઈ અને મેં ખાન સાહેબના પગ પકડીને મેનેજરને માફ કરી દેવા વિનંતી કરી.

મારી વિનંતીથી તેઓ માની ગયા અને મેનેજરને ફરીથી નોકરી પર રાખી લીધો. હું ખાન સાહેબ માટે હજુ પણ દરરોજ સલામતીની દુઆ કરૃં છું. અલ્લાહ તેમને દુનિયા અને આખિરતમાં ખુશ રાખે. આવા પરોપકારી લોકો ક્યાં મળે છે. જેઓ માલદાર હોવા છતાં પણ ખુદાને ભૂલતા નથી. વિનમ્રતા દાખવે છે. અને બીજાઓ પર ઉપકાર કરીને પણ છૂપાવે છે. /

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments