લાગણીશીલ યજમાન ઘણા ચિંતિત હતા કે રાતના દોઢ વાગે સ્ટેશન વેરાન થઈ જાય છે અને દેશનું વાતાવરણ દૂષિત છે. તેમનો વિચાર હતો કે મારૃં રાત્રીના સમયે એકલા સ્ટેશન જવું, અને એકલપણે લાંબો પ્રવાસ કરવું ભયજનક છે. ખાસ કરીને ધાર્મિક પહેરવેશમાં. વાસ્તવિકતા આ છે કે રેલવેના પ્રવાસમાં ઘટતી કેટલીક માનવતાહીન ઘટનાઓ અને પછી સોશ્યલ મીડિયા પર લાગલગાટ પ્રસારણે ઘણા બધાના હૃદયોમાં ભય ભેદા કરી દીધો છે.
કાર્યક્રમ પ્રમાણે હું રેલવે સ્ટેશન પહોંચી ગયો, અને રાત્રે દોઢ વાગે એક લાંબો પ્રવાસ શરૃ થઈ ગયો. આગલા દિવસે એક સ્ટેશન પરથી લગભગ પંદર યુવાનો ડબ્બામાં દાખલ થયા અને પોતાના રિઝર્વેશન પ્રમાણે વિવિધ બેઠકો પર બેસી ગયા. બપોરનો સમય થયો અને હું જમી ચૂકયો હતો. પોતાના કેબિનમાં એકલો જ હતો. બાકી સીટો ખાલી હતી. મેં જોયુંકે તે બધા યુવાનોએ કંઈક મસલત કરી અને મારા કેબિનમાં ભેગા થઈ ગયા. મારા મસ્તિષ્કમાં વ્યાકૂળતાની લ્હેર દોડી ગઈ. પરંતુ થોડીવારમાં મને અંદાજો થઈ ગયો કેઆ લોકો સાથે મળીને જમવા ઇચ્છે છે. એટલા માટે તેમને આ ખાલી કેબિન યોગ્ય લાગ્યું છે.
હું બારી તરફ સરકીને બેસી ગયો.તેમનામાંથી કેટલાક તો સીટો પર બેસી ગયા. બીજા અન્ય ત્યાં જ ઉભા રહ્યા તેમની પાસે ઘણા પરાઠા હતા, અને સબજીઓ તથા ચટણીઓ હતી. પહેલા બે-બે પરાઠા બધાને વહેંચી દેવાયા, અને દરેક દ્વારા પોતાના ટીફીનમાંથી થોડી થોડી સબ્જી અને વિવિધ ચટણીઓ બધાના પરાઠા ઉપર નાખવામાં આવી. હું બારીમાંથી બહાર જોવા લાગ્યો. એવામાં એક પરાઠો મારી તરફ આગળ ધરાયો, મેં તરત વિવેકપૂર્વક ના પાડી અને પોતાના ઝોલા તરફ ઈશારો કરીને જણાવ્યું કે હું- હમણાં જ જમી પરવાર્યો છું. થોડીવાર પછી તેઓએ મને જમવામાં શામેલ થવાની વિનંતી કરી, મેં ફરીથી વિવેકપૂર્વક ના પાડી, પરંતુ તેઓ વિનંતી કરતા રહ્યા.
મારા મસ્તિષ્કમાં કેટલીય વાતો આવી રહી હતી, બાળપણમાં માતાની શિખામણ કે રસ્તામાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા આપેલ વસ્તુ ખાશો નહીં, ઝેર ખાધાની ઘણી બધી આંખે દેખી ઘટનાઓ, અને પછી હાથ ધોયા વિના જમવાનું વહેંચવું, અને હિંદુઓથી હંમેશની અજાણતા, મેં જોરદાર રીતે ના પાડી દીધી.
હવે તે બધાએ જમવાનું શરૃ કર્યું અને હું બારીથી બહાર જોઈ રહ્યો હતો અને વિચાર કરવા લાગ્યો કે અલ્લાહના રસૂલનો મક્કાવાળાઓ સાથે કબિલાનો સંબંધ હતો અને આરબના બીજા લોકો સાથે કોમનો સંબંધ હતો. કબીલાઓ અને કોમો અલ્લાહતઆલાએ એક મોટા ડહાપણ હેઠળ બનાવ્યા છે. તેનાથી પસ્પર ઓળખાણ થાય છે. એક કબિલાના લોકો એકબીજાથી પરસ્પર ખુબ પરિચિત હોય છે અને એક સમુદાયના લોકો પણ પરસ્પર એકબીજાથી ખૂબ પરિચિત થઈ જતા હોય છે. (વજાઅલ્નાકુમ શુઉબંવ કબાઈલ લેતાઆરફુ) આપણા મુસલમાનોનો આ દેશમાં રહેતા લોકો સાથે ન તો કબિલાનો સંબંધ રહ્યો અને ન કોમી હેસિયતથી સંબંધ બાકી રહ્યો. અજાણતાના મોટા-મોટા રણો આપણી વચ્ચે અડચણરૃપ છે. આટલી હદ સુધીની અજાણતા સાથે આપણે પોતાનો સંદેશ તેમના સુધી કેવી રીતે પહોંચાડી શકીએ અને પોતાના વિશેની ગેરસમજો કેવી રીતે દૂર કરી શકીએ.
હમણા હું આ બધું વિચારી રહ્યો છું કે તેઓએ ફરીથી મને ધ્યાનાકર્ષિત કરીને પરાઠો મારી સમક્ષ ધરી દીધો. મને ભૂખ જરાય ન હતી, પરંતુ મેં દિલ થામીને પરાઠો ઉઠાવી લીધો. પરાઠો મારા હાથમાં આવતા યુવાનો વચ્ચે એક પ્રસન્નતાની લ્હેર દોડી ગઈ અને દરેકે કંઈક ને કંઈક મારા પરાઠા ઉપર નાખવાનું શરૃ કરી દીધું. મેં જમવાનું શરૃ કર્યું હતું કે તેઓ એક બીજો પરાઠો વિનંતીપૂર્વક આપ્યો. હવે મને તેમની સાથે જમવામાં મજા આવી રહી હતી. થોડીવાર પછી મને અનુભૂતિ થઈ કે હું તેમના સમૂહનો એક વ્યક્તિ છું. આ અનુભૂતિ પોતાના અંતરમાં એક અનન્ય પ્રસન્નતા પ્રદાન કરી રહી હતી. જમવાનું સમાપ્ત થઈ ગયું, ત્યારે ખાંડ અને ઘી દ્વારા લપેટાયેલી રોટલીઓ બધાને અડધી-અડધી વહેંચવામાં આવી. અડધી રોટી મારા ભાગે પણ આવી. હું વિચારવા લાગ્યો કે આ લોકો પોતાના ઘરેથી લાવેલ વસ્તુઓ વ્હેંચીને જમી રહ્યા છે. છેવટે હું કેવી રીતે આ વ્હેંચણીમાં ભાગ લઈ શકું. પછી વિચાર આવ્યો અને મેં બેગમાંથી ઘરેથી લાવેલ આરબની ખજૂરો કાઢીને પોતાના હાથે બધાને વ્હેંચી દીધી. કદાચ આપણા દેશના હિંદુ ભાઈઓ ખજૂરથી અપરિચિત નથી. બધાએ ખજૂરો ખાધી.
સાંજ થઈ તો યુવાનોમાંથી એકે ચોખાના બનાવેલ લાડુ કાઢીને વ્હેંચ્યા, એક લાડુ મારા ભાગે પણ આવ્યો. ખૂબજ સ્વાદિષ્ટ હતો. રાત્રે મારું સ્ટેશન આવી ગયું અને બધાએ દરવાજા સુધી આવીને મને એવી રીતે વિદાય કર્યો કે જેવી રીતે પોતાના સમુદાયની એક વ્યક્તિને વિદાય કરે છે. કેટલાકે તો મારી સાથે સેલ્ફી પણ લીધી. હું ઉતરી ગયો. પછી ટ્રેન ચાલી નીકળી, અને પોતાના પ્રિયજનો પ્રતિ હું જોતો રહી ગયો. આ બધા લોકો ઘણી દૂર કોઈ ‘દેવી’ના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.
મારો આ અહેસાસ પહેલા હતો અને હવે ખૂબ ઉંડો થઈ ગયો છે કે ભારતીય જન સામાન્યના મસ્તિષ્કના વાંચન માટે અને ભારતીય પરિસ્થિતિઓને શોધવા માટે સૌથી વિશ્વનસીય અને શ્રેષ્ઠ માધ્યમ રેલગાડી છે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા અવિશ્વસનીય છે અને સોશ્યલ મીડિયા તો બિલકુલ ભરોસાપાત્ર નથી. પ્રજાની હાલત આ છે કે મુસલમાન અને હિંદુ એકબીજાથી જુદા સુરક્ષીત રહેવા માંગે છે તેથી એકબીજાને નજીકથી જાણવાનો અવસર પ્રાપ્ત થતો નથી. રેલગાડીમાં બધા લોકો એકબીજાથી નજીક આવી જાય છે. જેથી એકબીજાને સહેલાઈથી જાણી અને સમજી શકે છે. આપ જેટલો ટ્રેનમાં વધુ પ્રવાસ કરશો, તેટલો જ વધારે લોકોનેે જાણી શકશો. મેં રેલગાડીમાં પ્રવાસ કરતા જેટલી હદે હિંદુઓને જાણ્યા અને વાંચ્યા છે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે હિંદુઓમાં મુસલમાનો વિરુદંધ દ્વેષ, નફરત, ઘૃણા ફેલાવનારા હજુ સુધી પોતાના મિશનમાં સફળ થયા નથી. ઘણા બધા હિંદુઓ હજી પણ મુસલમાનોથી નફરત નથી કરતા. બલ્કે દેખાવે ધાર્મિક પહેરવેશમાં દેખાતા મુસ્લિમોનો મહદઅંશે હિંદુઓ આદર કરે છે.
આ પરિસ્થિતિ આમજ રહેશે તે જરૂરી નથી. નફરત ફેલાવનારાઓ પોતાનું કાર્ય લાગ-લગાટ કરી રહ્યા છે. આવામાં મુસલમાનોની જવાબદારી વધી જાય છે. તેમણે આગળ વધીને નફરતના વ્હેણને રોકવું પડશે. આ કાર્ય સેકયુલર હિંદુઓથી વધારે શ્રેષ્ઠ રીતે દીનદાર મુસલમાનો કરી શકે છે. આ દેશમાં ઇસ્લામનો પરિચય કરાવવો ખૂબ જ જરૂરી છે./