Friday, November 22, 2024
Homeપયગામજનસંખ્યા વૃદ્ધિ: આશીર્વાદ કે અભિશાપ?

જનસંખ્યા વૃદ્ધિ: આશીર્વાદ કે અભિશાપ?

એક વિશેષ વિચારધારા ધરાવતું “સામાજિક”સંગઠન રાજકીય રીતે ખૂબ જ સક્રિય છે. કોઈ પણ સમસ્યાને વિકરાળ રૂપ આપવા અથવા જન આંદોલન ચલાવવા તેમની પાસે પૂરતા સંસાધન છે. વર્તમાન સરકાર પણ તેના સંકેતોને અનુસરી ચાલાકી અને આયોજન બદ્ધ રીતે તેના “ગુપ્ત” એજન્ડાને અંજામ આપવા રૂપરેખા તૈયાર કરી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. હાલમાં જ “જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન” દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના નામથી જ તેનું ધ્યેય સ્પષ્ટ દેખાય છે. તે કાર્યક્રમમાં યુનિયન મિનિસ્ટર ગીરીરાજ સિંહે હાજરી આપી હતી, જ્યાં તેમણે વૈચારિક રીતે સંસ્થા સાથે હોવાનું કહ્યું તેમજ જનસંખ્યા નિયંત્રણ કાનૂન માટે આંદોલન ચલાવવાની વાત કરી હતી. તેમના નિવેદન મુજબ જનસંખ્યા વૃદ્ધિથી દેશનો વિકાસ અને કોમી સૌહાર્દ ખોરવાય છે. જનસંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ જળ અને જમીનના સંસાધન સીમિત છે. આવી વાતો કરવાનો એક માત્ર હેતુ મુસ્લિમોને નિશાન બનાવવાનો દેખાય છે, કેમકે ગીરીરાજે કહ્યું હતું કે ૨૨ ઇસ્લામી દેશોમાં આ કાનૂન છે, પરંતુ ભારતમાં તેને ધર્મ સાથે જોડી જોવામાં આવે છે. અગાઉ સાક્ષી મહારાજે પણ જનસંખ્યા નિયંત્રણ માટે મુસ્લિમોની નસબંધી કરવાનું નિવેદન આપ્યું હતું અને બાબા રામદેવે તો ત્રણ બાળકો ધરાવનારનો મતાધિકાર તેમજ સરકારી સવલતો ઝૂંટવી લેવાની ભલામણ કરી હતી.

તેઓ કોઈ પણ બાબતમાં નિખાલસ નથી તેની એક દલીલ આ પણ છે કે એક બાજુ જનસંખ્યા નિયંત્રણની વાત કરવામાં આવે છે બીજી બાજુ હિંદુઓને ૪ કે ૮ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે ક્યારેય એવું લાગે છે કે સમસ્યા જનસંખ્યા વૃદ્ધિની
ઓછી મુસ્લિમોની સંખ્યા વધવાની વધારે છે. હિંદુ હોય કે મુસ્લિમો અથવા બીજા કોઈ ધર્મના લોકો બધા ભારતના નાગરિક છે અને સમાન બંધારણીય અધિકાર ધરાવે છે. બંધારણે જે સ્વતંત્રતા આપી છે તેમાં પક્ષપાત કે બેવડું માપદંડ રાખી શકાય નહીં. કેટલા બાળકો પેદા કરવા એ વ્યક્તિ પોતાની પસંદગી છે અને “રાઈટ ટુ ચિલ્ડ્રન” એ દરેક વ્યક્તિને મળવો જોઈએ. બાળકો પેદા કરવા કે ન કરવા, કેટલા કરવા એ વ્યક્તિની પોતાની પસંદગી ઉપર આધારિત છે. એમાં કોઈ બળજબરી કરી શકાય નહીં. અમારા પૂર્વજોએ બે બાળકોની નીતિ અપનાવી હોત તો કદાચ ભારત રવિન્દ્રનાથ ટાગોર અને ડો. બાબા સાહેબ આંબેડકર જેવી વિભૂતિઓથી વંચિત રહી ગઈ હોત.અને ગાંધીજીએ પોતે મતાધિકાર ગુમાવી દીધું હોત.

બુદ્ધિજીવી લોકો એવો ભય ઊભો કરે છે કે ભારતની જનસંખ્યા આ રીતે વધતી રહેશે તો ભવિષ્યમાં ભારત માટે સંકટ ઊભું થશે. ભૂખમરો વધશે કારણ કે અનાજનું ઉત્પાદન મર્યાદિત છે. વાસ્તવમાં થોમસ મેથ્યુએ એવી રજૂઆત કરી હતી કે જનસંખ્યા ૨,૪,૬,૮ના પ્રમાણમાં વધે છે અને અનાજનું ઉત્પાદન ૧,૨,૩,૪ના પ્રમાણમાં વધે છે. જા જનસંખ્યા નિયંત્રણ લાદવામાં નહીં આવે તો આગામી સો વર્ષોમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરંતુ દુનિયાએ જોયું કે એવી કોઈ સમસ્યા પેદા થઈ નથી. અમુક લોકો ચિંતા વ્યક્ત કરતા કહે છે કે દુનિયાની ૧૮ટકા જનસંખ્યા એકલા ભારતમાં જ છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે દુનિયાનું ૨૫ ટકા ઘઉં સાથે વિશ્વમાં બીજા નંબરનું અને ૩૫ ટકા ચોખા સાથે વિશ્વમાં પ્રથમ નંબરનું ઉત્પાદન પણ ભારત કરે છે.

ધાર્મિક વ્યક્તિ તો એવું માને છે કે જે સજીવ પણ પૃથ્વી પર પેદા થાય છે. અલ્લાહ તેના માટે અનાજ પણ પેદા કરે છે. અરે! આપણે સાધારણ દાખલાથી આ વાત સમજી શકીએ. બાળકનો જન્મ થતા પહેલાં તેના માટે દૂધની વ્યવસ્થા ઈશ્વર માતાની છાતીમાં કરી આપે છે, અને કૃષિ વિજ્ઞાને પાછલા વર્ષોમાં જે પ્રગતિ કરી છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. ખેડૂત ૫૦ વર્ષ પહેલાં તેના ખેતરમાંથી જેટલી ઉપજ મેળવતો હતો આજે તેનાથી ઘણી વધારે ઉપજ મેળવે છે. જનસંખ્યા સાથે કૃષિ ઉત્પાદન પણ વધ્યું છે ક્યાંય ભૂખમરાથી કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તેવું સંભળાયું નથી અને જો ભૂખમરાથી મૃત્યુ પામી હોય તો તેનું કારણ કૃષિ ઉત્પાદનની કમી નથી બલ્કે વ્યવસ્થાની ખામી છે. મૂડીવાદીઓ અનાજનો સંગ્રહ કરીને રાખે છે, અને સરકારી ગોડાઉનોમાં હજારો ટન અનાજ સડી જાય છે, પરંતુ તેને જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવતું નથી. કોર્પોરેટ કંપનીઓનું ઠંડુ પીણું અને બિસલેરીનું પાણી રણપ્રદેશ સુધી પહોચી શકતું હોય તો છેવાડાની એક જરૂરતમંદ વ્યક્તિ સુધી અનાજ કેમ ન પહોંચી શકે?!!!

જનસંખ્યાની સમસ્યા નથી આપણા પાડોશી દેશ ચીનથી પણ આપણે બોધ લેવો જોઈએ. તેમણે એક બાળકની નીતિ અપનાવી હતી અને તેના કારણે જ આજે તેને તકલીફ પડી રહી છે. યુવાનોની સરખામણીનીમાં વૃદ્ધો વધારે છે. હવે તે તેની પોલીસીમાં છૂટ આપી રહ્યું છે. મ્યાન્મારમાં ગર્ભનિયંત્રણ સાધનો પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યું છે. આપણે તો ૫૬ ઈંચની છાતી કરી દુનિયા સમક્ષ આ વાસ્તવિક્તા મૂકવી જોઈએ કે ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. આ યુવાનોને સારી રીતે પ્રશિક્ષિત કરવામાં આવે, તેમને સુવિધાઓ આપવામાં આવે તો સમગ્ર જગતને સ્કિલ્ડ યુવાનો આપવાનું સ્વપ્ન મોદી સરકાર પૂર્ણ કરી શકે છે. ૨૨ ઇસ્લામિક દેશોમાં જનસંખ્યા નિયંત્રણની વાત કરનાર લોકો ને ખબર હશે જ કે દુનિયાના કેટલા દેશો છે જે જનસંખ્યા વધારવા નીતિઓ ઘડે છે. પ્રોત્સાહન અને ઇનામો આપે છે. બાળ વૃદ્ધિ માટે “Do It For Denmark.”ના સૂત્રથી જાહેરાતો બનાવવામાં આવે છે, તો સિંગાપુરમાં National Night ઉજવવામાં આવે છે. જનસંખ્યા વૃદ્ધિ માટે I’m a patriotic husband, you’re my patriotic wife, let’s do our civic duty and manufacture life, જેવા વાક્યો વાઇરલ કરવામાં આવે છે. ફ્રાંસમાં બાળકો મુજબ નાણાની ફાળવણી કરવામાં આવે છે બે બાળકો પર ૧૩૧,૫૫ € પ્રતિમાસ, ત્રણ બાળકો પર ૩૦૦,૧૦ € પ્રતિમાસ અને ૪ બાળકો પર ૪૬૮,૬૬ € પ્રતિમાસ આપવામાં આવે છે. આવી જ રીતે તુર્કીમાં પ્રથમ બાળક પર ૧૦૮ ડોલર,બીજા પર ૧૪૪ ડોલર, ચોથા પર ૬૦૦ ડોલર આપવામાં આવે છે અને જરૂરતમંદ કુટુંબને વધુ સવલતો પૂરી પાડવામાં આવે છે. રશિયા, જાપાન, ડેન્માર્ક, સિંગાપુર, સાઉથ કોરિયા,ઇટાલી, હોંગ કોંગ, રોમાનિયા,સ્પેન વગેરે દેશો બાળ ઉત્પાદન વધારવા પ્રાત્સાહિત કરી રહ્યા છે.૪૮થી વધુ દેશો જનસંખ્યા નિયંત્રણ કાયદાના કારણે હ્યુમન રિસોર્સનું ક્રાઇસિસ અનુભાવી રહ્યા છે. વિકસિત દેશો પણ જ્યારે હ્યુમન રિસોર્સ ક્રાઇસિસથી ગુજરી રહ્યા હોય તેવા સમયમાં આ યુવા શક્તિ આપણા માટે અમૂલ્ય સંપત્તિ સમાન છે. તેમને યોગ્ય રીતે પ્રશિક્ષિત કરવામાં આવે તો આ જનસંખ્યા આપણા માટે આશીર્વાદરૂપ બની શકે છે. શું જમાનો છે એક દેશમાં જનસંખ્યા નિયંત્રણને રાષ્ટ્રભક્તિથી જોડવામાં આવી રહ્યું છે અને બીજા દેશમાં જનસંખ્યા વૃદ્ધિને રાષ્ટ્રવાદથી.

ભારત સ્વતંત્ર થવું તો જનસંખ્યા નિયંત્રણ કરતા આર્થિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યું હતું અને નેહરૂજી તો વિશ્વાસ ધરાવતા હતા કે No country can be overpopulated, if there is work for everyone. અને તેમના મૃત્યુ સુધી underproduction અને over population વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરતા હતા. વાસ્તવિકતા આ જ છે કે જનસંખ્યાની સાથે સંસાધનો પણ વધ્યા છે. એક સમય હતો જયારે અર્થોપાર્જનના સીમિત સંસાધનો હતા. આજે કૃષિ ક્ષેત્રમાં, ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં, ટ્રાન્સપોર્ટેશનમાં, ટુરીઝમ, ઉધોગો વગેરેમાં એવા હજારો લાખો રિસોર્સ પેદા થયા છે જે આજથી ૫૦ વર્ષ પેહલાં કોઈ વિચારી પણ ન હોતું શકતું. મૂળ સમસ્યા આપણા દેશમાં નીતિઓની છે, દેશ સમાજવાદ કે જનકલ્યાણથી હટીને મૂડીવાદ તરફ જઈ રહ્યો છે તેના કારણે સંપત્તિ કેટલાક હાથોમાં જમા થઇ રહી છે. આર્થિક અસંતુલનના કારણે ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે.

એક યુવા ચિંતક કહી રહ્યા હતા કે લોકો ટ્રાફિક,ગરીબી, હ્યુમન ટ્રાફિકિંગ,બેરોજગારી,વાયુ પ્રદૂષણ, બાળલગ્ન,વગેરે જેવી સમસ્યાઓ પર ચર્ચા કરે છે પરંતુ સૌની મૂળ જનસંખ્યા વૃદ્ધિ છે તેના ઉપર વિચારતા નથી. મૂળ સમસ્યા પરથી ધ્યાન હટાવવા માટે ભક્તો આવા લખાણ લખે છે. એવું કરી શકીએ કે એકી સાથે બધા નાગરિકોને પરલોક પહોંચાડી દો, “ના રહે બાસ ન બજે બાંસુરી.” માનવ હશે તો સમસ્યા તો રહવની જ. તેનું નિરાકરણ લાવવા યોગ્ય વિચાર કરવા પડે. જગતમાં કોને રહેવાનું અને કોને નહીં રહેવાનું તે આપણે નક્કી નથી કરી શકતા.
બીજી મહત્ત્વની વાત આ છે કે જનસંખ્યાથી સમસ્યા નથી સર્જાતી, બલ્કે સમસ્યા સર્જાય છે જનસંખ્યાના પ્રશિક્ષણના અભાવથી. જે દેશોમાં જનસંખ્યા ક્રાઈસિસ છે ત્યાં પણ હિંસા અને હત્યા, ક્રાઈમ અને બીજા દૂષણો છે જ. ક્યાં રંગભેદ, ક્યાંયક વંશવાદ,ક્યાંયક કોમવાદના કારણે શૂટડાઉનની ઘટના બનતી રહે છે. આપણે જો બાળકોની સારી કેળવણી કરીશું, તેમને પ્રશિક્ષિત કરીશું, નાગરિકશાસ્ત્ર શીખવાડીશું, નૈતિક સિંચન કરીશું અને દેશ પ્રતિ તેમને જવાબદાર અને ઈમાનદાર બનાવીશું તો સમસ્યા આપમેળે હલ થઈ જશે. મારૂં માનવું છે કે મોટા પરિવારમાં જ બાળકો ત્યાગ,સહજીવન, સમરસતા,ધૈર્ય, સહનશીલતા, પ્રેમ આદર, સહકાર અને ભાઈચારાના ગુણ શીખી શકે છે.

લોકો કહે છે કે વધારે બાળકો ધરાવતા કુટુંબમાં બાળકોનું પોષણ સારી રીતે નથી થતું. તેઓ કુપોષીત હોય છે. તેમને શિક્ષણ સારૂં મળતુ નથી. તેમજ સ્વાસ્થ્ય સારૂં રહેતું નથી. આ વાહિયાત દલીલ છે. વધુ બાળકોના કારણે કદાચ કોઈ કુટુંબને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડયો હોય તો તેને આધાર બનાવી બીજી વ્યક્તિનો અધિકાર તો છીનવી શકાય નહીં અને કોઈ મોટા કુટુંબને આવી સમસ્યા હોય તો તે માટે જવાબદાર સરકાર પણ છે. કેમકે કોઈપણ વેલ્ફેર સ્ટેટમાં નાગરિકને શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રદાન કરવું તેની જવાબદારી છે. ગરીબ અને મોટા પરિવારોમાંથી ઘણાં મોટા વિદ્વાનો, સાહસિકો અને બુદ્ધિજીવીઓ પેદા થાય છે. પરંતુ જો બાળકોને સંસ્કાર નહિં મળે તો સાક્ષી જેવા લોકો જ પેદા થશે.

ત્રીજી વસ્તુ આ કે એશિયા ખંડ સહિત ભારતની એક મોટી સમસ્યા ભ્રૂણ હત્યા છે. દર વર્ષે લાખો ગર્ભપાત કરાવવામાં આવે છે. સ્ત્રીભ્રુણ હત્યાની સમસ્યા સાથે જોડાયલી એક સમસ્યા છે, છોકરાની સરખામણીમાં છોકરીઓની અછત. ભારતના અમુક વિસ્તારોમાંથી ૧૦૦૦ છોકરાઓ સામે ૮૫૦ જેટલી છોકરીઓ છે. ગુજરાત, હરિયાણા, પંજાબ વગેરે રાજ્યો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આનું મૂળ કારણ જનસંખ્યા નિયંત્રણમાં જ છૂપાયેલું છે. બીજું જે માતા-પિતા કે દાદા-દાદી પોતાના સુખચેનમાં પોતાના વ્હાલાસોયને ભાગીદાર બનાવી શકતા નથી, તો તેઓે દેશનું શું ભલું કરશે. આવા લોકો બાળકોને સ્વાર્થ અને સ્વછંદતાનું શિક્ષણ આપશે. આજે આપણે આવા જ સમાજમાં જીવી રહ્યા છીએ જ્યાં માનવતા મરી પરવરી છે.
ચોથું, કોમોની ચડતી અને પડતીનો આધાર જનસંખ્યા પર નથી બલ્કે તેમના કર્મો અને સિદ્ધાંતો, સાહસ અને સંઘર્ષ પર છે.

સિકંદર વિશ્વ વિજય કરવા નિકળ્યો હતો, તો કોઈ મોટી જનસંખ્યા લઈને ન હોતો નીકળ્યો. તેમ છતાં ઘણાં બધા દેશોને પોતાને આધીન કરી લીધા. મધ્ય એશિયાથી આર્યો જન બળ લઈને ન હોતા આવ્યા પરંતુ ભારતના બહુ સંખ્યક મૂળનિવાસીઓ પર હુમલા કરી તેમને દાસ (શુદ્ર) બનાવ્યા. પ્રતિકાર કરવા છતાં જેઓ આધીન ન થયા તેઓ જંગલોમાં જતા રહ્યા. જેમને આજે આપણે આદિવાસીઓ કહીએ છીએ. આરબમાં જનસંખ્યાના બળે મુહમ્મદ સ.અ.વ. ક્રાંતિ ન હોતા લાવ્યા. તારિક બિન ઝિયાદે જનસંખ્યાના બળે સ્પેન વિજય ન હોતુ કર્યું. આજે ભારતમાં પણ ચાવીરૂપ અને પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર બહુસંખ્યક મૂળનિવાસી લોકો કેટલાં છે! ઇઝરાયલ જનસંખ્યાના બળે દુનિયાના દેશો પર પોતાનો પ્રભાવ નથી ધરાવતો. મોગલોએ ભારત પર રાજ સંખ્યાના બળે ન હોતું કર્યું. અંગ્રેજોએ આપણને સંખ્યાના બળે ગુલામ ન હોતા બનાવ્યા.

એક ગેરસમજ બહુ ઝડપથી ફેલાવવામાં આવી રહી છે કે મુસ્લિમો પોતાની સંખ્યા વધારીને આ દેશ પર કબ્જા કરવા માંગે છે. બલિયાના બીજેપી વિધાયક સુરેન્દ્રસિંહએ તો અહીં સુધી કહી દીધું કે મુસ્લિમ ધર્મમાં લોકો ૫૦ પત્નીઓ રાખે છએ અને ૧૦૫૦ બાળકો પેદા કરે છે. બાળકો પેદા કરે છે તેથી દરેક હિંદુને ઓછામાં ઓછા ૫ બાળકો પેદા કરવા જોઈએ. આશ્ચર્યમ !! કોઈ નિષ્ણાત ગણિતજ્ઞની મદદ લીધી હોત તો કદાચ કાચું કાપવું ન પડત. આ વાત તદ્દન ખોટી છે. તેના માટે જે આંકડાઓ દર્શાવવામાં આવે છે તે બધા ઉપજાવી કાઢેલા છે. આપણા પી.એમ. જયારે ગુજરાતના સી.એમ હતા ત્યારે તેમણે પણ “હમ પાંચ હમારે પચ્ચીસ” જેવા વાહિયાત આંકડા આપ્યા હતા. મુસ્લિમો જનસંખ્યા વૃદ્ધિ સેન્સેક્સ જોતા દેખીતી રીતે વધારે લાગે છે , પરંતુ તેમની વૃદ્ધિમાં કમી આવી છે દા.ત. ૧૯૯૧-૨૦૦૧ના દશકમાં હિંદુઓનો વૃદ્ધિ દર ૧૯.૯૨ હતો, જયારે ૨૦૦૧-૨૦૧૧ના દશકમાં ૧૬.૭૬ હતું એટલે ૩.૧૬ની કમી આવી જયારે કે મુસ્લિમોની વૃદ્ધિ દર ૨૯.૫૨ થી ઘટી ને ૨૪.૬ થઇ એટલે ૪.૯૨ની કમી આવી, જે દર્શાવે છે કે મુસ્લિમો દેશમાં હિંદુઓ કરતાં ૨.૬૬ ટકા વધારે ઝડપથી ઓછા થઈ રહ્યા છે. આવા સામુદાયિક નિવેદનો કરવાથી સમાજમાં ઘૃણાની ભાવના પેદા થાય છે.

મુસ્લિમો આ જ દેશના મૂળનિવાસી છે, આર્યોની જેમ બહાર થી આવ્યા નથી અને ક્યાય જવાના નથી. તેથી હિંદુ ભાઈઓએ ગભરાવવાની જરૂર નથી કે મુસલમાનોની સંખ્યા વધી રહી છે તેથી મુસલમાનોનો નરસંહાર કરાવવા ઘૃણા ફેલાવવાની જરૂર છે. “હિંદુ ધર્મ ખતરે મે હે”, “ભારત મે લઘુમતિ સુરક્ષિત ઔર બહુમતિ અસુરક્ષિત હૈ” જેવા કુપ્રચાર કરાવવાની જરૂર નથી. નરી આંખે જોઈ શકાય છે કે આજે દરેક ક્ષેત્રમાં મુસ્લિમો પછાત છે. ઘણી બધી કમિટીઓ અને કમિશનોના રિપોર્ટ જોઈ શકાય છે. નાનામાં નાના સ્તરથી લઈને મંત્રી, સંત્રી, તંત્રી અને પી.એમ પ્રમુખ સુધી બધા હિંદુ ભાઈઓ જ બિરાજમાન છે. તેમણે શાંતિથી વિચારવું જોઈએ કે જયારે મોગલો અને અંગ્રેજાનો રાજ તેમને સમાપ્ત ન હોતો કરી શકયો. તો હવે તો સત્તા આપણી પોતાની છે તો કોણ નષ્ટ કરશે. અસુરક્ષાનો ભાવ મનની અશાંતિથી થાય છે અને મનની અશાંતિ અસત્યના કારણે ઉદ્‌ભવે છે. સત્યવાદી વ્યક્તિ કોઈથી ડરતી નથી. ગભરામણ અનુભવતી નથી. જ્યાં સત્ય છે ત્યાં ભયને અવકાશ નથી, અને સત્યની ખાસિયત એ છે કે તે પ્રાકૃતિકરૂપે ફેલાય છે. જેમ બીજ ક્રમશઃ વટવૃક્ષ બની જાય છે તેમ સત્ય ક્રમશઃ ઉચ્ચસ્થાને પહોંચે છે. જેની પ્રકૃતિમાં જ વિસ્તરણ છે. કુઆર્ન ફરમાવે છે, “શું તમે જોતા નથી કે અલ્લાહે ‘કલિમએ તૈયિબહ’ (પવિત્ર વાત)ને કઈ વસ્તુ સાથે સરખાવેલ છે? આનું ઉદાહરણ એવું છે કે એક ઉચ્ચ પ્રકારનું વૃક્ષ જેના મૂળ જમીનમાં ઊંડે સુધી જામેલા છે અને શાખાઓ આકાશ સુધી પહોંચેલી છે. પ્રત્યેક ક્ષણે તે પોતાના રબના હુકમથી પોતાના ફળ આપી રહ્યું છે. આ ઉદાહરણો અલ્લાહ એટલા માટે આપે છે કે લોકો તેનાથી બોધ ગ્રહણ કરે. અને ‘કલિમએ ખબીસા’ (અપવિત્ર વાત)નું ઉદાહરણ તે ખરાબ પ્રકારના વૃક્ષ જેવું છે જે જમીનમાંથી ઉખાડીને ફેંકી દેવામાં આવે છે, તેના માટે કોઈ સ્થાયિત્વ નથી.” (સૂરઃ ઇબ્રાહીમ-૨૪ થી ૨૬)

બંધારણે આપણને ‘રાઈટ ટુ ચોઈસ’ અને ‘રાઈટ ટુ લિબર્ટી’ આપી છે. કોઈ નાગરિકથી કોઈપણ મામલામાં બળજબરી કરી શકાય નહીં. દરેક નાગરિકને પોતાની મરજી મુજબ જીવન જીવવાનો અધિકાર છે. એક જ દેશના સમાન નાગરિકો માટે બે માપદંડ કે બે કાયદા હોઈ શકે નહીં. આ વસ્તુ બિલકુલ હાસ્યાસ્પદ છે. એક વિશેષ કોમ્યુનિટીને વધુ બાળક પેદા કરવા પ્રોત્સાહન અપાય અને બીજા ટાર્ગેટેડ સમુદાયને પ્રતિબંધિત કરવામાં આવે. આ બેવડી નીતિ નાગરિકો વચ્ચે અન્યાયની લાગણી પેદા કરે છે, જે ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં લાંબા સમય સુધી ચાલી શકે નહીં.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments