Friday, December 27, 2024
Homeઓપન સ્પેસઆયા સોફિયાઃ મસ્જિદ, મ્યુઝિયમ કે ચર્ચ?

આયા સોફિયાઃ મસ્જિદ, મ્યુઝિયમ કે ચર્ચ?

જસ્ટિનિયન – ૧’ના આદેશથી ૫૩૨ થી ૫૩૭ ઈ.સ. સુધી આયા સોફિયા નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઇમારત ત્યારથી આજ સુધી બાયઝેન્ટાઇન સ્થાપત્યની શ્રેષ્ઠ કૃતિ છે, જેને સ્થાપત્યના ઇતિહાસમાં આગવું સ્થાન પ્રાપ્ત છે. તેના મૂળ સ્વરૂપમાં આ ઇમારત ગ્રીક ઓર્થોડોક્સ કેથેડ્રલ તરીકે બનાવવામાં આવી હતી. પાછળથી, તેના લાંબા ઇતિહાસમાં આ ભવ્ય ઇમારત ઉદય અને પતનની ઘણી દાસ્તાનોની સાક્ષી છે. ચાલો કેટલાક પાસાઓ પર એક નજર કરીએ.

નોંધનીય છે કે વર્તમાન ખ્રિસ્તી જગત અસ્પષ્ટ અને વિરોધાભાસી ઉપદેશોના આધારે ઘણા સંપ્રદાયોમાં વહેંચાયેલું છે. ખાસ કરીને, ગ્રીક ઓર્થોડોક્સ અને રોમન કેથોલિક ખ્રિસ્તીઓ વચ્ચેના મૂળભૂત મતભેદોનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. પ્રથમ વર્ણવેલ સમૂહ પાૅપની નિર્દોષતાને માનતું નથી. બાદમાં વર્ણવેલ સમૂહ મરયમ અલૈ.ને શાશ્વત ગુનેગાર તરીકે સ્વીકાર કરતો નથી. એકના અનુસાર, પાદરીઓના લગ્ન થઈ ચૂક્યા હોય તો યોગ્ય છે, બીજા અનુસાર કોઈપણ સંજાેગોમાં માન્ય નથી. બંને વચ્ચે આલમે બરઝખના એકરાર તથા ઇન્કાર અને “મોહતાતુસ્સલીબ” (Stations of the Cross)ના અકીદાના અસ્તિત્વ તથા અનસ્તિત્વ પર અદાવતો રહી છે. પ્રથમ અનુસાર, ધર્મના મૂળભૂત શિક્ષણ અને માન્યતાઓમાં પરિવર્તન માટે કોઈ અવકાશ નથી, તો બીજાે સમૂહ માન્યતાઓમાં ઉત્ક્રાંતિમાં વિશ્વાસ ધરાવે છે. આ મૂળભૂત તફાવતો છે જે આ બે જુદા જુદા સંપ્રદાયો નહીં, બલ્કે ધર્મો દેખાય છે. ફક્ત બહારથી જ નહીં પરંતુ તેમનું પરસ્પર વલણ ઐતિહાસિક રીતે એવું નથી રહ્યું કે તેમના પરસ્પર તફાવતોને ફક્ત સાંપ્રદાયિક અને વ્યવસાયિક હોવાનો આરોપ લગાવી શકાય. તેમના મતભેદોએ વખતો વખત માત્ર ઘમંડ અને અણબનાવ જ નહીં રાજકીય મુકાબલો અને યુદ્ધનું સ્વરૂપ પણ લીધું છે. આમ, ક્રુસેડ દરમિયાન, કેથોલિક ક્રુસેડરોએ ૧૨૦૪ ઇસ્વીમાં ઓર્થોડોક્સ બાયઝેન્ટાઇન પર હુમલો કર્યો અને કુસ્તુનતુનિયા પર કબજો કર્યો. આ એક જ ધર્મના અનુયાયીઓ વચ્ચે કોઈ રાજકીય ઝઘડો ન હતો નહીં તો, એટલી સહનશીલતા દાખવી શકાઈ હોત કે આયા સોફિયાની ધાર્મિક ઓળખ પુનઃસ્થાપિત કરવામાં આવતી. પરંતુ આવું ન થયું, તેનાથી ઊલટું જોનારી આંખોએ તે દ્રશ્ય પણ જોયું કે ક્રુસેડર્સ કુસ્તુનતુનિયાના નાગરિકોને ગાજર અને મૂળાની જેમ કાપી રહ્યા હતા, તેમની સંપત્તિ જપ્ત કરી રહ્યા હતા, અહીં સુધી કે આયા સોફિયાની ભૂતપૂર્વ સ્થિતિને નાબૂદ કરી અને તેને રોમન કેથોલિક કેથેડ્રલમાં ફેરવી દીધી. જ્યારે ૧૨૬૧માં ઇસ્વીમાં બાયઝેન્ટાઇન સામ્રાજ્યે ફરીથી સત્તા મેળવી, ત્યારે આયા સોફિયાની ઓળખમાં ઇન્કિલાબ આવ્યું અને તે ઓર્થોડોક્સ કેથેડ્રલની હેસિયતમાં પાછો ફર્યો. ઓર્થોડોક્સ અને કેથોલિક ખ્રિસ્તીઓ વચ્ચેની દુશ્મની એટલી વધારે હતી કે ઓર્થોડોક્સ મુસ્લિમોને કેથોલિક ખ્રિસ્તીઓ કરતાં વધુ સારા માનતા હતા. આ કોઈ ગુપ્ત કબૂલાત ન હતી, પરંતુ તેમના ધાર્મિક નેતાઓ દ્વારા નિયમિત રૂપથી સ્વીકારવામાં આવતી હતી, અને તેમના શબ્દો ઇતિહાસ દ્વારા આપણા સુધી પહોંચ્યા છે. ૧૨૦૪માં કુસ્તુનતુનિયા પર ક્રુસેડર્સના વિજય અને ૧૪૫૩ના ઓટોમન વિજયનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો એવું તારણ મળશે કે કેથોલિક ક્રુસેડર્સ પ્રત્યે ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓનો દ્વેષ સાંપ્રદાયિક પૂર્વગ્રહ આધારિત નહોતો પરંતુ તર્કસંગત અને પ્રયોગમૂલક આધારો પર હતો.

આજે તુર્કીમાં લગભગ ૮૨ મીલિયન વસ્તી છે. તેમાં માત્ર ૦.૨% ખ્રિસ્તીઓ છે. આ સંખ્યા ઓછામાં ઓછી બેથી ત્રણ લાખ બને છે. આમાં આશરે ૮૦,૦૦૦ ઓરિએન્ટલ ઓર્થોડોક્સ, ૩૫,૦૦૦ કેથોલિક, ૧૮,૦૦૦ એન્ટિઓચસ, ૫,૦૦૦ ગ્રીક ઓર્થોડોક્સ અને ૮,૦૦૦ પ્રોટેસ્ટન્ટ્‌સ સામેલ છે.

આ ક્ષણે બાકીના પ્રશ્નોને સ્પર્શ કર્યા વિના જો આપણે માની લઈએ કે ન્યાયનો તકાદો મસ્જિદ આયા સોફિયાને ચર્ચ બનાવી દેવામાં છે તો પ્રશ્ન ઊભો થાય છે કે આ કામ કેવી રીતે કરી શકાય?

શું તે ગ્રીક ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓને સોંપવું જોઈએ કારણ કે તે તેમના સંપ્રદાયનું કેથેડ્રલ રહ્યું છે? પરંતુ તેમની સંખ્યા ખૂબ ઓછી છે, ઇતિહાસની આ લાંબી મુસાફરી પછી, આ લઘુમતીને તુર્કીમાં વર્તમાન ખ્રિસ્તી લઘુમતીના પ્રતિનિધિ તરીકે ગણી શકાય નહીં.

તો શું તેને ઓરિએન્ટલ ઓર્થોડોક્સને આપવું જોઈએ? કારણ કે તેમની સંખ્યા તુર્કીમાં વધારે છે? પરંતુ આયા સોફિયા એક વર્લ્ડ હેરિટેજ છે, ઓરિએન્ટલ ઓર્થોડોક્સ વિશ્વભરના ખ્રિસ્તીઓનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં.

તો શું તે રોમન કેથોલિક સંપ્રદાયને આપવું જોઈએ, જે વિશ્વની સૌથી મોટી સંખ્યા ધરાવે છે? પરંતુ ન્યાયની આડમાં ખૂબ જ ખરાબ અન્યાય હશે કે આ ઐતિહાસિક ઇમારત તેઓને દાનમાં આપી દેવાય જેમણે ફકત આ મઅબદ જ નહીં બલ્કે શહેર અને તેમના સહ-ધર્મી નાગરિકોની ખૂબ જ હેરાનગતિ કરી હતી.

તો શું પ્રોટેસ્ટન્ટને તે આપવું જોઈએ કે તે પ્રમાણમાં નવા અને ઐતિહાસિક દૃષ્ટિએ ઓછા વિવાદાસ્પદ છે? અથવા તેને વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચ્સ અથવા આ જ પ્રકારની સમાન સંસ્થાને સોંપવું જોઈએ?

આ પ્રશ્નો ખૂબ જટિલ છે. જો તમારા ફળદ્રુપ મગજમાં ચર્ચ બનાવવાની વિચારણા કરવામાં આવી છે, તો તે સમજી શકાય છે કે આ સમસ્યાનો યોગ્ય ઉપાય, અથવા વધુ સારા શબ્દોમાં, કોઈ ઉકેલ જે આપને અનુકૂળ લાગે-સૂઝી જાય, પરંતુ શું આ મુદ્દા પર સર્વસંમતિ સુધી પહોંચવું, સરળ છોડો, શક્ય છે?

આ સમગ્ર મામલામાં નોંધપાત્ર સવાલ એ છે કે શું કોઈ ખ્રિસ્તી સંપ્રદાય આયા સોફિયા માટે પોતાનો દાવો કર્યો છે? શું તેના માટે કાયદાકીય લડત લડી છે? પુરાવા પૂરા પાડવામાં આવ્યા છે? જાે કે ૧૪૫૩થી નથી, ૧૯૩૧ અને ૧૯૩૫માં તેમના દ્વારા કોઈ સંઘર્ષ થયો છે? આંદોલનો ચલાવ્યા છે? ભલે તે ખોટું હોય, ઓછામાં ઓછું તેઓ કોઈક વાર દાવો તો કરતાં. માની લઈએ કે સુલતાન મુહમ્મદ ‘ફાતેહ’ ખૂબ જ જુલ્મી હતા, ખ્રિસ્તીઓ તેમનાથી ડરી ગયા, માની લઈએ અર્દોગાન પણ જુલ્મી છે, તુર્કીના ખ્રિસ્તીઓ પણ તેમનાથી ડરી ગયા. પરંતુ પોપ સહિત વિશ્વભરના ખ્રિસ્તીઓ કોનાથી અને શા માટે ભયભીત છે?

જો આપણે આપણા અતિ-ઉદાર અને ધર્મનિરપેક્ષ ચશ્માને ઉતારી નાખીશું તો વાત ખૂબ સ્પષ્ટ નજરે દેખાશે. આયા સોફિયાની મ્યુઝિયમની સ્થિતિ કાયદેસર રીતે અમાન્ય છે. તેની મસ્જિદ તરીકેની સ્થિતિ કાનૂની અને ઐતિહાસિક દૃષ્ટિએ એટલી સ્પષ્ટ છે કે કોઈ નોંધપાત્ર ખ્રિસ્તી પણ તેને ચર્ચ કહેતો નથી. વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચિસના કાર્યકારી મહાસચિવ ઇયોન સોકાએ એર્દોગનને લખેલા પત્રમાં આયા સોફિયાને મ્યુઝિયમમાંથી મસ્જિદમાં ફેરવવાના નિર્ણય પર ‘દુખ’ વ્યક્ત કર્યું હતું. આ કાઉન્સિલને વિશ્વભરમાં ૩૫૦૦થી વધુ પ્રોટેસ્ટંટ, ઓર્થોડોક્સ અને અંગ્રેજી ચર્ચોના આશ્રયદાતા તરીકેનું સંમાન પ્રાપ્ત છે. પરંતુ કાઉન્સિલના જનરલ સેક્રેટરીએ ખાતરીપૂર્વક ન કહ્યું કે સાચો ન્યાયનો તકાદો આ છે કે આયા સોફિયાને ચર્ચ બનાવવામાં આવે. પોપ ફ્રાન્સિસે પણ આ પગલા પર ‘પીડા’ અનુભવી. પરંતુ તે પણ એટલી હિંમત બતાવી ન શક્યા કે તે એકેશ્વરવાદના આ કેન્દ્રને ચર્ચ બનાવવાની વાત કરે. આ રાહિબોની ધર્મનિષ્ઠા અનન્ય છે. સર્વશક્તિમાન ખુદાના ઉપાસનાનું સ્થળ થિયેટર અને સંગ્રહાલય બનવું સ્વીકાર્ય છે, પરંતુ જો તે ખુદાના બંદાઓના સિજ્દાથી ભરેલો હોય તે સ્વીકાર્ય નથી. આપણા કેટલાક ભાઈઓની સ્થિતિ આનાથી પણ બૂરી છે. ટ્રિનિટીના સમર્થકો મસ્જિદને સંગ્રહાલયમાં ફેરવવા માગે છે પરંતુ તે એકેશ્વરવાદીઓનું શું જેઓ, મસ્જિદની પુન પ્રાપ્તિ પર ખુદાની હાજરીમાં આભાર માનવાની ભેટ આપવાને બદલે, ફેસબુક પર શોક વ્યક્ત કરે છે કે મસ્જિદ કેમ મસ્જિદ બની, ચર્ચ કેમ નહીં?

વાસ્તવિકતા એ છે કે આયા સોફિયાને ચર્ચ બનાવવું કે કેમ તે અંગેની ચર્ચા એ ન્યાયની વાત નથી, પરંતુ ફિત્નાનો એક દરવાજો જે બીજાના પ્રપંચોેથી તૂટવાની એટલી સંભાવના નથી જેટલી આપણા લોકોની સાદગીથી ખોલી દેવાનો છે. ✅


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments