Friday, March 29, 2024
Homeમનોમથંનકોરોનાને હરાવવા ગુજરાત સરકારના નિષ્ફળ પ્રયાસો

કોરોનાને હરાવવા ગુજરાત સરકારના નિષ્ફળ પ્રયાસો

લોકડાઉનની શરૂઆત થતાં ગુજરાતમાં કોરોના બે કેસ નોંધાયા હતાં જ્યારે આ લખાય છે ત્યારે ગુજરાતમાં 28371 કેસો થઈ ચૂક્યા છે અને 1710 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. લોકડાઉન હતું ત્યારે અને લોકડાઉન 1લી જૂનના રોજ અમુક શરતો સાથે અનલોક થયું ત્યારે કેસોની સંખ્યા ઘટી નથી રહી બલ્કે રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે રાજ્યમાં કોરોનાને કારણે ઉદભવેલ પરિસ્થિતિ ને કાબુમાં લેવા સામાજિક આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સ્તરે રૂપાણી સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે.

સ્વાસ્થ્ય સ્તરે સરકારની નિષ્ફળતા

કોરોનાનાં દર્દીઓની સંખ્યા સતત વધતી ગઈ અને વધતી જાય છે જે દર્શાવે છે કે સ્વાસ્થ્ય સંબંધિત નિર્ણાયક ફેસલાઓ કરવામાં અને તેને અમલી બનાવવામાં સરકાર ગંભીર નથી. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ સાથે ખરાબ વર્તન કરવાની અને તેમના સગાં સંબંધીઓને સમયસર જાણ નહીં કરવાની વ્યાપક ફરિયાદો અવારનવાર છાપામાં છપાતી રહી છે. એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ તરીકે પ્રખ્યાત સિવિલ હોસ્પિટલ તો જાણે કાલ કોઠડી બની ગઈ હોય તેમ દર્દીઓ જાય અને મૃત્યુ પામેલી હાલતમાં પાછા આવે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. રાજ્યની હાઈકોર્ટ દ્વારા પણ સિવિલ હોસ્પિટલ ને કાલકોઠડી સમાન કહેવામાં આવ્યું હતું. રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓ ડોક્ટરો દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે રાજ્યમાં મૃત્યુદર ખૂબ વધી ગયું હતું સરકાર દ્વારા ઘણા દિવસો પછી હોસ્પિટલો અને દવાખાનાઓને નો ખુલ્લી રાખવા વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ ખાસ ફેર પડ્યો ન હતો જેના કારણે કોરોના ને લઈ લોકોમાં ભય અને ગભરાટ વ્યાપી ગયો હતો. કોરોના સિવાયના ડાયાબિટીસ, હાર્ટ, હાઈપર ટેન્શન અને કિડનીના ૬૦ વર્ષથી ઉપરના કાયમી દર્દીઓ માટે કોઈ સારવાર હતી નહીં કોઈ તેમને અડવા તૈયાર નહોતો ડોક્ટરોની આ અમાણસાઈ ને કારણે આવા દર્દીઓ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા છે ડોક્ટર વ્યવસાયે લોકસેવા અને મદદ ના એહસાસ ને ઉજાગર કરતો વ્યવસાય હોવા છતાં તેમના દ્વારા દેશની જનતાને દગો દેવામાં અને લૂંટવામાં આવ્યું.

ગુજરાતમાં કોરોના નું નૃત્ય દાર દેશના મૃત્યુ દર કરતાં વધારે છે ગુજરાતમાં કોરોના ની શરૂઆત થયા પહેલા તેની રોકથામના કોઇ પગલાં લેવામાં આવ્યા નહોતા.

દુનિયામાં કોરોનાથી ઘણા લોકો સંક્રમિત થઈ ચૂક્યા હોવા છતાં ગુજરાત સરકાર 26 માર્ચે થનારી ૪ બેઠકો ની પેટા ચૂંટણી જીતવા કારસો રચી રહી હતી!!!

દુનિયામાં સૌથી મહત્વનું જીવન છે તેને ટકાવી રાખવા બહેતર કરવા દરેક વ્યક્તિ પ્રયત્નશીલ હોય છે કોઈ પણ સરકાર માટે સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે તેની ઉપર તેના નાગરિકોનું જીવન ટકેલું હોય છે. માંદગીમાં અને મહામારી દરમિયાન સરકાર દ્વારા ડૉક્ટરો અને ઉત્પાદકો પર અંકુશ ન હોય અને તેમના દ્વારા પરીસ્થિતિનો પૂરો ગેરલાભ લેવામાં આવે તો તેવી સરકારને શાસન કરવાનો કોઈ હક્ક/ અધિકાર નથી.

સામાજિક સ્તરે સરકારની નિષ્ફળતા

દેશમાં મર્કઝ હઝરત નિઝામુદ્દીનને કોરોના ફેલાવવાના એપી સેન્ટર તરીકે દર્શાવી કોરોના મહામારીને ધાર્મિક રંગ આપી દેશમાં એકતા ના માહોલ ને ખરાબ કરવાના આશયથી મીડિયા દ્વારા જે ઝેર ઘૉડવામાં આવ્યું તે શરમજનક બાબત છે. તેની અસરરૂપે રાજ્યમાં મુસ્લિમો સાથે ખરાબ વર્તન ની ઘટનાઓ બની તેમની સાથે અછૂત જેવો વ્યવહાર કરવામાં આવ્યો, ફળો અને શાકભાજી વેચતા મુસ્લિમોને હિંદુ બહુમતિ ધરાવતા વિસ્તારોમાં ઘૂસવા ન દેવામાં આવ્યું આ તમામ ઘટનાઓથી સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા અહીંના દૈનિકો છાપાઓમાં અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં મરકજ નિઝામુદ્દીન છવાયેલું રહ્યું. ફાસીવાદી સરકારને ભાવતું મળી ગયું હોય તેમ તે સામાજિક ભેદભાવો અને એક જ ધર્મ વિશેષ ને બદનામ કરવાની કોશિશ ને માણતી રહી.

રાજ્ય સરકાર દ્વારા સમાજને સાંત્વના આપવા અને તેમની અંદર સકારાત્મક ભાવોને સક્ષમ કરવાની જરૂર હતી પરંતુ સરકાર દ્વારા લોકોમાં સતત ડર નિરાશા અને અસમંજસનો જ વધારો કર્યો છે. લોકોના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ હોવાથી તેમની માનસિક પરિસ્થિતિ તણાવગ્રસ્ત થઈ ગઈ હતી રાજ્યમાં રોજ કમાતા અને રોજ ખાતા લોકોને ૪૮ કલાકની અંદર અનાજ પહોંચાડી શકાતું પરંતુ લોકડાઉન પછી ના આઠ દિવસ સુધી સરકાર ઊંઘતી રહી અને અનાજનું વિતરણ છેક ૧લી એપ્રિલથી શરૂ થયું. આ આઠ દિવસ દરમ્યાન ઘણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનાજ વિતરણ નું કામકાજ શરૂ કરી દેવામાં આવતા પરિસ્થિતિ ગંભીર થતાં અટકી ગઈ પરંતુ સરકાર કે જે તેના નાગરિકો માટે જવાબદાર છે તેણે અનાજ વિતરણની જાહેરાત કરતાં કરતાં પાંચ દિવસ કાઢી નાખ્યા.

ગુજરાત રાજ્ય ધંધા-રોજગારની દ્રષ્ટિએ એક સમૃદ્ધ રાજ્ય છે તેથી યુપી બિહાર અને પશ્ચિમ બંગાળથી ઘણા મજૂરો અહીં ધંધા રોજગાર માટે અહીં આવે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે લોકડાઉનના કારણે તેમનું કામ સંપૂર્ણ બંધ થઈ જતા માલિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમના માથે મજૂરો/કારીગરોની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાની ફરજ પડી. બીજી તરફ પરપ્રાંતીય લોકો પોતાને લોકડાઉનના કારણે ગુજરાતમાં અસુરક્ષિત મહેસુસ કરવા લાગ્યા તેમને પોતાના વતન વહેલાસર પહોંચી જવું હતું પરંતુ રાજ્ય સરકાર તેમને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં સદંતર નિષ્ફળ રહી. લોકડાઉનના બે મહિના વીતી ગયા પછી જ્યારે માલિક અને મજદૂર બને નિરાશ અને હતાશ થઈ ચૂક્યા હતા ત્યારે રાજ્ય સરકાર અચાનક જાગી અને તેમને તેમના ઘરે મોકલ્યા. તેમાં પણ ઘણું ભ્રષ્ટાચાર થયું બેચારા ગરીબ મજૂરો કે જેમણે ગુજરાતને સમૃદ્ધ બનાવવામાં મોટો ફાળો આપ્યો છે તેમનાથી વચેટીયાઓ દ્વારા ૨૦૦ રૂપિયાથી લઇને 1200 રૂપિયા સુધી કઢાવવામાં આવ્યા.

લોકડાઉનની સમગ્ર પ્રક્રિયાને જોતા રૂપાણી સરકારે રાજીનામું આપી સત્તા પરથી ખસી જવું જોઈએ કારણ કે તેઓ રાજ્યમાં વ્યાપેલ મહામારીમાં તેમના નાગરિકોની જરૂરિયાતને સંતોષી ન શક્યા.

આર્થિક સ્તરે સરકારની નિષ્ફળતા

25 માર્ચ થી શરૂ થયેલ લોકડાઉનનો સિલસિલો ૩૧મી મે સુધી અવિરતપણે ચાલ્યો આ ગાળા દરમિયાન સમગ્ર ધંધા-રોજગાર બંધ રહેતા મોટા ઉદ્યોગ ગૃહોથી લઈને નાના વેપારીઓ સુધી તમામને સહાયની જરૂર પડે તે સ્વાભાવિક છે. તેથી મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કેટલીક જાહેરાતો કરવામાં આવી જેને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના નામ આપવામાં આવ્યું. જેમ કે એક લાખ રૂપિયા સુધીની લોન બે ટકાના વ્યાજે નાના વેપારીઓને કોઈપણ બાંહેધરી વગર આપવામાં આવશે. બીજી અન્ય જાહેરાતો પણ કરવામાં આવી જેમકે એમએસએમઈ સેક્ટર લૉન, ઉત્પાદક ગૃહોને લોન,1000 રૂપિયા બીપીએલ ખાતા ધારકોને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર વગેરે જેનું કદ 2260 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ ખરેખર પરિસ્થિતિ તદ્દન જુદી છે જે 22 કો.ઓપરેટીવ બેંકોને આત્મનિર્ભર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા આપવાની ભલામણ કરવામાં આવી હતી તે તમામ બેંકોમાં જાહેરાતના એક અઠવાડિયાની અંદર વહીવટ થઈ ચૂક્યો હતો બેંકોમાં ફોર્મ પણ ખતમ થઈ ચૂક્યા હતા ખરેખર તો સરકાર જે ૬ ટકા વ્યાજની સબસીડી આપી રહી છે તેને જ સહાય કહેવાય લોન તો પહેલા પણ બેંકો આપી જ રહી હતી આ તો જનતાના જ નાણાં છે સરકારે આ નાણાં ને સહાયમાં ઉમેરી જનતાને છેતરવાનું કામ કર્યું છે.

મત હાસલ કરવા અને ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા “સબકા સાથ સબકા વિકાસ” અને “સબકા સાથ સબકા વિશ્વાસ” જેવા પોકળ નારાઓ અને દાવાઓ કરનારી સરકાર ત્યાં સુધી વિકાસ ન કરી શકે જ્યાં સુધી તે તમામ ધર્મના લોકોને, ઈચ્છાએ કે અનિચ્છાએ, સરખા ન સમજે, તેમને તેમના હક્કો નું કોઈપણ ભેદભાવ વગર જતન ન કરે, તેમને આગળ વધારવાના અવસર પ્રદાન ન કરે અને કુદરતી મહામારી સ્વરૂપે ઉપસ્થિત તમામ આફતોમાં રક્ષણ પૂરું ન પાડે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments