થોડાક દિવસો પછી ઈદ અલ-અદહા આવશે. આની એક મહત્ત્વની ઇબાદત કુરબાની છે. કોરોના વાઇરસ (કોવીડ-૧૯)ની ભયાનકતા અને સરકારના વિભિન્ન પ્રતિબંધોના કારણે વર્તમાન પરિસ્થિતિમાં મુસલમાનો તરફથી ઈદની નમાઝ અને કુરબાની વિશે અમુક પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. જમાઅતે ઇસ્લામી હિંદની શરીઆહ કાઉન્સિલે આ પ્રશ્નો પર વિચાર-વિમર્શ કર્યો અને તેના અનુસંધાનમાં નીચે મુજબ સૂચનો જારી કર્યા છે. આશા છે કે તેનું ધ્યાન રાખવામાં આવશે.
- કુરબાની હઝરત ઇબ્રાહીમ અલૈ.ની સુન્નત છે. તેના પર ખાતમુન્-નબિય્યીન હઝરત મુહમ્મદ સ.અ.વ.એ અમલ કર્યો છે અને પોતાની ઉમ્મતને પણ તેની તાકીદ કરી છે. આ માત્ર કોઈ રસમ નથી. હદીસમાં છે કે કુરબાનીના દિવસોમાં અલ્લાહ ત્આલાને કુરબાનીથી વધારે કોઈ અમલ પ્રિય નથી. તેથી મુસલમાનોએ ઈદ અલ-અદહાના પ્રસંગે યથાશક્તિ કુરબાની કરવાનો કોશિશ કરવી જોઈએ. સદકા-ખૈરાત અને સેવા-કાર્યો કે કોઈ અન્ય નેક અમલ તેનો વિકલ્પ નથી હોઈ શકતો.
- હેસિયત ધરાવતા જે વ્યક્તિ પર કુરબાની ‘વાજિબ’ હોય તે જો ઇચ્છા અને કોશિશ કરવા છતાં સરકારી પાબંદીઓ કે અન્ય પ્રતિબંધોના કારણે જો કુરબાની ન કરી શકે, જો તે કોઈ બીજી જગ્યાએ કુરબાની કરાવી શકે તો તેનો પ્રયત્ન કરવો જાઈએ. જો આ પણ સંભવ ન હોય તો કુરબાનીના દિવસો વીતી ગયા પછી કુરબાની જેટલી રકમ ગરીબોમાં સદકા કરી દે.
- મુસલમાનો કાનૂનને ધ્યાનમાં રાખીને દીન અને શરીઅત પર અમલ કરવાની કોશિશ કરે. જે જાનવરોને ઝબેહ કરવાની મનાઈ હોય તેમની કુરબાનીથી બચે.
- કુરબાનીના સંદર્ભમાં વર્તમાન મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સાવધાનીના ઉપાયોની કાળજી રાખે. રસ્તાઓ અને પગદંડીઓ પર કુરબાની ન કરે. સફાઈ અને સ્વચ્છતાની પૂરેપૂરી કાળજી રાખે. લોહી, ગંદવાડ-કચરો અને વધારાના-નકામા અંગોને દફન કરી દે અથવા કચરો ફેંકવાની નિર્ધારિત જગ્યાએ પહોંચાડી દે.
- ઉચિત એ છે કે દરેક વિસ્તારમાં ઇદ અલ-અદહાના અમુક દિવસ પહેલા એક કમિટીની રચના કરવામાં આવે, જે પરિસ્થિતિ પર નજર રાખે. સ્થાનિક વહીવટદારો-અધિકારીઓથી જીવંત સંપર્કમાં રહે, અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બહાલ રાખવામાં પોતાનો સહયોગ આપે.
- ઈદ અલ-અદહાની નમાઝ શારીરિક અંતર (Social Distance) રાખીને ઈદગાહો અને મસ્જિદોમાં અદા કરવામાં આવે. જે વિસ્તારોમાં કોવિડ-૧૯ના કારણે સરકારી તંત્રએ પ્રતિબંધ લાગુ કરી રાખ્યા હોય, ત્યાં મુસલમાનો પોતાના ઘરમાં નમાઝ અદા કરે, જે રીતે ઈદુલ-ફિત્રની નમાઝ અદા કરી હતી.
શરીઆહ કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્ય સરકારોથી માંગણી કરે છે કે ઈદ અલ-અદહાની નમાઝ અને કુરબાનીનું મુસલમાનો માટે અસાધારણ મહત્ત્વ હોવાની બાબતને ધ્યાનમાં રાખીને તેમને આ સંદર્ભમાં દરેક પ્રકારની યથાસંભવ સહુલત ઉપલબ્ધ કરાવે તથા તોફાની અને ઉપદ્રવીઓથી સુરક્ષા પ્રદાન કરે. આશા છે કે મુસલમાનો સાવધાની દાખવીને આને અદા કરશે. અલ્લાહ ત્આલાથી દુઆ છે કે તે તેના દીન પર ચાલવા અને તેની મરજી મુજબ જીવન પસાર કરવાની તૌફીક આપે – આમીન.