લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવાનોની સર્જનાત્મકતાને ઉજાગર કરવા “Towards Understanding Islam” પુસ્તક પર “Connecting Hearts” થીમ સાથે “ઓલ ઈન્ડિયા ઓનલાઈન સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 18 થી 30 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ અને યુવાનોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. તે એક ‘ઓપન બુક’ સ્પર્ધા હતી જેમાં 12000 થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો નોંધાયા હતા. જે પુસ્તક પર સ્પર્ધા યોજવામાં આવી હતી તે એક પ્રખ્યાત પુસ્તક છે જે ઇસ્લામનો વ્યાપક પરિચય આપે છે. સમગ્ર ભારતના સ્પર્ધકોએ ઉત્સાહ સાથે તેમાં ભાગ લીધો હતો અને તાજેતરમાં આ સ્પર્ધાના પરિણામો જાહેર કરાયા હતા જેમાં વિજેતાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
સ્પર્ધાના કન્વીનર શબ્બીર સી.કે.એ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જે આપણા દેશની વાસ્તવિક વિવિધતા, એકતા અને અખંડિતતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઈન્ડિયા (એસઆઈઓ) દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવી હતી, જે છેલ્લા ત્રણ દાયકાથી વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સાંપ્રદાયિક સુમેળ અને ભાઈચારાને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. આ સ્પર્ધા ઇસ્લામ વિશે ફેલાયેલી ગેરસમજો અને અર્થઘટનને દૂર કરવા અને પરસ્પર સુમેળને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત પ્રયાસ હતો.
રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ વિજેતાઓ અને દસ આશ્વાસન એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી અને રાજ્ય કક્ષાએ 3 એવોર્ડ આપવામાં આવ્યા હતા. સંસ્કૃતમાં સ્નાતકના બીજા વર્ષના પશ્ચિમ બંગાળના વિદ્યાર્થી રાજુ ઘોષે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે તમિલનાડુથી મિસ અસ્માથ મુબીના એસ અને તેલંગણાની અમૂલ્યા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી છે. જ્યારે આપણા ગુજરાત રાજ્યથી વલસાડના સલમાન અખ્તર, મોડાસાના નઝીરા અબ્દુલકાદિર શેઠ અને વડોદરાના શ્રદ્ધા ઓઝા અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.
સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (એસઆઈઓ) ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડો. સાકિબ મલિકે સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિજેતાઓ અને ભાગ લેનારાઓને અભિનંદન પાઠવ્યું. અને આશા વ્યક્ત કરી કે આવી પહેલ પરસ્પર પ્રેમ અને આદર અને સુમેળ વધારવામાં મદદ કરશે.