ઈદુલ અઝ્હા પ્રસંગે હાલમાં પ્રવર્તમાન કોરોનાની મહામારી અનેતેના લીધે સરકારદ્વારા બહાર પડાયેલ ગાઈડ લાઈનને અનુલક્ષીને જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા મિલ્લત માટે કેટલાક સૂચનો રજૂ કર્યા છે. જેને ધ્યાનમાં લઈ ઈદુલ અઝ્હાની નમાઝ અને કુર્બાની અદા કરવામાં આવે એ હેતુ છે.
ઈદુલ અઝ્હામાં જાનવરોની કુર્બાની કરવી એ એક ઇસ્લામી ફરજ છે. તેને અદા કરવાની કોઈ અન્ય વૈકલ્પિક રીત નથી, આથી જો કુર્બાની વાજિબ હોય તો તે જરૂર અદા કરો.
આ ઉચિત છે કે દરેક વિસ્તારમાં સ્થાનિક અધિકારીઓ સાથે બરાબર સંપર્કમાં રહેવામાં આવે. તથા શાંતિ અને સલામતીનું વાતાવરણને જાળવી રાખવામાં પોતાનો સાથ-સહકાર આપવામાં આવે.
જાનવરોના ખરીદ-વેચાણ અને સ્થળાંતર/ લાવવા-લઈ જવામાં કેટલાક સ્થળોએ તોફાની તત્ત્વો તરફથી મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે છે. આ અંગે રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે અને સ્થાનીય સ્તરે વહીવટીતંત્ર, પોલીસ અને સ્થાનિક સ્તરે ચૂંટાયેલ જન-પ્રતિનિધિઓનું ધ્યાન દોરવું અને તેમની મદદ મેળવવી, કે જેથી ઈદે કુર્બાંના જાનવરોના સ્થળાંતર (લાવવું-લઈ જવું) અને ખરીદ-વેચાણમાં અડચણ ઊભી ન થાય. આ અંગે વ્હેલામાં વ્હેલી તકે સ્થાનિક અને જિલ્લા સ્તરે વહીવટીતંત્રને સક્રિય બનાવવામાં આવે. મીડિયા અને પત્રકારત્વથી પણ શક્ય મદદ લેવામાં આવે. કુર્બાનીના દિવસોમાં પણ સંભિત મુશ્કેલીઓમાં પોલીસ અને વહીવટીતંત્રથી મદદ મેળવવાનો માર્ગ અપનાવવામાં આવે.
બીજું આ કે ગલીઓ, શેરીઓ અને મોટા માર્ગો પર કુર્બાની કરવામાં ન આવે. જાનવરને નરમ માટી પર ઝબેહ કરવામાં આવે. કુર્બાની બાદ એ જગ્યાએ સૂકો-કોરો ચૂનો નાખવામાં આવે. ગંદકી અને ખાલો (ચામડા) તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની અસરકારક વ્યવસ્થા બહુ જરૂરી છે.
તહેવારોના દિવસોમાં મહામારી ફેલાવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. આ દિવસોમાં એ સાવચેતીરૂપ પગલાં લેવા ખૂબ જ જરૂરી છે જે ઉલ્માએ કિરામ અને તબીબી નિષ્ણાંતોએ નક્કી કર્યા છે, જેમકે ચ્હેરા પર માસ્ક લગાવવો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવો, સાવચેતીના પગલા રીતે મોટી વયના અને બીમાર લોકોએ ઈદની નમાઝ ઘરે પઢવી વિ.
આ પ્રસંગે સરકારથી પણ અરજ છે કે તે પણ આ અંગે યોગ્ય સાથ સહકાર આપે.