રવિવારે “એસેન્સીઅલ ઓફ મેડિકલ માઈક્રોબાયોલોજી ” પુસ્તકના લેખકોએ માફી માંગી અને તેમની પુસ્તકમાં છાપેલ ‘કોરોના ફેલાવવા માટે તબ્લિગી જમાતની ભૂમિકા’ વાળા ભાગને હટાવવાની ખાતરી આપી છે. આ પુસ્તક એમબીબીએસના અભ્યાસક્રમના બીજા વર્ષ માટેનું સંદર્ભ પુસ્તક છે.
સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગનાઈઝેશન ઓફ ઇન્ડિયા (SIO) દ્વારા કથિત પુસ્તકના મહામારી (રોગચાળા) વિજ્ઞાન (epidemiology) વિભાગમાં થતી ઘટનાઓની ખોટી રજૂઆતને ઉજાગર કરતાં આ મુદ્દો સામે આવ્યો હતો. એસઆઈઓએ જેપી પબ્લિશિંગ સાથે વાત કરી અને આ સામગ્રીને દૂર કરવાની માંગ કરી હતી. જે પછી લેખક ડો.અપૂર્બા શાસ્ત્રી અને ડો.સંધ્યા ભટ્ટ દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે.
પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં કોવિડ -19 ભારતમાં કેવી રીતે ફેલાયો તેના પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં લેખક જણાવે છે કે તબ્લિગી જમાત ક્લસ્ટર COVID-19 ના પ્રસાર માટે એક મહત્વપૂર્ણ પ્રેરણાદાયક પરિબળ હતું. જો કે, કોઈ એવો અભ્યાસ થયો નથી કે જે આવા દાવાની પુષ્ટિ કરે. તે સમયે ભારતમાં ઘણી મોટી સામાજિક-રાજકીય ઘટનાઓ અને સભાઓ યોજાઇ હતી. પરંતુ તબ્લિગી જમાતને વિવિધ મીડિયા માધ્યમો અને જૂથોએ નિશાન બનાવ્યું હતું અને તેની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટ અને વિવિધ ઉચ્ચ ન્યાયાલયોએ તબ્લિગી જમાતની સભાના સંદર્ભમાં આવી ખોટી રજૂઆતની નિંદા કરી છે. સુપ્રીમ કોર્ટે તો સંબંધિત અધિકારીઓને આનાથી થયેલ નુકશાનની ભરપાઈ કરવા માટે પણ કહેલું છે. આ જ ભાવના સાથે, એસઆઈઓએ લેખકો દ્વારા કરવામાં આવેલી ભૂલ બદલ માફી માંગવાની સાથે સાથે પુસ્તકના સમસ્યા રૂપ ભાગને તાત્કાલિક દૂર કરવાની પણ માંગ કરી હતી. કારણ કે તે સમાજમાં મુસ્લિમ સમુદાયની નકારાત્મક છબી ઊભી કરે છે. એસઆઈઓ દક્ષિણ મહારાષ્ટ્રના સચિવ રાફિદ શહાબે કહ્યું, “પ્રકાશકો અને લેખકો તેમના કાર્ય માટે જવાબદાર છે. તેઓએ પોતાનું કાર્ય પ્રામાણિકતા અને સંશોધન સાથે કરવું જોઈએ. તેમણે એ પણ વિચારવું જોઈએ કે ખોટી માહિતી આપણા સમાજનું કેટલી સરળતાથી બ્રેનવોશ કરે છે. “
મુસદ્દીક ઉલ મોઈદ
જોઈન્ટ સેક્રેટરી , SIO સાઉથ મહારાષ્ટ્ર