ચકચાર
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જાેઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જાેતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
૧૪ લીટીની આ કવિતા પારુલ ખખ્ખરે લખી છે. આ બહેન ૫૦ વર્ષના ગૃહિણી છે. કવિતા, ગીત, ગઝલ તેમનો શોખ છે. સોશિયલ મીડિયા ઉપર આ કવિતા ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયામાં ૮ ભાષાઓમાં તેનું ભાષાંતર પુરા દેશભરમાં ફરી રહ્યું છે. સામાન્ય રીતે તેઓ ગુજરાતની ગૃહિણીઓની જેમ જ મોદી-બીજેપી તરફ જ ઝુકેલા હતા. પરંતુ કોવિડ મહામારીની બીજી લહેરમાં પ્રજાને જે તકલીફો પડી રહી છે તેની પીડા સાહજિક રીતે તેમને આ કવિતામાં વણી લીધી છે. કાજલ ઓઝા વૈધ દિવ્ય ભાસ્કરમાં તેના વિરોધમાં બીજા દિવસે જ રવિવારની પૂર્તિમાં તેના જવાબમાં લેખ લખી નાંખે છે. તારક મેહતાકા ઉલટા ચશ્મા ફેઈમ દિલીપ જાેશી ઉર્ફે જેઠાલાલથી લઈ વિક્રમ વકીલ, કિશોર મકવાણા, વિરેન્દ્ર કપૂર જેવા અનેક કટાર લેખકો સરકારના ટેકામાં બચાવ માટે નીકળી પડે છે. ૨૮ હજાર ઉપરાંત ટ્રોલ સેના સોશિયલ મીડિયામાં તેના ઉપર તૂટી પડે છે. તેઓને પોતાનું એકાઉન્ટ બ્લોક કરી દેવું પડે છે. વિષ્ણુ પંડ્યા જે સંઘના મુખપત્ર સાધનાના તંત્રી રહ્યા છે અને હવે દિવ્ય ભાસ્કરમાં કટાર લખી રહ્યા છે, તેઓએ એક કાર્યક્રમમાં આ બહેનને ગુજરાતની ઊભરતી કવિયત્રી તરીકે બિરદાવ્યા હતા. તેઓને પણ આ કવિતાને લઈ મોદી સરકારના બચાવમાં ઉતરવું પડ્યું છે.
તેઓની દલીલ છે કે આભ ફાટે ત્યારે કેટલા થિગડાં મારી શકાય. કોઈ પણ સરકાર હોય આવી તકલીફો આવી વિશ્વ વ્યાપક આપદામાં તો આવી જ હોત. અહીં આ જ મુદ્દો સમજવાનો પ્રયાસ છે કે શું આવા છબરડા ટાળી શકાયા હોત અને આ સરકાર જે મેક્સિમમ ગવર્નન્સના દાવા સાથે બેઠી છે તે શું પોતાના દાવા પર ખરી ઉતરી રહી છે કે કેમ..?
નેપોલિયન બોનાપાટના કથન મુજબ “A leader is a dealer in hope” લીડર- નેતા એ છે જે આશાનો સંચાર કરે. અહીં તો આશાનો સંચાર બાજુ પર રહ્યો, ઘોર નિરાશા જ પ્રગટાવી છે.
સરકારની અસ્વીકાર મુદ્રા DENIAL MODE દરેક તબક્કે જાેવા મળી. પછી તે ઓક્સિજનની તંગી હોય, હોસ્પિટલમાં કે સ્મશાનમાં જગ્યા ન મળતી હોય કે દવાની અછત અને કાળા બજાર હોય. આંકડાઓનું તો પૂછવું જ શું? સાદી સમઝ પણ તેને ૧૦ ઘણા બતાવે છે. કોઈ ૨૦ ઘણા પણ કહે છે. દિવ્ય ભાસ્કરનો અહેવાલ તો સરકારની પોલ ખોલી દે છે. ૭૧ દિવસમાં ૧.૨૩ લાખ મૃત્યુ પ્રમાણપત્ર નીકળ્યા છે અને તે જ સમયમાં સરકારનો આંકડો કોરોના ફક્ત ૪૨૧૮ બતાવે છે. મોરબીડ, કોમોરબીડની માયાજાળ રચી સરકાર સાચા આંકડા છુપાવે છે. હવે, આ છાપું તો સ્પષ્ટ રીતે RSS એજન્ડા પર ચાલે છે તે કોઈનાથી છૂપું નથી. અહમદાબાદના નિવાસી તંત્રી ભટનાગર આ જ વિચારધારાના સહાયક છે અને છતાં તેઓએ સાક્ષાત્કારમાં સ્પષ્ટ રીતે વિગતો સમજાવી છે. પણ સરકાર છે કે માને? કોઈ પત્રકાર હિંમતથી મેદાની અહેવાલ બનાવે તો તેને વલચર જરનાલિઝમ- ગિદ્ધ પત્રકારીત્વ ગણી ટ્રોલ સેના તૂટી પડે.. અસ્વીકાર.. બસ અસ્વીકાર..
પહેલી લહેર પછી તમો જ ઓવારણાં લેતા હતા કે જાે સાહેબ ન હોત તો લાશોના ઢગ ખડકાઈ જતાં. હવે, જ્યારે બીજી લહેરમાં સાચે જ ઢગ ખડકાઈ ગયા તો સાહેબની કોઈ જવાબદારી જ નહીં..?
સફળતાનો જશ સ્વાભાવિક રીતે બધા PM CM લેતા જ હોય છે (ડૉ.મનમોહન સિંહના સુખદ અપવાદ સિવાય) પરંતુ નિષ્ફળતા કોઇ સ્વીકારતું નથી. નિષ્ફળતાનું ઠીકરું સ્વયં નિષ્ફળતા પર ફોડી ચાલાકીથી પોતાનો પાલવ છોડાવી લે છે.
ઇકબાલ સિંગ ચહલ BMC મુંબઇ કોર્પોરેશનમાં કમિશ્નર છે. તેઓ સૌથી યુવાનવયે IASમાં સનદી અધિકારી તરીકે પસંદગી પામ્યા હતા અને ૨૦૧૪માં વડાપ્રધાન કાર્યાલય-PMOમાં જ હતા. આપણા મોટા સાહેબે તેમને પાછા મહારાષ્ટ્ર મોકલી દીધા. આ ભાઈએ જે કમાલ કરી છે, તેની નોંધ સર્વોચ્ચ અદાલતથી લઈ આંતરરાષ્ટ્રીય માધ્યમોએ પણ લીધી છે. હવે જાે આ જ અધિકારીને ત્યાં જ સાચા ઉપયોગમાં લીધા હોત તો કદાચ દેશની દિશા અને દશા ચોક્કસ જ બદલી શકાઇ હોત, તેમ સ્વીકારવું રહ્યું. તેમના શેખર ગુપ્તા તથા બરખદત્ત સાથેના સાક્ષાત્કાર જાેતાં સમજાય છે કે સમયસરના અને સ્માર્ટ આયોજન થકી ધારાવીની ઝૂંપડપટ્ટીથી લઈ કરોડપતિઓને એક જ સિસ્ટમમાં સાંકળી કેવા અદભુત પરિણામો મેળવી શકાય છે. પીટર દ્રકરનો સફળતાનો ગુરુમંત્ર “DIS INTEGRATION– કામનું વિભાજન” તેઓએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યો છે. તેઓએ બધી હોસ્પિટલો, બધા નિષ્ણાત ડોકટરો અને મુખ્યમંત્રી ઠાકરે, જે વહીવટમાં બિલકુલ નવા છે, તે સૌનો વિશ્વાસ જીતી આ કામ કરી દેખાડ્યું છે. હજુ મહારાષ્ટ્ર રાજ્યનું વેક્સિનનું તેમનું આયોજન સાંભળો તો દંગ રહી જશો. હવે સવાલ એ છે કે આપણા મોટા સાહેબને આ કેમ સૂઝતું કે દેખાતું નથી? એવો તો કેવો અહમ અને અહંકાર કે આટલી મોટી આફતમાં પણ તમે જીદ ન મુકો. અગાઉ શ્રમિકોની સામુહિક હિજરત સમયે પણ આંખ આડા કાન કર્યા અને સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું કે આતો ખોટી કાગારોળ કેટલાક લોકો ભરમાવવા કરી રહ્યા છે. અને અદાલતે પણ આ માની લીધું. એતો ઉહાપોહ ચાલુ જ રહ્યો તો ફરી અદાલતે ધ્યાને લીધું. હવે, પ્રજાનો આક્રોશ બહાર આવી રહ્યો છે. અને એટલે જ બ્રાન્ડ મોદી જે હવામાં ઉછળતી હતી તે કદાચ સીધી જ ઓક્સિજન ઉપર આવી ગઈ છે. ફેબ્રુઆરીના અંત ભાગમાં તો સાહેબના ઓવારણાં લેવામાં ચમચાઓ હરીફાઈ કરતા હતા. વિશ્વ ગુરુ ભારતે દુનિયાને કોરોનાને કઈ રીતે મહાત આપી તેનું જ્ઞાન પીરસાઈ રહ્યું હતું.
દાવોસની વાર્ષિક મીટીંગના સંદર્ભમાં સાહેબે શું કહ્યું તે જુઓ. “અમે કોરોનાવાયરસની લડતને પ્રજાકીય ચળવળમાં બદલી દીધી અને ભારતને આજે પ્રજાના જીવ બચાવવામાં દુનિયાના સૌથી સફળ દેશની સાથે મૂકી દીધું. હાલ તો ભારતમાં બનેલ બે રસીની ઓળખ અમો આપી રહ્યા છીએ, પરંતુ ઘણી બધી રસી ભારતમાંથી આવશે. દુનિયાને દેખાડી દીધું કે પ્રચલિત આયુર્વેદિક દવાઓ કઈ રીતે ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આજે ભારત દુનિયાના કેટલાય દેશોમાં આ રસી મોકલી રહી છે અને બીજા દેશોના લોકોના જીવ બચાવી રહી છે.”
વડાપ્રધાનની ‘દિવ્ય ખાસિયત’ એ છે કે તેઓ સતત બોલ્યા તો કરે છે; પરંતુ કોઈનેય સાંભળતા નથી ! લોકોના મનની વાત સાંભળવા તૈયાર નથી; પરંતુ પોતાના મનની વાત લોકોને સંભળાવવા માટે હંમેશા આતુર રહે છે! તેમની વાતમાં આંધળો રાષ્ટ્રવાદ ઝળકી રહ્યો છે. સૌ પ્રથમ તો તેમણે ગૌરવથી જાહેર કરી દીધું કે ભારતે કોવિડ-૧૯ની મહામારી ઉપર જીત મેળવી લીધી છે, જેની સામે બીજા દેશો હજુ ઝઝૂમી રહ્યા છે. માર્ચના અંત સુધી તેઓ આ જ વાત બોલતા રહ્યા, જયારે કે બીજું મોજું ફેબ્રુઆરીના અંતમાં શરૂ થઈ ગયું હતું. શું તેઓ કોઈ નિષ્ણાતોની સલાહ લેતા જ નથી? કદાચ નહીં, કારણકે જે વૈજ્ઞાનિક ટાસ્કફોર્સ કોવિડ-૧૯ માટે બનાવી છે તે જાન્યુઆરી ૧૧ થી એપ્રિલ ૧૫ વચ્ચે કોઈ બેઠક બોલાવતી નથી. તેમના એવા ઉદગારો કે ભારતની પ્રચલિત દવાઓ કોવિડ સામે કારગર છે તે સ્પષ્ટ રીતે આંધળા રાષ્ટ્રવાદનો નમૂનો છે. બાબા રામદેવની કોરોનીલ નામની દવા બજારમાં મૂકાય છે, જેના ઉદ્ઘાટનમાં આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન જે પોતે ડોક્ટર છે હાજર રહે છે અને સાથે નીતિન ગડકરી જેવા પ્રધાનો પણ તેને પ્રોત્સાહન આપે છે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન IMA આનો ભારે વિરોધ નોંધાવી જણાવ્યું કે ભારતના આરોગ્યપ્રધાન કઈ રીતે અવૈજ્ઞાનિક વસ્તુને પ્રોત્સાહન આપી શકે? તેમને સવાલ કર્યો કે કયા ક્લિનિકલ ટ્રાયલ, કયા સમયમાં અને ક્યારે લેવાયા તેની કોઇ વિગત આપી શકશો? આવા બીજા ઘણા psudo remedies – છદ્મ ઉપચારોને યોગ્ય ઠેરવ્યા. ગાયના દૂધ, માખણ, ઘી, છાણ અને મૂત્રને મેળવી પંચગવ્યના નામે દવા સ્વરૂપે પ્રોત્સાહન આપી લોકોને ઉલ્લુ બનાવ્યા. ભારત આર્ત્મનિભર તો ન બન્યું પરંતુ ગોબર ર્નિભર જરૂર બની ગયું!! વળી કેટલાક બીજેપી નેતાઓએ ગંગામાં સ્નાન જેવા ક્રિયાકાંડોને રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાય તરીકે બિરદાવ્યા. પછી કુંભમેળામાં માનવ મહેરામણ ઉમટી ન પડે તો જ નવાઇ!!
વડાપ્રધાન પ્રેસથી ભાગતા હોય એવી કોઈ ઘટના કોઈ લોકશાહી દેશમાં બની નથી! UKના ‘સન્ડે ટાઈમ્સ’/ ઓસ્ટ્રેલિયાના ‘ધ ‘ઓસ્ટ્રેલિયન’/USAના ‘વોશિગ્ટન પોસ્ટ’/‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ વગેરે અખબારોએ વડાપ્રધાન વિશે લખ્યું છે કે, “ઘમંડ/અંધ-રાષ્ટ્રવાદ/ક્ષમતાહીન નોકરશાહોએ ભારતમાં એવું મહાસંકટ ઊભું કર્યું છે; જેમાં રોજે રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે; પરંતુ ભીડને ચાહનારા ભારતના વડાપ્રધાનને કોઈ વાતની ચિંતા નથી!” કોરાના મહામારીની બીજી લહેરના હેરાન કરી મૂકે તેવા અહેવાલો દુનિયાભરના મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયા છે. ‘ધ ઈકોનોમિસ્ટ’ના ભારત ખાતેના રીપોર્ટર કહે છે ઃ “ભારતમાં લોકડાઉન પછી સાવધાની રાખવાની જરુર હતી; છતાં કુંભમેળો અને ચૂંટણીસભાઓ યોજી; એ ઘાતક લાપરવાહીનો નમૂનો કહેવાય!”
વિશ્વમાં એવું એક પણ અખબાર, સામયિક, ન્યુઝ ચેનલ અને ન્યુઝ પોર્ટલ નહીં હોય જેણે ભારતના શાસક નરેન્દ્ર મોદીની નિંદા ન કરી હોય. અને તેમાં નરેન્દ્ર મોદીની માત્ર નિંદા નથી કરવામાં આવી, ઠેકડી ઉડાડવામાં આવી છે. કોઈએ તેમને નીરો સાથે સરખાવ્યા છે. કોઈએ તેમને આત્મરતિથી પીડિત (મેગેલોમેનિયાક) અને આત્મમુગ્ધ (નાર્સીસીસ્ટ) તરીકે ઓળખાવ્યા છે. કોઈએ તેમને સ્ટંટ અને ખેલ કરનારા તરીકે ઓળખાવ્યા છે. કોઈએ તેમને અગંભીર અને અસંવેદનશીલ શાસક તરીકે ઓળખાવ્યા છે. કોઈએ તેમને આંધી આવે ત્યારે રેતીમાં મોં છૂપાવી દેનારા શાહમૃગ તરીકે ઓળખાવ્યા છે. ‘ટાઈમ’ મેગેઝીને તો તેના કવરપેજ ઉપર તેમને ‘સુપરસ્પ્રેડર’ અર્થાત ભારતમાં ચેપી રોગ ફેલાવનારા તરીકે ઓળખાવ્યા છે અને સવાલ કર્યો છે કે એક માણસની સત્તાભૂખની માણસજાતે કેટલી કિંમત ચૂકવવી પડશે?
હવે, ગયા વર્ષનો તબ્લીગી જમાતના નામે ઉભો કરેલ તાયફો યાદ કરો. કેટલાક TV સમાચારો, ચર્ચાઓ, અખબારોના લેખો, તંત્રી લેખો જુઓ તો સમઝાશે કે કઈ રીતે પ્રજાને ભ્રમિત કરી શકાય છે.જુદી જુદી કોર્ટો એ બધાને નિર્દોષ છોડી આકરી ટીકા કરી. પ્રજાની ટૂંકી યાદશક્તિ નો ભરપૂર ફાયદો લેતા જાઓ અને નવા તિકડમ લાવીદો એટલે ગોદી મીડિયા ના સહારે ચર્ચાનું નવું ચક્ર ચાલતું થઈ જાય.
વડાપ્રધાને જાે કાળુ ઘન શોધી કાઢ્યું હોય; અચ્છે દિન લાવ્યા હોય; રુપિયાને ડોલરના મુકાબલે મજબૂત કર્યો હોય; GDPનો દર વધાર્યો હોય; બેરોજગારી ઘટાડી હોય; નોટબંધીના ફાયદા થયા હોય; ત્રણ કૃષિ કાનૂન કિસાનોના ફાયદા માટે હોય; કોવિડ મહામારીનો સામનો કરવા પૂર્વતૈયારી કરી હોય; બંધારણીય મૂલ્યો અને માનવમૂલ્યોને દ્રઢ બનાવ્યા હોય, તો શા માટે તેઓ પ્રેસ કોન્ફરન્સ યોજીને દેશને માહિતી આપતા નથી ??!! ગોદી ચેનલો મારફતે માત્ર આરતી જ શા માટે ઉતરાવ્યા કરે છે ??!! પોતાના IT Cell દ્વારા વિપક્ષના નેતાઓનું ચરિત્રહનન જ શા માટે કરાવ્યા કરે છે ??!!
ઓક્સિજનનું ગુજરાતી પ્રાણવાયુ કેમ છે તે આ બીજી લહેરમાં પ્રજાને સમજાઈ ગયું. ઓક્સિજન ની વ્યવસ્થા ઘણા બધાએ ઘરમાંજ કરવી પડી હતી. દેશભરમાં આ પ્રાણવાયુની જે અવ્યવસ્થા અને અરાજકતા સર્જાઈ તેનાથી સ્પષ્ટ સમજાયું કે મિસ ગવર્નન્સ શું છે.. તમારી અગ્રીમતા- પ્રાયોરિટી જાે ક્રિકેટ અને IPL હોય, ચૂંટણીઓ હોય, કુંભમેળાઓ હોય,તમારી કથની અને કરણી સામસામે હોય તો આજ થાય.
ગરીબો, ડરેલો મધ્યમ વર્ગ, ઈલાજ માટે ભટકતા અમીરો અને સમર્પિત પાર્ટી-કાર્યકરોને એ સમજાતું નથી કે વડાપ્રધાને આવું શા માટે થવા દીધું ??!! બધા સવાલો પૂછે છે, પણ જવાબ આપનાર કોઈ નથી !!
બીજી લહેર પુરી થઈ રહીછે ત્યારેજ મ્યુકર માઇકોસીસ, કાળી ફંગસ કાળો કેર વર્તાવી રહીછે. વળી બિહારમાં અને હવે ગુજરાતમાં પણ સફેદ ફંગસે દેખા દીધી છે. ઇન્જેક્શનો ખૂબ જ મોંઘા છે અને સરકારી દાવા છતાં મળી તો નથીજ રહ્યા. રેમડીસીવીર અને તોસીલી ઝુમાબ ની જેમ આનાં પણ કાળાબજાર થઈ રહ્યા છે. ૯ થી ૧૦ લાખ રૂપિયાની સારવાર પ્રજાને તમ્મર લાવી દે છે.
વળી, હજુ બીજી લહેરની કળ વળે તે પહેલાં તો નિષ્ણાતો અને સર્વોચ્ચ અદાલત બધાજ ત્રીજી લહેરની વાત કરેછે, જેમાં બાળકો પણ વધુમાં વધુ સપડાઈ જશે તેવી ધાસ્તી છે. પ્રજાનો મૂંઝારો હવે બાળકોની વાત આવે તો ક્યાંથી ઓછો થાય, તે પણ સમજવું રહ્યું.
કોરોના કાળમાં દિલ્હીમાં CAA, NRC વિરુદ્ધ આંદોલન કચડવા ઉઘાડેછોગ તુફાન કરાવ્યા,પીડિતને ગુનેહગાર અને ફરિયાદીને આરોપી ઠરાવ્યાં. કાનૂન ,પોલીસ અને એજન્સીઓ નો ખુલ્લો દુરુપયોગ કર્યો.જાણે પડકાર ફેંકતા હોય કે લો.. કોઈ અમારું શું ઉખાડી લેશે ?
CBI, NIA, ED, ઇન્કમ ટેક્સ,ચૂંટણીપંચ અરે સર્વોચ્ચ અદાલત સુધ્ધાં નો એકતરફી દુરુપયોગ બેફામ દાદાગીરી થી કરતા જવાનો અને કોઈ વિરોધની પરવા જ નહીં કરવાની !!
અતિ ભ્રષ્ટ નેતાઓ જેના વિરુદ્ધ ખુદ તેઓ એજ કાગારોળ મચાવી હોય, જેવા BJPમાં ઘૂસે કે દૂધે ધોયેલા થઈ જાય. આસામના હેમન્તા બીશ્વા શર્મા જે હવે મુખ્ય મંત્રી બની ગયા છે અને પશ્ચિમ બંગાળ ના મુકુલ રોય તથા સુભેંદુ અધિકારી આનું શ્રેષ્ઠ અને વરવું ઉદાહરણ છે. પી એમ કેર ફન્ડની પણ કોઈ માહિતી અપાતી નથી અથવા અધકચરી માહિતી અપાય છે.
સવાલો ઉઠાવવારાઓ દેશદ્રોહી છે; એમ કહીને વડાપ્રધાનની ટ્રોલસેના અને કોર્પોરેટ મીડિયા લોકોને ભ્રમિત કરી રહ્યાં છે ! હવે ભારતના લોકો પાસે માત્ર સવાલો બચ્યા છે, અને વડાપ્રધાન જવાબ આપતા નથી!! ગંગા નદીમાં અસંખ્ય શબ તરી રહ્યા છે પણ ગંગામૈયા પણ આ ગંગાપુત્રને બોલાવતા ડરી રહી છે !! ગંગા પોતે શબવાહિની બની જાય, આ તે કેવું રામરાજ્ય ??!! હવે આ માહોલમાં કોઈતો પારુલ ખખ્ખર બોલેજને !! કોઈ તો વર્ષા પાઠક લખેને!!
રસીની રામાયણ
ભારતની ૧૪૦ કરોડની વસ્તીમાંથી ૧૦૦ કરોડ ને આપવા રસીના ૨૦૦ કરોડ ડોઝ જાેઈએ.
આપણા PM સાહેબે હેલિકોપ્ટરથી સિરમ ઇન્સ્ટિટ્યૂટ પુના, ભારત બાયો ટેક, ઝાયડ્સ વિગેરેની મુલાકાત લઈ છાકો પાડી દીધો. પરંતુ હકીકતમાં આના ઉત્પાદનમાં સરકારનો કોઈ રોલજ નથી. આપણે ૧.૬ કરોડ ડોઝ નબળા દેશોને નિકાસ કરી વિશ્વ ગુરુ બનવાનો દંભ કરી દીધો. ઉહાપોહ થવો સ્વાભાવિક જ હતો. અમારા બાળકોની રસી કેમ બહાર આપી તેના પોસ્ટર લાગી ગયા. બિચારા દહાડિયા જે ૨૦૦-૫૦૦ના રોજથી આ કામ કરેલ તેમને યોગી સરકારે જેલમાં નાંખ્યા. સ્વાભાવિક રીતે રાજકીય મુદ્દો વિરોધ પક્ષ ને મળી ગયો આપ તથા કોંગ્રેસ બન્ને એ ટિ્વટર પર મારો ચલાવ્યો. અમારી પણ ધરપકડ કરો. સરકાર ભરાઈ પડી.
હજુ પણ મોટા ઉપાડે વૈજ્ઞાનિક સમિતિના વડા પૌલ જાહેર કરેછે કે ઓગસ્ટ થી ડિસેમ્બર માં ૧૦૦ કરોડ લોકોને રસી અપાઈ જશે. કોઈ ખુલાસો નથી. રાજ્યો ખરીદશે કે કેન્દ્ર. કિંમત રૂ ૧૫૦ કેન્દ્ર ની અને રાજ્યોની રૂ. ૨૫૦ બધામાં એક રાષ્ટ્ર એક કાર્યક્રમ નો પોકાર ચૂંટણી વિગેરે બાબતો પર કરતી સરકાર આમાં કેમ પારોઠ ના પગલાં ભરેછે તે નથી સમઝાતું. કયો ખેલ છે તો આ ચુપ્પી છે તે સમજવું રહ્યું.
ડૉ રાશીદ જે વિજ્ઞાનના વડા છે તે રાજીનામું આપી દેછે. ઉર્જિત પટેલ, અરવિંદ સુબ્રમણ્યમ ની જેમજ. કોઈ સચવાતું નથી. સત્યની સાથે જાણે બાપે માર્યા વેર. આ અંધાધૂંધી રસીના કાર્યક્રમમાં પણ દેખાય છે. ઉતાવળે યુવાનોનો સ્લોટ જાહેર કરી સરકાર ભેરવાઈ ગઈ છે. સ્ટોક નથી અને કોઈ પણ સ્લોટ ઘણી જગ્યાએ મળી નથી રહ્યો.
અમેરિકા, બ્રિટન, ઇઝરાયેલ તથા ઘણા દેશો રસીકરણ સફળતા પૂર્વક પૂર્ણ કરી સામાન્ય પરિસ્થિતિ લાવી દીધી છે. સ્કૂલો, પાર્ક, મોલ વી. પણ ચાલુ થઈ ગયાછે. રાજકીય લાભાલાભ અને છબરડા ભૂલી હવે જાે કોઈ પણ રીતે ઝડપી રસીકરણ થશે તોજ કોરોનાનો ત્રીજી લહેરમાં પણ મુકાબલો થઈ શકશે. અન્યથા લાશોના ઢગ ખાળવા મુશ્કેલ બની જશે, તેમ સૌને સમઝાઈ રહ્યું છે. / (મો. ૯૯૨૫૨ ૧૨૪૫૩)