Friday, December 27, 2024
Homeપયગામઆઝાદી વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે

આઝાદી વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે

ગુલામી શું છે? ગુલામી એક દશા છે જ્યાં વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ જીવન વ્યતિત ન કરી શકતી હોય, જ્યાં વ્યક્તિ કોઈ ખચકાટ વગર પોતાના વિચારો ન મૂકી શકતી હોય, જ્યાં વ્યક્તિના માનવ અધિકારોનું હનન થતું હોય, જ્યાં વ્યક્તિ સાથે નાત-જાત,ધન-સંપત્તિ,ધર્મ સમુદાય, રંગ કે ભાષા અથવા બીજા કોઈ કારણસર અન્યાય થતો હોય. જ્યાં વ્યક્તિ પાસે પોતાના ભવિષ્યને શણગારવા કોઈ તક કે શક્તિ ન હોય, જ્યાં વ્યક્તિ પાસે પોતાના જીવન વિશે ર્નિણય લેવાનો કોઈ અધિકાર ન હોય વિગેરે. આ પરિસ્થિતિઓ વ્યક્તિગત પણ હોઈ શકે અને સામુહિક પણ. માત્ર વ્યક્તિ જ ગુલામ થતો નથી પરંતુ જયારે શક્તિશાળી કોમ કોઈ દુશ્મન કે કમજાેર સમુદાય ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરી લે છે તો કોમો પણ ગુલામ બની જાય છે.

કુર્આનમાં બની ઇસરાઇલનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કેવી રીતે ફિરઓને તેમને ગુલામ બનાવી રાખ્યા હતા અને માનવ શરીરના રુંવાટા ઉભા થઇ જાય તેવા જુલમ આચરતો હતો. કોઈની હિંમત ન હતી કે કોઈ તેનો વિરોધ કરે કે જુલમ કરતા અટકાવી શકે. તેના ખરાબ વર્તનનો પરિચય આપતા અલ્લાહ મુસા અને હારુન અલૈ.ને આદેશ આપે છે. “જાઓ તમે બંન્ને ફિરઔન પાસે કેમ કે તે વિદ્રોહી થઈ ગયો છે. તેના સાથે નરમાશથી વાત કરજાે, કદાચ તે શિખામણ સ્વીકારે અથવા ડરી જાય. ”બંનેએ અરજ કરી,”પાલનહાર ! અમને આશંકા છે કે તે અમારા સાથે અતિરેક કરશે અથવા મારવા ઉપર ઊતરી આવશે. ફરમાવ્યું, ”ડરો નહીં, હું તમારા સાથે છું, બધું જ સાંભળી અને જાેઈ રહ્યો છું, જાઓ તેના પાસે અને કહો કે અમે તારા રબના મોકલેલા છીએ. બની ઇસરાઈલને અમારા સાથે આવવા માટે છોડી દે અને તેમને તકલીફ ન પહોંચાડ. અમે તારા પાસે તારા રબની નિશાની લઈને આવ્યા છીએ અને સલામતી છે તેના માટે જે સીધા માર્ગને અનુસરે.” (સૂરઃતાહા, ૪૩-૪૭)

ગુલામીથી વ્યક્તિની પ્રકૃતિ જ ઘૃણા કરે છે, ગુલામ બનાવવું સભ્ય સમાજ માટે લાંછનરૂપ અને કલંક છે. તેથી વ્યક્તિમાં આઝાદીની ઝંખના જાેવા મળે છે. આઝાદ વ્યક્તિ જ પોતાના જીવનને સભ્યતાના ઉચ્ચતમ શિખરે પહોચાડવાનું આયોજન કરી શકે. પોતાના જ્ઞાન વિજ્ઞાનની કળાથી જીવનને આરામયુક્ત અને સમૃદ્ધ બનાવી શકે. આઝાદ વ્યક્તિ પોતાની પ્રતિભાની કળીઓને ખીલવી શકે. આઝાદ વ્યક્તિ પોતાના વિચારો થકી એક સુંદર દુનિયાનું નિર્માણ કરી શકે. આઝાદ વ્યક્તિ પોતાની પાંખોથી સમગ્ર આકાશને આંબવા ઈચ્છે છે. વિચારો અને આચરણની સ્વતંત્રતાનું નામ જ વાસ્તવિક આઝાદી છે. ગુલામીની વિવિધ અવસ્થાઓ હોઈ શકે, સીમાઓ હોઈ શકે પરંતુ ગુલામીનું સૌથી ખરાબ સ્વરૂપ માનસિક ગુલામી છે. જયારે વ્યક્તિ કોઈનું આંધળું અનુકરણ કરવા લાગે છે તો વિચારોના વૃંદાવનમાં પાનખર આવી જાય છે અને સમગ્ર બગીચો વેરાન થઇ જાય છે.

ગુલામ બનાવવું તો ખોટું છે જ પરંતુ ગુલામીને પસંદ કરવી સ્વાભિમાનની વિરુદ્ધ છે. તેથી કોઈ પણ વ્યક્તિ કે દેશને ગુલામ બનાવવું સંપૂર્ણપણે ખોટું છે, જુલ્મ અને તેમના અધિકારો પર તરાપ મારવા જેવું છે. પંખીઓને આઝાદી પસંદ છે ભલેને તેમને ચણ ચરવા ઘણી લાંબી ઉડાન ભરવી પડે, તેઓ પાંજરામાં રહેવા માંગતા નથી, ભલેને તે સોનાનુંજ કેમ ન હોય.

આઝાદી વ્યક્તિના ખમીરને પ્રગટાવે છે, અને તેની પ્રકૃતિ મુજબ તેને તેનો અધિકાર મળવો જાેઈએ. તેમાં કોઈ મતભેદ ન હોઈ શકે. પરંતુ અહી અન્ય એક આત્યંતિક છે કે તે ULTIMATE FREEDOM એટલે કે પૂર્ણ સ્વતંત્રતા ઈચ્છે છે. એવી આઝાદી જ્યાં તેને કોઈ રોકટોક ન હોય, કોઈ બંધન ન હોય, કોઈ અડચણ ન હોય, કોઈ જવાબદારી ન હોય,બસ જેમ એક પ્રવાસી સ્ટીમરમાં બેસી દરિયાની મજા માણે છે તેમ તે જીવનને માણવા માંગે છે. વાસ્તવમાં વ્યક્તિ આ પૂર્ણ સ્વંત્રતા થકી આનંદ અને સુખની ચરમસીમાને પામવા માંગે છે. તેથી પોસ્ટ મોર્ડાનીઝ્‌મના આ યુગમાં આ વિચાર પ્રચલિત થયો છે. DEAN KOONTZ તેની એક નોવેલમાં લખે છે કે, આપણા અસ્તિત્વનો ધ્યેય મનેચ્છાઓ અને ઉત્તેજનાઓનો સંતોષ હોવો જાેઈએ, અહીં નૈતિક મુલ્યોનું કોઈ મહત્વ ન હોવું જાેઈએ અને નજ પાપ- પુણ્ય તથા સાચા –ખોટાની કલ્પના હોવી જાેઈએ.

મિત્રો, માનવ એક સામાજિક અસ્તિત્વ છે. વ્યક્તિ અને સમાજ વચ્ચે ખુબજ નજીકનો સંબંધ છે, જ્યાં બે પાત્રો હોય ત્યાં સ્વાભાવિકપણે કર્તવ્ય અને અધિકાર હોય જ. વ્યક્તિની જવાબદારી છે કે એવું કોઈ કાર્ય ન કરે જેનાથી સમાજને કોઈ નુકસાન થતું હોય અથવા બીજા વ્યક્તિઓ પ્રભાવિત થતા હોય. અને સમાજની જવાબદારી છે કે વ્યક્તિના આચાર વિચારને યોગ્ય અવકાશ આપે. વ્યક્તિને એટલી સ્વતંત્રતા મળવી જાેઈએ કે બીજાની આઝાદી પ્રભાવિત ન થાય. પરંતુ વ્યક્તિ અને સમાજ વચ્ચેના આ બારીક ભેદને સમજવો અને તેને કાયમ રાખવો ખુબજ અધરો છે.

ઈતિહાસ દર્શાવે છે કે ક્યારેક વ્યક્તિ હદ પાર કરી જાય છે, તો ક્યારેક સમાજ સીમા વટાવી જાય છે. આ ઘટના માત્ર વ્યક્તિ અને સમાજ વચ્ચે બનતી નથી. કેટલાક કિસ્સામાં એક સમાજ કે દેશ, બીજા સમાજ કે દેશની સ્વતંત્રતાના અધિકારને તાકાતના આધારે છીનવી લે છે. પાછલા હજારો વર્ષનો લોહિયાળ ઈતિહાસ તેની સાબિતી માટે પુરતો છે. સ્વરૂપ બદલાયા છે પરંતુ લોકો અથવા દેશોને ગુલામ બનાવવાનો કારસો ચાલી જ રહ્યો છે. ક્યારેક અર્થતંત્ર પર નિયંત્રણ મેળવીને તો ક્યારેક કઠપૂતળી સરકાર બનાવી ને, ક્યારે મીડિયા વડે લોકમાનસને કબ્જે કરીને તો ક્યારેક શાંતિની સ્થાપનાના નામે, તો ક્યારેક આતંકવાદને નાથવાના નામે સામ્રાજ્યવાદના ચોપડામાં બિહામણા પૃષ્ઠો ઉમેરાતા જાય છે.

એવી કોઈ વસ્તુ હોવી જાેઈએ જેના થકી એક તરફ વ્યક્તિ સ્વાતંત્ર પણ જળવાઈ રહે અને બીજી બાજુ તેમાં જવાબદારીની ભાવના પણ સચવાય. સમાજ રચના એવી બને કે તે એકતરફ આઝાદી પણ આપે અને સાથેસાથે તેને મર્યાદામાં પણ રાખે. આ કોઈ રાજકીય વ્યવસ્થા હોઈ શકે પરંતુ તે સામાન્ય રીતે કોઈ સામાજિક રીતરિવાજ અથવા લોકમાનસિકતાના પ્રભાવ હેઠળ હોય છે. કાનુન એક પરિબળ હોઈ શકે, પરંતુ તેની પણ એક મર્યાદા છે. આ પરિપ્રેક્ષ્યમાં માત્ર એક જ તાકત છે જે વ્યક્તિ, સમાજ અને શાસન સૌને ઉત્તરદાયી બનાવે છે. તેમની આઝાદીને ચોક્કસ બનાવે છે અને તેમને વ્યક્તિગત કે સામુહિક રીતે જુલમ, અત્યાચાર અને હિંસા અને અન્યાય થી દૂર રાખે છે. તે વિચાર છે આખિરત એટલેકે પરલોક (હિસાબના દિવસ)નું હોવું. અને હિસાબ માટે જરૂરી છે કોઈ માપદંડનું હોવું, કે જેથી નક્કી કરી શકાય કે શું ખોટું છે અને શું સાચું? અને તેને જાણવા માટે જરૂરી છે એક અલ્લાહને માનવુ અને તેના પયગંબરોનું અનુસરણ કરવું. એટલે આઝાદીની સાઈડ ઇફેક્ટ્‌સ – આડઅસરને જે વસ્તુ નિયંત્રિત કરે છે અથવા તેને સાચી દિશા આપે છે તે છે એક ઈશ્વર પર આસ્થા-ઈમાન અને તેના સમક્ષ ઉત્તરદાયિત્વની ભાવના. યુસુફ અલૈ. જયારે કેદખાનામાં હતા ત્યારે તેમને જેલના સાથીઓને જે શિખામણ આપી તે આજ તો હતી.

“હે કેદખાનાના સાથીઓ ! તમે પોતે જ વિચારો કે ઘણાં જુદા-જુદા રબ (માલિક અને પાલનહાર) સારા છે કે તે એક અલ્લાહ, જે સૌના ઉપર વર્ચસ્વ ધરાવે છે ? તેને છોડીને તમે જેની બંદગી કરી રહ્યા છો, તેઓ તેના સિવાય કંઈ જ નથી કે, બસ થોડા નામો છે જે તમે અને તમારા બાપ-દાદાઓએ રાખી લીધાં છે, અલ્લાહે તેમના માટે કોઈ પ્રમાણ-પત્ર નથી ઉતાર્યું. સાર્વભૌમત્વ (સંપ્રભુતા) અલ્લાહ સિવાય કોઈના માટે નથી. તેનો આદેશ છે કે તેના સિવાય તમે કોઈની બંદગી ન કરો. આજ સરળ જીવન-પદ્ધતિ છે, પરંતુ અધિકાંશ લોકો જાણતા નથી.” (સૂરઃ યુસુફ,૩૯-૪૦)

આઝાદ રહેવું દરેક વ્યક્તિ અને સમુદાયનો જન્મસિદ્ધ અધિકાર છે. ગુલામી અલ્લાહની ઈચ્છા અને તેના કાનુનની વિરુદ્ધ છે. પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.ની વાસ્તવિક સિદ્ધિ લોકોને ગુલામીના પંજામાંથી આઝાદ કરાવવાની હતી.

ગુલામી મનની હોય કે વંશની, સમાજની હોય કે કોમની, તે વ્યક્તિની વિચાર શક્તિને કુંઠિત કરે છે. આ બંધનોથી મુક્તિ મેળવ્યા સિવાય તે સ્વતંત્ર થઇ શકતો નથી. ઇસ્લામ વ્યક્તિને સંપૂર્ણ સ્વતંત્રતા પ્રદાન કરે છે, ઇસ્લામી તાલીમ મુજબ આ દુનિયા એક પરીક્ષા ખંડ છે અને પરીક્ષા લખવાની સ્વતંત્રતા વગર શક્ય નથી. આ સ્વતંત્રતાનો લાભ તે જ ઉઠાવી શકે છે જેને સાચા જવાબ આવડતા હોય અને જીવનના સાચા જવાબ આપણા સર્જનહાર તરફથી મળી રહે છે. જેમ એક બાળક તેના પિતાની આંગળી પકડીને સુરક્ષિત ચાલી શકે છે, તેમ અલ્લાહના ફરમાનને વિશ્વાસથી પકડવો જ રહ્યો. કુર્આન પ્રકાશ પાડતાં કહે છે, “જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારાં કર્મ કરનાર છે..” (સૂરઃ મુલ્ક-૨)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments