આ પૃથ્વી પર વસતા તમામ જીવોનું અવિભાજ્ય અંગ છું. એક એવું અંગ, કે જે આ ધરતી ઉપર વસવાટ કરતાં તમામ સજીવો માટે ખૂબ જ મહત્વનું છે. મારી રચના ગોળાકાર છે. મારી અંદર એક પડદો આવેલો છે જેની ઉપર કોઈપણ પ્રતિબિંબ પરાવર્તિત થઈ અને દ્રશ્ય જોવામાં મદદ કરે છે.

આમ તો હર હંમેશ હું મારું કામ ચૂપચાપ કરી રહી છું. પરંતુ આજે મને મનુષ્ય વિશે થોડીક વાત કરવી છે..

માનવીના જન્મની સાથે જ હું મારી પાપણો ખોલું છું અને તેણે આ અત્યંત સુંદર દુનિયા બતાવું છું. મારી મદદ વડે તમે લોકો તમારા માંબાપ તથા સગા સંબંધીઓને જોઈ શકો છો. આ પૃથ્વી ઉપર થયેલા વિશાળ સર્જનો હું તમને બતાવું છું. પણ હા, અહીં એક સ્પષ્ટતા કરી દઉં કે હું કોઈપણ સંજોગોમાં સ્વતંત્ર નથી. મારી ઉપર પરમ કૃપાળુ પરવરદિગાર નો કાબુ છે. તમને એક વાત ન ભૂલવી જોઈએ કે, હું તમને એ જ બતાવું છું કે જે મને બતાવવા માટે કહેવામાં આવે છે. આજે મને ખૂબ દુઃખ થાય છે જ્યારે તમે મારા વડે ન જોવાનું જુઓ છો. મનુષ્ય વડે અસંખ્યવાર મારું અસ્તિત્વ ખંડિત થતું રહે છે અને હું કઈ નથી કરી શકતી. જો હું તમારી પાસે છું તો તમારા માટે આ અત્યંત આનંદની વાત છે. કારણ કે આ દુનિયામાં એવા કેટલાય લોકો છે કે જેની પાસે હું નથી. તમે વિચારી તો જુઓ !!! કદાચ કાલ સવારે તમે ઉઠો અને હું મારી પાપણ જ ન ખોલી શકું તો ? શું થશે ? જે સ્નેહીજનો ને તમે રોજ સવારે ઉઠી અને જોવા માટે ટેવાયેલા છો, જો કદાચ કાલ સવારે તમે એમને નઈ જોઈ શકો તો ? હું કોઈ કાળે નથી ઈચ્છતી કે તમારી સાથે આવું બને. પરંતુ હું તમને એવા લોકો ની વેદના નો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરી રહી છું કે જેઓની પાસે હું નથી.

તમારી આસપાસ પણ એવા લોકો તો હશે જ કે જેઓની પાસે હું નથી. તમે ક્યારેક તેમના જીવન ઉપર ધ્યાન કેન્દ્રિત તો કરજો!!!!!. તમને ચોક્કસથી અનુભવ થશે કે એ લોકો નું જીવન કેટલુ કઠણ છે મારા વગર. મારે ફક્ત એટલું જ કહેવું છે, કે જો હું તમારી પાસે છું તો કૃપા કરી મારી કદર કરો. મહેરબાની કરી એવું કાંઈ ના જોવો કે જેથી મારી અસ્મિતા ઉપર આંચ આવે. દુનિયાના તમામ ક્ષેત્રોમાં કુદરતે તમારા માટે અત્યંત શ્રેષ્ઠ સર્જનો કર્યા છે. એણે નિહાળો અને મારો સદુપયોગ કરો. મારી એક વાત ચોક્કસ થી યાદ રાખજો, કે હિસાબ ના દિવસે હું કુદરત સામે એ બધા જ કામો કહી દઈશ કે જે તમે મારી મદદ વડે આ દુનિયામાં કર્યા હતા. પછી ચાહે એ કામો સારા હોય કે ખરાબ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here