ડૉ. અબરાર મુલ્તાની ✍
મુકેશ અંબાણીએ એક વખતે કહ્યું હતું કે તેમના પિતા ધીરૂભાઈ અંબાણી હંમેશાં એમ ઇચ્છતા કે તેમના બાળકો નવા અનુભવો, નવી પ્રવૃત્તિઓ અને નવા વિચારો શીખે. મને યાદ છે કે મારા પિતા ક્યારેય પણ અમારી સ્કૂલમાં નથી આવ્યા, એક વખત પણ નહીં. જાે કે તેઓ અમારા સર્વાંગી વિકાસમાં ખૂબ રસ લેતા હતા. જરા વિચારો, સાઈઠના દશકમાં તેમણે પેપરમાં એક જાહેરાત આપી હતી, જેનું મુખ્ય કાર્ય હતું બિન શૈક્ષણિક શિક્ષણ પ્રદાન કરવું તેઓ બાળકોને જનરલ નોલેજ આપવા માગતા હતા.
તેમણે અનેક લોકોનો ઇન્ટરવ્યુ લીધો અને તેમનામાંથી મહેન્દ્રભાઈ વ્યાસને પસંદ કર્યા, જેઓ ન્યુ એરા સ્કૂલમાં ભણાવતા હતા. મહેન્દ્રભાઈ દરરોજ સાંજે તેમના ઘરે આવતા અને અર્ધો કલાક રોકાતા. તેમણે બાળકોના સામાન્ય જ્ઞાન પર ધ્યાન આપવાનું હતું. તેઓ હોકી, ફુટબોલ અને ભિન્ન પ્રકારની રમતો રમતા. બસો અને રેલ્વેમાં ફરીને મુંબઈના વિભિન્ન ભાગોને જાેતા તેઓ દર વર્ષે ૧૦-૧૫ દિવસ કોઈ ગામડામાં જઈને કેમ્પ કરતા.
દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઉપરોક્ત સંસ્મરણો આપણી શિક્ષણ પ્રણાલીની પોલ ખોલી દે છે. આપણી સ્કૂલો વાસ્તવમાં ભવિષ્યના કર્મચારીઓ બનાવી રહી છે. આ વાત ધીરૂભાઈ અંબાણી સારી રીતે જાણતા હતા. એટલા માટે તેમણે બાળકોના શિક્ષણ માટે સ્કૂલો પર વધારે વિશ્વાસ ન કર્યો અને પોતાના બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગથી શિક્ષકની નિયુક્તિ કરી અને તેમના દીકરાઓએ આર્થિક સિદ્ધિ પ્રાપ્ત કરી.
એક વાત આ પણ સ્પષ્ટ છે કે લીડર પોતાના બાળકોને અલગ દૃષ્ટિથી શિક્ષણ આપે છે અને સામાન્ય વ્યક્તિ બધું સ્કૂલો પર છોડી દે છે. તો ખુશ હોય છે કે તેમનું બાળક સ્વચ્છ યુનિફોર્મ પહેરે છે, સમયસર સ્કૂલ જાય છે અને આવતામાં જ પોતાનું હોમવર્ક કરી લે છે અને હંમેશાં પોતાના શિક્ષકોને ખુશ રાખે છે… થોભો જરા… થોડું વિચારો… શું આ જ ગુણ એક સારા કર્મચારીના પણ નથી? હા, એક સારા કર્મચારી કે અનુશાસિત, સમયનો પાબંદ અને બોસને ખુશ રાખનારો હોવો જાેઈએ. એટલે એમ કહેવું ખોટું નહીં જ હોય કે આપણી સ્કૂલોનો મોટો દોષ એ છે કે તે આપણા બાળકોને ભવિષ્યના કર્મચારી બનાવવા માગે છે.
મારી છ વર્ષની દીકરીને સાયકલ ચલાવતાં શીખવું હતું. તેણે મારાથી પૂછ્યું કે પપ્પા શું સાયકલ ચલાવવાનું અમને સ્કૂલમાં શીખવશે? કેમકે આ તો આવશ્યક છે. આનાથી હું ગમે તે જગ્યાએ તરત જ જઈ શકું અને થોડી મોટી થઈ જાઉં તો સ્કૂટી ચલાવતાં પણ શીખી જઉં… મેં કહ્યું, બેટા! આ ખરેખર જરૂરત છે, આ તો સ્કૂલોને શીખવવું જ જાેઈએ. મારી પત્નીએ મારી વાત કાપી નાંખતા કહ્યું કે, રહેવા દો હવે! સ્કૂલ સાયકલ શીખવવામાં એક મહિના સુધી તો સાયકલની થીયરી સમજાવશે, પાર્ટ્સના નામ અને તેનું ફિજિક્સ બતાવશે, નિયમ પણ બતાવશે અને આમ ૫ કલાકમાં શીખી શકાય એવી સાયકલનો ૫૦ દિવસનો કોર્સ બનાવી દેશે. વાત તો સાચી છે…
આપણી સ્કૂલો જીવનના વ્યવહારિક જ્ઞાન નથી શીખવતી. તેઓ નથી બતાવતા કે જીવનના નાના-નાના અને મહત્ત્વપૂર્ણ કાર્ય કેવી રીતે કરી શકાય. તેઓ વ્યવહારિક જ્ઞાનને પણ કંટાળાજનક અને અટપટી રીતે ભણાવે છે જેથી આપણી સ્કૂલોનો બીજાે દોષ એ છે કે તે વ્યવહારિક જ્ઞાન નથી ભણાવતા.
આપણા બાળકોને શરૂઆતમાં શિક્ષક સારા હેન્ડ રાઇટીંગ માટે દબાણ કરે છે. અને તેમાં બાળકોના શરૂઆતના મહત્ત્વના વર્ષો ખરાબ થાય છે, જ્યારે કે આજના સમયમાં તમારા હેન્ડ રાઇટીંંગથી તમારા કેરિયર પર કોઈ ખાસ પ્રભાવ પડતો નથી. પેન-પેપર લગભગ ખતમ થતા જઈ રહ્યા છે. મોબાઇલ, લેપટોપ, કોમ્પ્યુટર પર તો બધાના અક્ષર સરખા જ હોય છે ને! જ્યારે તમે મારો આ લેખ વાંચી રહ્યા છો તો શું તમને મારા વાસ્તવિક રાઇટીંગ થોડા દેખાય છે? જે વાસ્તવમાં ઘણાં જ ખરાબ છે. પણ મારા કેરિયરમાં આ ક્યારેય બાધારૂપ નથી બન્યા. તો આ ઉદાહરણથી મારૂં બતાવવાનું લક્ષ્ય એ છે કે આપણી સ્કૂલ કે શિક્ષણ પદ્ધતિ ભવિષ્યના અવસરો કે માપદંડોના આંકલનમાં નિષ્ફળ દેખાઈ રહી છે. આપણી સ્કૂલોનો આ ત્રીજાે દોષ છે.
થોમસ આલ્વા એડિસન પ્રાઇમરી સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક દિવસ સ્કૂલથી ઘરે આવ્યા અને માને એક કાગળ આપીને કહ્યું, ટીચરે આ આપ્યો છે. તે કાગળ વાંચીને માની આંખોમાં આંસુ આવી ગયા. એડિસને પૂછ્યું, મા.. શું લખ્યું છે? આસું લૂંછીને માએ કહ્યું, આમાં લખ્યું છે … “તમારૂં બાળક હોશિયાર છે. અમારી શાળા નાના સ્તરની છે અને શિક્ષક પણ ખૂબ પ્રશિક્ષિત નથી. તેને આપ પોતે ભણાવો.”
અમુક વર્ષો પછી માં ગુજરી ગઈ ત્યાં સુધી એડિસન પ્રસિદ્ધ વૈજ્ઞાનિક બની ચૂક્યા હતા.
એક દિવસ એડિસને કબાટના એક ખૂણામાં કાગળનો એક ટુકડો મળ્યો તેમણે ઉત્સુકતાથી તેને ખોલીને વાંચ્યો. આ તે જ કાગળ હતો, જે ટીચરે આપ્યો હતો જેમાં લખ્યું હતું, “તમારૂં બાળક બૌદ્ધિક રીતે કમજાેર છે, તેને સ્કૂલ ન મોકલતા.”
એડિસન કલાકો સુધી રડતા રહ્યા.. પછી પોતાની ડાયરીમાં લખ્યું, એક મહાન માએ બૌદ્ધિક સ્તરે કમજાેર બાળકને સદીનો મહાન વૈજ્ઞાનિક બનાવી દીધો.
થોમસ આલ્વા એડિસનનું આ ઉદાહરણ બતાવે છે કે આપણી સ્કૂલો આપણા બાળકોની મોટાભાગની લાયકાત અને પ્રતિભાને ઓળખી નથી શકતી અને જ્યારે ઓળખશે જ નહીં તો તેનામાં અભિવૃદ્ધિ કેવી રીતે થશે જેથી ચોથો દોષ આપણી સ્કૂલોનો એ છે કે બાળકની છૂપાયેલી શક્તિઓ ઓળખી નથી શકતી.
આપણી સ્કૂલો આપણા બાળકોને પારિવારિક સંબંધો જાળવવાનું તદ્દન નથી શીખવતી. વધારેમાં વધારે મા-બાપનું સન્માન કરવાનું કહીને પોતાની જવાબદારી પૂરી કરી દીધી સમજે છે. આપણા જીવનમાં આપણા પરિવારથી સંબંધો ખુશહાલ જીવન માટે મહત્ત્વપૂર્ણ છે. પારિવારિક સમસ્યાઓ બાબતે કોઈ ચર્ચા કે જ્ઞાન અપાતું જ નથી. સામાજિક જીવન વિષે બાળકોને સ્કૂલમાંથી કંઈ જ મળતું નથી. કદાચ એટલે જ તલાક, ઘરેલુ ઝઘડાઓ અને અન્ય સમસ્યાઓ વકરતી જાય છે. અને જીવન દુષ્કર બનતું જાય છે. પરંતુ સ્કૂલ અને શિક્ષણ પ્રણાલી આનાથી તદ્દન વંચિત છે. પારિવારિક સંબંધોનું મહત્ત્વ શીખવ્યા વગર આપણી સમગ્ર શિક્ષણ વ્યર્થ છે આ સ્કૂલોનો પાંચમો દોષ છે.
સ્કૂલ નિષ્ફળતા અને સમસ્યાઓ સામે ઝઝૂમવાનું શીખવતી નથી. જ્યારે આપણા બાળકો જીવનમાં નિષ્ફળ થાય છે તો ભાંગી પડે છે. કેમ કે તેમને તેમાંથી નીકળવાના ઉપાયોની ખબર જ નથી હોતી. તેમનું કોમળ હૃદય આનાથી તૂટી જાય છે અને આ જ કારણ છે કે આજના સમયમાં આત્મહત્યાનું ચલણ વધતુ જાય છે, જે સમાજ માટે ગંભીર સમસ્યા બનતી જાય છે. તો છઠ્ઠો દોષ એ છે કે સ્કૂલો બાળકોને જીવનની નિષ્ફળતાનો સામનો કરવાનું શીખવતી નથી.
ઉપરોક્ત પ્રમુખ છ સમસ્યાઓ મેં તમારી સામે મૂકી છે. તો ઉપાય શું? આ સમસ્યાઓના સમાધાન માટે તમે હજુ પણ સ્કૂલોથી આશા રાખો તો કદાચ તમે પણ તે જ ભોળા લોકોમાંથી હશો જેમણે પોતાના બાળકનું ભવિષ્ય સ્કૂલના ભરોસે છોડી દીધું છે. તમે પોતાના બાળકોનું આ છ સમસ્યા બાબતે લડવાની શક્તિ જાેવા માગતા હોવ તો આ બાબતના નિષ્ણાતોની મદદ લેવી પડશે અથવા પોતે પોલીસી મેકર બનીને શરૂઆત કરવી પડશે. શરૂઆત પોતાનાથી કરીએ… આપણા માસૂમ દીકરા-દીકરીને કહીએં કે બેટા, તારે કર્મચારી નહીં લીડર બનવાનું છે. બીજાઓ માટે આદર્શ બનવાનું છે જાે તમે પોતાના બાળકથી આવું કહી શક્યા તો સમજાે તેના સર્વાંગી વિકાસનો રસ્તો ખૂલી જશે.
સાભારઃ કાન્તિ માસિક હિન્દી
(લેખકના વિચારોથી સંગઠન અથવા સંપાદકમંડળનું સહમત હોવું જરૂરી નથી..)