નવી દિલ્હી,
જમાઅતે ઈસ્લામી હિંદ (JIH)ના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ મહિલાઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર વધારીને 21 કરવાના સરકારના પગલા પર ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં એક નવા બિલની રજૂઆતને મંજૂરી આપી છે, જે મહિલાઓના લગ્નની કાયદેસરની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવા માટે બાળ ‘લગ્ન પ્રતિબંધ અધિનિયમ, 2006 (PCMA)’ માં સુધારો કરશે.
એક મીડિયા નિવેદનમાં, JIH પ્રમુખે આજે કહ્યું: “અમને નથી લાગતું કે ભારતમાં મહિલાઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર વધારીને 21 કરવી એ યોગ્ય પગલું છે. હાલમાં, વૈશ્વિક સર્વસંમતિ છે કે મહિલાઓ માટે લગ્નની કાયદેસર ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. ઘણા વિકસિત દેશો સહિત મહત્તમ દેશોમાં તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. સરકારને લાગે છે કે 21 વર્ષની ઉંમર વધારવાથી માતૃત્વની ઉંમર વધશે, પ્રજનન દર ઓછો થશે અને માતાઓ અને નવજાત શિશુના સ્વાસ્થ્યમાં સુધારો થશે. જો કે, ડેટા આ અભિગમને સમર્થન આપતા નથી. આપણા દેશમાં માતાઓ અને નાના શિશુઓના નબળા સ્વાસ્થ્ય સૂચકાંકનું કારણ ગરીબી અને કુપોષણ છે. જો ગરીબી અને આરોગ્યસંભાળની નબળી પહોંચ હાલના ઉપલા સ્તરો પર જ રહેશે તો વય મર્યાદા વધારવાથી આ આરોગ્ય સૂચકાંકો પર કોઈ અસર થશે નહીં. વહેલા લગ્નના ઊંચા દર ધરાવતા રાજ્યોમાં પણ પ્રજનન દર ઘટી રહ્યો છે. તેથી એમ માની લેવું કે મહિલાઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર વધારીને 21 કરવી એ ઘણી બધી સ્ત્રીઓમાં સુધારાનું પ્રેરકબળ બની રહશે, તે પ્રયોગમૂલક ડેટા દ્વારા સમર્થિત નથી. ઉપરાંત, આ પગલું કુદરતના નિયમ વિરુદ્ધ છે. તે મનોવૈજ્ઞાનિક, તબીબી, સામાજિક અને માનવ અધિકારના મુદ્દાઓનું હનન કરશે. સર્વેક્ષણો પરથી સ્પષ્ટ થાય છે કે 30 વર્ષની ઉંમર પછી પહેલીવાર માતા બનેલી કેટલીક મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વય મર્યાદામાં વધારો લાંબા ગાળે આપણા દેશની વસ્તીના સ્વભાવ પર પણ અસર કરશે, જેમાં હવે યુવાનોની સંખ્યા વધુ છે. ચોક્કસપણે, યુવા વસ્તી એ દેશ માટે સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. એકવાર દરખાસ્ત કાયદો બની જાય તે પછી, તે આદિવાસી સમુદાયો પર નકારાત્મક અસર કરશે અને કાયદા અમલીકરણ તંત્રના હાથે તેઓ વધુ હેરાનગતિનો ભોગ બનશે.”
એસ.એસ.હુસૈનીએ કહ્યું કે સરકારે ઉતાવળમાં કાયદો પસાર ન કરવો જોઈએ, પરંતુ સમુદાયના નેતાઓ અને સંબંધિત ક્ષેત્રોના વિષય નિષ્ણાતો સાથે સંવાદ શરૂ કરીને આ મુદ્દા પર સર્વસંમતિ વિકસાવવી જોઈએ.