પાછલા અમુક દશકોમાં માનવીએ જે પ્રગતિ કરી છે, એટલી પ્રગતિ પાછલી ઘણી સદીઓમાં પણ નથી થઈ. ભૌતિક સુખ સુવિધાઓથી સુસજ્જ જીવનસંચારના એવા સાધનો કે મનુષ્ય ઘર બેસી સમગ્ર દુનિયાનો પ્રવાસ કરી લે. ઘણા દિવસોમાં પૂરો થનારો પ્રવાસ થોડા કલાકોમાં જ પૂરો કરી લે. આ સુવિધાઓએ મનુષ્યના જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. માણસની આ પ્રગતિથી જ્યાં ઘણા બધા લાભ થયા ત્યાં એ દુર્ઘટના પણ થઈ કે માનવી સ્વયંને “સર્વશક્તિમાન” સમજવા લાગ્યો. તે એ ભૂલી ગયો કે તેના ઉપર કોઈ શક્તિ છે, જે આ સમગ્ર બ્રહ્માંડને નિયંત્રિત કરી રહી છે. તે ભૌતિકવાદના નશામાં લાલચુ અને સ્વાર્થી પણ થતો ગયો.
વૈશ્વિકરણે દેશોને તો દેશો સાથે જાેડી દીધા પરંતુ માનવી માનવીથી દૂર થતો ગયો. માનવ સંવેદના લકવાગ્રસ્ત થતી ગઈ. પરંતુ માત્ર ભૂલી જવું જ માનવ પ્રકૃતિનો ભાગ નથી બલ્કે માનવની વિશેષતા એ પણ છે કે તે અમુક ઘટના અને દુર્ઘટનાને જાેઈને ભૂલી ગયેલો પાઠ ફરીથી યાદ કરવા લાગે છે. તેને પોતાની અશક્તિનો એહસાસ થવા લાગે છે.
ગત વીસ વર્ષથી સમગ્ર વિશ્વ માટે સખત કસોટીનો જે તબક્કો શરૂ થયો છે, તે હજુ ચાલુ છે. આ સમગ્ર માનવજાતની સંવેદનશીલતાની કસોટીનો સમય છે. આ મનુષ્યની કલ્પનાના પણ ઉપરવટ હતું કે પવનની ગતિથી દોડતી જિંદગી આ રીતે રોકાઈ જશે અને બીજા ગ્રહો પર જીવન શોધવા પ્રયત્ન કરતો માનવી ખુદ પોતાની પૃથ્વી પર આટલી હદે અસહ્ય બની જશે.
કોવિડ ૧૯ના ટકોરા જાેતજાેતામાં એક વિનાશક મહામારીનું રૂપ ધારણ કરી લેશે, અને ઘણા બધા દેશો સંપૂર્ણ લોકડાઉનની ચપેટમાં આવી ગયા. હવે માનવજાત સામે કોરોના રોગચાળાના સાથે તાળાબંધીમાં જીવનનિર્વાહનો પડકાર પણ હતો. ભારતમાં માર્ચ ૨૦૨૦ના અંતિમ સપ્તાહમાં દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરી દેવામાં આવી. અચાનક થયેલી આ તાળાબંધીએ દેશને એક વધુ મુશ્કેલ મહામારી તરફ ધકેલી દીધો. અને આવનારો પ્રત્યેક દિવસ નિત-નવી સમસ્યાઓ લઈને આવતો રહ્યો. સમગ્ર દેશમાંથી ભયાનક અને લાગણીઓને ઉશ્કેરી મૂકતી તસ્વીરો આવતી રહી અને આ ચિત્રોએ દેશની આંતરિક સ્થિતિની પોલ ખોલીને મૂકી દીધી.
બીજી તરફ સતત તાળાબંધીએ ભયાનક પ્રકારની બેરોજગારી ઊભી કરી દીધી. માણસ નિરુપાય બની ગયો. કરોડો લોકો સામે શું ખાવું અને ક્યાંથી કમાવવું – ના પ્રશ્નો ઊભા થઈ ગયા. ગરીબોની બેહાલીની તો ચર્ચા જ શું કરીએ – મધ્યમવર્ગ ગરીબ બની ગયો. બાળકોનું શિક્ષણ તદ્દન ખોરવાઈ ગયું. આર્થિક અને શૈક્ષણિક રીતે દેશ એક દશક પાછળ ફેંકાઈ ગયો.
લોકડાઉન દરમ્યાન આપણને એહસાસ થયો કે આપણે કેટલા અંશે સામાજિક, વ્યવસ્થિત અને જાગૃત છીએ. શાસન અને પ્રશાસનના મોટા મોટા દાવાઓ અને વિકાસની વાર્તામાં કેટલો દમ છે! એપ્રીલ ૨૦૨૧માં જ્યારે કોવિડની બીજી લહેર આવી તો એ કોઈ કયામતથી ઓછી ન હતી. આપણે જાેયું કે કેવી રીતે સમગ્ર દેશ આ મહામારી સામે અસહ્ય થઈ ગયો છે. આટલો મોટો વિશાળ દેશ જે હવે વિશ્વગુરુ બનવાના સ્વપ્ન જુએ છે, કેટલી હદે માનવ જીવન બનાવવાના નાના મોટા સાધનો સુદ્ધાંથી વિમુખ થઈ ગયો. માણસે પોતાના ચારેકોર મોતનું એવું તાંડવ જાેયું કે કમકમાટી આવી ગઈ. દર બીજા કે ત્રીજા ઘરમાં માતમના પડછાયા ફરી વળ્યા. માણસ માણસથી દૂર એટલી હદે થઈ ગયો કે બાપ દીકરાથી અને દીકરીમાંથી દૂર થઈ ગઈ. ઘણી જગ્યાએ તો પોતાના જ ઘરની લાશ લેવા લોકો તૈયાર ન થયા. સ્મશાનો અને નદી તટ પર લાશો રઝળતી જાેવા મળી.
દુર્ઘટનાઓ જ્યાં એક તરફ તબાહી મચાવે છે ત્યાં બીજી તરફ માનવીના વિવેકને પણ ઝંઝોડે છે. માનવ સમાજ તરફ તેના ઉત્તરદાયિત્વનો એહસાસ કરાવે છે. સર્વશક્તિમાન અલ્લાહ-ઈશ્વર તરફ તેના દિલને ઝુખાવવાનું માધ્યમ બને છે. તે અલ્લાહ આ પોકારને સાંભળે છે કે, “શું લોકો માટે હજુ તે સમય આવ્યો નથી કે તેમના હૃદય અલ્લાહના સ્મરણથી પીગળે અને તેઓ ઈશ્વર સમક્ષ ઝુકી જાય.” એટલે આપણે એ દૃશ્યો પણ જાેયા કે પોતાના લોકો દ્વારા ઠુકરાવેલા લોકોને બીજાઓએ સહારો આપ્યો. માનવતાની સેવા કરનારા લોકોની સંખ્યા પણ આ રોગચાળા દરમ્યાન ખૂબ ખૂબ ઝડપથી વધી ગઈ. લોકો ધર્મના ભેદભાવ ભૂલીને એકબીજાના મદદગાર બની ગયા. દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે, દવાઓની વ્યવસ્થા માટે, લોકોના ઘર સુધી ઓક્સિજનના બાટલા પહોંચાડવા માટે, બેરોજગાર બની ગયેલા અસંખ્ય લોકોના ઘરે જઈને રાશન કિટ વિતરણ માટે અનેક સામાજિક સંગઠનો, અને લોકો કોઈપણ ડર રાખ્યા વગર આગળ વધ્યા. દ્વેષ અને નફરતો વિદાય થતી અપશ્ચાતાપના આંસુ વહેતા પણ જાેવા મળ્યા.
આ ભયજનક મહામારીએ જે સ્થિતિ ઊભી કરી દીધી તેણે માનવીને વિચારતો કરી દીધો. એટલે આનો તકાદો એ જ છે કે આપણે આપણા પાલનહાર પોકાર સાંભળીએ… આપણે આપણા સર્જનહાર તરફ પાછા વળવું જ જાેઈએ કે જેથી આપણા હૃદય કોમળ અને નરમ બને, આ તબાહી સાથે ઝઝૂમવાનું, તેનાથી જે નુકસાન થયા છે તેને ભરપાઈ કરવાનું, અને ફરીથી હિંમતપૂર્વક ઊભા થઈ જવાનું બળ મળે… સમાજના વિખરાઈ ગયેલા તાણાવાણાને ફરીથી જાેડી શકીએ. સંબંધોને ફરીથી સજીવન કરી દઈએ.. અને માનવતાના ફૂલ ફરીથી મોહરી ઊઠે.
અંતિમ ઈશગ્રંથ પવિત્ર કુઆર્નમાં આ વાત કહેવામાં આવી છે કે જાે મનુષ્ય ખુદાને યાદ રાખે છે તો ખુદા પણ તેને યાદ રાખે છે. તે પોતાના બંદાઓની કદર કરે છે… એટલે એ આ સમય… ખુદાને યાદ કરવાનો અને તેની તરફ પાછા વળવાનો છે.