આપણા દેશ ભારતમાં, જ્યારે રાજકારણને ગુનાહિત પ્રવૃત્તિ થી ભરી દેવાયું છે ત્યારે, ખાસ કરીને ચુંટણીના સમયે, માનવીની પ્રકૃતિમાં રહેલ બધી જ ખરાબીઓ બહાર આવતી જોવાય છે. સત્તાધારી લોકો ભ્રષ્ટ આચરણ થકી, કોમવાદી અપપ્રચાર ના સહારે, સામાન્ય માનવીના મન મસ્તિષ્ક ને ઝેરથી ભરી દે છે. વિરોધ પક્ષો પણ તેમનું અનુકરણ જ કરે છે.અને તેનું છેલ્લું પરિણામ આમ આદમીના મન મસ્તિષ્કને ઝેરથી લથપથ કરવામાંજ આવેછે. આવી રહેલ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોણ જીતશે તે મહત્વનું નથી. સવાલ ખરેખર જે નિમ્ન સ્તરે વિચાર વિમર્શ અને ચર્ચાઓ દિશા પકડી રહીછે અને સામાજિક માળખું છિન્નભિન્ન થઈ રહ્યું છે, તેનો છે.ફાસીવાદી તત્વોના મુખ્ય નિશાના પર મુસ્લિમ,ખ્રિસ્તી, દલિત અને હિન્દુ બિરાદરીનો નબળો વર્ગ છે.
મૌખિક અને શારીરિક હુમલાઓના સીધા ટાર્ગેટ જ્યારે મુસ્લિમો છે ત્યારે તેઓએ વિશાળ હૃદયતા અને બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરવું પડશે. તેઓએ અલ્લાહના એ ઉપદેશને અનુસરવું પડશે, જે કહે છે કે ” અને તે માણસની વાત કરતાં વધુ સારી વાત બીજા કોની હશે જેણે અલ્લાહ તરફ આમંત્રણ આપ્યું અને સદ્કાર્યો કર્યા અને કહ્યું કે હું મુસ્લિમ (અલ્લાહનો આજ્ઞાંકિત) છું.અને હે પયગંબર ! ભલાઈ અને બૂરાઈ સમાન નથી. તમે બૂરાઈને તે ભલાઈથી દૂર કરો જે સર્વોત્તમ હોય. તમે જોશો કે તમારા સાથે જેની શત્રુતા હતી, તે આત્મીય મિત્ર બની ગયો છે. આ ગુણ પ્રાપ્ત થતો નથી, સિવાય તે લોકોને જેઓ ધૈર્યથી કામ લે છે અને આ દરજ્જો પ્રાપ્ત થતો નથી સિવાય તે લોકોને જેઓ ખૂબ ભાગ્યશાળી છે અને જો તમે શેતાન તરફથી કોઈ ઉશ્કેરણી અનુભવો તો અલ્લાહનું શરણ માગી લો, તે બધું જ સાંભળે અને જાણે છે.” (કુરાન -41:33-36)
મુસ્લિમોએ અને વળી આપણા હિંદુ ભાઈઓએ પણ પયગંબર સ.અ.વ.સાહેબના મુખેથી નિકળેલી એ દુઆ- પ્રાર્થનાને સામે રાખવી પડશે, જ્યારે તેઓને તાઈફ વિસ્તારના( મક્કાની પાસે આવેલ એક શહેર) નેતાઓએ અપમાનિત કરી ધુત્કારી કાઢ્યા હતા. “હે અલ્લાહ હું તારાથી ફરિયાદ કરું છું મારી નબળાઈની, મારી અસહાયતાની અને મને નીચાજોણું કરાવવામાં આવી રહ્યું છે તેની. હે સહિષ્ણુ અને કૃપાળુ!! તું નબળા નો સ્વામી છે અને મારો પણ સ્વામી છે. તું મને કોના હવાલે કરે છે? એવા દૂરની વ્યક્તિ સાથે જે મારાથી દુશ્મનાવટ રાખે છે કે પછી એ દુશ્મનના, કે જે મારા ઉપર વર્ચસ્વ ધરાવે છે?જ્યાં સુધી તું મારાથી નારાજ નથી હું આ પરિસ્થિતિથી બિલકુલજ ચિંતિત નથી. છતાં પણ જો તારી કૃપા હશે તો મને બહુ જ ખુશી થશે. હું તારા દેદીપ્યમાન ચહેરાના પ્રકાશમાં શરણ શોધુછું,જેનાથી સર્વ અંધકાર છંટાઈ જાય છે અને બંન્ને જિંદગી, આલોક અને પરલોકની સાચા માર્ગ ઉપર મુકાઈ જાય છે, તેની સામે કે હું તારો પ્રકોપ કે ક્રોધ વહોરી લઉં. હું મારી જાતને તનેજ સમર્પિત કરુંછું, જ્યાં સુધી હું તારી પ્રસસન્નતા પ્રાપ્ત ન કરી લઉં. તારી સહાય વગર સૌ કોઈ અશક્તિમાન છે.” આ પ્રાર્થના આપણને ઈશ્વરના એક સાચા આસ્તિક તરીકે, હંમેશા દેશબાંધવો ના શુભેચ્છક બનાવી, આપણી જવાબદારી પ્રત્યે સતર્ક રાખેછે.ભલેને તેમાંના કેટલાક આપણી સાથે ઘણાં નિષ્ઠુર અને આકરાં હોય તો પણ !
આજે નહીં તો કાલે, આપણા દેશબાંધવો આપણી આ સાચી લાગણીને સમજશે અને સ્વીકારશે પણ, ઇન્શા અલ્લાહ !! આપણે આપણા હિંદુભાઈઓની ઘણી મોટી બહુમતીના સથવારે, આપણા તથા આપણી નવી પેઢી સારૂ,વધુ સુંદર ભારત બનાવશું. તો હે અમારા અલ્લાહ ! અમને અમારા દેશ ના ઉત્થાન સારુ સુચારૂ વલણની શક્તિ અને ડહાપણ આપ. આ અમારું ભારત અને આ સર્વ જગત તારા ચરણોમાં છે. અમારી ઉપર તમારી કૃપા વરસાવો અને અમોને ઉદ્દાત ભાવના તથા ડહાપણના આશીર્વાદ આપો.