શિક્ષણ માટે જીડીપીના માત્ર ૦.4 ટકા અને આરોગ્ય માટે ૦.3 ટકા ખર્ચ
શિક્ષણ: જીડીપીના માત્ર ૦.4 ટકા ખર્ચ
બજેટમાં શિક્ષણ માટેનું ખર્ચ આગામી વર્ષ એટલે કે 2022-23 માટે રૂ. 1.04 લાખ કરોડનું અંદાજવામાં આવ્યું છે. તે કુલ રૂ. 39.45 લાખ કરોડના બજેટના માત્ર 2.63 ટકા થાય છે. ચાલુ વર્ષે સુધારેલા અંદાજ મુજબ બજેટ રૂ. 37.70 લાખ કરોડનું થયું છે અને તેમાં શિક્ષણ માટેનો ખર્ચ સુધારેલા અંદાજ મુજબ રૂ. 88 હજાર કરોડનો થયો છે. રસપ્રદ બાબત એ છે કે ચાલુ વર્ષ માટે શિક્ષણનો ખર્ચ રૂ. 93 હાજર કરોડનો અંદાજવામાં આવ્યો હતો અને તેમાં ખર્ચમાં પાંચ હજાર કરોડનો ઘટાડો થયો. હવે જે વધારો થયો તે રૂ. રૂ. 16,000 કરોડનો થયો છે. પણ શંકા જાય છે કે આટલો વધારો ખરેખર થશે કે કેમ. તેનું કારણ એ છે કે 2020-21માં રૂ. 99 હજાર કરોડનું ખર્ચ અંદાજવામાં આવ્યું હતું અને ખરેખર ખર્ચ રૂ. 84 હજાર કરોડનું જ થયું છે.
સરકારે 2020માં જે નવી શિક્ષણ નીતિ જાહેર કરી હતી તેમાં જીડીપીના છ ટકા જેટલું ખર્ચ કરવાનું લક્ષ્ય જાહેર કર્યું છે. તે પછી એક બજેટ 2021-22નું આવી ગયું હતું પણ તેમાં એવી કોઈ પ્રતિબદ્ધતા દેખાતી નહોતી. એ જ બેદરકારીનું પુનરાવર્તન આ બજેટમાં પણ થયું છે. જો આવતે વર્ષે જીડીપી આઠ ટકા કરતાં પણ વધારે દરે વધવાની હોય તો તે આશરે 250 લાખ કરોડ રૂ. જેટલી થશે. અને તેમાંથી માત્ર 1.04 લાખ કરોડ રૂ. જ શિક્ષણ પાછળ ખર્ચાય તો તે જીડીપીના માત્ર ૦.4 ટકા જ થાય! એનો અર્થ એ છે કે નીતિ મુજબ બજેટમાં ફળવાની થતી નથી તો પછી શિક્ષણ નીતિમાં ખર્ચ કેટલું થશે એ કહેવાનો કશો અર્થ ખરો? નવી શિક્ષણ નીતિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કેટલું ખર્ચ કરશે તેવો ફોડ પાડવામાં આવ્યો જ નથી. પણ જો કેન્દ્ર સરકાર જીડીપીના બે ટકા જેટલું ખર્ચ કરે તો પણ તે રાજ્ય સરકારોને તેમની જીડીપીના ચાર ટકા જેટલું ખર્ચ કરવાની ફરજ પાડી શકે. પણ આ બજેટમાં તેમ થયું જ નથી.
જે રૂ. 1.04 લાખ કરોડનું ખર્ચ અંદાજવામાં આવ્યું છે તેમાં શાળેય શિક્ષણ અને સાક્ષરતા માટે રૂ. 63,449 કરોડ ખર્ચવામાં આવશે અને ઉચ્ચ શિક્ષણ માટે રૂ. 40,810 કરોડ ખર્ચવામાં આવશે. કોરોના મહામારીના સંજોગોમાં શાળા અધવચ્ચે છોડી જવાનો દર જે પ્રમાણમાં વધ્યો છે તે જોતાં આ ખર્ચ સહેજે પૂરતો નથી. ટૂંકમાં, શિક્ષણ એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતામાં ક્યાંય આવતું નથી એમ સ્પષ્ટપણે દેખાય છે.
આરોગ્ય બજેટના માત્ર 2.19 ટકા!
કોરોના મહામારીને કારણે સરકાર આરોગ્યની સુવિધાઓ માટે વધુ ખર્ચ કરે તે સ્વાભાવિક રીતે જ અપેક્ષિત છે. પરંતુ બજેટના આંકડા કંઇક જુદું જ કહે છે. આરોગ્ય માટેનું ખર્ચ એટલે બીમાર માણસોની સારવાર માટેનું ખર્ચ હોય તે. જો કે, 2020-21માં આરોગ્ય માટેનું ખર્ચ રૂ. 80,000 કરોડ થયું હતું. તે વધીને 2021-22માં સુધારેલા અંદાજ મુજબ રૂ. 85,915 કરોડ થશે. આમ, કોરોના કાળમાં પણ કેન્દ્ર સરકારે આરોગ્ય માટે કંઈ બહુ મોટું ખર્ચ કરી નાખ્યું એવું તો છે જ નહિ.
દેશમાં આરોગ્ય ક્ષેત્રની સવલતો અત્યંત ખરાબ હાલતમાં છે તે જોતાં ખર્ચનો આ વધારો તો સાવ જ નજીવો છે એટલું જ નહિ પણ જો ફુગાવાનો દર પાંચ ટકા પણ ગણવામાં આવે તો તે વાસ્તવિક રીતે તો ઘટાડો દર્શાવે છે. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ-2017માં કહેવામાં આવ્યું છે કે જીડીપીના 2.5 ટકા જેટલું ખર્ચ આરોગ્ય માટે કરવું. 2022-23ના બજેટમાં આરોગ્ય માટે જે ખર્ચ અંદાજવામાં આવ્યો છે તે જીડીપીના માત્ર 0.3 ટકા જેટલો જ છે. જો કેન્દ્ર સરકાર એક ટકા જેટલો ખર્ચ કરે તો તે રાજ્ય સરકારોને બાકીના દોઢ ટકા જેટલો ખર્ચ રાજ્ય સરકારોને કરવાની ફરજ પડી શકાય.
એટલું જ નહિ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ એમ પણ કહે છે કે આરોગ્ય માટે બજેટમાં આઠ ટકા કરતાં પણ વધુ ખર્ચ 2020 સુધીમાં જ કરવું. જો એ મુજબ ખર્ચ કરવામાં આવે તો તે રૂ. 3.16 લાખ કરોડ થાય પણ કરવામાં આવી રહ્યું છે માત્ર રૂ. 86,606 કરોડ જ, આ રકમ બજેટના માત્ર 2.19 ટકા જ થાય છે.