શાળાઓમાં ભારતમાતાના પૂજનનો આદેશ વિવિધ ધાર્મિક સમૂહોની શ્રદ્ધાની તથા સંવિધાનમાં આપેલ ધાર્મિક સ્વતંત્રતા અને સંવિધાનના મૂળભૂત આદર્શો જેવા કે વિવિધતામાં એકતા અને બિનસાંપ્રદાયિકતાના વિરુદ્ધ
સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) ગુજરાતના પ્રદેશ પ્રમુખ જાવેદઆલમ કુરૈશીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “તાજેતરમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે કે ગુજરાતની દરેક શાળાઓમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના કેળવાય તે માટે તારીખ 1 ઓગષ્ટથી પ્રાર્થના સભામાં ભારત માતાના પૂજન અને વ્યાખ્યાનનું આયોજન કરવું અને તેમાં બધા વિદ્યાર્થીઓની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે.”
વધુમાં જણાવ્યું કે, “અમે સમજીએ છીએ કે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ મનાવવું એક સરાહનીય પગલું છે, જે થકી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ કેળવાશે, પરંતુ આ મહોત્સવમાં ભારતમાતાની પૂજાને શામેલ કરવું અહીંના બીજા ધાર્મિક સમુદાયોની શ્રદ્ધા અને આસ્થાની વિરુદ્ધ છે. તદુપરાંત આ આદેશ સંવિધાનમાં આપેલ ધાર્મિક સ્વતંત્રતા અને સંવિધાનના મૂળભૂત આદર્શો જેવા કે વિવિધતામાં એકતા અને બિનસાંપ્રદાયિકતાના પણ વિરુદ્ધ છે.”
જાવેદ આલમે કહ્યું છે કે. “અમારુ માનવું છે કે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમભાવ પેદા કરવા માટે રાષ્ટ્રપૂજનની જરૂરત નથી પરંતુ આઝાદીના સંઘર્ષ, તેનો ઇતિહાસ, સ્વતંત્રસેનાનીઓના બલિદાનની ગાથાઓ, તેની ઉપર બનેલા ગીતો અને રાષ્ટ્રના પ્રતિ કર્તવ્યોનું વારંવાર પુન:સ્મરણ કરવાથી પેદા થશે. એક એવા દેશમાં જ્યાં વિવિધ ધર્મોને માનનારા લોકો વસતા હોય ત્યાં કોઈ એક વિશેષ ધાર્મિક રીતનો પ્રસાર કરવો બીજા ધાર્મિક સંપ્રદાયો સાથે અન્યાય છે, તેના કરતાં વધુ સારી રીત એ છે કે દેશપ્રેમની ભાવના પેદા કરવા બધા ધર્મ અને સંપ્રદાય પોતાની માન્યતાઓ અને રીતો પ્રમાણે અમલ કરે.”
SIOએ માંગણી કરી છે કે પરિપત્ર માંથી ભારતમાતાના પૂજન શબ્દને હટાવીને ઉપર આપેલા ભલામણો અને સૂચનોને શામેલ કરવામાં આવે.