ઓલ્ટ ન્યૂઝના સહ સંસ્થાપક પત્રકાર મોહમ્મદ ઝૂબેરની ધરપકડ શંકાના ઘેરામાં છે અને તેમની ધરપકડમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે. પત્રકાર મોહમ્મદ ઝુબેર પર દિલ્હી પોલીસે એક ટ્વીટને લઈને ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ કરી છે. અને પછીથી ઘણાં બધા મામલા તેમની વિરૂદ્ધ નોંધવામાં આવ્યા છે.
પત્રકાર મોહમ્મદ ઝુબેર ફેક ન્યૂઝનું ફેક્ટ ચેક કરી તેને ઉજાગર કરવાનું કામ કરે છે. બનાવટી ન્યૂઝથી થનારા દુષ્પરિણામ અને દુષ્પ્રભાવને રોકવામાં તેમનો અભૂતપૂર્વ ફાળો છે. આ દ્વારા તેઓ દેશ અને સમાજમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. આજે દેશમાં જે પ્રકારનો માહોલ છે અને કેટલાક તથાકથિત હિન્દુત્વવાદી સંગઠનો તથા તેમની સાથે જોડાયેલા લોકો દેશમાં નફરતનું ઝેર ઘોળી રહ્યાં છે તથા દેશના વિકાસને અવરોધે છે. આવા લોકો મોહમ્મદ ઝુબેરને પોતાનો દુશ્મન માની રહ્યાં છે.
મોહમ્મદ ઝુબેર એક સ્વતંત્ર પત્રકારના રૂપમાં ફેક ન્યૂઝને રોકવાનું કામ ખૂબ જ ઈમાનદારી પૂર્વક કરી રહ્યા હતા. આજે દેશમાં ગોદી મીડિયા એ લગભગ 90% મીડિયા પર પોતાનો કબજો જમાવી લીધો છે અને ખોટી તેમજ બનાવટી ન્યૂઝ ફેલાવીને હકીકત ઉપર પડદો પાડવાનું કામ કરી રહ્યું છે. લોકતંત્રમાં હકીકતને છુપાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ગોદી મીડિયા સરકારની ચાપલૂસીમાં લાગેલું છે.
મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસે 2018માં કરેલા એક ટ્વીટના આધારે એફઆઇઆર નોંધી. મોહમ્મદ ઝુબેરની આ ટ્વીટના આધારે ધરપકડ કરવામાં આવી, જ્યારે કે આ મામલો 20 જૂન 2022ના રોજ નોંધવામાં આવ્યો છે. આ એફઆઇઆરમાં પહેલા આઇપીસી ની કલમો 153એ અને 295 લગાવી હતી. ત્યારબાદ ગુનાહિત ષડયંત્ર રચવા સંબંધિત 120બી, સબૂત નાશ કરવા અંગેની 201 અને FCRAની કલમ 35 પણ જોડવામાં આવી.
આ મામલો 1983માં ઋષિકેશ મુખર્જીની એક ફિલ્મના સંબંધિત ટ્વીટ કરવા સાથે સંબંધિત છે. આ ફિલ્મને આશરે 38 વર્ષ થઈ ગયાં છે અને આને આશરે લાખો કરોડો લોકોએ જોઈ લીધી છે, પરંતુ આ ફિલ્મને લઈને ન તો ક્યારેય વિવાદ પેદા થયો છે અને ન સાંપ્રદાયિક સદ્ભાવ ને કોઈ ઠેંસ પહોંચી. મોહમ્મદ ઝુબેરને દિલ્હી પોલીસે તેને કોઈ અન્ય મામલા વિશે પૂછતાછ કરવા માટે બોલાવ્યા હતા, પરંતુ ધરપકડ ફિલ્મને સંબંધિત ટ્વીટ ને લઈને કરવામાં આવી.
જો કે મોહમ્મદ ઝુબેર વિરૂદ્ધ ગુનો નોંધવા અને તેની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસ પર રાજકીય દબાણ બનાવવામાં આવ્યું છે. અને દિલ્હી પોલીસે રાજકીય દબાણમાં મોહમ્મદ ઝુબેર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. દિલ્હી પોલીસે ઝુબેર વિરૂદ્ધ ગુનો નોંધવા અને ધરપકડ કરવાનું કામ ત્યારે કર્યું છે જ્યારે મોહમ્મદ ઝુબેરે ભાજપા પ્રવક્તા નૂપુર શર્મા વિરૂદ્ધ ટ્વીટ કર્યું.
આ મામલો ત્યારે ગરમાયો જ્યારે નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી, જેના પર ઝુબેરે ટ્વીટ કર્યું હતું. અને આ મામલો વધવાને લીધે ભાજપા એ નૂપુરને પાર્ટીમાંથી હાંકી કાઢી. નૂપુર શર્માની ભાજપા અને સરકારમાં કેટલી મજબૂત પકડ છે કે હજુ સુધી ગુનો નોંધાયા છતાં પણ તેની ધરપકડ કરવામાં આવી નથી. જ્યારે કે આ જ કલમોમાં નોંધાયેલા મામલામાં મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરી લેવામાં આવી.
અહીં પ્રશ્ન એ પેદા થાય છે કે દિલ્હી પોલીસે 2018 ના ટ્વીટનો ગુનો નોંધવામાં શા માટે આટલું વિલંબ કર્યું? જેણે પણ આ મામલો મોહમ્મદ ઝુબેર વિરૂદ્ધ નોંધાવ્યો છે, તેને શું આટલા વિલંબ પછી મામલો નોંધાવાનું કારણ પૂછ્યું? આ એવા પ્રશ્નો છે જે દિલ્હી પોલીસને શંકાના ઘેરામાં ઊભી કરી દે છે. આ પ્રશ્નોના ઉત્તર તો ફક્ત દિલ્હી પોલીસ જ આપી શકે છે.
પત્રકાર મોહમ્મદ ઝુબેર ની ધરપકડ કરવા માટે તેમની વિરુદ્ધ એક જોરદાર ષડયંત્ર રચવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે 2018ના ટ્વીટના આધારે ગુનો નોંધ્યો. પહેલા IPC ની કલમ 153એ અને 295 લગાવવામાં આવી હતી. ત્યાર બાદ ગુનાહિત ષડયંત્ર રચવા માટે 120બી, પુરાવા નાશ કરવા માટેની કલમ 201 અને ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ની કલમ 35 પણ જોડવામાં આવી.
દિલ્હી પોલીસે મોહમ્મદ ઝુબેરની 27 જૂન 2022 ના દિવસે ધરપકડ કરી છે. બજરંગ મુનિ, યતિ નરસિંહાનંદ સરસ્વતી અને સ્વામી આનંદ સ્વરૂપ વિરૂદ્ધ ટ્વીટ બાદ મોહમ્મદ ઝુબેર વિરૂદ્ધ સીતાપુરમાં મામલો નોંધવામાં આવ્યો. જ્યારે કે બજરંગ મુનિ દાસની નફરત ફેલાવવાના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. બજરંગ મુનિ દાસે મુસ્લિમ મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર નિવેદન આપ્યું હતું.
હવે સવાલ આ પેદા થાય છે કે નફરત ફેલાવવાના મામલામાં જેલમાં જનારા બજરંગ મુનિ દાસ કઈ રીતે દૂધથી ધોયેલા પવિત્ર હોઇ શકે છે, આનો શ્રેષ્ઠ અને યોગ્ય ઉત્તર તો સીતાપુર પોલીસ જ આપી શકે છે. જો બજરંગ મુનિ દાસ સારા માણસ છે, તો પછી સીતાપુર પોલીસે તેને જેલમાં શા માટે નાખ્યા હતા?
મોહમ્મદ ઝુબેર વિરૂદ્ધ લખીમપુર ખીરીના મોહમ્મદીમાં સુદર્શન ટીવીના પત્રકાર આશિષ કુમાર કટિયારે ગુનો નોંધાવ્યો છે. સુદર્શન ટીવી ભડકાઉ સમાચારો દેખાડે છે અને મોહમ્મદ ઝુબેર તેનો વિરોધ કરે છે. આથી મોહમ્મદ ઝુબેરને હેરાન કરવા માટે લખીમપુર ખીરીના મોહમ્મદીમાં સુદર્શન ટીવીના પત્રકારે ગુનો નોંધાવ્યો છે. આમ જોતાં મોહમ્મદ ઝુબેર વિરૂદ્ધ 6 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
પત્રકાર મોહમ્મદ ઝુબેર ના મામલા માટે SIT ગઠિત કરી તપાસ બેસાડી દીધી છે. SITના અધ્યક્ષ ડો. પ્રિતિંદર સિંહ, જેલ પોલીસ મહાનિરીક્ષક, લખનઉને બનાવવામાં આવ્યા છે. તેમની સાથે અમિત વર્મા, પોલીસ ઉપમહાનિરીક્ષક, SIT સભ્ય, લખનઉ બનાવવામાં આવ્યા છે. આ SIT મોહમ્મદ ઝુબેરને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર, હાથરસ, લખીમપુર ખીરી, અને સીતાપુર સંબંધિત મામલાઓની તપાસ કરશે.
પત્રકાર મોહમ્મદ ઝુબેરની ધરપકડમાં એક રીતે જોઈએ તો સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન થયું છે. આ વાત પ્રસિદ્ધ એડવોકેટ લાખન સિંહે પણ સ્વીકાર કરી. તે કહે છે કે, “સુપ્રીમ કોર્ટે હમણાં થોડા દિવસ પહેલા સતેન્દ્ર કુમાર અંતિલ બનામ સીબીઆઈ મામલામાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે જામીન પ્રક્રિયાને સરળ બનાવવા માટે કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે આ કહ્યું હતું કે તપાસ એજન્સીઓ તેમજ તેમના અધિકારી CRPC ની કલમ 41 (ધરપકડ અત્યંત જરૂરી હોય), 41એ (ધરપકડ કરેલી વ્યકિતને તપાસ અધિકારી તરફથી પૂર્વ સૂચના આપવી, જેથી તે તપાસ એજન્સીને સહકાર આપી શકે) નું પાલન કરવા માટે બાધિત છે.”
તેમણે કહ્યું, “તેમના તરફથી કરવામાં આવેલી કોઈ પણ પ્રકારની બેદરકારીને ન્યાયાલય દ્વારા ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં લાવવી જોઈએ. આની સાથે 7 વર્ષથી ઓછી સજા વાળા ગુનાઓમાં ધરપકડથી બચવાની વાત કહી છે. પરંતુ પત્રકાર ઝુબેરના મામલામાં આ વાતનું પાલન કરવામાં આવ્યું નથી. આથી મોહમ્મદ ઝુબેર ના મામલામાં સુપ્રીમ કોર્ટની અવગણના કરવામાં આવી છે. જે તદ્દન ખોટું છે.”
આ રીતે પત્રકાર મોહમ્મદ ઝુબેરની ધરપકડમાં ઘણાં પ્રશ્નો અનુત્તર છે. જેમના ઉત્તરો શંકાના ઘેરામાં છે. આ પ્રશ્નોના ઉત્તરો દિલ્હી પોલીસ જ આપી શકે છે, પરંતુ તે આનો ઉત્તર નહિ આપે. દિલ્હી પોલીસ પોતાને સ્વચ્છ સાબિત કરવા માટે પોતાના ઉપર કોઈ પણ પ્રકારના રાજકીય દબાણનો ઇનકાર કરે છે, જ્યારે કે દિલ્હી પોલીસે રાજકીય દબાણ હેઠળ જ આખી વાર્તા ઘડીને મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરી છે.
મોદી સરકારે બંધારણીય સંસ્થાનોને કચડી નાખી છે અને તેમને પોતાની મરજી મુજબ ચલાવી રહી છે. આજે સ્થિતિ આ છે કે જનતાની કોઈ સુધ લેનારું નથી. મોહમ્મદ ઝુબેર જેવા ઈમાનદાર પત્રકારના લીધે આજે પત્રકારિતા જીવંત છે. બાકી મીડિયાનો એક મોટો ભાગ સરકારને આધીન છે.
મોહમ્મદ ઝુબેરને સુનિયોજિત રૂપે જેલમાં બંધ કરવામાં આવ્યો છે. મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરીને મોદી સરકાર ઈમાનદાર પત્રકારોને ડરાવવાનું કામ કરી રહી છે અને સાથે તેમને આ સંદેશો આપવાનું પણ કામ કરી રહી છે કે વિરોધ કરવા પર મોહમ્મદ ઝુબેર જેવી હાલત થઈ શકે છે.
લોકતાંત્રિક વ્યવસ્થામાં વ્યવસ્થાતંત્ર, કાર્યપાલિકા, ન્યાયપાલિકા પછી પ્રેસનો નંબર આવે છે. આથી આને ચોથો સ્તંભ કહેવામાં આવે છે. આજની પરિસ્થિતિમાં ચોથો સ્તંભ સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યો છે. આજે મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરવામાં આવી છે. કાલે આવા જ કોઈ અન્ય પત્રકાર સાથે આવી ઘટના ઘટી શકે છે. દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થામાં તમામ સ્તંભોને બચાવવા જરૂરી છે, આથી દેશના તમામ લોકોએ મોહમ્મદ ઝુબેરની સાથે ઊભા રહેવું જોઈએ અને તેનો સાથ સહકાર આપવો જોઈએ.
સૌજન્ય: અખિલેશ ત્રિપાઠી | ઈન્ડિયા ટુમોરો