દેશને આઝાદ થયાને પોણી સદી વીતી ગઈ છે, કોમોના જીવનમાં પંચોતેર વર્ષની મુદ્દત એ કાંઈ ઓછી નથી, આ પોણી સદીએ જ્યાં આપણને વંચિતતાની દાસ્તાનો આપી છે, ત્યાં ઘણું બધું આપણે મેળવ્યું પણ છે. આપણે જે કાંઈ મેળવ્યું છે તે પૈકી સૌથી મહત્ત્વની બાબત શિક્ષણની જરૂરિયાત અને તેના મહત્ત્વનો એહસાસ છે. કોઈ પણ સુધારાવાદી ક્રાંતિની સૌથી પહેલી જરૂરત એ જ હોય છે કે માણસ પોતાની ખામીઓનો એહસાસ કરે અને તેની અંદર એ સુધારાની ઇચ્છા, બલ્કે તડપ પેદા થઈ જાય; જે જીવનને સફળ બનાવવાનું નિમિત્ત બને, તેથી બાળકોને ભણાવવાનો આ આમ મિજાજ બનવો પણ એક મોટી સફળતા છે.
એક સમય હતો કે જ્યારે જ્ઞાન એ અમુક ચોક્કસ પરિવારોની જાગીર મનાતું હતું, કેટલાક જમીનદારો અને વડેરાઓ જ પોતાનાં બાળકોને ભણાવતા હતા, ત્યારે લોકોના મનમાં એ વાત ઠસાવવામાં આવી હતી કે માત્ર આ લોકો જ ભણવા અને ભણાવવા માટે જન્મ્યા છે, સામાન્ય લોકો પોતાના બાળકોને ભણાવવાનું વિચારી પણ શકતા ન હતા અને નિમ્ન કક્ષાનાં કામો કરી સંતોષ માનતા હતા, મધ્યમ વર્ગના લોકો તેમના બાળકોને જાે ભણાવી પણ લે, તો તેઓ નાની અને સાધારણ શાળા ઓમાં જ ભણાવી શકતા હતા, ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શાળાઓ નવાબો, ધનવાનો અને જાગીરદારો માટે જ ખાસ હતી, સામાન્ય લોકોના બાળકો આ શાળાઓમાં ભણી શકતા ન હતા, અને એ જગજાહેર છે કે આ સ્થિતિ હિંદુ વિચારધારા અને સંસ્કૃતિની અસરને લીધે જન્મી હતી, હિંદુઓમાં જાતપાતનો ભેદભાવ તેમની આસ્થા અને ધર્મનો એક ભાગ ગણાય છે, તેથી તેમના માટે આ વિચારધારાથી મુક્ત થઈને વિચારવું શક્ય નથી.
આ તો અલ્લાહનો આભાર કે લોકશાહી પ્રણાલીએ આ બંધ દરવાજાઓને ખોલ્યા, શિક્ષણનો લાભ મેળવવાની બધાને તક મળી અને એ વિચાર પ્રચલિત બન્યો કે બાળકોને દુઃખ સહન કરીને અને પેટે પાટા બાંધીને પણ શિક્ષણ અપાવવું જાેઈએ. પરંતુ દેશની વર્તમાન એજ્યુકેશન સિસ્ટમના તાણાવાણા એ વિદેશી આકાઓ દ્વારા બાંધેલા છે, જેમનો મુખ્ય હેતુ શિક્ષણને માધ્યમ બનાવીને પ્રજાને પોતાના વિચારો અને સંસ્કૃતિના ગુલામ બનાવવાનો હતો, તેઓ ઇચ્છતા હતા કે ભારત પોતાની સંસ્કૃતિમાં પશ્ચિમનું પ્રતિબિંબ બની જાય, તેમની એવી યોજના હતી કે તેમના દિમાગો પશ્ચિમી વિચારસરણીના બીબામાં ઢળી જાય અને તેઓ પોતાની ભાષા ભૂલી જાય, તેમનો મુખ્ય ધ્યેય એ હતો કે પ્રજા તેમના ધર્મ અને આસ્થાના સંદર્ભમાં પણ શાસકને આધીન થઈ જાય અને જાે એટલુંય ન થાય તો, કમસે કમ તેમના દિલોમાં પોતાના ધર્મને લઈ શંકા-કુશંકાના કાંટા ભોંકાતા રહે.
બ્રિટિશરોએ આ પોલિસી પર કેટલો આયોજનબદ્ધ રીતે અમલ કર્યો હતો? તેનો અંદાજ ૧૮૩૬માં મેકૉલેએ તેના પિતાને લખેલા પત્રના અવતરણ પરથી લગાવી શકાય છેઃ
“આપણી અંગ્રેજી શાળાઓ હરણફાળ ગતિએ પ્રગતિ કરી રહી છે અને હવે સ્થિતિ એવી બની ગઈ છે કે વિદ્યાર્થીઓ માટે જગ્યા મળવી મુશ્કેલ છે.. આ શિક્ષણની વધુ અસર હિંદુઓ પર થઈ રહી છે, અંગ્રેજીનો અભ્યાસ કર્યા પછી કોઈ પણ હિંદુ ખરેખર પોતાના ધર્મમાં વિશ્વાસ કરી શકતો નથી, મને પૂરો વિશ્વાસ છે કે જાે આપણી શિક્ષણ નીતિ સફળ થશે, તો બંગાળમાં એક પણ મૂર્તિપૂજક બાકી રહેશે નહીં, આ બધું જ કુદરતી રીતે થશે, કોઈપણ ધાર્મિક ઉપદેશ અને હસ્તક્ષેપ વિના.”(History of Indian Education By B.C.Rai, p. 135- સંદર્ભઃ તર્ઝે તાલીમ)
તેથી જ, ઉર્દૂ ભાષાના બે પ્રસિદ્ધ કવિઓ- જેઓ પૂર્વ અને પશ્ચિમ એમ બંને જ્ઞાનસાગરના ડૂબકીખોર હતા અને અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વિદ્યાઓમાં ખૂબ ગાઢ જ્ઞાનદ્રષ્ટિ ધરાવતા હતા, તેઓએ મુસ્લિમોને જગાડ્યા અને આ મોર્ડન એજ્યુકેશન સિસ્ટમના ફિત્નાથી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો, જેમનું નામ હતું અકબર ઇલાહાબાદી અને ડૉ.ઇકબાલ. તેઓ કોઈ મૌલવી કે દીની મદ્રસાઓના લાભાર્થીઓમાંના ન હતા; બલ્કે, તેમનું સમગ્ર શિક્ષણ એ જ શૈક્ષણિક સંસ્થાઓમાં થયું હતું જે તે સમયે પશ્ચિમની પ્રતિનિધિ હતી; બલ્કે, અલ્લામા ઇકબાલે તો યુરોપના હૃદયમાં પહોંચીને જ્ઞાન મેળવ્યું અને એ શિક્ષણ પ્રણાલીને પોતાની નજરોનજર જાેઈ અને પછી પોકારી ઊઠયાઃ
“ઓર યે એહલે ક્લીસા કા નિઝામ-એ-તાલીમ
એક સાઝિશ હે ફકત દીન વ મુરવ્વત કે ખિલાફ”
એક પ્રસંગે, ઇકબાલે શું આકરી ટીકા કરી છેઃ
લડકિયાં પઢ રહી હે અંગ્રેઝી
ઢૂંઢ લી કોમ ને ફલાહ કી રાહ
રવિશ-એ-મગરિબી હે મદ્દે નઝર
વઝએ મશરિક કો જાનતે હૈં ગુનાહ
યે ડ્રામા દિખાયેગા ક્યાં સીન?
પરદા ઉઠને કી મુન્તઝિર હે નિગાહ
જાે ઇકબાલ જીવતા હોત, તો કદાચ તેમણે પણ સ્વીકાર્યું હોત કે, પડદો ઊઠી ચૂક્યો છે અને જે ઇલ્હાદ (નાસ્તિકવાદ)ની પ્રતીક્ષા હતી તે હવે આંખો સમક્ષ સંપૂર્ણપણે ર્નિવસ્ત્ર બની ઊભું છે.
જે લોકોએ આ એજ્યુકેશન સિસ્ટમની ટીકા કરી છે, એવું નથી કે તેઓ શોધ-સંશોધન અને જ્ઞાન-વિજ્ઞાનની વિરુદ્ધ હતા, સાયન્સ તો બ્રહ્માંડમાં છુપાયેલા સત્યોને ઉજાગર કરે છે, જાે તેનાથી લોકોને ફાયદો થતો હોય તો કોઈ સમજદાર વ્યક્તિ તેનો વિરોધ કેવી રીતે કરી શકે છે? હકીકત એ છે કે દરેક કોમની શિક્ષણ પ્રણાલી તેના વિચારો અને સામાજિક વાતાવરણ સાથે સુસંગત હોવી જાેઈએ, તે જ્ઞાનની સાથે સાથે તેની માન્યતાઓ (અકાઇદ)ને મજબૂતી આપે, પોતાની સભ્યતા અને સંસ્કૃતિ પ્રત્યે તેની પ્રતિબદ્ધતાને જાળવી રાખે, તે પોતાના વિષે લઘુતા ગ્રંથિનો ભોગ બનેલ ન હોય, ભારતને જે એજ્યુકેશન સિસ્ટમ તેના પશ્ચિમી આકાઓ પાસેથી પ્રાપ્ત થયું હતું તે આ બધી લાક્ષણિકતાથી વંચિત છે, તે ભારતીયોમાં તેમની ભાષા, તેમની સંસ્કૃતિ, તેમના સાહિત્ય અને તેમના સામાજિક મૂલ્યો વિશે હીનતાની લાગણી જન્માવે છે અને આ પાછળના મુખ્ય કારણો પૈકીનું એક કારણ એ છે કે, આપણે અંગ્રેજી ભાષાને એક ભાષા તરીકે અભ્યાસ કરવાને બદલે, તેને જ ‘શિક્ષણનું માધ્યમ’ બનાવી લીધું, ત્યાં સુધી કે આપણાં બાળકો કક્કાથી જ અંગ્રેજીમાં બોલવા, અંગ્રેજીમાં લખવા અને અંગ્રેજીમાં વિચારવાનું શરૂ કરી દે.
અંગ્રેજીની મહાનતા આપણા હૃદય અને દિમાગ પર એ હદે છવાઈ ગઈ છે કે આપણે તેને જ્ઞાનની ચરમસીમા સમજી લીધી અને આ બાબતે આપણા બાળકોને માનસિક અને શારીરિક રીતે ઘણું નુકસાન પહોંચાડ્યું છે, વિચારો કે એક તો શરૂઆતથી જ અગ્રેજીને શિક્ષણનું માધ્યમ ગણી લેવામાં આવે, બીજું ભારતમાં રાષ્ટ્રભાષા તરીકે, બાળકને હિંદીનો પણ અભ્યાસ કરવો પડે છે, અને ત્રીજું ભારત ભાષાવૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી, દરેક પ્રદેશની પોતાની આગવી ભાષા છે, તેથી જે તે પ્રદેશના વિદ્યાર્થીને તેનો પણ અભ્યાસ કરવો પડશે, અને જાે હિંદી રાજ્યોમાં કોઈ અન્ય સ્થાનિક ભાષા નથી તો હવે પ્રજાની ઉપર સંસ્કૃત લાદવામાં આવી રહી છે, આ ઉપરાંત મુસ્લિમોએ તેમના સામાજિક જાેડાણ અને તેમના ધાર્મિક વારસા સાથે જાેડાઈ રહેવા માટે ઉર્દૂનો પણ અભ્યાસ કરવાનો, આમ આપણાં મુસ્લિમ બાળકોને નાનપણથી જ ચાર-ચાર ભાષાઓનો બોજ ઉઠાવવો પડે છે.
તબીબી દૃષ્ટિકોણથી નાના બાળકો માટે આ એક અતિ ભારે બોજ છે, ખાસ કરીને એવી પરિસ્થિતિમાં, જ્યાં આજકાલ બાળકોનું શિક્ષણ ચાર વર્ષની ઉંમરે જ શરૂ કરી દેવામાં આવે છે અને હજુ તેમની ભાષાના ઉચ્ચાર પણ શુદ્ધ થતાં નથી કે, પુસ્તકોના ભારેખમ બેગો તેમની પીઠે મૂકી દેવામાં આવે છે, બીજું એ કે કોઈ પણ માણસમાં પોતાની ભાષાને સહજ રીતે સમજવા-બોલવાની જે ક્ષમતા હોય છે, વિદેશી ભાષાને આ પદ્ધતિથી શીખવી-શીખવવી મુશ્કેલ છે, પરિણામ એ આવે છે કે મૂળ વિષયને સમજીને તેમાં બૌદ્ધિક પ્રગતિ મેળવવાને બદલે તેનું મન કેટલાક અંગ્રેજીના વાક્યોની આસપાસ ભટકતું રહે છે, મૂળ વિષય કે વિદ્યામાં તેનું ધ્યાન ઓછું હોય છે, તેથી વિશ્વની જેટલી વિકસિત કોમો છે, તેઓએ જ્ઞાન-વિજ્ઞાન અને વિદ્યાઓને પોતાની માતૃભાષામાં અનુદિત કર્યા છે, અને તેઓ તેમનાં બાળકોને તે ભાષામાં જ શિક્ષણ આપે છે. ફ્રેંચો અને જર્મનો ભૌગોલિક રીતે બ્રિટનની કેટલી નજીક છે, છતાં તેમના ત્યાં શિક્ષણનું માધ્યમ ફ્રેન્ચ અને જર્મની છે, ચીન અને જાપાન વિશ્વના સૌથી વિકસિત અને આર્થિક તેમજ ઔદ્યોગિક રીતે શક્તિશાળી દેશોમાં સામેલ છે, છતાં તેમના ત્યાં શિક્ષણનું માધ્યમ ચીની અને જાપાનીઝ છે. રશિયામાં જ્યારે સામ્યવાદી ક્રાંતિ આવી અને તેનો બહોળો ફેલાવો થયો ત્યારે સૌ પ્રથમ, પશ્ચિમી જ્ઞાન-વિજ્ઞાનનું રશિયન ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું હતું, પરંતુ આપણાં દિમાગો ઉપર અંગ્રેજીનું એવું ભૂત સવાર છે કે આપણે આપણી રાષ્ટ્રીય ભાષાઓમાં આધુનિક જ્ઞાન અને સંશોધનને અનુદિત કરવામાં સંપૂર્ણપણે સફળ થઈ શક્યા નથી અને બીજા જ્ઞાન-વિજ્ઞાન અને વિદ્યાઓને આપણી પોતાની ભાષામાં અનુદિત કરવાને બદલે, આપણે ખુદ પોતાની ભાષાથી જ મોં ફેરવી લીધું.
મુસ્લિમો જ્યારે વિજયી બની યુરોપમાં પ્રવેશ્યા અને યુરોપમાં તેમને જ્ઞાન અને વિજ્ઞાનનો વારસો મળ્યો, ત્યારે તેઓએ તેનો ખૂબ નિષ્પક્ષતાથી સ્વીકાર કર્યો અને તેને માથે ચઢાવ્યા, પરંતુ શક્ય તેટલી વહેલી તકે, તેઓએ આ જ્ઞાન-વિજ્ઞાનની મૂડીને અરબી ભાષામાં ટ્રાન્સફર કરી લીધી. અબ્બાસીકાળમાં આ સંદર્ભે જે કારનામાં અંજામ આપવામાં આવ્યા; તે કોઈપણ વિદ્વાન અને જાણકાર વ્યક્તિ માટે બયાનના મોહતાજ નથી. ભારતમાં મુસ્લિમો માટે માતૃભાષાથી વંચિત થવાનું બીજું મોટું નુકસાન એ છે કે આપણા દીની ઉલૂમ અને જ્ઞાન-સાહિત્યનો ખૂબ મોટો હિસ્સો ઉર્દૂ ભાષામાં જ છે, અંગ્રેજી અથવા બીજી સ્થાનિક ભાષાઓમાં ઇસ્લામ પર જે કામ થયું છે, તે તેનો સોમો ભાગ પણ નથી. આ સંજાેગોમાં જાે આપણી પેઢીઓ ઉર્દૂ ભાષાથી અજાણ રહેશે તો તે તેમના દીન અને ઈમાન સાથેનો ડાયરેક્ટ સંબંધ તોડી નાખવા સમાન ગણાશે.
તેથી જરૂરી છે કે આપણે ઉર્દૂ માધ્યમની ગુણવત્તાયુક્ત શાળાઓ સ્થાપિત કરીએ, બાળકોને કમસે કમ મેટ્રિક સુધી માતૃભાષામાં જ શિક્ષણ અપાવીએ અને અંગ્રેજીને પણ એક ભાષા તરીકે શીખવીએ; જેથી તેઓ મૂળ હુનર કે વિદ્યામાં આગળ વધી શકે અને જે ક્ષમતા અજાણી ભાષાને સમજવા-સમજાવવામાં ખર્ચાય છે, તે જ ક્ષમતા મૂળ વિષયમાં વપરાય, આમ કરવું એ બાળકોની શૈક્ષણિક પ્રગતિનું જામિન બનશે ઇન્શાઅલ્લાહ. દર વર્ષે રેન્ક લાવનાર વિદ્યાર્થીઓનો જાે સર્વે કરશો તો એ જાેવા મળશે કે, આ એ જ વિદ્યાર્થીઓ છે જેમણે પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવ્યું છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં, અલ્હમ્દુલિલ્લાહ, ઘણા વર્ષોથી મુસ્લિમ વિદ્યાર્થીઓ ઉર્દૂ માધ્યમમાં શિક્ષણ મેળવીને વિશિષ્ટ રેન્ક મેળવે છે.
અંગ્રેજી મીડિયમનું જે વાવાઝોડું અત્યારે આવ્યું છે અને કદાચ મુસ્લિમો જ તેનો વધુ ભોગ બનેલા દેખાય છે, તે જ્યાં મધ્યમ વર્ગના લોકોની આર્થિક રીતે કમર તોડી રહ્યું છે, ત્યાં એવું પણ જાેવા મળે છે કે ઘણા બાળકો માટે આ શિક્ષણ એવો બોજ સાબિત થાય છે કે તેઓ થોડાક ડગલાં ચાલીને પછી થાકીને બેસી જાય છે અને તેમની શૈક્ષણિક સફર પૂર્ણ કરી શકતા નથી, આ ઉપરાંત ઉર્દૂ ભાષાથી અજ્ઞાન હોવું પણ તેમને સમાજથી દૂર કરી દે છે, તેઓ પોતાના પરિવારના વડીલો સાથે કોઈ મહત્ત્વપૂર્ણ વિષય પર અસરકારક રીતે વાતચીત કરી શકતા નથી, જાે તેઓ બહારથી પત્ર લખે તો તેમનો પત્ર વંચાતો નથી અને દીન-ધરમ સાથેનો તેમનો જે નાતો તૂટે છે, એ નુકસાન પાછું અલગ. તેથી ઉર્દૂ માધ્યમની શાળાઓ શરૂ કરવી, આપણા સાથ-સહકારથી તેમને મજબૂત બનાવવી, એ સમયની સૌથી મહત્ત્વની જરૂરિયાત છે અને તેમાં જ આપણા દીન અને સંસ્કૃતિનું રક્ષણ છે.