Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસમુહમ્મદ સ.અ.વ.નો અંતિમ સંદેશ માનવ અધિકારનું ઘોષણા પત્ર

મુહમ્મદ સ.અ.વ.નો અંતિમ સંદેશ માનવ અધિકારનું ઘોષણા પત્ર

માનવ અધિકારોની સાવર્ત્રિક ઘોષણા (Universal Declaration of Human Rights UDHR)ની યાદમાં દર વર્ષે ૧૦ ડિસેમ્બરે “માનવ અધિકાર દિવસ” ઉજવવામાં આવે છે. માનવાધિકારના સંરક્ષણ સંબંધિત સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર પર ૪૮ દેશોએ હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ભારત પણ સામેલ હતું.

માનવ અધિકારોની સાવર્ત્રિક ઘોષણા (UDHR)ની અંતર્ગત ભાવના એ છે કે તમામ મનુષ્યો સ્વતંત્ર જન્મે છે અને તેમને જીવન, સ્વતંત્રતા અને વ્યક્તિની સુરક્ષા, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ અને વિચાર, વિવેક, ધર્મ, અભિપ્રાય અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે.

માનવ અધિકાર એ માનવીના મૂળભૂત સાવર્ત્રિક અધિકારો છે કે જેનાથી વંશ, જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરે જેવા અન્ય કોઈ પણ પરિબળના આધારે મનુષ્યને વંચિત કરી શકાય નહીં. તમામ વ્યક્તિઓ માટે ગૌરવ અને અધિકારોના સંદર્ભમાં જન્મજાત સ્વતંત્રતા અને સમાનતા પ્રાપ્ત છે. માનવ અધિકારોમાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની સામે નાગરિક અને રાજકીય અધિકારો, સમાનતાનો અધિકાર અને શિક્ષણનો અધિકાર પણ સામેલ છે.

માનવ પ્રજાતિ (Species)માં જન્મેલ દરેક જીવનું ગૌરવ છે.આ કારણસર તે પોતાનામાં મૂલ્યવાન છે, અને એક મનુષ્ય હોવાના નાતે તેને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો પૂરો અધિકાર છે. તેથી જ કુદરત તેને જન્મ લેતાંની સાથે જ માનવ જાતિના અસ્તિત્વ અને વિકાસ માટેના જરૂરી તમામ અધિકારો આપે છે. કોઈ વ્યક્તિ કે રાજ્ય અન્ય વ્યક્તિ પાસેથી તે અધિકારો છીનવી શકે નહીં.

“માનવ અધિકાર” શબ્દનો ઉપયોગ ૨૦મી સદીમાં થયો હતો. આ પહેલાં અધિકારોના સંદર્ભમાં “પ્રાકૃતિક અધિકારો” અથવા “વ્યક્તિના અધિકારો” શબ્દ પ્રચલિત હતો. પ્રાકૃતિક અધિકારોનો સિદ્ધાંત ૧૭મી સદીમાં પ્રખ્યાત ફિલસૂફો ગ્રોશિયસ, હોબ્સ અને લોકના લખાણોમાં ઉદ્ભવ્યો છે. તેમણે તારવ્યું કે “પ્રાકૃતિક અધિકારો”નો મુખ્ય આધાર “પ્રાકૃતિક કાયદો” છે. આ કાયદાઓ દરેકને દરેક વ્યક્તિના જીવન, સ્વતંત્રતા અને સંપત્તિનું સન્માન કરવાનું કહે છે. આ ઉપરાંત, વર્ષ ૧૭૭૬માં અમેરિકા દ્વારા સ્વતંત્રતાના સંબંધમાં બહાર પાડવામાં આવેલા ઘોષણાપત્રમાં પણ કહેવામાં આવ્યું હતું કે તમામ લોકો સમાન રીતે જન્મે છે અને સૃષ્ટિના સર્જનહારે તેમને જીવન, સ્વતંત્રતા અને સુખની પ્રાપ્તિ જેવા કેટલાક અવિભાજ્ય અધિકારો આપ્યા છે. તે પછી, વર્ષ ૧૭૮૯માં ફ્રાન્સ દ્વારા જાહેર કરાયેલ માનવ અને નાગરિક અધિકારોના ઘોષણાપત્રમાં, ફરી એકવાર વ્યક્તિના પ્રાકૃતિક અને અવિભાજ્ય અધિકારોની વાત કરવામાં આવી. આ દેશોએ તેમના નાગરિકોને આ અધિકારો એક રાજ્ય તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે આપ્યા હતા. એવું કહેવાય છે કે કુદરતી અધિકારો સંબંધિત ૧૭મી અને ૧૮મી સદીમાં કરવામાં આવેલી ઘોષણાઓ; ૨૦મી સદીમાં યુનાઈટેડ નેશન્સ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્‌સ અને અન્ય સંબંધિત કરારો દ્વારા તેઓને વધુ વિસ્તૃત કરવામાં આવ્યા હતા. સરળ શબ્દોમાં કહીએ તો, માનવ અધિકારો જૂના પ્રાકૃતિક અધિકારોના અનુગામી છે.

આધુનિક યુગમાં માનવાધિકારના વિકાસની સમીક્ષાથી જાણવા મળે છે કે પશ્ચિમમાં માનવ અધિકારની વિભાવનાનો બે-ત્રણ સદીઓ પહેલાંનો કોઈ ઇતિહાસ નથી. જ્યારે ઇસ્લામના પયગંબર એ ચૌદસો વર્ષ પહેલાં માનવતા માટે માનવ અધિકારનો વ્યાપક ખ્યાલ રજૂ કરીને અને પોતે તેનો અમલ કરીને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કર્યું હતું. અલ્લાહ-ઈશ્વરના છેલ્લા પયગંબરે માનવ અધિકારોના યોગ્ય અમલીકરણ અને વ્યવહારિક જીવન સાથે જાેડવા માટે માનવ અધિકારના પરિબળોને પરલોક (આખિરત) સાથે જાેડ્યા, જેના કારણે માનવ અધિકારોના સંરક્ષણ અને રાહતની એવી ભાવના પેદા થઈ કે માણસ પોતે જ માનવ અધિકારોનો રક્ષક બન્યો. આજનું સંસ્કારી આધુનિક વિશ્વ, જે માનવાધિકારનો પાઠ કરતાં થાકતો નથી, તેણે જાણવું જાેઈએ કે માનવ અધિકારનો ખ્યાલ જે તેમના સુધી પહોંચ્યો છે, ચૌદ સો વર્ષ પહેલાં પયગંબર મુહમ્મદ દ્વારા અલ્લાહ-ઈશ્વરના હુકમથી રજૂ કરાયેલો ખ્યાલ વધુ વ્યાપક અને સ્પષ્ટ છે. તેમના જીવનના છેલ્લા હજના વિદાય સંબોધનમાં તેમણે માનવ અધિકારોને ખૂબ જ શક્તિ અને બળ સાથે વિગતવાર સમજાવ્યા. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માનવ અધિકારોની સાવર્ત્રિક ઘોષણાથી સદીઓ પહેલાં, છેલ્લી હજનો વિદાય ઉપદેશ માનવ અધિકારોની સાવર્ત્રિક ઘોષણા કરતાં વધુ અનન્ય, સાવર્ત્રિક અને વ્યાપક છે. સંયુક્ત રાષ્ટ્રના સાવર્ત્રિક ઘોષણાપત્રનો ઘણા મુદ્દા આ ઉપદેશમાંથી લેવામાં આવ્યા છે.

અંતિમ હજના એટલે કે ‘હજ્જતુલ વિદા’ના ઉપદેશની વિશેષતા એ છે કે તેમાં પયગંબર મુહમ્મદ એ માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ સમગ્ર માનવતાને સંબોધિત કરી છે. આ ઉપદેશમાં સાત વખત ‘હે લોકો! (અય્યુ હન્નાસ) શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, મુસ્લિમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. માનવ અધિકારોની સાવર્ત્રિક ઘોષણા જેના પર આધારિત છે તે છ મૂળભૂત બાબતો અંતિમ હજના વિદાય ઉપદેશમાં ખૂબ જ સારી રીતે વર્ણવવામાં આવી છે. તેમની વિગતો નીચે મુજબ છે-

(૧) જીવનનો અધિકારઃ માનવ જીવન ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કિંમતી છે, તેથી તેની સુરક્ષા માટે દરેક શક્ય પગલાં લેવા જાેઈએ. ઇસ્લામ ધર્મ, જાતિ અને લિંગને ધ્યાનમાં લીધા વિના તમામ મનુષ્યોને જીવનનો અધિકાર આપે છે.
(૨) સ્વાતંત્ર્યનો અધિકારઃ દરેક મનુષ્ય સ્વભાવે સ્વતંત્ર જન્મે છે. દરેક વ્યક્તિને તમામ પ્રકારની સ્વતંત્રતા એટલે કે ભૌતિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સ્વતંત્રતાનો આનંદ માણવાનો અધિકાર છે. આ શ્રેણીમાં ‘અભિપ્રાયની સ્વતંત્રતા’, ‘આવાગમનની સ્વતંત્રતા’ અને ‘ધર્મની સ્વતંત્રતા’નો પણ સમાવેશ થાય છે.
(૩) હિંસાથી રક્ષણ મેળવવાનો અધિકારઃ કોઈ પણ વ્યક્તિને શારીરિક કે માનસિક હિંસાનો શિકાર બનાવવામાં આવશે નહીં, કે તેનું અપમાન કે ધમકી આપવામાં આવશે નહીં.
(૪) મિલકતનો અધિકારઃ ઇસ્લામ તમામ નાગરિકોને કોઈપણ ભેદભાવ વિના મિલકત ખરીદવાનો અધિકાર આપે છે. ઇસ્લામિક રાજ્યમાં સરકાર કારણ વગર વ્યક્તિની મિલકત જપ્ત કરી શકતી નથી. નહિંતર, નાગરિકે યોગ્ય વળતર ચૂકવવું પડશે.
(૫) સામાજિક સુરક્ષાનો અધિકારઃ ઇસ્લામિક સમાજમાં રહેતા દરેક નાગરિકને ખોરાક, આવાસ, કપડાં, શિક્ષણ અને તબીબી સુવિધાઓ મેળવવાનો અધિકાર છે. જેઓ અસ્થાયી કે કાયમી વિકલાંગતાના કારણે પોતાનો ખર્ચ ઉઠાવી શકતા નથી તેવા પુરૂષો અને મહિલાઓને મદદ કરવાની જવાબદારી સમાજની છે.
(૬) શિક્ષણનો અધિકારઃ સ્ત્રી હોય કે પુરુષ, દરેક મનુષ્યને તેની ક્ષમતા અનુસાર શિક્ષિત થવાનો અધિકાર છે. દરેક વ્યક્તિ પાસે વ્યક્તિગત વિકાસ માટેની તમામ તકો છે અને તે કોઈપણ વ્યવસાય પસંદ કરવા માટે સ્વતંત્ર છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments