સાયબેરિસ્તાન (Cyber World) અને ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ઝડપી વિકાસ થકી વિશ્વ એક નવા યુગમાં પ્રવેશ્યું છે. આજના યુગમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના કારણે માહિતીનો વિસ્ફોટ થયો છે. ઇન્ટરનેટની દુનિયામાં માનવ સમાજ, વેપાર અને શિક્ષણ વ્યવસ્થામાં ઘણો બદલાવ આવ્યો છે. આ સામાજિક ક્રાંતિની સાથે ચાલતાં, સાયબર સ્પેસ અને ટેક્નોલોજી ક્ષેત્રે પણ વિવિધ સમસ્યાઓ ઊભી થઈ છે. આ મુદ્દાઓ માનવ સ્વાસ્થ્ય અને નૈતિકતા સાથે સીધા સંકળાયેલા છે. તેથી તેને ચર્ચાનો વિષય બનાવવો, તેને નક્કર વૈચારિક આધાર પર સંબોધવા અને આ બાબતે લોકોમાં સંવેદનશીલતા પેદા કરવી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો તેની ઉપેક્ષા કરવામાં આવશે, તો ભવિષ્યમાં તેના ખતરનાક પરિણામો આવશે એ નિશ્ચિત છે.
અગ્રણી સમાજ ચિંતક સૈયદ સઆદતુલ્લાહ હુસૈની ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના પરિણામે ભવિષ્યની દુનિયા કેવી હશે તે વિશે લખે છેઃ “અમે ઝડપથી એવી દુનિયા તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં બિગ ડેટા (Big Data) સૌથી મહાન સભ્યતાનું બળ બનશે અને એક એક માનવીનું પળે પળનું નિરીક્ષણ (Surveillance) અને નિયંત્રણ કરવાની ક્ષમતા પ્રદાન કરશે. જ્યાં શાસન અને અગત્યના ર્નિણયો અલ્ગોરિધમ્સ દ્વારા લેવામાં આવશે અને તેના પરિણામે એલ્ગોક્રેસી (Algocracy) માટે માર્ગ મોકળો કરવામાં આવશે. તેનાથી આગળ વધી અલ્ગોરિધમિક સરમુખત્યારશાહી (Algorithmic Dictatorship)નો માર્ગ મોકળો થઈ જશે. જ્યાં ઓગમેન્ટેડ રિયાલિટી (Augmented Reality) થકી ક્રાંતિ મીડિયામાં લાવશે. તે માનવ ચિંતન, વિચારસરણી બલ્કે યાદશક્તિ ઉપર અસાધારણ નિયંત્રણ પ્રદાન કરશે, જ્યાં બ્લોકચેન (Block Chain) નાણાં વ્યવસ્થાપન, તે તમામ નાણાકીય સિસ્ટમો અને વ્યવહારોની તમામ જાણીતી પદ્ધતિઓને છિન્નભિન્ન કરી નાંખશે, અને જ્યાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) થકી માણસનું દરેક નાનામાં નાનું પગલું મશીનો પર ર્નિભર રહેશે.”
આ વાત લેખકે ૨૦૨૦માં કહી હતી અને આ સમયે જ્યારે આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)ની ઘણી અદ્ભુત સિદ્ધિઓના સાક્ષી છીએ. લેખકની એક એક વાત પ્રગટ રીતે દ્રષ્ટિ સમક્ષ આવી રહી છે. આ એક કડવું સત્ય છે કે અત્યાર સુધી સાયબર સ્પેસ અને ટેક્નોલોજીના વિકાસની ઘણી નકારાત્મક અસરો પડી છે, જેમાં બ્લેકમેલિંગ, ફેક ન્યૂઝ, ઓનલાઇન છેતરપિંડી વગેરેનો સમાવેશ થાય છે. માહિતી અને સંચાર ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ ગોપનીયતાની ચિંતા સર્વોપરી છે. સોશિયલ મીડિયા દ્વારા વ્યક્તિના ખાનગી ડેટાની ચોરી કરીને તેને સેક્સ માર્કેટ બનાવવાના પ્રયાસો આપણી સમક્ષ સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે ગોપનીયતાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવે અને આ સંદર્ભમાં વ્યક્તિ અને સરકારની જવાબદારીઓ અને અધિકારો નક્કી કરવામાં આવે. આ સાથે જ, લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં ઘણી નૈતિક અને માનસિક સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જેમ કે વ્યસનનું વળગણ, Concentration – ધ્યાન કેન્દ્રિત રહેવાની ક્ષમતામાં ઘટાડો, વર્તનમાં નકારાત્મક ફેરફારો અને નગ્નતા અને અશ્લીલતા વિગેરે. આવી સ્થિતિમાં ટેકનોલોજીના મર્યાદિત અને માફકસર ઉપયોગ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
આ સમસ્યાઓ ફક્ત આપણા સમાજને જ ખરાબ રીતે અસર કરતી નથી બલ્કે આપણી બુદ્ધિ, મનોવિજ્ઞાનિક વલણ, નૈતિકતા અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ખતરનાક અસર કરે છે. જેમ જેમ માનવ જીવન ટેકનોલોજી પર વધુ ને વધુ ર્નિભર બની રહ્યું છે, ટેક્નોલોજીની નૈતિકતાની ચર્ચા કરવી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. ઉપરોક્ત સમસ્યાઓને રોકવા અને ટાળવા માટે અસરકારક પગલાં લેવાવા જાેઈએ. સરકારે પણ આ સારૂ કાયદો ઘડવો જોઈએ અને વ્યક્તિ તરીકે આપણે પણ તેનાથી બચવાની ચિંતા કરવી જાેઈએ. પરંતુ સમસ્યા એ છે કે આધુનિકતાએ માનવ સ્વતંત્રતાના જે અનિયંત્રિત સ્ત્રોત આપ્યા છે તેના બે પરિણામો આવ્યા છે, એક તો વ્યક્તિ પોતાની જાતને તમામ પ્રકારના નિયમો અને નૈતિક બંધનોથી મુક્ત માનવા લાગી છે, અને બીજું, ધર્મના બગડેલા સ્વરૂપ છતાં પણ તેના થકી બચી ગયેલ નૈતિક ભાવનાનું પણ ગળું દબાવવામાં આવ્યું. પરિણામે માણસને જે નૈતિક ચિંતા હોવી જોઈએ તે ખૂબ જ નબળી પડી રહી છે. તેથી ફરી એકવાર ધર્મના પ્રકાશમાં માર્ગદર્શનનું કાર્ય પૂરી તાકાતથી કરવાની જરૂર છે.
માણસ એક નૈતિક અસ્તિત્વ છે અને ઇસ્લામે નૈતિક સુરક્ષાના મામલે માણસને માર્ગદર્શન આપ્યું છે. ટેક્નોલોજીના સંદર્ભમાં ઇસ્લામના પ્રકાશમાં લોકોમાં આ નૈતિક ચિંતા પેદા કરવી જરૂરી છે. જો ધ્યાનમાં લેવામાં આવે તો, તે સ્પષ્ટ છે કે ટેક્નોલોજીએ મૂળભૂત રીતે માણસના સમય, નૈતિકતા અને આરોગ્ય (મનોવૈજ્ઞાનિક, માનસિક, આધ્યાત્મિક, શારીરિક)નો ગુણાકાર કર્યો છે. આ ત્રણેયના સંબંધની ઉપેક્ષા કરવામાં છે. દેખીતી રીતે, આ પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે વ્યક્તિ જીવનને એક રમત-ગમતનું જગત માને છે અને જીવન પછી મૃત્યુની કલ્પનાને બાજુ પર મૂકીને બેજવાબદાર અને બેદરકાર જીવન જીવે છે. તેથી, કુઆર્ન આ ઉપેક્ષા માટે માણસને ઠપકો આપતાં જણાવે છેઃ
“તમને લોકોને વધુ ને વધુ અને એકબીજાથી વધીને દુનિયા પ્રાપ્ત કરવાની ધુને ગફલતમાં નાખી રાખ્યા છે, ત્યાં સુધી કે (આ જ ચિંતામાં) તમે કબરોના કિનારા સુધી પહોંચી જાઓ છો.” (સૂરઃ તકાસુર ૧,૨)
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મહત્ત્વની બાબતમાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે તે અન્ય મહત્ત્વપૂર્ણ અને જરૂરી વસ્તુઓની અવગણના કરે છે, ત્યારે આને કુઆર્ન ‘તકાસુર’ કહે છે, અને અનુવાદ પણ તેની સ્પષ્ટતા કરે છે. દરેક વ્યક્તિ માટે પ્રભાવના સ્વરૂપો અલગ અલગ હોઈ શકે છે, કેટલાક માટે તે સંપત્તિ અને જાતીય ઇચ્છાઓ છે અને કેટલાક માટે તે ખ્યાતિ અને પદ વગેરે છે.
અત્રે એમ કહેવું અસ્થાને નહીં હોય કે વર્તમાન યુગમાં ડિજિટલ ઉપકરણો, સાયબર સ્પેસ અને ટેક્નોલોજી તમામ માનવીઓ અને ખાસ કરીને યુવાનો માટે ખૂબ જ પ્રભાવક બની ગયા છે. કુર્આન લોકોને આ જાળથી સાવધ રહેવાની ચેતવણી આપે છે, કારણ કે તમે આ જાળમાં એટલા ફસાઈ ગયા છો કે તમને યાદ નથી રહેતું કે તમે મૃત્યુ પામવાના છો, જેના પછી આ જીવનની પૂછગછ થશે. પરંતુ જ્યાં સુધી તમને ખ્યાલ આવશે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હશે, કારણ કે ત્યાં સુધીમાં તમે કબર સુધી પહોંચી ગયા હશો.
બીજી બાજુ, કુર્આન લોકોને જીવનની ઝડપી ગતિ વિશે ભારપૂર્વક જણાવે છેઃ “કાળના સોગંદ ! મનુષ્ય હકીકતમાં ખોટમાં છે.” (સૂરઃઅસ્ર આયતો – ૧, ૨)
વિવેચકો લખે છે કે અહીં અસ્રમાં સમય પસાર કરવાનો અર્થ પ્રબળતા છે, જે સમયની વીજળીની ગતિ સૂચવે છે. એટલે કે માણસને મળેલી રાહત અને જીવનની ગતિ એટલી ઝડપી છે કે તે માણસના પોતાના નિયંત્રણની બહાર છે. તેની પાસે જે કંઈ પણ છે, તો તેણે તેનો યોગ્ય રીતે અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ કારણ કે દરેક ક્ષણ ભવિષ્યથી વર્તમાનમાં અને વર્તમાનથી ભૂતકાળમાં બદલાતી રહે છે.
હકીકત એ છે કે કુર્આનમાં અન્ય ઘણી જગ્યાએ, જીવનના મહત્ત્વ અને ઉદ્દેશ્ય તરફ અલગ-અલગ રીતે ધ્યાન દોરવામાં આવ્યું છે અને મૃત્યુ અને પરલોકની અવગણનાનું કારણ અને તેના પરિણામોની પણ માહિતી આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ઉપરોક્ત બે આયતોને ધ્યાનમાં લેશે અને આ સિદ્ધાંતને અપનાવશે, તો તે ટેક્નોલોજીના જોખમોનો સરળતાથી સામનો કરી શકશે કારણ કે આ સિદ્ધાંત જ તેને જવાબદાર, વિચારશીલ અને નૈતિક વ્યક્તિ બનાવે છે. •••