સમાજમાં જે પણ વ્યક્તિ સેવાની હક્કદાર હોય તેની સેવા થવી જોઈએ. માણસને માતા-પિતા, બાળ-બચ્ચા અને નિકટના સંબંધીઓ સાથે સ્વભાવિક રીતે જ પ્રેમ હોય છે. એ તેમની સાથે એક વિશેષ હાર્દિક સંબંધ અનુભવે છે. આ જ કારણે તેમની સેવાને પોતાનું નૈતિક કર્તવ્ય સમજે છે, પરંતુ સમાજના અન્ય લોકોની સાથે આ પ્રકારનો ભાવનાત્મક લગાવ તેની અંદર નથી હોતો, આથી તેમની સાથે તેનો વ્યવહાર પણ ભિન્ન હોય છે.
ઇસ્લામ માણસોની વચ્ચે સંબંધોના પ્રકાર, તેમના પદો અને શ્રેણીઓને પૂરી રીતે ધ્યાનમાં રાખે છે, અને તેમના અધિકારોનું નિર્ધારણ પણ કરે છે. ઇસ્લામે એ પણ કહ્યું કે સેવા અને સદ્વ્યવહારના પ્રથમ હક્કદાર કોણ છે?
આની સાથે તેનું શિક્ષણ આ છે કે માણસ માત્ર એ જ વ્યક્તિઓની સેવા કરવાને પોતાનું કર્તવ્ય ન સમજે કે જેમની સાથે તેનો લોહીનો સંબંધ છે, બલ્કે તે એ લોકોની સાથે પણ સદ્વ્યવહાર કરે કે જેમની સાથે તેનો કોઈ રિશ્તો-નાતો નથી. તેની સેવા અને સદ્વ્યવહારનું ક્ષેત્ર તેના ઘર અને પરિવારથી આગળ વધીને સમગ્ર સમાજ સુધી ફેલાઈ જાય. તે સંપૂર્ણ માનવજાતિને પોતાનો પરિવાર સમજીને તેની સેવા માટે ઊભો થઈ જાય. કુઆર્નની સૂરઃ નિસાની એક આયત ખૂબ જ સંક્ષિપ્ત રૂપે જણાવે છે કે એ કોણ લોકો છે કે જેઓ સેવા અને સદ્વ્યવહારના હક્કદાર છે. એ આયત આ છેઃ
“અને તમે સૌ અલ્લાહની બંદગી કરો, તેના સાથે કોઈને ભાગીદાર ન બનાવો, માતા-પિતા સાથે સારો વ્યવહાર કરો, સગા-સંબંધીઓ અને અનાથો અને જરૂરતમંદ લોકો સાથે સદ્વર્તન દાખવો, અને પાડોશી સગા સાથે, અજાણ્યા પાડોશી સાથે, સાથે બેસનારા સંગાથીઓ અને મુસાફરો સાથે, અને તે દાસ-દાસીઓ સાથે જેઓ તમારા કબજામાં હોય ભલાઈનું વર્તન દાખવો, વિશ્વાસ રાખો કે અલ્લાહ કોઈ એવા માણસને પસંદ નથી કરતો જે પોતાના અહંકારમાં ગળાડૂબ હોય અને પોતાની મોટાઈનું ઘમંડ કરે.” (૪:૩૬)
આ આયતમાં જો કે સમાજના એક સમગ્ર અશક્ત અને વંચિત વર્ગોનો ઉલ્લેખ નથી કે જેમની સેવા કરવાની કુઆર્ન તાકીદ કરે છે, પરંતુ આનાથી તેના સહાનુભૂતિપૂર્ણ તથા પ્રેમથી ભરેલા વ્યવહારને સમજવામાં મદદ મળે છે. અહીં આપણે આ આયતની સંક્ષિપ્ત વ્યાખ્યા કરીશું. પરંતુ આ પહેલાં આ વાત સ્પષ્ટ કરી દેવી ઉચિત રહેશે કે કુઆર્ને “સેવા” માટે “અહેસાન”ના પારિભાષિક શબ્દનો ઉપયોગ કર્યો છે.
આ ખૂબ જ વ્યાપક શબ્દ છે કે જે સેવાના તમામ પાસાઓ પર પ્રભુત્વ ધરાવે છે. આમાં સાંત્વના, સહાનુભૂતિ, પ્રેમ, આવશ્યકતાઓ પૂરી કરવી તથા કોઈને તેના હક્કથી વધુ આપવું વિગેરે બધું જ આવી જાય છે.
કુઆર્નમાં તમામ મનુષ્યો સાથે સદ્વર્તન કરવાની હિદાયત (સૂચના, માર્ગદર્શન) કરવામાં આવી છે. આ અંગે સૌ પ્રથમ માતા-પિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
માતા-પિતાની સેવાનું શિક્ષણ વિશ્વના દરેક ધર્મે આપ્યું છે. કુર્આનમાં એક-બે નહીં બલ્કે અનેક સ્થળોએ માતા-પિતાની સાથે સદ્વર્તનનો આદેશ આપવામાં આવ્યો છે. માણસનું અસ્તિત્વ, તેનો જન્મ, ભરણ-પોષણ, દેખભાળ, શિક્ષણ-પ્રશિક્ષણ તથા તેના આર્થિક તથા નૈતિક વિકાસમાં માતા-પિતા સૌથી વધુ ભાગીદાર કે સહભાગી હોય છે. જો તેઓ ધ્યાન ન આપે તો એ પ્રગતિ-ઉન્નતિ નથી કરી શકતો, બલ્કે તેનું અસ્તિત્વ જ ભયમાં મુકાઈ શકે છે. અશિક્ષિતથી અશિક્ષિત અને ગરીબ માતા-પિતા પણ સંતાન માટે જે કુર્બાની આપે છે, માનવ-સમાજમાં તેનું કોઈ બીજું ઉદાહરણ આપી શકાય તેમ નથી. કુર્આન અલ્લાહ પ્રત્યે કૃતજ્ઞતા દાખવવાની પણ હિદાયત (સૂચના, માર્ગદર્શન) આપેલ છે.
“મારો આભાર માન અને પોતાના માતા-પિતા પ્રત્યે આભાર વ્યક્ત કર, મારા જ તરફ તને પાછા ફરવાનું છે.” (૩૧: ૧૪)
કુર્આને વિશેષ રૂપે ઘડપણમાં માતા-પિતાની સાથે સારો વ્યવહાર કે સદ્વર્તન કરવાની તાકીદ કરી છેઃ
“જો તમારા પાસે તેમનામાંથી કોઈ એક, અથવા બંને, વૃદ્ધ થઈને રહે તો તેમને ઊંહકારો પણ ન કહો, ન તો તેમને ધુત્કારીને જવાબ આપો, બલ્કે તેમના સાથે આદરપૂર્વક વાત કરો, અને નમ્રતા અને મહેરબાની સાથે તેમના સામે નમીને રહો અને આ દુઆ કર્યા કરો કે, ‘‘પાલનહાર ! આમના ઉપર દયા કર જે રીતે તેમણે મમતા અને સ્નેહપૂર્વક મને બાળપણમાં ઉછેર્યો હતો.” (૧૭:૨૩,૨૪)
કુઆર્ન માતા-પિતાના તુરંત પછી રિશ્તેદારોનો ઉલ્લેખ કર્યો છે. આમાં આ વાતની તરફ સંકેત છે કે માતા-પિતા પછી સૌથી વધુ હક્ક રિશ્તેદારો (સગાઓ)નો છે. માતા-પિતાથી જ રિશ્તેદારો (સગાઓ)ની રિશ્તેદારી (સગપણ) જન્મે છે. આથી આધાર તો એ જ છે, પછી જે વ્યક્તિ તેમનાથી જેટલી સમીપનો સગો (સગપણ) છે, તેનો હક્ક પણ એટલો જ વધી જાય છે. સગાઓ સાથે સદ્વર્તન ‘સિલા-રહમી’ (લોહીના સગાઓને જોડેલા રાખવા અને પ્રેમ કરવો) છે. કુર્આને આની ખૂબ જ તાકીદ કરી છે. એક જગ્યાએ અલ્લાહના પ્રિયજનોની વિશેષતાઓ આ રીતે વર્ણવવામાં આવી છેઃ
“તેમનું વર્તન એ હોય છે કે અલ્લાહે જે-જે સંબંધો જાળવી રાખવાનો હુકમ આપ્યો છે, તેને જાળવી રાખે છે, પોતાના રબથી ડરે છે અને એ વાતનો ડર રાખે છે કે ક્યાંક તેમના પાસેથી ખરાબ રીતે હિસાબ લેવામાં ન આવે.” (૧૩:૨૧)
સગાઓ સાથે સદ્વર્તનથી સમગ્ર સામાજિક જીવન આનંદમય બની જાય છે. જ્યાં આ ખૂબી ન હોય ત્યાં સામાજિકતામાં બગાડ આવી જાય છે. આ જ કારણે સગાઓ સાથે સદ્વર્તનનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે.
આ એક વાસ્તવિકતા છે. મનુષ્ય પોતાના સગાઓ સાથે સ્વાભાવિક રીતે જ નિકટતા અનુભવે છે. આની જ સાથે આ પણ એક વાસ્તવિકતા છે કે કેટલાક સગપણ (સંબંધો)માં કોમળતા જોવા મળે છે. સાધારણ જેવી ઘટનાઓથી વૈમનસ્ય પેદા થઈ જાય છે, અને સંબંધો બગડવા લાગે છે. હદીસમાં કહેવામાં આવ્યું છે કે આ સંબંધોને બગડવા દેવામાં ન આવે, અને તેમને ટકાવી રાખવાના શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવે. સદ્વર્તન આની એક બહેતર રીત છે.
માતા-પિતા અને રિશ્તેદારો (સગાઓ)નો હક્ક સૌથી ઉપર છે. તેમની સાથે સદ્વર્તનનો આદેશ આપ્યા બાદ સમાજના અન્ય મોહતાજો, જરૂરતમંદો,વંચિતો અને કમજાેરો સાથે સદ્વર્તનનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે સૌ પ્રથમ અનાથો અને મોહતાજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેઓ સમાજનો સૌથી કમજોર વર્ગ હોય છે. કુર્આનમાં છેઃ
“અને અનાથો અને જરૂરતમંદ લોકો સાથે સદ્વર્તન દાખવોઃ” (૪:૩૬)
કુર્આન તથા હદીસમાં અનાથોના ભરણ-પોષણ, દેખભાળ, શિક્ષણ-પ્રશિક્ષણ, તેમની સંપત્તિનું રક્ષણ અને તેમના અધિકારોના પાલન પર વારંવાર ધ્યાન આપવામાં આવ્યું છે. અનાથ પોતાની કમજોરી અને અણસમજના કારણે પોતાના ‘જાઇઝ’ (વૈધ, ઉચિત) અધિકારોનું પણ રક્ષણ નથી કરી શકતો. તેના અધિકારોને ઝૂંટવાનું દરેક માટે સરળ હોય છે. કુર્આને આવા લોકોને કડક સજાની ધમકી આપી છે:
“જે લોકો અન્યાયપૂર્વક અનાથોનો માલ ખાય છે, હકીકતમાં તેઓ પોતાના પેટ આગથી ભરે છે, અને તેઓ ચોક્કસ જહન્નમ (નર્ક)ની ભડકે બળતી આગમાં ઝોકવામાં આવશે.” (૪:૧૦)
અનાથોની સાથે મોહતાજોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. મોહતાજોથી અભિપ્રેત એ લોકો છે કે જેઓ શારીરિક સમર્થતા અને આર્થિક પરેશાનીઓના લીધે પોતાની બુનિયાદી આવશ્યકતાઓ પૂરી કરવામાં અસમર્થ છે. કુર્આન તથા હદીસમાં દરિદ્રો અને મોહતાજો સાથે સદ્વર્તન તથા તેમના નૈતિક અને કાનૂની અધિકારોનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક જગ્યાએ આદેશ છેઃ
“તો (હે ઈમાનવાળા !) રિશ્તેદારને તેનો હક્ક આપ અને ગરીબ અને મુસાફરને (તેનો હક્ક). આ પદ્ધતિ વધુ સારી છે તે લોકો માટે જેઓ અલ્લાહની પ્રસન્નતા ઇચ્છતા હોય, અને તેઓ જ સફળતા પામવાના છે.” (૩૦:૩૮)
માણસ જે લોકોની વચ્ચે રહે છે અને જે તેના પાડોશી છે અને જેમનાથી તે પોતાના સામાજિક અને આર્થિક જીવનમાં બિલકુલ અલગ નથી રહી શકતા તેમના અધિકાર સ્પષ્ટ છે જે એ લોકોથી વધુ છે જેમનાથી તેનો આ પ્રકારનો સંબંધ નથી હોતો. અહીં પાડોશીઓના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. એક એ કે જે પાડોશી હોવાની સાથે રિશ્તેદાર પણ છે. બીજો એ કે જે ફકત પાડોશી છે અને ત્રીજાે એ કે જેનો સંજાેગવશાત્ અથવા ક્યારેક ક્યારેક સાથ-સંગાથ થઈ જાય છે, જેમ કે પ્રવાસ-મુસાફરીમાં, કાર્યાલયમાં, શાળા અને કેલોજમાં, કારખાના તથા ફેકટરીમાં, વ્યાપાર તથા કારોબારમાં જે લોકો સાથે આ પ્રકારનો સાથ-સંગાથ હોય તેઓ પણ એક પ્રકારના પાડોશી છે.
પાડોશીઓ સાથે સદ્વર્તનના મહત્ત્વનો સંસારના તમામ ધર્મોમાં ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ ઇસ્લામે પાડોશીઓ સાથે ફકત સદ્વર્તનનું જ શિક્ષણ નથી આપ્યું, બલ્કે પાડોશી હોવાનો એટલો વ્યાપક વિચાર આપ્યો કે સમગ્ર વિશ્વમાં આનું કોઈ ઉદાહરણ નથી મળતું. તેણે કહ્યું કે માણસની સાથે કોઈ પણ પ્રકારનો થોડી-ઘણી વાર માટે પણ સાથ-સંગાથ થઈ જાય તો તેનો હક્ક થઈ જાય છે. જો આ સંપર્ક સ્થાયી હોય તો તેનો હક્ક પણ બહુ વધારે થઈ જાય છે. કુર્આન કહે છેઃ
“અને પાડોશી સગા સાથે, અજાણ્યા પાડોશી સાથે, સાથે બેસનારા સંગાથીઓ સાથે સદ્વર્તન કરો.” (૪:૩૬)
આની સાથે જ મુસાફરોનું વર્ણન છે. અજાણ્યા અને મુસાફરોની સેવાને હંમેશ પુણ્ય-સવાબનું કામ સમજવામાં આવ્યું છે. કારોબાર તથા અન્ય આવશ્કતાઓ માટે દોડભાગમાં તકલીફોનો સામનો કરવો એક સામાન્ય જેવી વાત છે. જો મુસાફરી વિદેશની હોય તો વ્યક્તિ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ કેટલીક અન્ય પ્રકારની પરેશાનીઓમાં ઘેરાઈ શકે છે. આ પાસાથી જોવામાં આવે તો આજના યુગમાં મુસાફરીની સમસ્યાઓ પહેલાં કરતાં વધુ વિસ્તૃત તથા જટિલ થઈ ગઈ છે. ઇસ્લામ સમગ્ર સમાજની આ જવાબદારી ઠેરવે છે કે આવા તમામ અવસરોએ મુસાફર સાથે સારામાં સારૂં વર્તન-વ્યવહાર કરે કે જેથી તે પોતાને અપરિચિત મહેસૂસ ન કરે, અને જે ઉદ્દેશ્ય માટે તેણે પોતાના ઘરબાર અને દેશ છોડ્યા છે મુસાફરીની તકલીફોના કારણે એ પૂરૂં થવાથી રહી ન જાય.
એક વાત નોંધવાલાયક આ છે કે આ જ માતા-પિતા, રિશ્તેદારો, દરિદ્રો, મોહતાજો અને સમાજની અન્ય કમજાેર વ્યક્તિઓ તથા વિવિધ વર્ગોની સાથે સારામાં સારૂં વર્તન-વ્યવહાર કરવાનું શિક્ષણ આપવામાં આવ્યું છે. ઇસ્લામે આ સૌના અધિકારો નિર્ધારિત કર્યા છે અને તેને કાનૂની સુરક્ષા આપી છે. જેથી કોઈ વ્યક્તિ કોઈ કમજોર પર અત્યાચાર ન કરી શકે અને કોઈ હક્કદાર પોતાના હક્કો મેળવવા વંચિત ન રહે. •••