ઇસ્લામના ખિલાફતકાળમાં ઈ.સ. ૭૮૬ થી ૮૦૯ સુધીનો ૨૪ વર્ષનો સમયગાળો અબ્બાસી ખલીફા હારૂન અલ રશીદનો હતો. ઇતિહાસમાં જેમનો ઉલ્લેખ સન્માન સાથે થયો છે. તેઓ બગદાદથી સમગ્ર ઇસ્લામી રાજ્ય પર પોતાનું શાસન કરતા હતા. અહીં તેમના શાસનકાળના બે પ્રસંગોનો ઉલ્લેખ છે.
ખલીફા હારૂન રશીદ બગદાદની મસ્જિદમાં જુમ્આનું પ્રવચન આપી રહ્યા છે. લોકો શાંતિથી સાંભળી રહ્યા છે. એક વ્યક્તિ ઊભી થઈને જોરથી ચીસ પાડીને કહે છે :
“ખુદાની કસમ તમે ન તો માલ-સંપત્તિની યોગ્ય વહેંચણી કરી છે, ન ન્યાય અને ઇન્સાફથી કામ લીધું છે. તમારૂં દામન બૂરાઈઓથી જર્જરિત છે.
હારૂન ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. બધા લોકો કાંપી ઊઠે છે. “આને પકડી લો.” તે સુરક્ષા ગાર્ડોને હુકમ આપે છે. હુકમનું તરત જ પાલન કરવામાં આવે છે. સત્ય વાત ઉચ્ચારવાના ગુનામાં અપરાધીને પકડી લેવામાં આવે છે.
નમાઝ પછી અપરાધીને ખલીફા સમક્ષ રજૂ કરવામાં આવે છે. “ઇમામ સાહેબને બોલાવો” હારૂન એક કર્મચારીને કહે છે. થોડીવારમાં અબ્બાસી રાજ્યના ચીફ જસ્ટીસ ઇમામ અબૂ યૂસુફ (ઇમામ અબૂ હનીફા રહ.ના શાગિર્દ જન્મ ૧૧૩ હિ. વફાત ૧૮૨ હિ.) આવે છે. તેઓ એક નજર સમગ્ર શ્રોતાઓ પર નાંખે છે. અપરાધી બે કમાનો વચ્ચે ઊભો છે. તેના પાછળ બે જલ્લાદ કોરડા લઈને હુકમનો ઇન્તેજાર કરી રહ્યા છે. “આ વ્યક્તિએ મારા સાથે એવી અપમાનજનક વાતો કરી છે કે આ પહેલાં કોઈએ આવી હિંમત નથી કરી.” હારૂન રશીદ ગુસ્સામાં ઇમામ અબૂ યૂસુફ રહ.ને કહે છે. “આ ગુસ્તાખની શું સજા હોઈ શકે છે ?” ઇમામ સમગ્ર બનાવ વિષે જાણકારી મેળવે છે અને પછી ધીમા અવાજથી કહે છે :
“અમીરુલ મુઅમિનીન ! હે મુસલમાનોના અમીર ! એક વખત અલ્લાહના રસૂલ સ.અ.વ. રાજકોષનો માલ લોકોને વહેંચી રહ્યા હતા કે એક બદ્દુ (ગામડિયો) ઊભો થયો અને કહેવા લાગ્યો, “આ વહેંચણી અલ્લાહની મરજી વિરુદ્ધ છે. આપે ન્યાયપૂર્વક કામ નથી કર્યું.” અમીરુલ મુઅમિનીન ! આ ખૂબ જ સખત વાત હતી અને અલ્લાહના રસૂલ સ.અ.વ. વિષે કહેવાઈ રહી હતી. પરંતુ તેમ છતાં અલ્લાહના રસૂલ સ.અ.વ.એ કહેનારને માફ કરી દીધો. માત્ર એટલી જ વાત ફરમાવી કે : “જો હું ન્યાય નહીં કરૂં તો પછી કોણ કરશે?”
અમીરુલ મુઅમિનીન ! એક વાર હઝરત ઝુબૈર રદિ. અને એક અન્સારીએ અલ્લાહના રસૂલ સ.અ.વ. સામે એક મામલો રજૂ કર્યો. આપ સ.અ.વ.એ હઝરત ઝુબૈર રદિ.ના હકમાં ચુકાદો આપ્યો. અન્સારીએ ગુસ્સામાં કહી દીધું કે પોતાના ફઈના દીકરાના પક્ષમાં ચુકાદો આપી દીધો. પરંતુ અલ્લાહના રસૂલ સ.અ.વ.એ આ ગુસ્તાખીને માફ કરી દીધી અને તે વ્યક્તિને કંઈ જ ન કહ્યું.”
ઇમામ અબૂ યૂસુફ રહ. અલ્લાહના રસૂલ સ.અ.વ.ના ચરિત્ર અને વર્તનનો ઉલ્લેખ કરી રહ્યા છે અને ખલીફા હારૂનના ચહેરાનો રંગ બદલાતો જાય છે. ધીરે ધીરે તેનો ગુસ્સો ઠંડો થઈ જાય છે અને તે સત્ય કહેનાર વ્યક્તિને છોડી મૂકવાનો હુકમ આપે છે. ચીફ જસ્ટીસ ઇમામ અબૂ યૂસુફ રહ.ની હિંમત અને ન્યાય એક નિર્દોષની જાન બચાવી લે છે.
એક બીજું દૃશ્ય જોવાલાયક છે:
મુખ્ય અદાલતનો ઇજલાસ ચાલી રહ્યો છે. ઇમામ અબૂ યૂસુફ રહ. મુકદ્દમા સાંભળી રહ્યા છે. ખલીફા હારૂન રશીદનો એક કેસ પણ સુનાવણીમાં છે. તેની સુનાવણી શરૂ થાય છે તો હારૂનનો ખાસ પ્રધાન ફઝલ બિન રબીઅ સાક્ષીની હૈસિયતથી રજૂ થાય છે. ઇમામ અબૂ યૂસુફ રહ. તેની સાક્ષી લેવાથી ઇન્કાર કરે છે. ફઝલનો ચહેરો ગુસ્સાથી તમતમી ઊઠે છે. આંખોમાંથી ચિંગારીઓ ફૂટે છે. અને તે બબડાટ કરતો અદાલતથી બહાર નીકળી જાય છે. સીધો હારૂનના પાસે પહોંચે છે અને ઇમામની ફરિયાદ કરે છે : “અબૂ યૂસુફે મારી સાક્ષી રદબાતલ કરીને ભરેલી અદાલતમાં આપનું અપમાન કર્યું છે. “હારૂન રશીદ ફઝલની વાતથી ભડકી ઊઠે છે અને ઈમામ અબૂ યૂસુફ રહ.ને બોલાવે છે. ઇમામ સાહેબ અદાલતનું કામ પૂરૂં કરીને હાજર થાય છે. હારૂન ગુસ્સામાં પૂછે છે : “આપે ફઝલની સાક્ષી કેમ રદબાતલ કરી દીધી?”
અમીરુલ મોઅમિનીન ! એક વાર મેં સાંભળ્યું હતું કે તે તમારાથી કહી રહ્યો હતો કે “હું તમારો ગુલામ છું.” જો તે પોતાની વાતમાં સાચો છે તો ગુલામની સાક્ષી પોતાના માલિકના હકમાં ભરોસાપાત્ર ગણાતી નથી. અને જો તે પોતાની વાતમાં જૂઠો છે તો પણ જૂઠાની સાક્ષી સ્વીકારવામાં આવતી નથી. જે વ્યક્તિ આપની મજલિસમાં ખુલ્લેઆમ જૂઠ બોલે છે તે મારી અદાલતમા પોતાના જૂઠથી કેવી રીતે દૂર રહેશે ?”
ઇમામના સ્વરમાં જે આત્મશ્રદ્ધા અને હિંમત હતી અને જે દર્દ હતું તેણે હારૂન રશીદને શરમિંદો કરી નાખ્યો. તેનો ગુસ્સો તો તરત જ ઊડી ગયો પણ તે લજ્જિત થઈને આપને આવવાની તકલીફ આપવા બદલ માફી માંગવા લાગ્યો. આ તો મુખ્યપ્રધાનની સાક્ષીનો મામલો છે પણ ઇમામની હિંમત અને સત્ય વાત પર કોઈ પણ ડર વગર અડગ રહેવાની સ્થિતિ એ છે કે સમયના ખલીફા સુદ્ધાંને ઇન્સાફની કસોટી પર પારખવાની પ્રક્રિયાથી બાકાત રાખવામાં નથી આવતા. હકદારને તેનો હક અપાવવા માટે અત્યંત સખત વર્તન દાખવવું પડે તો પણ પાછીપાની નથી કરતા.
આવા ન્યાયપ્રિય અને સંનિષ્ઠ ન્યાયાધીશો જ ગમે તેવા બાદશાહો અને મનમાની કરતા સરમુખ્તયાર શાસકોને પણ ન્યાયના સામે નમી જવા મજબૂર કરી શકે છે. આજે પણ ક્યાંક ક્યાંક આ પ્રકારના ન્યાયના ચમકારા આપણા દેશ સુદ્ધામાં જાેવા મળે છે, જે લોકો માટે સુખદ બાબત નીવડે છે અને લોકો રાહત અનુભવે છે. •••