કેટલાક મહિનાઓ પહેલાં દેશના એક પ્રતિષ્ઠિત અંગ્રેજી દૈનિક સમાચાર પત્ર “ધી હિંદુ”માં એક અહેવાલ પ્રકાશિત થયો કે આપણા દેશની રાજધાની દિલ્હીમાં દર વર્ષે લગભગ ૪૫૦ હત્યાઓ થાય છે. આમાંથી લગભગ ૨૦ ટકા હત્યાઓ સડકો પર નાની-નાની વાતો પર ઉગ્ર થવાના કારણે હિંસક થઈ જવાના પરિણામરૂપે થાય છે.
કોઈ રિક્ષાવાળાએ જગ્યા ન આપી, પાર્કિંગ દરમ્યાન વિવાદ સર્જાયો, નાનું વાહન મોટા વાહન સાથે અથડાયું. આ પ્રકારની નાની નાની ઘટનાઓ પર લોકો ઉશ્કેરાઈ જાય છે અને તરત જ હુમલા કરી દે છે, જેના પરિણામે આ હત્યાઓ થઈ જાય છે.
શું માનવ-પ્રાણ આટલા સસ્તા છે? માનવ-પ્રાણના સન્માનને કચડવામાં આવી રહ્યું છે. સ્થિતિ આ છે કે લગભગ બધા જ સમુદાયના લોકો અસંવેદનશીલતાના ભોગ બનેલા છે. કોઈના હૃદયમાં પીડા નથી થતી. બહુ જ ઓછા એવા સારા લોકો હશે કે જેઓ ફેસબુક વોલ પર કંઈક લખી દે છે, નહિંતર અસંવેદનશીલતાની સ્થિતિ આ છે કે જ્યારે લોકોની હત્યાઓ થઈ જાય છે તો સન્નાટો છવાયેલો હોય છે.
વર્ષ ૨૦૧૯માં બાંગ્લાદેશમાં કોલેજના એક વિદ્યાર્થીએ પોતાની સરકારની ખોટી નીતિ વિષે પોતાની ફેસબુક વોલ પર કંઈક લખ્યું. આના પછી ૨૫ છોકરાઓએ મળીને હોકી અને દંડાઓથી તેને એટલો માર્યો કે તેની મોત થઈ ગયું. ગયા વર્ષે આ સમાચાર આવ્યા હતા કે ત્યાંની કોર્ટે એ ૨૫માંથી ૫ લોકોને આજીવન કારાવસની અને ૨૦ લોકોને મૃત્યુ દંડની સજા સંભળાવી. આ ખૂબ જ સંતોષકારક પાસું છે. આપણા સામાજિક તથા ન્યાયિક મૂલ્યો આપણને કોઈની હત્યાની પરવાનગી ક્યારેય નથી આપતા. ધાર્મિક શિક્ષણમાં પણ આ વાત બતાવવામાં આવી છે કે હત્યા એક ઘણો મોટો અપરાધ છે. બાઇબલ અને તૌરાતમાં પણ આ કહેવામાં આવ્યું છે કે – “તમે હત્યા નઈ કરો” ઈશ્વર દ્વારા ૧૦ નિર્દેશોનો શિલાલેખ હઝરત મૂસા અ.સ.ને આપવામાં આવ્યો હતો, તેમાંથી એક કાયદો આ પણ હતો કે કોઈ કોઈની હત્યા નહીં કરે. “જેણે કોઈ એક વ્યક્તિની પણ હત્યા કરી, તેને મૃત્યુ-દંડ આપવામાં આવશે.” આ તૌરાતનું શિક્ષણ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મના શિક્ષણમાં પણ હત્યાને એક મોટું પાપ અને અપરાધ માનવામાં આવેલ છે, પરંતુ આપણે જોઈએ છીએ કે આ ક્રૂર અને ઘાતકી અપરાધમાં બધા જ સામેલ છે.
કુર્આનમાં કહેવામાં આવ્યું છેઃ “જેણે કોઈ વ્યક્તિના ખૂનના બદલે કે ધરતી પર બગાડ ફેલાવવા સિવાય કોઈ અન્ય કારણસર હત્યા કરી, તેણે જાણે કે સમગ્ર માનવજાતની હત્યા કરી.” (સૂરઃ માઇદહ, આયત-૩૨)
માનવ-પ્રાણના સન્માનને કચડવું ન જોઈએ. આ સમાજ અને સરકારની જવાબદારી છે કે જો આવું બને તો એ માર્ગને બંધ કરવો જોઈએ. આ સરકારની જવાબદારી છે કે એ ન્યાયિક પ્રક્રિયા દ્વારા હત્યારાને શોધી કાઢે અને અપરાધ પુરવાર થયા પછી તેને સજા આપે. દરેક યુગમાં સરકારોની આ જવાબદારી રહી છે અને આપણું કર્તવ્ય છે કે આપણે સરકારોને તેમની જવાબદારી યાદ દેવડાવતા રહીએ. કુઆર્ન આપણને જણાવે છે કે આ તમામ માનવોની જવાબદારી છે કે જો કોઈ હત્યા થાય છે તો પીડિત પરિવારના લોકોની મદદ થવી જોઈએ અને હત્યાના ગંભીર માર્ગને અટકાવવો જોઈએ. આ એક બહુ મોટો અપરાધ છે, કુર્આને આપણને જણાવ્યુઃ
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! તમારા માટે હત્યાના ખટલાઓમાં કિસાસનો હુકમ લખી દેવામાં આવ્યો છે. આઝાદ (ગુલામ ન હોય તે) મનુષ્યે હત્યા કરી હોય તો તે આઝાદ મનુષ્યથી જ બદલો લેવામાં આવે, ગુલામ હત્યારો હોય તો તે ગુલામની જ હત્યા કરવામાં આવે, અને સ્ત્રી આ ગુનાનું આચરણ કરી બેસે તો તે સ્ત્રી પાસેથી જ કિસાસ લેવામાં આવે. હા, જો કોઈ હત્યારાની સાથે તેનો ભાઈ કંઈક નરમી કરવા માટે તૈયાર હોય, તો સામાન્ય નિયમ પ્રમાણે ‘ખૂંબહા’ (હત્યાનું નાણાકીય વળતર, Blood Money)નો પરસ્પર સમજીને ર્નિણય કરવો જોઈએ અને હત્યારા માટે અનિવાર્ય છે કે પ્રમાણિકતાપૂર્વક ‘ખૂંબહા’ અદા કરે. આ તમારા રબ તરફથી છૂટછાટ અને મહેરબાની છે. આમ છતાં પણ જો કોઈ અતિરેક કરે, તો તેના માટે પીડાકારી સજા છે. બુદ્ધિ અને સમજબૂઝ રાખનારાઓ ! તમારા માટે કિસાસમાં જીવન છે. આશા છે કે તમે આ કાયદાના ભંગથી બચશો. (સૂરઃબકરહ, આયતો-૧૭૮-૧૭૯)
કુર્આનની આ દંડ સંહિતામાં જીવન છે, શાંતિ છે. જો કોઈએ હત્યા કરી અથવા સમાજમાં બગાડ ફેલાવ્યો તો કાનૂની પ્રક્રિયા હેઠળ તેને સજા આપવામાં આવશે. કેટલાક દેશોમાં ડ્રગ પેડલર (માદક પદાર્થોનો વેપાર કરનારાઓ)ને મૃત્યુ દંડની સજાનો કાયદો છે. આ કાયદા ઘડતરનો મામલો છે. વાત ખરેખર આ છે કે હત્યારાને સજા આપવામાં આવે અને આ સજામાં અતિરેકથી બચવું જોઈએ. જેટલો કસૂર હોય તેટલી સજા આપવામાં આવે.
જે માણસે હત્યા કરી હોય ફકત તેને જ દંડ ફટકારવામાં આવશે. તેના સમગ્ર પરિવાર અથવા સમાજને આ દંડનો ભાગીદાર બનાવવામાં નહીં આવે. કુર્આને કહ્યું કે પીડિત પરિવારની મદદ અવશ્ય કરવી જોઈએ. ઇસ્લામમાં કિસાસ (બદલા)નો જે કાયદો છે એ તર્ક અને બુદ્ધિ આધારિત છે. માણસ જ્યારે ઊંડાણપૂર્વક વિચારશે તો જણાશે કે જે માણસે એક હત્યા કરી, તેણે એક કાયદાની હત્યા કરી. તેણે એક કાયદાનું લોહી વહેવડાવ્યું. જ્યારે એ કાયદાનો પ્રભાવ અને એ કાયદાની બીક સમાપ્ત થઈ જાય છે તો તેના પરિણામે બીજી હત્યા સરળ થઈ જાય છે, અને ત્રીજી હત્યા થઈ તો ચોથી હત્યા સરળ હોય છે. આ કાર્ય સરકારનું છે કે ન્યાયિક પ્રક્રિયા દ્વારા ન્યાયપ્રણાલી હેઠળ હત્યારાને શોધવામાં આવે અને ગુનો સાબિત થાય તે બાદ તેને સજા આપે.
કોઈ હિંદુ, મુસલમાન અથવા કોઈ પણ અન્ય ધર્મને માનનારો જો પોતાના ધર્મના શિક્ષણ પર અમલ નથી કરતો તો પછી માનવતાના સ્તરથી નિમ્ન સ્તરે પહોંચીને જાનવર બની જાય છે. આના કારણો પર જો વિચાર કરવામાં આવે તો આપણે જોઈએ છીએ કે આજે સમગ્ર વિશ્વમાં નફરતનું રાજકારણ વિકસી રહ્યું છે. સૌથી પહેલી વાત તો આ છે કે રાજકારણીઓ નફરત તથા પક્ષપાતનું રાજકારણ રમે છે, જેના પરિણામે લોકોને એકબીજાની વિરુદ્ધ ઉશ્કેરવામાં આવે છે.
બીજી વાત આ છે કે ધાર્મિક નેતાઓ-અગ્રણીઓનું આ કામ હતું કે લોકોને શરાફત અને માનવતા શીખવાડતા લોકોને ધૈર્ય તથા માનવ-પ્રાણનું સન્માન કરવાનું શીખવતા. તમામ ધર્મના ધાર્મિક નેતા-અગ્રણીઓની આ જવાબદારી બને છે કે પોતાના ધાર્મિક શિક્ષણના હવાલાથી લોકોને એકબીજાની જાનમાલનું સન્માન કરવાનું શીખવાડતા, પરંતુ ધાર્મિક વર્ગો જો પોતે જ પક્ષપાતી આગ ભડકાવવાનું શરૂ કરી દે, તો પછી એ આગમાં વ્હેલા કે મોડા બધા જ બળીને રહેશે.
ત્રીજા ક્રમે આવે છે આપણું ફિલ્મ-જગત. છેલ્લા ૩૦-૪૦ વર્ષોની ફિલ્મોમાં તમે જુઓ કે ફિલ્મનો જે નાયક (હીરો) હોય છે, તેનો કોઈએ પણ સ્હેજ પણ વિરોધ કર્યો તો ખૂબ જ સહેલાઈથી જોત-જોતામાં ડઝનબંધ લાશો તે પાડી દે છે, અને કોઈ આના વિષે ચર્ચા પણ નથી કરતું. આ અંગે કેટલાક શોધ પેપર્સ મૌજૂદ છે. આ એક ગંભીર બાબત છે કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કોઈએ ધ્યાન નથી આપ્યું.અને આના જે પ્રભાવ આપણી યુવા પીઢી ઉપર પડી રહ્યા છે તેને ગંભીરતાથી લેવામાં નથી આવ્યા. ભલે ફિલ્મ પડદા ઉપર જ હોય, હિંસા તથા માર-કાપને જે રીતે બતાવવામાં આવે છે તેનાથી આ સંદેશ ફેલાય છે કે માનવ-પ્રાણ સસ્તા છે. આ દિશામાં આપણે કામ કરવાની જરૂર છે. ભણવા-લખવા અને સંશોધન કરનારા જે લોકો છે તેમની પણ આ જવાબદારી બને છે કે તેઓ આપણી ફિલ્મોની સમીક્ષા કરીને આ જણાવે કે આના પરિણામે હિંસાને કેવી રીતે પ્રોત્સાહન મળે છે, અને આને કેવી રીતે અટકાવવી જોઈએ? આને અટકાવવા માટે કેવા પ્રકારના કાયદાઓની જરૂરત છે?
ચોથી અને મહત્ત્વની વાત આ છે કે ઘરોમાં આપણા બાળકો જે વીડિયો ગેમ રમે છે, તેમાં પણ હિંસા હોય છે. બાળકોને ખૂબ જ શોખ હોય છે કે અડધા કલાકની ગેમમાં વધુથી વધુ લાશો પાડવામાં આવે. સમગ્ર સ્કોર સ્ક્રીન પર આવતો રહે છે.
પાંચમી તથા અંતિમ વાત આ છે કે સ્વયં આપણા ઘરોનું શિક્ષણ ખરાબ થઈ ગયું છે. ઘરોમાં આ શીખવાડવામાં નથી આવતું કે મતભેદોને સહન કરવા જોઈએ. કોઈને પણ ઘૃણા કે નફરતની દૃષ્ટિએ જોવું ન જોઈએ. ધર્મ કે કોઈ અન્ય આધારે આપણે કોઈની સાથે પક્ષપાતપૂર્ણ વલણ નથી અપનાવી શકતા. દરેક માનવી સાથે સન્માનજનક વ્યવહાર કરવો જોઈએ. ધર્મના આધારે કોઈની સાથે ભેદભાવ કરવો ન જોઈએ. ઘરોમાં આ પ્રકારનું શિક્ષણ સમાપ્ત થઈ ચૂક્યું છે. ઘરોમાં આપણું શિક્ષણ આ છે કે આપણે પોતાના બાળકોમાં બીજા ધર્મો અને સમુદાયોના લોકો વિષે ખોટી વાતો બેસાડી દઈએ છીએ અને મોટા થયા પછી બીજા ધર્મના લોકો સાથે જ્યારે તેમનો સામનો થાય છે તો ગુસ્સો ભડકી ઊઠે છે. આ બધી આપણા ઘરોના શિક્ષણની ખરાબીઓ છે. આને સુધારવા આ દિશામાં કામ કરવાની જરૂરત છે. ઘરોના વાતાવરણ અને બાળકોના શિક્ષણને દુરસ્ત કરવાની આવશ્યકતા છે.
આવશ્યકતા આ વાતની પણ છે કે આપણે પોતાની શિક્ષણ-વ્યવસ્થામાં નૈતિકતા તથા માનવતાને સામેલ કરીએ. એક માનવીને ફકત માનવીની હેસિયતથી જ જોવો જોઈએ. માનવોથી વ્યવહાર કરતી વખતે આપણે આ જોવું ન જોઈએ કે તેનો ધર્મ, જાતિ, રંગ, વંશ કે સમુદાય શું છે. આ જોવું ખુદાનું કામ છે કે તેનો ધર્મ શું છે. દરેક જીવ અને દરેક વ્યક્તિ સન્માનનીય છે, ભલે તે ગમે તે ધર્મ સાથે સંબંધ ધરાવતી હોય. જેમ કે ઉપર મેં બાંગ્લાદેશના અદાલતી ચુકાદા વિશે ઉલ્લેખ કર્યો છે, જો આ પ્રકારના બે-ચાર ચુકાદા આપણા દેશમાં પણ આવી જાય કે જેમાં દરેક પ્રકારના હત્યારાઓને સજા આપવામાં આવે તો આપણે જોઈશું કે આપણા દેશની પરિસ્થિતિ પણ બદલાશે અને માનવ-પ્રાણનું સન્માન બાકી રહેશે.
આપણે આ સંવેદનશીલતાને સમજવી પડશે. માનવ-પ્રાણના સન્માન અંગે આપણે જો કંઈ પણ લખવા, બોલવા અને અમલ કરવાની આવશ્યકતા છે તો એ બધું જ કરવું જોઈએ. •••