આપણો પ્રિય દેશ ભારત જેની ઐતિહાસિક પરંપરાઓ સહિષ્ણુતા અને વિપુલતામાં એકતાના પાયા પર ઊભી છે. જેણે દરેક વ્યક્તિ, જાતિ અને રાષ્ટ્રને પોતાના ખોળામાં આશ્રય આપ્યો, જ્યાં ધર્મ અને ધાર્મિક મૂલ્યોએ સદીઓથી લોકોને તાલીમ આપી અને સાથે રહેવાનું શીખવ્યું. પછી કેટલાક લૂંટારાઓએ આ દેશ પર પડાવ નાખ્યો અને લૂંટ ચલાવીને તેને નબળો બનાવી દીધો, પરંતુ આ લૂંટારાઓએ તેમના ભૌતિક લાભ માટે અહીંની પરંપરાઓ અને મૂલ્યોનો પણ નાશ કર્યો. ધર્મ, ભાષા અને જાતિના આધારે લોકોને વિભાજિત કર્યા જેથી તેમનું શાસન ચાલુ રહે. તે જ સમયે દેશમાં એક અવાજ ઊઠયો, આઝાદીનો અવાજ, અવાજ એટલો શક્તિશાળી હતો કે છેવટે લૂંટારાઓ દેશ છોડીને ભાગી ગયા, પરંતુ તેઓએ શરૂ કરેલી સાંપ્રદાયિકતાની આગ જેમની તેમ રહી અને કમનસીબે આ દેશના બે ભાગ પડી ગયા બે ટુકડાઓમાં, હવે એક નવું ભારત અસ્તિત્વમાં આવ્યું જ્યાં અહીંની પ્રજા અને સમજદાર લોકોએ ફરીથી સાથે રહેવાનું નક્કી કર્યું. ભારતના ભાગલાના પરિણામે, ભારતમાં વસતા મુસ્લિમો હિંદુઓ વચ્ચે ચોક્કસ કડવાશ હતી, પરંતુ પસાર થતા સમય સાથે સામાજિક જાેડાણના પરિણામે તે કડવાશ ઘટશે તેવી પ્રબળ સંભાવના હતી, પરંતુ આગળ હવે બીજી રાજકીય રમત શરૂ થવાની હતી. બહારથી દેશને લૂંટવા આવેલા લૂંટારાઓના ગયા પછી આ દેશમાં એવા લોકો બહાર આવ્યા જેઓ અંદરથી દેશને લૂંટવાનો પ્રયાસ કરવા લાગ્યા, દેશને એક રંગમાં રંગવાના એજન્ડા સાથે પોતાની મરજી ચલાવવા માગતા હતા.અને પછી શરૂ થઈ ગંદા રાજકારણની રમત જેને સાંપ્રદાયિક રાજકારણ કહેવાય છે.
શરૂઆતમાં આ સાંપ્રદાયિક રાજનીતિને બહુ સ્વીકૃતિ મળી ન હતી, દેખીતી રીતે વિચાર બદલવો એ એક મોટો અને લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે તેથી આ કોમવાદી રાજકારણે ગ્રાઉન્ડ લેવલથી લઈને મેઈનસ્ટ્રીમ સુધીના દરેક મોરચે કામ કર્યું અને અંતે તે સફળ પણ થયું. પરંતુ આ રાજકારણે જે તબક્કાઓ લીધા છે તેની વાર્તા છે. આ તબક્કાઓ દરમ્યાન જે સમય પસાર થયો તે ખૂબ જ પીડાદાયક છે, તેની ભયાનકતા, તેની પીડા, તેનો આઘાત, તેનું દુઃખ, તેનું નુકસાન થોડા શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. આ સંપ્રદાય પરની રાજનીતિની સફર માત્ર પરિણામોની દૃષ્ટિએ ખૂબ જ ખતરનાક અને પીડાદાયક નથી પણ તેની પ્રક્રિયા ખૂબ જ ખોટી પદ્ધતિઓ અને ખોટા પ્રચાર પર આધારિત છે જ્યાં એક બાજુ મીડિયા અને રાજકારણીઓ ખરીદાય છે. સેલિબ્રિટીઓનો આશરો લેવામાં આવ્યો, બીજી તરફ લોકોની લાગણી ભડકાવવામાં આવી, તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા અને છેડછાડ કરવામાં આવી, બંધારણીય મૂલ્યો અને લોકશાહી સંસ્થાઓનો ભંગ કરવામાં આવ્યો અને સમગ્ર દેશમાં એવું સાંપ્રદાયિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે આખું વાતાવરણ લઘુમતી વિરુદ્ધ ઝેરી થઈ ગયું. અને ખાસ કરીને મુસ્લિમો વિરુદ્ધ.
બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે દેશ ધર્મનિરપેક્ષ હશે જ્યાં રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય, તે દરેક ધર્મ સાથે સમાન રીતે વર્તશે, પરંતુ આખા દેશમાં એક વિચિત્ર પ્રકારની હાઇપોક્રેસી ઊભી કરી દેવામાં આવી છે કે જયાં કોઈ મુસલમાન કોઈ મોલ હોય, સડકના પાસે, કોઈ બગીચામાં કે હોસ્પિટલમાં નમાઝ પઢે છે, મીડિયા, સોશિયલ મીડિયા, લોકો અને વ્યક્તિઓ બધા બૂમો પાડવા લાગે છે કે આ મુસ્લિમોનું તુષ્ટીકરણ થઈ રહ્યું છે, તેઓ દેશની લોકશાહી અને બિનસાંપ્રદાયિક મૂલ્યોને નુકસાન પહોંચાડી રહ્યા છે. સામાન્ય માણસ જ નહીં પરંતુ રામમંદિર પર સમગ્ર દેશના શાસક પક્ષ અને દેશના વડાપ્રધાન પણ ઉજવણી અને જશ્નમાં વ્યસ્ત હોય છે દરેકના મોં સિવાઈ જાય છે.
ખરેખર આ ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે, જાે આ મોકાની ગંભીરતા અને નઝાકતને સમજવામાં નહીં આવે તો આ સાંપ્રદાયિક રાજનીતિ આ દેશના મૂલ્યો, પરંપરાઓ અને સંસ્કૃતિને નેસ્તનાબૂદ કરી નાંખશે. જેનું નુકસાન આ દેશની જનતાએ પણ ભોગવવું પડશે. જાે સમજદારીપૂર્વક સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તો ચોખ્ખું દેખાય છે કે અત્યારે જ આપણે નુકસાન ભોગવી રહ્યા છીએ. આજે સમગ્ર દેશમાં દ્વેષપૂર્ણ લિંચિંગ, સાંપ્રદાયિક રમખાણો, તેમાં માર્યા ગયેલા આપણા પ્રિયજનો અને સંબંધીઓ, આપણા જાન-માલને નુકસાન, દેશની અર્થવ્યવસ્થાની નબળી સ્થિતિ, ધનવાન અને ગરીબ વચ્ચે વધતી જતી ખાઈ, મહિલાઓ, બાળકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ નવયુવાનોની ગંભીર સમસ્યાઓ, દેશમાં વધી રહેલી નૈતિક ખરાબીઓ, ગુંડાગર્દી, ભ્રષ્ટાચાર, બળી રહેલું મણિપૂર, નિસાસા નાખતું કાશ્મીર અને સામાન્ય માણસની રોજબરોજ બગડતી હાલત આ બધું આપણે ભોગવી રહ્યા છીએ. પરંતુ આ બધી સમસ્યાઓને અભરાઈ પર ચડાવી દઈને લોકોને નોન ઇશ્યુઝ અને લાગણીના પ્રવાહમાં ખેંચીને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે અને પોતાનો રાજકીય એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો છે. આ સાંપ્રદાયિક રાજનીતિનો ફટકો જે લોકો પર પડ્યો છે તેઓ આને સમજી ગયા છે. જેમ જેમ લોકો પર આ માર પડી રહ્યો છે તેમને સારી રીતે સમજાઈ રહ્યું છે કે તેમના સાથે શું રમત રમવામાં આવી રહી છે..પરંતુ હજુ પણ કેટલાક લોકો એવા છે જેઓ તેમના પર પણ ચાબુક વરસવાની રાહ જાેઈ રહ્યા છે, તો કદાચ તેઓ પણ સમજી જશે કે તેઓ શું અનુભવી રહ્યા છે અને તેઓ શા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. એક કવિએ કેટલું સરસ કહ્યું છે,
“જાે હમ પે ગુઝરે થે રંજ સારે
જાે ખુદ પે ગુઝરે તો લોગ સમઝે
જબ અપની અપની મહોબ્બતોં કે
અઝાબ ઝેલે તો લોગ સમઝે
વો જિન દરખ્તોં કી છાંવ મેં સે
મુસાફિરોં કો ઉઠા દિયા થા
ઉન્હી દરખ્તોં પર અગલે મોસમ
જાે ફલ ન ઉતરે તો લોગ સમઝે”
અત્યારે જે લોકો આ સાંપ્રદાયિક રાજનીતિના પ્રભાવ હેઠળ આવીને રામમંદિર નિર્માણની ઉજવણીમાં ડૂબેલા છે એ જાણતા હોવા છતાં કે આ નિર્માણ સુધીનો તબક્કો કેવી રીતે પૂર્ણ થયો છે તેઓએ આ પંક્તિઓને ધ્યાનપૂર્વક યાદ રાખવી જાેઈએ. કેમકે આ જ સાંપ્રદાયિક રાજનીતિ એક દિવસ તેમને પણ પોતાના સકંજામાં લઈ લેશે અને તેઓ કદાચ ત્યારે જ સમજશે. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હશે.